Fifteen Batris Putli Ni Varta Gujarati । 15. મેના-પોપટની વાર્તા
પંદરમે દિવસે ભોજ રાજા ઈષ્ટદેવનું ધ્યાન ધરી જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી પંદરમી : વૃંદા નામની પૂતળી બહાર આવીને બોલી : “હે રાજન! તમે આ સિંહાસન પર પગ ન મૂકશો. આ સિંહાસન પરદુખભંજન વીર વિક્રમનું છે. તેમનાં જેવાં પરાક્રમો અને પરોપકારનાં કામ કરો ત્યારે બેસજો.” આમ કહી તેણે વિક્રમ રાજાનાં પરાક્રમની અને તેમના જનહિતનાં કાર્યોની નવી વાર્તા કહેવી શરૂ કરી
એક દિવસ વિક્રમ રાજા પોતાના સૈન્ય સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યા. રાજા શિકારની શોધમાં ખૂબ આગળ નીકળી ગયા, અને પોતાના સૈન્યથી છૂટા પડી ગયા. તેઓ જંગલમાં રસ્તો ન સૂઝતા આમતેમ ભટકવા લાગ્યા. તેઓ ભટકતાં ભટકતાં એક ઝાડ નીચે આવ્યા. આ ઝાડ ઉપર એક મેના-પોપટ ઝઘડતાં હતાં. તેઓ પોતાની ચાંચો એકબીજાને મારતા હતા. તેઓ પોતાની ભાષામાં જોર જોરથી બોલતા હતા. વિક્રમ રાજા આ બંનેની વાતો સાંભળતા ઊભા હતા. બંને જણા એવા હઠીલા હતા કે બંનેમાંથી કોઈ પોતાની હાર કબૂલતું ન હતું. છેવટે બંને જણે ન્યાય મેળવવા માટે વિક્રમ રાજા પાસે જવાનું નક્કી કર્યું.
વિક્રમ રાજા પશુ-પક્ષીઓની ભાષા જાણતા હતા. તેઓ ક્યારના ઊભા ઊભા આ બંનેનો ઝઘડો સાંભળતા હતા. તેમાં ન્યાય માટે પોતાનું નામ સાંભળતાં તેઓ મેના-પોપટ આગળ આવ્યા અને પોતાની ઓળખાણ આપીને બોલ્યા: “હે મેના અને પોપટ ! તમે બંને ક્યારનાય ઝઘડો છો. તમે ન્યાય માટે બંને ચાલો મારા દરબારમાં, હું તમારી બંનેની વાત સાંભળીને યોગ્ય ન્યાય કરીશ.”
મેના-પોપટ બધું દુખ ભૂલીને વિક્રમ રાજાના ડાબા-જમણા ખભા પર બેસી ગયા. રસ્તો જડતા થોડી વારમાં વિક્રમ રાજા બંનેને લઈ ઉજ્જયિની નગરીમાં આવ્યા. રાજાએ તે બંનેની મહેમાનગતિ કરી અને તેમને મીઠા ફળો ખાવા માટે આપ્યાં. પછી રાજાએ મેનાને પૂછ્યું : “મેના, તું પોપટ સાથે ક્યા કારણથી
ઝઘડતી હતી ?
મેના બોલી: “ હું અને પોપટ નદીના સામસામા કાંઠે જુદા જુદા માળામાં રહીએ છીએ. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અમે સુખ-દુખમાં એકબીજાને મદદ પણ કરીએ છીએ. પોપટ એવો આળસુ છે કે ઘણી વાર તે ભૂખ્યો રહે, પણ ખાવાનું લેવા માટે બહાર નીકળે નહિ. હું ઘણી વાર તેના ખાવાની વ્યવસ્થા કરી આપતી. પરંતુ તેણે મારી કદર કરી નહિ. એક દિવસ રાત્રે ખૂબ વાવાઝોડું ફૂંકાતા મારો માળો વીખરાઈને નદીમાં પડી ગયો, હજી આખી રાત પસાર કરવાની હતી. વળી ટાઢ પણ એવી હતી કે મારું શરીર આખું થરથર કાંપતું હતું. તે પરિસ્થિતિમાં હું પોપટના આશ્રયે ગઈ અને તેને આજની રાત માળામાં રહેવા માટે વિનંતી કરવા લાગી. પરંતુ તેણે મારી વિનંતીને ઠુંકરાવી દીધી અને મને તેણે માળામાં રહેવા માટે આશ્રય ન આપ્યો. છેવટે મારે આખી રાત પાંદડાંમાં પડ્યાં રહીને પસાર કરવી પડી. હે વિક્રમરાય! તમે જ કહો કે આમાં મારો શો અપરાધ ?”
આ માટે વિક્રમ રાજાએ પોપટ પાસે ખુલાસો માગ્યો ત્યારે પોપટ બોલ્યો : “હે રાજન ! મને સ્ત્રી જાત ઉપર વિશ્વાસ નથી. વળી મેના મધરાતે મારી પાસે આવી. મને થયું કે તે ક્યાય રખડીને મોજ માણીને આવી હશે ! હું એવી રખડેલીને માળામાં રાખું તો મારી ન્યાતિલાઓમાં હાંસી થાય, એટલે મેં સમજીને જ તેને માળામાં આશ્રય ન આપ્યો.”
વિક્રમ રાજાએ પૂછ્યું : “હે પોપટ ! તને સ્ત્રી જાત ઉપર કેમ વિશ્વાસ નથી ? તને વળી ક્યાંથી અનુભવ થયો ? આ માટે તું, મને દાખલો આપ.
પોપટે દાખલો આપતાં કહ્યું: “એક રાજાને તેની રાણી ઉપર ખૂબ પ્રેમ હતો. તે આખો દિવસ રાજ્યનું કામકાજ ભૂલીને પોતાની રાણી સાથે આનંદ-વિનોદ કરે, પરિણામે રાજનું તંત્ર ધીરે ધીરે બગડવા લાગ્યું. છેવટે પ્રધાનથી ન રહેવાતા એક દિવસ તેમણે રાજાને કહ્યું : “મહારાજ ! તમારી ગેરહાજરીથી રાજદરબારનું કામકાજ બધું અવ્યવસ્થિત થઈ ગયું છે, માટે તમે રાજદરબારમાં જરૂર હાજરી આપો.”
પ્રધાનની બહુ ટકોરને વશ થઈને રાજા રાજદરબારમાં ગયા. આ સમયે રાણીને એક નાગે ડંશ દીધો અને તે મૃત્યુ પામી. દાસીઓએ તરત આ વાતની રાજાને ખબર કરી. પોતાની રાણીના મૃત્યુના આવા ઓચિંતા સમાચાર સાંભળી રાજાના તો હોંશકોશ ઊડી ગયા. તે તો ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. તેણે પોતાની પ્રિય રાણીના શબનો અગ્નિસંસ્કાર પણ કરાવ્યો નહિ અને તેના મૃતદેહ ઉપર સુગંધિત દ્રવ્યોનો લેપ કરીને વાંસના એક તરાપામાં રાખ્યો. પછી બીજે દિવસે એ તરાપાનો ગોળ વીંટો કરી તે પોતાના ખભે રાખી, રાજપાટ છોડી તીર્થોની જાત્રા કરવા નીકળી પડ્યા.
તેણે પોતાની રાણીના શબની સાથે ઘણાં તીર્થોની જાત્રા કરી. પછી એક પવિત્ર ધામમાં નદીકિનારે રાજા ચિતા રચી પોતાની પત્નીના શબ સાથે બળી મરવાનું નક્કી કર્યું. તે ચિતાને પ્રગટાવે તે પહેલાં જ એક ચમત્કાર થયો.
ભગવાન શિવજી રાજાના રાણી પ્રત્યેના અવિરત પ્રેમને જોઈ તેના પર પ્રસન્ન થયા. તેઓ પાર્વતી સાથે ચિતા આગળ આવ્યા અને બોલ્યા: “હે રાજન! તને રાણી ઉપર અનહદ પ્રેમ છે, તેથી તું તેના શબની સાથે બળી મરવા તૈયાર થયો છે. જો તારે તારી રાણીને સજીવન કરવી હોય તો તારું અડધું આયુષ્ય તારી પત્નીને અર્પણ કર.”
રાજા તો તરત તૈયાર થઈ ગયો. તેણે તરત મનમાં સંકલ્પ કર્યો, તે સાથે રાણી સજીવન થઈ ગઈ અને બંને એકબીજાને ભેટી પડ્યાં. બંનેએ મહાદેવજી અને પાર્વતીજીને પ્રણામ કર્યા. પછી મહાદેવજી અને પાર્વતીજી તરત અંતર્ધાન થઈ ગયાં.
રાજાએ રાણીને બનેલી સર્વે બિના કહી : “તેના અડધા આયુષ્યને અર્પણ કરવાથી જ તે જીવતી થઈ હતી.” રાણી તો પહેલાં જેવી જ રૂપાળી હતી. ત્યારે રાજા તો રાણીના શબને ઉઠાવી ઠેર ઠેર ભટકવાથી કાળો, કદરૂપો અને અશક્ત થઈ ગયો હતો. હવે રાજા અને રાણી બંને ફરી પોતાના નગર તરફ જવા નીકળ્યાં. રસ્તામાં બંને જણ એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. રાજાને તો થાકને કારણે આંખ મીંચાઈ ગઈ, તે તો ઊંઘવા લાગ્યા. પરંતુ રાણી તો ઝાડ નીચે પગ લાંબા કરી આરામથી બેઠી હતી. એવામાં તે રસ્તેથી એક વાણિયો પસાર થયો તેની નજર રૂપાળી રાણી પર પડી. તે રાણી પર મોહિત થઈ ગયો. તે રાણીની પાસે આવ્યો અને બોલ્યો : “હે સુંદરી! તું આવા કદરૂપા ને અશક્ત માણસ જોડે તારી જિંદગી કેવી રીતે પૂરી કરીશ ! તું તો હજી યુવાન છે. ચાલ, મારી જોડે હું તને સુખથી રાખીશ.”
રાણી પણ આ યુવાન અને સશક્ત વાણિયાને જોઈ તેના પ્રત્યે આકર્ષાઈ. તેને થયું કે, જો આવા કદરૂપા પતિ સાથે રહીશ તો મને કોઈ સુખ મળે તેમ નથી. આના કરતાં આ વણિક સાથે જતી રહું. આમ વિચારી રાણી રાજાને સૂતેલા મૂકી વાણિયા જોડે ચાલી ગઈ.
જ્યારે રાજા જાગ્યો ત્યારે તેણે રાણીને પાસે ન જોતાં વિચારમાં પડ્યો કે રાણી ક્યાં ગઈ ? તેણે ચારે બાજુ રાણીની ખોજ કરી પણ તેને ક્યાંય રાણી નજરે ન પડી, તે હતાશ એકલો પોતાના નગર તરફ ચાલવા માંડ્યો.
સંજોગોવશાત રસ્તામાં જ પેલા વાણિયાનું નગર આવ્યું. રાજા ફરતો ફરતો વાણિયાની હવેલી આગળથી નીકળ્યો. તેણે પોતાની રાણીને વાણિયાની હવેલીના ઝરૂખામાં જોઈ તે પોતાની રાણીને જોતાં આનંદમાં આવી ગયો ને રાણી રાણી બૂમો પાડવા લાગ્યો.
રાણીએ ઝરૂખામાંથી પોતાના પતિને જોયો. તે જોતાં જ અજાણી થઈ ગઈ અને કહેવા લાગી : એ ભામટા, રાણી રાણી. કોને કહે છે ? તું કોણ છે ? હું તને ઓળખતી નથી. ચાલ્યો જા અહીંથી, નહિ તો લોકો મારી મારીને તારાં હાડકાં ભાંગી નાખશે.”
થોડી વારમાં તો વાણિયો પણ હવેલીમાંથી બહાર આવ્યો અને ગામલોકો પણ ભેગા થઈ ગયા. તેમણે રાજાને હરામખોર માનીને ખૂબ માર્યો અને તેને આ નગરના રાજાને સોંપી દીધો. આ નગરના રાજાએ કદરૂપા રાજાને પૂછયું : “હે પરદેશી ! તું કોણ છે ? તું વણિયાની પત્નીને રાણી રાણી કહીને કેમ બૂમો પાડતો હતો ? શું તું કોઈ રાજા છે ? અને તે તારી રોણી છે ?”
કદરૂપા રાજાએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું : “હું બાજુના નગરનો રાજા છું અને વણિકના ઘેર રહેલ સ્ત્રી એ મારી રાણી છે. તે મરી ગઈ હતી, પણ મેં તેને અડધું આયુષ્ય આપીને જિવાડી છે. મેં તેના પર ઉપકાર કર્યો, પણ તેણે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો છે. તે મને રસ્તે સૂતો મૂકી આ વણિક સાથે ભાગી ગઈ. તેણે મારી સાથે દગો કર્યો છે. એટલે હવે રાણી મે આપેલ અડધું આયુષ્ય મને પાછું આપે તેવી મારી ઇચ્છા છે.
રાજાએ તરત રાણીને મહેલે બોલાવી અને રાજાએ આપેલું અડધું આયુષ્ય પાછું આપવાનું કહ્યું. રાણીએ હાથમાં જળ લઈને એવો સંલ્પ કર્યો કે તરત રાણી મૃત્યુ પામી.
કદરૂપો રાજા રાણીનો અગ્નિસંસ્કાર કરીને પોતાના નગરમાં પાછો આવ્યો. તેને સ્ત્રી પર એટલો બધો તિરસ્કાર ઊપડ્યો કે તેણે ફરી લગ્ન કરવાનું વિચાર્યું નહિ.”
આમ પોપટે વિક્રમ રાજા આગળ સ્ત્રી ઉપર વિશ્વાસ ન કરી શકાય તેની વાત પૂરી કરીને કહ્યું: “હે રાજન! જોયું ને! રાણીએ રાજા સાથે કેવો દગો કર્યો ? તો પછી આ મેના ઉપર શી રીતે વિશ્વાસ કરી શકું ?”
આ સાંભળી મેના ગુસ્સે થઈને બોલી: “હે રાજન! માત્ર એક સ્ત્રી બેવફા હોવાથી બધી સ્ત્રીઓ બેવફા બની જતી નથી. આમ તો પુરુષો પણ બેવફા છે. હું તમને એક બેવફા પુરુષની વાત કહું છું.
એક ગામમાં ધનશા નામે એક શેઠ રહેતા હતા. તેમને તિલક નામનો પુત્ર હતો. તિલના લગ્ન ધનશા શેઠે બાજુના નગરમાં રહેતા મૂલચંદ શેઠની દીકરી પદ્માવતી સાથે કર્યા. આ કન્યા લગ્ન પછી પિયર રહેવા ગઈ. આ સમયગાળા દરમિયાન ધનશા શેઠ બીમાર પડ્યા અને મરી ગયા. હવે ઘરનો બધો જ કારભાર તિલકના હાથમાં આવી ગયો. તે ખૂબ જ ઉડાઉ હતો. તેણે પોતાના બાપની બધી મિલકત મનફાવે તેમ મોજશોખમાં વાપરી લીધી. વેપાર-ધંધો પણ પડી ભાંગ્યો અને છેવટે ઘર પણ વેચી દીધું. હવે તેની પાસે એક ફૂટી કોડી પણ રહી નહિ એટલે પોતાના સાસરે પહોંચ્યો. જમાઈ પહેલવહેલા સાસરે આવેલા જાણી સાસુ – સસરાએ જમાઈને ખૂબ માનપાનથી પોતાના ઘેર રાખ્યા. તે બે-ત્રણ મહિના સાસરીમાં રોકાયો. પછી મૂલચંદ શેઠે પોતાની દીકરીને પગથી માથા સુધી ઘરેણાંથી લાદીને પતિની સાથે સાસરે વળાવી.
તિલક પોતાની પત્નીને લઈ જંગલને રસ્તે ઘેર જવા નીકળ્યો. રસ્તામાં આ દુષ્ટ તિલકને વિચાર આવ્યો કે પત્નીને લઈને કયે ઘેર જઈશ! તેણે તો ઘરબાર વેચી ખાધાં છે અને ખાવા અન્ન પણ રહ્યું નથી. તે મારી આવી સ્થિતિ જોશે તો મારી આબરૂ જશે. વળી તેની દાનત પત્નીના દાગીના પર ગઈ. તેણે પત્નીને કહ્યું. આ જંગલમાં ચોરનો ભય છે, ગમે ત્યારે આવે તે કહેવાય નહિ. માટે તું આ બધા ઘગીના કાઢીને મને આપી દે.”
પદ્માવતી ભોળી હતી. તે પતિનું કપટ સમજી નહિ તેણે તો પોતાના બધા દાગીના ઉતારીને એક પોટલી બાંધી પતિને આપી દીધા. બંને જણા ચાલતાં ચાલતાં એક કૂવા પાસે આવ્યાં. બંને ચાલીને થાકી ગયાં હતાં, તેથી કૂવાકાંઠે આરામ કરવા બેઠા. પદ્માવતીને પાણીની તરસ લાગતાં તે કૂવાકાંઠે પાણી ભરવા ગઈ કે ત્યાં પતિએ લાગ જોઈને પાછળથી આવીને ધક્કો મારી દીધો. પછી ઘરેણાંની પોટલી લઈને ભાગી ગયો.
આ બાજુ પદ્માવતી કૂવામાં પડી, પરંતુ કૂવામાં પાણી ઊંડું ન હતું. તેણે કૂવામાંથી નીકળવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તે નિષ્ફળ રહી, તે બે-ત્રણ દિવસ ભૂખી-તરસી કૂવામાં બેસી રહી.
ચોથા દિવસે એક વટેમાર્ગુ ત્યાંથી પસાર થયો. તે પાણી પીવા કૂવા પાસે આવ્યો કે તેણે એક સ્ત્રીને કૂવામાં જોઈ. વટેમાર્ગુએ પદ્માવતીને કૂવામાંથી બહાર કાઢી. તેનું નામ, ઠામ અને ગામ પૂછ્યા. પદ્માવતીને સસરાનું ગામ યાદ ન હતું, તેથી તેણે પોતાના બાપના ગામનું નામ આપ્યું. પેલા વટેમાર્ગુએ તેને તેના ગામે પહોંચાડી દીધી. પદ્માવતી પિતાને ઘેર પાછી આવી. તેનાં મા-બાપે પૂછયું: “દીકરી, તું પાછી કેમ આવી ? તારી આવી દશા કેવી રીતે થઈ?
પદ્માવતીએ ખરી વાત છુપાવી રાખી. તેણે કહ્યું : “રસ્તામાં ચોર મળ્યા. તેમણે મારા પતિને માર મારી, મારાં બધાં ઘરેણાં કાઢી મને કૂવામાં નાખી દીધી, મારા પતિનું શું થયું તેની મને કશી ખબર નથી.”
આ બાજુ તિલક પત્નીના દાગીના વેચી, મોજ કરવા માંડ્યો. પાછા પૈસા ખાલી થઈ ગયા ત્યારે તેણે ફરી સસરાને ત્યાં જવાનું વિચાર્યું. તેને થયું કે સસરાને ક્યાં જાણ થવાની છે કે પદ્માવતી મરી ગઈ છે? કહીશું કે પદ્માવતી સુખ-શાંતિમાં છે ને લહેર કરે છે. આમ જેટલા દિવસ સાસરામાં લહેર કરવા મળી તે ખરી. આમ વિચારી તિલક પોતાના સાસરે આવ્યો. તે જેવો ઘરમાં પગ દેવા જાય છે કે તેની દૃષ્ટિ પોતાની પત્ની પર પડી. તે તો પત્નીને જીવતી જોઈને ગભરાઈને પાછો વળવા લાગ્યો કે ત્યાં તો તેની પત્ની દોડતી તેની પાસે આવી બોલી : “મૂઝાશો નહિ. મેં મારા બાપાને બીજી જ વાત કહી છે, જે થવાનું હતું તે થઈ ગયું. ચાલો ઘરમાં ચાલો.”
તિલક ઘરમાં આવ્યો. તે સાસરીમાં છ-સાત દિવસ આરામથી રહ્યો. એક રાત્રે તેને વિચાર આવ્યો, મારી પત્ની જ્યાં સુધી જીવતી રહેશે ત્યાં સુધી મારે તેનાથી ગભરાઈને રહેવું પડશે. કદાચ તે કોઈ દિવસ ફજેત કરી બેસે. એના કરતાં એને મારી નાખું તો ? પાપી વિચાર કરીને તે અટક્યો નહિ. તે પથારીમાંથી ઊઠી બાજુમાં સૂતેલ પદ્માવતીને ગળે ટૂંપો દઈ મારી નાખી. પછી તેના શરીરેથી બધાં ઘરેણાં ઉતારી લઈ રાતોરાત પલાયન થઈ ગયો. પુરુષ જાત આવી નિર્દય અને પાપી હોય છે.” બોલતી મેના અટકી.
આમ મેના અને પોપટે બંનેએ પોતપોતાની વાત વિક્રમ રાજાને કરી. તેમની વાત પરથી રાજાને લાગ્યું કે બંને એકબીજા ઉપર ખૂબ પ્રેમ કરે છે, પરંતુ બંને એકબીજાને વહેમની નજરે જુએ છે માટે દુખી થાય છે. વિક્રમ રાજાએ બંનેને અનેક દાખલાઓ સંભળાવી બંનેને લગ્ન કરી એકસાથે માળામાં રહી સંસારસુખ ભોગવવાનું કહ્યું.
મેના-પોપટને રાજાની વાત સાચી લાગી રાજાએ પોતાના જ મહેલમાં મેના-પોપટનાં લગ્ન કરાવીને તેમને રહેવા માટે રાજબાગમાં સુંદર માળો બંધાવી આપ્યો.
વૃંદા નામની પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “હે રાજા ભોજ! વિક્રમ રાજા જેવા પ્રાણીમાત્ર ઉપર દયા રાખનાર રાજા જ આ સિંહાસન પર બેસી શકે.”
આમ કહી આ પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.
Also Read :