Twenty six Batris Putli Ni Varta Gujarati । 26. માધવાનળની વાર્તા

Spread the love

Twenty six Batris Putli Ni Varta Gujarati
Twenty six Batris Putli Ni Varta Gujarati

Twenty six Batris Putli Ni Varta Gujarati । 26. માધવાનળની વાર્તા

છવ્વીસમે દિવસે છવ્વીસમી પૂતળી અરૂંધતીએ સિંહાસન પર બેસવા જતા ભોજ રાજાને અટકાવી કહ્યું : “હે રાજન ! આ સિંહસન તો વીર વિક્રમરાયનું છે, તેના ઉપર તેના જેવો રાજવી જ બેસી શકશે.” આમ કહી તેણે વિક્રમ રાજાની ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી.

કાશીનગરીમાં રામદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે શિવનો પરમ ભક્ત હતો. પરંતુ તેને એક પણ સંતાન હતું નહિ. તેથી આ બ્રાહ્મણ ખૂબ જ ઉદાસીન રહેતો. લોકો તેમને વાંઝિયા કહેતા. આથી બ્રાહ્મણ કંટાળીને જંગલમાં ગયો અને તેણે ત્યાં શંકર ભગવાનનું ખૂબ જ આકરું તપ કર્યું. બ્રાહ્મણના તપથી શંકર ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને તેને પુત્રનું વરદાન દીધું. થોડા સમયમાં બ્રાહ્મણને ઘરે એક રૂપાળો દીકરો અવતર્યો. બ્રાહ્મણે તેનું નામ માધવાનળ પાડ્યું છે.

માધવાનળ મોટો થતાં ઘણાં શાસ્ત્રો ભણ્યો. તેને નાનપણથી સંગીતમાં ખૂબ જ રસ હતો, તેથી તેણે સંગીતનું સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે વાંસળી વગાડવામાં ખૂબ પાવરધો હતો. તેની વાંસળીના સૂરે તો ભલભલાનાં દિલ ડોલવા માંડતાં.

એક દિવસ માધવાનળની વાંસળીની પ્રશંસા કાશીનરેશના કાને પહોંચી. તેમણે માધવાનળને માન સહિત પોતાના દરબારમાં બોલાવ્યો. માધવાનળે રાજદરબારમાં એવી વાંસળી વગાડી કે બધા લોકો તેના સૂરમાં મુગ્ધ બની ગયા. રાજાએ તેને રાજદરબારના સંગીતકાર તરીકે નીમ્યો.

ધીરે ધીરે માધવાનળની વાંસળીના સૂરની પ્રશંસા આખા નગરમાં પ્રસરી ગઈ. તે ક્યારેક રસ્તામાં વાંસળી વગાડતો વગાતો જાય ત્યારે નગરની બધી નારીઓ પોતાનું કામકાજ છોડી તેની પાછળ ઘેલી બની જતી. તેથી નગરજનોએ રાજાને માધવાનળની ફરિયાદ કરી કે તે જાહેર માર્ગમાં વાંસળી વગાડવાનું બંધ કરી દે.

રાજાએ પ્રજાના ભલા ખાતર માધવાનળને પોતાના રાજ્યમાં બીજે જવા હુકમ કર્યો. કલાકારોને કોઈની પરવા હોતી નથી. તે તો માતાપિતાને આશ્વાસન આપી બીજે ગામ જવા ઊપડી ગયો.

જંગલની વાટે તે તો વાંસળી વગાડતો વગાડતો જવા લાગ્યો. તેણે રસ્તામાં એક પથ્થરની પૂતળી પડેલી જોઈ. તે પૂતળીને ઊંચકીને વાંસળી વગાડતો વગાડતો એક ગામમાં આવ્યો. આ ગામવાળા માધવાનળને ઓળખતા હતા. તેમણે માધવાનળને મેલાઘેલા કપડામાં અને પથ્થરની પૂતળી સાથે જોયો, એટલે બધા તેની મશ્કરી કરવા લાગ્યા અને બોલ્યા : “માધવ! આ નાનકડી વહુને ક્યાંથી લાવ્યો? હવે તું તેની સાથે લગ્ન કરી લે.”

માધવાનળે પણ મશ્કરીમાં કહ્યું : “તમે ગોર મહારાજને બોલાવી લાવો એટલે હું તેને પરણી જાઉં.”

લોકોએ તો ગમ્મત ખાતર માધવને એક ઓરડી રહેવા માટે કાઢી આપી અને તેનાં લગ્ન પેલી પૂતળી સાથે કરાવી દીધા. માધવે તો પેલી પૂતળીને એક ગોખલામાં મૂકી દીધી અને પોતે એક ખૂણામાં બેસી તેની સામે વાંસળી વગાડવા લાગ્યો. થોડી વારમાં માધવને લાગ્યું કે પૂતળી હસે છે, એની ડોક હાલે છે. એ ઘણી ખુશ થાય છે. માધવ હરખાતાં મનમાં બોલ્યો : “વાહ! વાહ! મારી વહુ પણ સંગીતની શોખીન લાગે છે. તે પણ મારી વાંસળી સાંભળી ડોલે છે.

આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. માધવ તે પૂતળીને પોતાની પાસે લઈ સૂઈ ગયો. મધરાત થતાં તેના પડખામાં કંઈ સળવળાટ થયો. તે ઝબકીને જાગી ગયો, જોયું તો તેની પડખે એક સોળ વર્ષની સુંદર કન્યા સૂતી હતી. તે તો પૂતળીની જગ્યાએ કન્યાને જોઈને ખૂબ નવાઈ પામ્યો. તે કંઈ બોલે તે પહેલાં પેલી સુંદર કન્યા બોલી : “હું ઇન્દ્રલોકની અપ્સરા છું.

ઈન્દ્ર રાજાના શાપને કારણે દિવસે પથ્થરની પૂતળી બની જાઉં છું અને રાત્રે અપ્સરા બની જાઉં છું. મારે રોજ રાત્રે ઇન્દ્રલોકમાં નૃત્ય કરવા જવું પડે છે. હું જાઉ છું.” આમ કહી તે સુંદરી આકાશમાર્ગે ઊડી ગઈ. સવાર થતાં પાછી તે સુંદરી કુંવરના પડખે આવી સૂઈ ગઈ. ને તે પૂતળી બની ગઈ.

એક દિવસ માધવને પણ ઈન્દ્રલોકમાં નૃત્ય જોવા જવાની ઇચ્છા થઈ. તેણે આ ઇચ્છા પોતાની પત્નીને જણાવી. સુંદરીએ પતિની ઇચ્છા પૂરી કરવા માટે પોતાની વિદ્યાથી માધવને ભમરો બનાવી દીધો અને પોતાના અંબોડામાં છુપાવી દીધો. પછી તે સડસડાટ કરતી આકાશમાર્ગે ઊડીને ઇન્દ્રસભામાં પહોંચી ગઈ.

ઈન્દ્રસભામાં ઇન્દ્ર રાજાનો દરબાર ભરાયો હતો. બધા દેવો પોતપોતાને આસને બિરાજ્યાં હતા. એક તરફ એકએકથી ચડિયાતી અપ્સરાઓ બેઠી હતી ને વારા પ્રમાણે ઊઠી નૃત્ય કરતી હતી. એવામાં આ અપ્સરાનો નૃત્ય કરવાનો વારો આવ્યો. ઘમઘમ ઘૂંઘરી ઘમઘમાવતી તે ઊઠીને નૃત્ય કરવા લાગી. પણ નૃત્ય કરતા કરતા વારંવાર અંબોડાને સરખો કરતી. તેને ખૂબ ચિંતા થતી કે કદાચ ભમરો બહાર નીકળી આવે તો તે મુસીબતમાં મુકાઈ જાય. અંબોડાને વારંવાર સરખો કરવાથી તેના નૃત્યમાં ખૂબ જ ભૂલો પડવા લાગી.

ઈન્દ્ર રાજાને તેના આ વર્તન ઉપર શંકા આવી. તેમણે એક અપ્સરાને બોલાવી તેનો અંબોડો ખોલાવ્યો. તો તેમાંથી એક ભમરો નીકળ્યો. ઇન્દ્ર રાજા તેના પર ગુસ્સે થઈ ગયા અને તેને કહ્યું : “ મારી સભાના રંગમાં ભંગ પાડ્યો, તેં મૃત્યુલોકના માનવીને જંતુ સ્વરૂપમાં અહીં લાવી મોટો અપરાધ કર્યો છે. માટે હું તને શાપ આપું છું કે તું પૃથ્વી ઉપર ગુણકા થઈ પડ અને માધવના વિયોગમાં ઝૂરી ઝૂરીને મર.

પૂતળીએ પોતાના આવા વર્તન બદલ ઈન્દ્ર રાજાની માફી માગી અને શાપમાં રાહત આપવા વિનંતી કરવા લાગી. ત્યારે ઈન્દ્રે દયા લાવીને કહ્યું: “લાંબા વિયોગ પછી તમારા બંનેનો મેળાપ થાય ત્યારે તમે લગ્ન કરી લેજો. પછી તમે ગમે ત્યારે સ્વર્ગલોકમાં આવી શકશો.”

ઇન્દ્રના શાપથી અપ્સરા ગુણકાના સ્વરૂપમાં પૃથ્વી પર કોઈ જગ્યાએ ઊતરી, ત્યારે માધવ પૃથ્વી પર પોતાને ગામ આવ્યો. માધવને પૂતળી વગર સહેજ પણ ગમતું નહોતું. તેથી તે આખો દિવસે વાંસળી વગાડીને પોતાનું હૈયું હલકું કરતો અને એ હૈયાનું દુખ એવું હતું કે વાંસળી સાંભળનાર ભલભલા લોકોનાં હૈયાં પણ હાલી ઊઠતાં. તે પોતાનું મન બહેલાવવા ગામમાં ફરીને વાંસળી વગાડવા લાગ્યો.

વાંસળીના આ સૂરોથી નગરની સ્ત્રીઓ તો ઘેલી બની ગઈ. તેઓ પોતાનું કામકાજ છોડી, જ્યાં માધવ વાંસળી વગાડતો હોય ત્યાં બેસી જતી. અને માધવની વાંસળી સાંભળ્યા કરતી.

એક દિવસ એવું બન્યું કે, નગરશેઠની સ્ત્રી પણ વાંસળીના સૂરોથી મુગ્ધ થઈને માધવ પાસે દોડી ગઈ અને ઝાડ નીચે બેઠેલા માધવની બાજુમાં જઈને બેસી ગઈ. નગરશેઠને આ વાતની ખબર પડી તો તેમણે તરત જ દાસીઓને હુકમ કર્યો કે “તમારી શેઠાણી પેલા વાંસળીવાળા પાસે ગઈ છે, તેને હવેલીએ લઈ આવો.” દાસીઓ દોડીને વાંસળીવાળા પાસે આવી અને તે પણ શેઠાણીની બાજુમાં બેસી ગઈ. છેવટે શેઠ જાતે જઈને શેઠાણીને મહામુસીબતે હવેલીમાં લઈ આવ્યા. શેઠ માધવ ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા.

નગરશેઠ તેમજ બીજા પુરુષો પણ માધવ પર ગુસ્સે થઈને રાજા પાસે ગયા અને કહ્યું : “મહારાજ ! માધવની વાંસળીથી પોતાની પત્ની ઘેલી બની જાય છે અને તેઓ ઘરનાં બધાં કામકાજ મૂકી માધવની વાંસળી સાંભળવા બેસી જાય છે. તમે આનો કોઈ ઉપાય કરો.”

રાજાને થયું કે આવો તો કેવો છે માધવ! જોઉં તો ખરો ? રાજાએ બધાની વાતની ખાતરી કરવા માધવને રાજમહેલે બોલાવ્યો અને તેને વાંસળી વગાડવાનો આદેશ આપ્યો. માધવે વાંસળી વગાડવી શરૂ કરી. વિરહ વેદના ભરેલી સૂરાવલી હવામાં ગૂંજવા લાગી. વાંસળીના સૂરો રાણીવાસમાં ગયા કે તરત જ રાણી પોતાના ખંડમાંથી દોડી આવ્યાં ને વાંસળીવાળા પાસે બેસી ગયાં.

આ જોઈ રાજા ગુસ્સે થઈ ગયા. તેમને લોકોની ફરિયાદ સાચી લાગી. તેમણે પ્રધાનને બોલાવ્યો અને માધવને સોંપી કહ્યું : “આ વાંસળીવાળો ઉત્તમ કલાકાર છે, પરંતુ તેની વાંસળીના સૂરોથી ભલભલી સ્ત્રીઓ પોતાનું સાનભાન ગુમાવી બેસે છે માટે તેને આવતીકાલે ફાંસીએ લટકાવી દો.  

પ્રધાને કહ્યું : “મહારાજ ! માધવ બ્રાહ્મણ છે. તેને શૂળીએ ચડાવીશું તો આપણને બ્રહ્મહત્યાનું પાપ લાગે.” તેથી રાજાએ માધવને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢ્યો. તે પોતાના માતા – પિતાને આશ્વાસન આપી જંગલના માર્ગે નીકળી પડ્યો. પુત્રના વિયોગથી માતા-પિતાને બહુ દુઃખ થયું તેમજ નગરની સ્ત્રીઓ પણ દુખી થઈ ગઈ.

માધવ જંગલના માર્ગે નીકળી પડ્યો. તે ફરતો ફરતો ઉદયસેન નામના રાજાના નગરમાં ગયો. ગામની ભાગોળે એક કૂવો હતો. માધવને ખૂબ જ તરસ લાગી હતી, તેથી તે કૂવા પાસે ગયો. કૂવા પર રાણીની ખાસ દાસી પાણી ભરી રહી હતી. માધવે તેની પાસે પાણી પીવા માગ્યું. દાસી તો રૂપાળા માધવને જોઈ મુગ્ધ બની ગઈ. તેણે આખા નગરમાં આવો સોહામણો જવાન એક પણ દીઠો ન હતો. તે તો માધવને પાણી પાઈ જલદીથી મહેલે ગઈ અને પોતાની રાણી આગળ માધવની સુંદરતાના વખાણ કરવા લાગી.

આ સાંભળી માધવને જોવા રાણીનું મન પણ લલચાયું. તેણે દાસીને કહ્યું : “ગમે તેમ કરીને એને અહીં તેડી લાવ.”

દાસી તો તકની રાહ જોઈને જ બેઠી હતી. તે તો તરત જ માધવને તેડવા ગઈ. ત્યાં રસ્તામાં વડના એક ઝાડ નીચે બેસીને માધવ વાંસળી વગાડતો હતો. દાસી માધવની વાંસળી સાંભળી ભાન ભૂલી ગઈ અને તે બધું જ ભૂલી જઈ તેની પાસે બેસી ગઈ. પહેલી દાસીને ગયે ઘણી વાર થઈ એટલે રાણીએ બીજી દાસીને મોકલી: બીજી દાસીની પણ એવી જ દશા થઈ.

રાણીએ ધીરે ધીરે પોતાની સાતે દાસીઓને તપાસ કરવા મોકલી, પરંતુ એકે દાસી પાછી ફરી નહિ. છેવટે રાણી પોતે જ માધવને જોવા ગઈ. માધવની વાંસળી સાંભળી રાણી પણ પોતાની સાન ભાન ભૂલી સાતે દાસીઓની જોડે માધવ પાસે બેસી ગઈ. આ સિવાય નગરની ઘણી સ્ત્રીઓ પણ પોતાનું કામકાજ છોડી માધવની વાંસળી સાંભળવા બેસી ગઈ.

રાજા મહેલે આવતાં રાણી તેમજ એક પણ ઘસી નજરે પડી નહિ. તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે બધા એક વડના ઝાડની નીચે વાંસળી સાંભળી રહ્યા છે. રાજા તરત નગર બહાર આવેલા વડના ઝાડ પાસે ગયા, તો ત્યાં રાણી, દાસીઓ તેમજ નગરની અન્ય સ્ત્રીઓ એક રૂપાળા જવાનની આજુબાજુ બેઠેલી હતી અને તે જવાન વાંસળી વગાડી રહ્યો હતો.

રાજાને જોઈ બધી સ્ત્રીઓ ઊભી થઈ ગઈ. રાજાએ માધવને ઠપકો આપી નગર બહાર કાઢી મૂક્યો.

આ રીતે માધવ ગામેગામ ભટક્યો, પણ બધી જગ્યાએ તેની આવી જ દશા થઈ. અંતે તે ફરતો ફરતો રૂપવતી નગરીમાં આવી પહોંચ્યો. આજે નગર ખૂબ શણગારેલું હતું. નગરમાં મોટો ઉત્સવ હતો. માધવ નગરમાં ફરતો ફરતો રાજદરબારના ખંડ પાસે આવી પહોંચ્યો. અંદર નાચગાન થઈ રહ્યું હતું. માધવ પણ સંગીતનો શોખીન હતો. તેથી તેને નાચગાન સાંભળવા રાજદરબારમાં જવાનું મન થયું. પણ દરવાને તેને અંદર જતાં રોક્યો અને કહ્યું : દરબારમાં કામકુંડલા નામની ગુણકા નૃત્ય કરી રહી છે. અંદર જવાની મનાઈ છે.”

માધવ નિરાશ થઈ ગયો. તે બહાર ઊભો રહીને જ સાંભળવા લાગ્યો. અંદર કામકુંડલા મૃદંગ પર તાલ દેતી દેતી નાચી રહી હતી ને રાજા વચ્ચે વચ્ચે વાહ વાહ પોકારતો હતો. માધવે તે સાંભળી મોઢું મચકોડીને બોલ્યો : “તમારા રાજાને સંગીતનું જ્ઞાન લાગતું નથી, નહિતર તે ખોટા તાલ-ઠેકા પર વાહ વાહ ન પોકારે.”

પહેરેગીરને થયું કે આ માણસને સંગીતનું સારું જ્ઞાન લાગે છે, નહિતર તે કામકુંડલા જેવી સંગીતની ઉસ્તાદની ભૂલ કાઢે ખરો? તેણે કહ્યું: “ભાઈ! તમને ભૂલ શેમાં લાગે છે?

માધવે કહ્યું: “જે મૃદંગ વગાડે છે, તે મૃદંગને થાપ દે છે, તેમાં ભૂલ છે. મારા ઘારવા પ્રમાણે તેના ડાબા હાથનો અંગૂઠો નહિ હોય, એટલે જ તે બરાબર થાપ દઈ શકતી નથી.”

પહેરેગીરને થયું કે આ વાતની ખબર રાજાને કરવી જોઈએ. તે તરત જ અંદર ગયો અને રાજાને નમન કરી આ વાત કરી. રાજાએ તરત મૃદંગ વગાડનાર કામકુંડલાને બોલાવીને પૂછ્યું : તારા ડાબા હાથે અંગૂઠો નથી ?”

આ સાંભળી કામકુંડલા તો ડઘાઈ ગઈ. તેને થયું કે મારી આ ખોડની વાત રાજાને ક્યાંથી ખબર ?

તેણે રાજાને કહ્યું : “મહારાજ! તમારી વાત સાચી છે, પણ તમને આ વાતની ખબર ક્યાંથી પડી?”

રાજા બોલ્યો : “બહાર ઊભેલા કોઈ પરદેશી સંગીતકારે આ ખોડ બતાવી છે. ચતુર કામકુંડલાએ તરત તે સંગીતકારને દરબારમાં બોલાવવા વિનંતી કરી. રાજાએ પહેરેગીર મારફત માધવને રાજસભામાં બોલાવ્યો.

માધવનો સોહામણો ચહેરો જોઈને જ કામકુંડલા તો તેના પર મુગ્ધ થઈ ગઈ. રાજાને પણ તેના વ્યક્તિત્વ ઉપર માન ઊપજ્યુ.  કામકુંડલા અને માધવ બંને એકબીજાને નિહાળવા લાગ્યાં. રાજાએ માધવને એક આસન પર બેસવા કહ્યું. “આપ સંગીતશાસ્ત્રના નિષ્ણાત લાગો છો, તમારી કળાનો અમને પણ લાભ આપો.”

માધવે ધીરે રહી પોતાની વાંસળી કાઢી વગાડવા માંડી. તેણે વાંસળીના એવા સૂર રેલાવ્યા કે તેના સૂરથી આખી સભા ડોલવા માંડી. આખી સભામાં વાહ! વાહ! અવાજો આવવા લાગ્યા અને કામકુંડલા તો વાંસળીના સૂરમાં એવી પાગલ બની ગઈ કે તે તો સીધી માધવનાં ચરણોમાં ઢળી પડી.

વાંસળી બંધ પડી. રંગમાં ભંગ પડ્યો. વાંસળી બંધ થતાં રાજાના ગુસ્સાનો પાર રહ્યો નહિ. તેમણે કામકુંડલાને કહ્યું : “તું. રાજગુણકા છે, તેનું ભાન રાખ.”

કામકુંડલા બોલી : “રાજન ! હું ગુણકા નથી. હું તો માઘવની પત્ની છું, ને ઇન્દ્રના શાપથી પૃથ્વી પર ગુણકા થઈને આવી છું.” માધવને પણ વિતેલી બધી વાતો યાદ આવી ગઈ. તેણે કામકુંડલાને ઊભી કરી અને પોતાની સાથે ચાલવા કહ્યું. આથી રાજા બંને ઉપર ગુસ્સે ભરાયો. તેને આમાં કંઈ ચાલબાજી લાગી. તેમણે તરત ગુણકાને બંદીવાન બનાવી કેદખાનામાં પુરાવી દીધી ને માધવને સૈનિકો મારફત જંગલમાં મોકલી દીધો.

માધવ ફરતો ફરતો ઉજ્જયિની નગરીમાં આવી પહોંચ્યો. તેણે નગર બહાર આવેલા હરસિદ્ધ માતાના મંદિરમાં મુકામ કર્યો. તેને રાતદિવસ કામકુંડલાની યાદ ખૂબ જ સતાવતી હતી. તે હંમેશ તેના નામનું જ રટણ કરતો આખો દિવસ ગામમાં ફર્યા કરે અને જે કંઈ મળે તે ખાઈને પેટ ભરી મંદિરમાં સૂઈ જતો.

એક દિવસ વિક્રમ રાજા હરસિદ્ધ માતાના મંદિરે આવ્યા. તેમણે માધવને મંદિરના એક ખૂણામાં ખરાબ હાલતે સૂતેલો જોયો. રાજાને થયું કે આ માણસ કોઈ દુખિયારો લાગે છે એટલે તેઓ માધવ પાસે ગયા ને બોલ્યા : “ભાઈ ! તારું કોઈ ઘર નથી? તું આમ મંદિરમાં કેમ સૂતો છે? તારે કંઈ દુખ હોય તો તે મને જણાવ. જરૂર તારું દુખ દૂર કરીશ. હું વિક્રમ રાજા છું.”

માધવ વિક્રમ રાજાનું નામ સાંભળતાં જ ઊભો થયો ને બે હાથ જોડી પોતાની બધી હકીકત કહી સંભળાવી. ત્યારે રાજા બોલ્યા: “હે જવાન! તમે બ્રાહ્મણ ને એ ગુણકા, તમારાથી એની સાથે લગ્ન કરાય ખરું?”

માધવ બોલ્યો: “મહારાજ! ભલે એ ગુણકા હોય પરંતુ મારા મનથી તો એ દેવી છે. મેં તો એ પથ્થરની પૂતળી હતી ત્યારથી તેની સાથે પ્રેમ છે.” આમ કહી માધવે ઈન્દ્ર રાજાના શાપની વાત જણાવી.

વિક્રમ રાજાએ તેને આશ્વાસન આપી કામકુંડલા મેળવી આપવાનું વચન આપ્યું ને તેને પોતાને મહેલે લઈ ગયા.

બીજે દિવસે રાજાએ પ્રધાનને બોલાવી હુકમ કર્યો. હમણાં જ રૂપવતી નગરીમાં જઈને તું કામકુંડલાને લઈ આવ. પ્રધાન તરત મારતે ઘોડે રૂપવતી નગરીમાં ગયો, અને ત્યાંના રાજાને કામકુંડલા સોંપવાનું કહ્યું: ત્યાંના રાજાએ કહ્યું : “કામકુંડલા તો અમારી રાજનર્તકી છે. એને અમે કદાપિ સોંપીશું નહિ.” પ્રધાને રાજાને યુદ્ધ કરવાની ધમકી આપી એટલે તરત રાજાએ કામકુંડલાને સોંપી દીધી.

પ્રધાન કામકુંડલાને લઈ ઉજ્જયિની આવ્યો અને તેને રાજાને સુપરત કરી. માધવ તો કામકુંડલાને જોઈ હર્ષઘેલો થઈ ગયો. રાજાએ ફરી કામકુંડલાના લગ્ન માધવ જોડે કરી દીધાં. માધવે રાજાનો આભાર માની કામકુંડલાને લઈ પોતાના રાજ્યમાં પાછો ફર્યો ને વિક્રમ રાજાના વખાણ કરવા લાગ્યો.

અરુંધતીએ વાર્તા પૂરી કરીને કહ્યું: “હે ભોજ રાજા ! વિક્રમ રાજા જેવા ઉદાર રાજા જ આ સિંહાસન પર બેસી શકે છે.

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

આ વાર્તા પણ વાંચો :

27. શતબુદ્ધિની વાર્તા


Spread the love
error: Content is protected !!
Scroll to Top