Eleven Batris Putli Ni Varta Gujarati । 11. કળશની વાર્તા
અગિયારમા દિવસે ભોજ રાજા શુભ ચોઘડીએ સિંહાસન ઉપર બેસવા જાય છે, ત્યાં પૂતળી બાળાએ ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતા અટકાવી બોલી : “સબૂર રાજા ! આ સિંહાસન વિક્રમ રાજાનું છે. તેના જેવા પરાક્રમી અને પરોપકારી રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે” આમ કહી તેણે રાજાના કહેવાથી વિક્રમ રાજાના પરાક્રમ ને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી.
ઉજ્જયિની નગરીમાં થોડા દિવસથી ચોરીની બૂમો વધતી જતી હતી. એક દિવસ શ્રાવણ માસની ઘનઘોર રાતે, ઉજ્જયની નગરીનાં બધાં માણસો ભરનિંદરમાં હતા, પશુપંખીઓ પણ જંપી ગયાં હતાં. એવા એક દિવસે વિક્રમ રાજા છૂપા વેશે નગરમાં ફરવા નીકળ્યા. તેમણે ભીલનો વેશ ધારણ કર્યો. તેઓ ફરતાં ફરતાં નગરના દરવાજા બહાર એક ઝાડ નીચે ચાર ચોરને કંઈક ગુપચુપ વાતો કરતા સાંભળ્યા. રાજાને કંઈક શંકા જતાં તેમણે પોતાની વિદ્યાના પ્રતાપે અદશ્ય થઈ ચોરોની નજીક ગયા.
ચારે ચોર અંદરોઅંદર એક મોટી ચોરી કરવાની વાતો કરતા હતા, જેનાથી કાયમી ગરીબી દૂર થઈ જાય અને આખી જિંદગીનું દળદર ફીટી જાય. તે માટે દરેક જણ પોતપોતાની વિદ્યા વિશે કહેતા હતા. એક ચોર કહે : “હું ધરતીમાં ગમે તેટલું ઊંડે દાટેલું ધન જોઈ શકું છું.” બીજો ચોર કહે: “હું પશુ-પંખીની ભાષા જાણું છું.” ત્રીજો કહે: “ગમે તેવી જમીન સહેલાઈથી ખોદી શકું છું અને વજ્જરની ભીંત પણ તોડી શકું છું.”
ચોથો કહે : “હું એવી વિદ્યા જાણું છું કે ગમે તેવા મજબૂત મનોબળવાળા માણસને પણ પળવારમાં ઊંધાડી દઉં છું.
ચારે ચોરોની કળા ચોરીના કામમાં ખૂબ જ ઉપયોગી હતી, તેથી ચારે જણે ઉજ્જયિની નગરીમાં જ મોટી ચોરી કરવાનું નક્કી કર્યું. ચારે ચોર નગરમાં આવ્યા. રાજા પણ તેમની પાછળ અદેશ્ય રૂપે આવ્યા. ચારે ચોર બ્રાહ્મણવાડામાં આવ્યા. પહેલો ચોર બોલ્યો અહીં ધન તો ઘણું છે પણ બ્રાહ્મણનું છે.
“બ્રાહ્મણ ધન ખાતરિયો ખાય.
જડમૂળ વંશ જ તેનો જાય.”
પેટે પાટા બાંધી આખો દહાડો ગામમાં ભટક્તો ફરે એના નિસાસાનું ધન આપણને ખપે નહિ.” આમ બોલતાં બોલતાં ચારેય વાણિયાવાડમાં આવ્યા. પહેલા ચોરે કહ્યું : “વાણિયાઓ પાસે અઢળક ધન છે” ત્યારે બીજાએ કહ્યું : “આ તો વાણિયાઓ કહેવાય તેમને ધન બહુ વહાલું હોય તે તો પાઈ પાઈનો પણ હિસાબ રાખે, પાઈ પણ તેઓ જવા દે નહિ. આવા વાણિયાઓ પાસે ઊંડા નિસાસાનું ધન હોય છે, તેથી આપણું નખ્ખોદ વળી જાય.” ત્યાંથી ચારે ચોર ગુણકાના વાસમાં આવ્યા, એટલે એકે પૂછયું: “અહીં ?
“ના રે ભાઈ, પૈસા ખાતર પોતાનું શરીર દેખાડનારને ત્યાં તો ચોરી કરે શો લાભ? હજી ચાલો આગળ.”
ચોર આગળ જાય છે. ભાટવાડો આવ્યો એટલે બધાએ પહેલા ચોરને પૂછયું ત્યારે તે બોલ્યો: “અહીં ધન તો ઘણું છે, પણ જેઓ પૈસા માટે “બાપા બાપા” કહેનારને ત્યાં તો વળી ખાતર શી રીતે પડાય? તેનો માલ લઈએ તો કોઢ નીકળ્યા વગર ના રહે માટે આગળ ચાલો.”
ત્યાંથી નીકળી ચારે ચોર સુથારવાડ-કારીગરના વાડામાં આવ્યા. એક શાણો ચોર બોલ્યો : “તે લોકો આખો દિવસ મહેનત કરીને ધન ભેગું કરે છે તે આપણાથી ન લેવાય.”
વિક્રમ રાજા અદશ્ય સ્વરૂપે તેમની સાથે જ હતા. ચોર લોકોમાં આટલી માનવતા દયા જોઈને તેમને નવાઈ લાગી.
ચારે ચોર આગળ ચાલતાં ચાલતાં રાજાના મહેલે આવ્યા. રાજા પણ ચોરોની પાછળ અદેશ્ય સ્વરૂપમાં આવ્યા. બધાએ છેલ્લે હવે રાજાના મહેલમાં જ ચોરી કરવાનું નક્કી કરી લીધું. પહેલા ચોરે કહ્યું: “રાજાનું અઢળક ધન તેના શયનખંડના પલંગના પાયા હેઠળ છે. ત્યાં ચાર કળશમાં ઘન પડેલું છે.” ચોરો મહેલ આગળ આવ્યા. રાજા પણ મનમાં હસતાં અદશ્ય સ્વરૂપે તેમની પાછળ જ હતા. મહેલની ચારે બાજુ પહેરેગીરો ખુલ્લી તલવાર સાથે પહેરો ભરતા હતા. ચોથા ચોરે પોતાની વિદ્યાથી બધા જ પહેરેગીરો તેમજ સિપાહીઓને ઊંઘતા કરી દીધા અને ચારેય રાજાના શયનખંડમાં આવ્યા.
પછી ત્રીજો ચોર જે ગમે તેવી જમીન આસાનીથી ખોદવાની વિદ્યા જાણતો હતો, તેણે રાજાનો પલંગ ખસેડીને પોતાની વિદ્યાથી જમીન ખોદી કાઢી અને અંદરથી ચાર કળશ કાઢ્યા. ચારે ચોર એક એક કળશ લઈને મહેલમાંથી નીકળી ગયા. રાજા પણ અદશ્ય સ્વરૂપે તેમની પાછળ પાછળ ગયા.
ચાલતાં ચાલતાં ચારેય ચોર નગર બહાર નીકળ્યા હશે કે તળાવના કાંઠે એક શિયાળ કૂતરાને કંઈક કહેતું હતું કે, “અલ્યા શ્વાન! તું કેવો નિમકહરામ છે. ચોરો રાજમહેલમાંથી ચોરી કરીને જાય છે, છતાં તું કેમ ભસતો નથી?”
ત્યારે કૂતરો બોલ્યો: “માલનો ધણી જ ચોર લોકોની સાથે છે, પછી ભસુ
કોને ?
આ વાત વનચરની ભાષા જાણનાર ચોરે સાંભળી. તેણે બધાને ચેતવી દીધા અને કહ્યું: “ભાઈઓ! ધનનો માલિક ધનને જોઈ રહ્યો છે. તે આપણી બુરી હાલત કરશે. માટે આપણે આપણા ગુપ્ત સ્થળે જવું નથી. બીજે ક્યાંય આ ચારેય કળશને છૂપાવી દઈએ.”
ચારે ચોરો ચેતી ગયા. તેઓ એક પર્વતની ગુફામાં ગયા અને ત્યાં ખાડો ખોદી કળશ દાટી દીધા અને બે દિવસ પછી બધું ટાઢું પડશે એટલે ધન કાઢી જઈશું.” આમ વિચાર કરી ચારેય અલગ અલગ દિશામાં જતા રહ્યા.
રાજા પણ અદેશ્ય સ્વરૂપે તેમની સાથે જ હતા. તેઓ મૂંઝાયા કે હવે ચારમાંથી કયા ચોરને પકડવો ? જો ચારમાંથી એક ચોરને પકડવા જાય તો બીજા ત્રણ આવી કળશને કાઢી જાય. આમ વિચારી તેઓ આખી રાત કળશની ચોકી કરતા રહ્યા.
સવાર થયું. રાજા પોતાના મહેલમાં આવી સૂઈ ગયા. બીજી બાજુ પહેરેગીરો જાગ્યા ત્યારે ખબર પડી કે મહેલમાં રાજાના શયનખંડમાં ચોરી થઈ. બધા સિપાઈઓએ આ જાણ્યું ત્યારે તેઓએ ચારેબાજુ દોડાદોડ કરી મૂકી. થોડી વારમાં તો આખા ગામમાં આ વાત પ્રસરી ગઈ. આ વાત રાજાને કાને આવી, પણ તેઓ નિશ્ચિત રહ્યા, કારણ તેઓ ચોરી વિશે જાણતા જ હતા. તેમણે કોઈને ઠપકો પણ આપ્યો નહિ.
મધરાત થતાં વિક્રમ રાજા એક વહેલને બે બળદ જોડી પેલી ગુફમાં ગયા ને ત્યાં ઘટેલા ચારે કળશને કાઢી, વહેલમાં નાખી નગર તરફ પાછા વળ્યા. રસ્તામાં એક કૌતુક થયું. બે વૃદ્ધો ને બે જુવાનો ચોંધાર આંસુએ રોતાં રાજાને સામા મળ્યા. એમને રસ્તામાં આવી રીતે રોતા જોઈ રાજાએ વહેલ ઊભી રાખીને તેમને પૂછ્યું: “ભાઈઓ! તમે કોણ છો ? આમ અડધી રાતે અહીં ઊભા રહી કેમ રડો છો?”
પેલા ચારેયે નિસાસો નાખતાં કહ્યું : “ભાઈ ! રડવાનું કારણ જાણી તું શું કરીશ? તું તારે રસ્તે જા.”
વિક્રમ રાજાએ તેમને પોતાની ઓળખાણ આપી, ત્યારે એક વૃદ્ધ બોલ્યો : “અન્નદાતા, અમે ગરીબ બ્રાહ્મણ છીએ. અમારા દીકરાનાં લગ્ન થોડા જ દિવસમાં થવાના છે. મારા વેવાઈ લગ્ન માટે ખૂબ જ ઉતાવળ કરે છે. પરંતુ અમારી પાસે લગ્ન કરવા જેટલું ધન નથી. હું હવે લગ્નની તૈયારી કેવી રીતે કરું? ધનની માગણી ઘણા પાસે કરી, પણ બધા અમને ના પાડે છે. સાથે સાથે અમારી ઇજ્જત ઉઘાડી પાડે છે. માટે અમે આ નગર છોડી જઈએ છીએ. અમને નગર છોડતાં ખૂબ જ દુખ થાય છે એટલે અમે બધા રડીએ છીએ.
વિક્રમ રાજાને તેમના પર દયા આવી. તેમણે વહેલમાં પડેલા એક કળશમાંથી થોડું ધન વૃદ્ધને આપ્યું પરંતુ તેને આટલા ધનથી સંતોષ થયો નહિ તેણે રાજાને કહ્યું “મહારાજ !તમારે વળી ધનની ક્યાં ખોટ છે? આટલા ધનથી શું થવાનું? જો તમારે ધન આપવું હોય તો આ ચારે કળશ અમને આપી દો જેથી આખી જિંદગીની અમને શાંતિ થઈ જાય.”
રાજાએ વિનાસંકોચે હસતાં હસતાં ચારે કળશ તેમને આપ્યા અને ખાલી વહેલે મહેલે આવ્યા.
બ્રાહ્મણો કળશ લઈને ઘેર ગયા અને ઘરના એક ખૂણામાં ચારે કળશને દાટી દીધા. વિક્રમ રાજા પોતાના મહેલે ગયા અને પ્રધાન, ખજાનચી, સેનાપતિ વગેરેને બોલાવી કળશની ચોરી વિશે તમામ હકીકત જાહેર કરી દીધી. પછી બધાને શાંતિ થઈ. ત્યારે બ્રાહ્મણે તો લગ્નની તૈયારીઓ કરવા માંડી. તેણે ગામથી પોતાનાં સગાંવહાલાંને તેડાવવા માણસો પણ મોકલી દીધા. ઘરને પણ શણગારવા માંડ્યું. તોરણો બંધાવ્યાં, બ્રાહ્મણને બધી તૈયારીમાં બે દિવસ નીકળી ગયા.
આ બાજુ બે દિવસ પછી ચારેય ચોર કળશ લેવા ગુફામાં ગયા, પણ કળશ મળ્યા નહિ. ચારે ચોર તો કળશને ગુમ થયેલા જોઈ ચોંકી ગયા. તેઓ ત્યાંથી નીકળી નગરમાં આવ્યા. પહેલા ચોરે પોતાની વિદ્યાના પ્રતાપે કળશ બ્રાહ્મણના ઘેર છે તેમ કહ્યું. ચારેય ચોર બ્રાહ્મણને ઘેર આવ્યા. ચારેયે જોયું તો બ્રાહ્મણનું ઘર તો ઝગમગી રહ્યું હતું. જાતજાતનાં તોરણો બાંધેલાં હતાં. ઘરમાં દોડધામ ચાલી રહી હતી. ચોથા ચોરે બધાને પળવારમાં ઊંઘાડી દીધા. ત્રીજાએ જમીન ખોદીને કળશ બહાર કાઢી લઈ ગયા.
સવાર થતાં બધા જાગ્યાં. ઘરમાં જ્યાં કળશ દાટેલા હતા, ત્યાં ખાડો ખોદેલો જોયો. બ્રાહ્મણને ધ્રાસકો પડ્યો. તેણે જોયું તો ચારે કળશ ગુમ થયેલા જોયાં.
બ્રાહ્મણને થયું કે રાજાએ ચાર કળશ ચોરી લીધા છે. તેનાથી પહેલાં ના તો કહેવાયું નહિ એટલે તેણે કળશ તો આપ્યા, પણ પછી ખાતર પડાવી પાછા કળશ મેળવી લીધા. તેણે તો આપણું નાક કાપી લીધું.
ચારે બ્રાહ્મણો રડતાં રડતાં વિક્રમ રાજાના મહેલે આવ્યા. તેમાંનો એક ગુસ્સામાં આવી રાજાને એલફેલ બોલવા લાગ્યો. બ્રાહ્મણ બોલ્યો : “હે પાખંડી ! તમે અમને ધન આપ્યું એટલે અમે ગામેગામ નોંતરાં દીધાં, સગાંવહાલાંને તેડાવ્યાં. જો તમારે ધન પડાવી લેવું હતું. તો આપ્યું શા માટે ? હવે અમારી લાજ શી રીતે રહેશે? હવે તો અમારે મર્યા સિવાય છૂટકો નથી. અમે તો ચારેય જણ તમારે મહેલે આપઘાત કરીશું. પછી તો તમને શાંતિ વળશે ને ?
રાજા તો બ્રાહ્મણના આવા હલટભર્યા શબ્દ સાંભળી ડઘાઈ ગયા. તેમને તો બ્રાહ્મણની વાતમાં કંઈ સમજ પડી નહિ. એટલે તેઓ બોલ્યા : “હે ભૂદેવો ! એવું તો મેં શું કર્યું છે કે આજે આપને આટલા હલકા શબ્દો બોલવા પડ્યા!
એક બ્રાહ્મણે કહ્યું: “તમે મારા ઘરમાં ચોરી કરાવી કળશ પાછા લઈ લીધા. હવે હું મારા દીકરાના લગ્ન કેવી રીતે કરું?”
રાજા બધી વાત સમજી ગયા. તેઓ બોલ્યા: “હે ભૂદેવો! તમે મને ખોટું સમજો છો. હું આપેલું ધન કદી પાછું નથી લેતો. જો તમારે બીજું ધન જોઈતું હોય તો મારો ભંડાર ઉધાડી આપું છું. તેમાંથી તમારે જોઈએ તેટલું ઘન લઈ લો.
એક બ્રાહ્મણે કહ્યું: “તમે ફરી કળશની માફક આ ધન પાછું તો નહિ લોને? નહિ તો અમારું શું થશે? હવે તો લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો છે. હજી ઘણી તૈયારીઓ પણ કરવાની બાકી છે.”
રાજાએ કહ્યું: “હે ભૂદેવો! હું તમને વચન આપું છું કે આ ચારેય કળશ બાર દિવસમાં તમને પહોંચાડી દઈશ. હાલ તો તમે આ ધન લઈ જાઓ ને લગ્નનું કામ પતાવો.
કળશ ચાર આપું અમો, વાટ જુઓ દિન બાર,
પેદા કરું દિને બારમાં, મનાવું તમ મન.
આમ ઘણું ઘણું સમજાવ્યા ત્યારે બ્રાહ્મણો માન્યા ને ધન લઈને ઘેર ગયા. બ્રાહ્મણોના ગયા પછી રાજાએ મનમાં વિચાર કર્યો કે, નક્કી પેલા ચાર ચોર જ આ કળશ ઉઠાવી ગયા છે! એ ચોરને પકડવા રાજાએ જોરશોરથી તપાસ કરાવી. પ્રધાને પણ એક એક અમલદારની મારફત તપાસ કરાવી. રાજા પણ ગુપ્તવેશે ચોરોની શોધમાં નીકળી પડ્યા. સતત દસ દિવસ સુધી તેમણે ચોરોની શોધ કરી. છેવટે આ ચારે ચોરોની ટોળકીને રાજાએ પકડી પાડી અને તેમને પોતાની ઓળખાણ આપી અને કળશની ચોરી વિશેની બધી હકીક્ત કહી સંભળાવી. તેથી ચારેય ચોર અચંબામાં પડી ગયા.
રાજાએ ચારેય જણને પૂછ્યું : “ભાઈઓ! તમારે જીવનમાં એવું તે શું બન્યું કે તમારે ચોર થવું પડ્યું? ચારેય જણે પોતે ચોર કેમ બન્યા તે વિશે પોતાની વિતક કથા કહી સંભળાવી.
ચોરોના સાચા બોલવા ઉપર રાજા પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું : “તમે ચારે જણ પોતપોતાની વિદ્યાની વાત કરી બધી જગ્યાએ ચોરી કરવા ફર્યા અને અંતે મહેલે ચોરી કરી, તમે કળશ ગુફામાં દાટી દીધા, ત્યાં સુધી હું તમારી સાથે જ અદશ્ય સ્વરૂપે હતો. તમે કળશ દાટી છૂટા પડ્યા, પછી આખી રાત હું તે કળશની ચોકી કરતો બેઠો હતો, કે તમે જરૂર પાછા લેવા આવશો, પણ સવાર સુધી તમે ત્યાં પાછા આવ્યા નહિ. મેં જોયું કે તમે ચોર છો, છતાં તમારામાં માનવતા છે, દયા છે. વળી તમે દરેક પોતપોતાની વિદ્યામાં પારંગત પણ છો. તમે આ વિદ્યાનો સદુપયોગ કરો અને સારા માણસ બનો. મેં પેલા બ્રાહ્મણોને ચાર કળશ પાછા આપવાનું વચન આપ્યું છે. તેથી તમે મને તે કળશ પાછા આપો.”
ચારેય રાજાની ઉદારતા જોઈને એક એક કળશ માથે ઉપાડી વિક્રમ રાજા પાસે આવ્યા. એટલે વિક્રમ રાજા તેમને પેલા બ્રાહ્મણોને ઘેર લઈ ગયા. વિક્રમ રાજા સાથે ચાર ચોરને આવેલા જોઈને ચારેય બ્રાહ્મણોએ વિક્રમ રાજાની માફી માગી અને કહ્યું : અન્નદાતા ! અમને માફ કરો. ધનની લાલચમાં અમે તમને ગમે તેવા હલકા શબ્દો બોલ્યા. હવે તમે આ કળશ પાછા મહેલે લઈ જાઓ, તમે આપેલું ધન અમારા દીકરાના લગ્ન માટે પૂરતું છે. આ કળશો તો તમારા મહેલમાં જ શોભે!
વિક્રમ રાજાએ કહ્યું: “હે ભૂદેવો ! મને તમારા બોલવા ઉપર જરાય દુખ નથી. લોકોનું બોલવું સાંભળવા બેસું તો મારાથી એક પણ સારું કાર્ય થઈ શકે નહિ. હું તો દરેકના ભલાઈનું કાર્ય કરવા જ બેઠો છું. હવે તમતમારે લગ્નપ્રસંગ આનંદથી ઉજવો અને કાંઈપણ મદદની જરૂર પડે તો અવશ્ય મારી પાસે આવજો.”
વિક્રમ રાજા ચોરો પાસે કળશ ઉપડાવી પોતાને મહેલે લઈ આવ્યા, અને ચોરોને પણ ચોરી કરવા બદલ માફ કરી દીધા. તેમણે દરેક ચોરને ચોરીનો ધંધો મૂકી પ્રામાણિક ધંધો કરવાની ભલામણ કરી. તેમણે દરેક ચોરને એક-એક હજાર સોનામહોર આપી વિદાય કર્યા.
રાજાના આવા વર્તનથી ચોરોનું પણ હ્રદય પરિવર્તન થયું અને તેઓ સોનામહોરોથી પોતાનો નાનો ધંધો શરૂ કરી જિંદગી સુખમય રીતે વિતાવી.
‘બાળા’ પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “હે ભોજ રાજા ! વિક્મ રાજા આવા પરગજુ ને વિદ્યાપારખુ હતા. તેમના જેવા રાજા જ આ સિંહાસન પર બેસી શકે.” આમ કહી બાળા પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.
Also Read :