Class 8 Social Science Chapter 5 Swadhyay (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય)

Spread the love

Class 8 Social Science Chapter 5 Swadhyay
Class 8 Social Science Chapter 5 Swadhyay

Class 8 Social Science Chapter 5 Swadhyay

Class 8 Social Science Chapter 5 Swadhyay, Std 8 Social Science Chapter 5 Swadhyay, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 5 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 5અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
સત્ર :દ્વિતીય
Class 8 Social Science Chapter 5 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન-1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :

(1) ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું?

ઉત્તર : ગોપાલકૃષ્ણ ગોખલેએ (ઈ. સ. 1912માં) અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું.

(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો?

ઉત્તર : ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

(3) ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?

ઉત્તર : ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ ક્રમ 7 (સાત) વર્ષનો રાખવો જોઈએ.

(4) દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?

ઉત્તર : દુર્ગારામ મહેતાએ (ઈ. સ. 1844માં) સુરતમાં માનવધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યાં?

ઉત્તર : સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈ. સ. 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. તેમણે પ્રતિવર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી. સર સયાજીરાવ ગાયકવાડનાં પત્ની ચિમનાબાઈ ગાયકવાડે પ્રતિવર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો.

(2) ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું?

ઉત્તર : ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.

(૩) વુડના ખરીતામાં શિક્ષણસંબંધી કઈ-કઈ ભલામણો કરવામાં આવી?

ઉત્તર : ભારતમાં શિક્ષણ ક્ષેત્રની ‘મેગ્નાકાર્ટા’ કહી શકાય એવો શિક્ષણનો સુધારો ઈ. સ. 1854ના વુડના ખરીતા (વુડ્સ ડિસ્પેચ) થી થયો. વુડના ખરીતામાં શિક્ષણસંબંધી નીચે પ્રમાણે ભલામણો કરવામાં આવી હતી :

(1) દરેક પ્રાંતમાં યુનિવર્સિટી સ્થાપવા સ્વતંત્ર શિક્ષણખાતાની રચના કરવી (2) સરકારી કૉલેજો અને શાળાઓની જાળવણી કરવી. (3) ખાનગી શાળાઓને સરકારી અનુદાન (ગ્રાન્ટ્સ) આપવું. (4) શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ ખોલવી. (5) ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવો. (6) દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી. (7) સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન આપવું. (8) શિષ્યવૃત્તિઓ આપવી.

આ ઉપરાંત, વુડના ખરીતામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું.

(4) મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે કયા-કયા પ્રયત્નો કરવામાં આવ્યા?

ઉત્તર : મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે નીચે પ્રમાણે પ્રયત્નો કરવામાં આવ્યા :

(1) મહાદેવ ગોવિંદ રાનડે અને તેમનાં પત્ની રમાબાઈ રાનડેએ કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી. (2) જ્યોતિરાવ ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યા-કેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી. (3) મહર્ષિ કર્વેએ ઈ. સ. 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે એસ.એન.ડી.ટી. (શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી) યુનિવર્સિટી તરીકે કાર્યરત છે.

પ્રશ્ન 3. ટૂંક નોંધ લખો :

(1) બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ

ઉત્તર : બ્રહ્મોસમાજની સ્થાપના રાજા રામમોહનરાયે કરી હતી. ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા તેમજ સામાજિકસુધારા કરવા ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે ‘આત્મીય સભા’ નામની સંસ્થા સ્થાપી હતી, એ જ સંસ્થા ઈ. સ. 1828માં ‘બ્રહ્મોસમાજ’ નામે પ્રસિદ્ધ થઈ હતી, બ્રહ્મોસમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી :

(1) ઈ. સ. 1821માં ‘સંવાદ કોમુદી’ નામના પત્રથી સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. (2) બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1829માં ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો. (3) બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1939માં ‘નરબલિ પ્રથા’ અને ‘બાળકીને દૂધપીતી કરવાની પ્રથા’ વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદા બનાવ્યા. (4) વિધવા પુનર્લગ્ન માટે પુસ્તકો, ચોપાનિયાં (પેમ્ફલેટ્સ) દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા. (5) ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. (6) સ્ત્રી-શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી. (7) બાળલગ્નો નાબૂદ કરવા પ્રયાસ કર્યો. (8) આંતરજ્ઞાતીય લગ્નોનો પ્રચાર કર્યો.

(2) વિધવાવિવાહ

ઉત્તર : પ્રાચીન સમયના ભારતમાં વિધવાવિવાહની પ્રથા હતી. મધ્યકાલીન ભારતમાં વિધવા પુનર્લગ્ન પર સામાજિક નિષેધ હતો. આથી આર્થિક ઉપજનની જવાબદારી નિભાવતા પોતાના પતિનું અવસાન થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ બનતું. વિધવા સ્ત્રીઓની દુર્દશા દૂર કરવા સ્ત્રીઓને શિક્ષણ આપવું, તેમને સ્વાવલંબી બનાવવી તેમજ તેમને પુનર્લગ્નની છૂટ આપવી વગેરે માટે સમાજસુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા : (1) રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવાવિવાહ માટે પુસ્તકો અને ચોપાનિયાં (પેમ્ફલેટ્સ) દ્વારા લોકોને જાગૃત કર્યા. (2) મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમનાં પત્ની રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે, આર. જી. ભાંડારકર, બહેરામજી મલબારી વગેરે અગ્રણી સમાજસુધારકોએ વિધવા પુનર્વિવાહ માટે ભારે ઝુંબેશ ચલાવી હતી. (3) ગુજરાતના મહાન સુધારકો નર્મદ, કરસનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ મહેતા, દલપતરામ વગેરેએ વિધવાવિવાહની મનાઈ વિરુદ્ધ સક્રિય આંદોલનો ચલાવ્યાં હતાં. ખુદ નર્મદે વિધવા સાથે લગ્ન કરી દષ્ટાંત પૂરું પાડ્યું હતું. (4) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક ‘સોમપ્રકાશ’ દ્વારા પ્રચાર કરી વિધવા પુનર્લગ્નની હિમાયત કરી હતી. તે માનતા હતા કે જે સ્ત્રીઓ નાની ઉંમરે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી વિષમ પરિસ્થિતિમાં જીવન ગુજારે તે સભ્યસમાજની નિશાની નથી. તેમના સમયમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર ગણાતું. તેમના પ્રયત્નોથી ઈ. સ. 1856માં લૉર્ડ ડેલહાઉસીએ વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું. ડેલહાઉસીએ બનાવેલો કાયદો ‘વિધવા પુનર્લગ્ન અધિનિયમ 1856’ કહેવાયો.

(3) રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો

ઉત્તર : મહાન સાહિત્યકાર, કવિવર રવીન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા, તેમના શિક્ષણ અંગેના વિચારો આ પ્રમાણે હતા : (1) તે પ્રકૃતિલક્ષી શિક્ષણના હિમાયતી હતા. તેઓ માનતા હતા કે પ્રકૃતિના સાનિધ્યમાં જ જ્ઞાન મળે છે. (2) શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરે તેવું હોવું જોઈએ. (3) બાળક શિક્ષણની કઠોર શિસ્તથી મુક્ત હોવું જોઈએ. (4) શિક્ષણની વ્યવસ્થા બાળકમાં કલ્પનાશક્તિ અને કુતૂહલવૃત્તિનો વિકાસ કરે તેવી હોવી જોઈએ. (5) બાળકોમાં સંગીત, અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતાઓ વિકસાવવી જોઈએ. (6) બાળકોમાં નીતિમત્તા અને આધ્યત્મિકતા જેવા ગુણો વિકસાવવા જોઈએ. (7) બાળકોને ભારતીય વિચારસરણી અને સાંસ્કૃતિક તત્ત્વોનું જ્ઞાન આપવું જોઈએ. (8) શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ. પોતાના વિચારો પ્રમાણેનું શિક્ષણ આપવા માટે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે ઈ. સ. 1901માં બંગાળમાં ‘શાંતિનિકેતન’ નામની સંસ્થા સ્થાપી. સમય જતાં આ સંસ્થા ‘શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી’ ના નામે પ્રસિદ્ધ બની. આ સંસ્થાએ રાષ્ટ્રને અનેક વિદ્વાનો આપ્યા છે.

(4) સ્વામી વિવેકાનંદનો ઉપદેશ

ઉત્તર : સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો : (1) સ્વામી વિવેકાનંદે સમાજસેવા અને સમાજસુધારણાના ઉપદેશ દ્વારા તે સમયનાં પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો. (2) તેમના મતે, જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ કે નિરાધાર બાળકોનાં મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહિ તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. (3) તેઓ કહેતા કે, “પહેલાં અન્ન પછી ધર્મ.” (4) તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરનાં દર્શન કરતા. તેથી તેઓ કહેતા હતા કે, ”માનવસેવા એ જ પ્રભુસેવા છે.” (5) તેઓ યુવાનોને કહેતા કે, “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”

પ્રશ્ન 4. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :

(1) ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે?

(A) પૂર્ણિમાબહેન પકવાસા

(B) જુગતરામ દવે

(C) દુર્ગારામ મહેતા

(D) ઠક્કરબાપા

જવાબ : (C) દુર્ગારામ મહેતા

(2) અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે?

(A) વિષયવાર પાઠ્યપુસ્તકો

(B) મૌખિક શિક્ષણ

(C) તાલીમ પામેલ શિક્ષકો

(D) દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ

જવાબ : (B) મૌખિક શિક્ષણ

(3) ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો?

(A) અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા

(B) અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો

(C) ખેતીનો વિકાસ

(D) કન્યાશિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ

જવાબ : (A) અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા

પ્રશ્ન 5. જોડકાં જોડો :

(1) એલેકઝાન્ડર ડફ(A) સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના
(2) દયાનંદ સરસ્વતી(B) ‘સોમપ્રકાશ’ સામયિક દ્વારા સુધારણા ઝુંબેશ
(3) ડી. કે. કર્વે(C) લગ્નવય સંમતિધારો
(4) કેશવચંદ્ર સેન(D) બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના
(5) જોનાથન ડંકન(E) લાહોરમાં એંગ્લો વૈદિક કૉલેજની સ્થાપના
(F) પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના
Class 8 Social Science Chapter 5 Swadhyay

જવાબ :

(1) એલેકઝાન્ડર ડફ – (F) પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના

(2) દયાનંદ સરસ્વતી – (E) લાહોરમાં એંગ્લો વૈદિક કૉલેજની સ્થાપના

(3) ડી. કે. કર્વે – (A) સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના

(4) કેશવચંદ્ર સેન – (C) લગ્નવય સંમતિધારો

(5) જોનાથન ડંકન – (D) બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના

Also Read :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top