Class 8 Social Science Chapter 13 Swadhyay
Class 8 Social Science Chapter 13 Swadhyay, Std 8 Social Science Chapter 13 Swadhyay, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 13 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 13 સ્વાધ્યાય.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 13 | માનવ-સંસાધન |
સત્ર : | દ્વિતીય |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે?
ઉત્તર : માનવીને કુદરતે બુદ્ધિ, વિચારશક્તિ, મહત્ત્વાકાંક્ષા,નિર્ણયો લઈને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની બક્ષિશ આપી છે. આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે.
સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. એ રીતે તેઓ પોતાનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે. આથી વસ્તીને – લોકોને – રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે.
(2) વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણનાં કારણો કયાં છે?
ઉત્તર : વિશ્વમાં નદીકિનારાના અને મુખત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ, સપાટ જમીન વિસ્તારો; ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે. ઊંચા પર્વતો, ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ, બહુ ભારે વરસાદના પ્રદેશો, ગીચ જંગલો, દલદલવાળા પ્રદેશો, ખારાપાટના વિસ્તારો તેમજ રણપ્રદેશો – જ્યાં ખેત-ઉત્પાદન માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે, ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે. ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણપ્રદેશો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે.
(3) વસ્તીગીચતાનો અર્થ શું છે?
ઉત્તર : પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની ‘વસ્તીગીચતા’ કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં (ચો કિમીમાં) કેટલી માનવવસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તીગીચતા જાણી શકાય છે.
વસ્તીગીચતાને નીચે આપેલા સુત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે :
વસ્તીગીચતા = દેશની કુલ વસ્તી / દેશનું કુલ ક્ષેત્રફળ
(4) વસ્તી-વિતરણને અસર કરનાર કોઈ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો.
ઉત્તર : વસ્તી-વિતરણને અસર કરનાર મુખ્ય પરિબળો નીચે પ્રમાણે છે :
(1) ભૌગોલિક પરિબળો :
(A)પ્રાકૃતિક રચના : પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી-વિતરણ પર ગાઢ અસર કરે છે. જેમ કે, માનવી હંમેશાં પર્વતો અને ઉચ્ચપ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગો અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. દા. ત., ભારતમાં ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે; જ્યારે ઍન્ડીઝ, આલ્પ્સ, હિમાલય વગેરે પર્વતોના વિસ્તારમાં ઘણી જ ઓછી વસ્તી વસે છે.
(B) આબોહવા : અતિશય, પ્રખર ગરમી કે કડકડતી ઠંડી પડતી હોય એવા વિસ્તારો માનવવસવાટ માટે પ્રતિકૂળ છે. દા.ત. આફ્રિકાનું સહરાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડાનો ઉત્તર ભાગ, ઍન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અતિવિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી.
(C) જમીન : નદીઓના કાંપનાં મેદાનોની જમીન અત્યંત ફળદ્રુપ હોય છે, જે ખેતીપ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તદુપરાંત, એ જમીન ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે સારી અનુકૂળતા ધરાવે છે. ભારતમાં ગંગા-યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ; ચીનમાં હવાગ હો અને ચાંગ જિયાંગ નદીઓ તેમજ ઇજિપ્તમાં નાઈલ નદી – આ બધી નદીઓએ ફળદ્રુપ મેદાનોની રચના કરી છે. અહીં સિંચાઈની સારી સગવડ હોવાથી ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે છે. તેથી આ નદીઓનાં મેદાનો ગીચ વસ્તીવાળા વિસ્તારો બન્યા છે.
(D) જળ : જે વિસ્તારોમાં બિનક્ષારીય મીઠું પાણી સરળ રીતે ઉપલબ્ધ હોય છે ત્યાં વસવાટ કરવા માનવી પ્રાથમિકતા આપે છે, કારણ કે એ વિસ્તારોમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગો સારાં થઈ શકે છે. વિશ્વની નદીખીણોનાં ક્ષેત્રો ગીચ વસ્તી ધરાવે છે. જ્યારે રણવિસ્તારોમાં વસ્તી ખૂબ ઓછી હોય છે.
(E) ખનીજ : ખનીજ-સંસાધનવાળા વિસ્તારોમાં ગીચ વસ્તી હોય છે. હીરાની ખાણો ધરાવતા દક્ષિણ આફ્રિકામાં અને ખનીજ તેલનાં ક્ષેત્રોવાળા મધ્ય-પૂર્વ એશિયામાં વસ્તીની ગીચતા વધારે છે.
(2) સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો :
(A) સામાજિક પરિબળ : સાનુકૂળ રહેઠાણો તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્યની સારી સગવડોવાળા વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધારે હોય છે. દા.ત. મહારાષ્ટ્રમાં પુણે શહેર.
(B) સાંસ્કૃતિક પરિબળ : પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતાં સ્થાનો વસ્તીને વસવાટ માટે આકર્ષિત કરે છે. દા.ત. ઉત્તર પ્રદેશમાં ગંગા નદીને કિનારે આવેલું વારાણસી (બનારસ) ઇઝરાયલમાં આવેલું જેરુસલેમ, ઇટલીની રાજધાની રોમમાં આવેલ વેટિકન સિટી વગેરે.
(C) આર્થિક પરિબળ : ઔદ્યોગિક વિસ્તારો રોજગારીની નવી નવી તકો ઊભી કરે છે. તેથી એ વિસ્તારો મોટી સંખ્યામાં વસ્તીને વસવાટ માટે પ્રેરિત કરે છે. દા.ત. જાપાનમાં આવેલું ઓસાકા શહેર અને ભારતમાં મહારાષ્ટ્રમાં આવેલું મુંબઈ શહેર. આ બંને શહેરો ઔદ્યોગિક ક્ષેત્રો હોવાથી ગીચ વસવાટનાં સ્થળો બન્યાં છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરો :
(1) વસ્તી-વિતરણ શબ્દનો અર્થ છે.
(A) કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સમયની સાથે વસ્તીમાં કયા પ્રકારનું પરિવર્તન થાય છે.
(B) કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જન્મ લેનાર લોકોની સંખ્યાના સંદર્ભમાં મૃત્યુ પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યા કેવી છે.
(C) કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો ક્યા સ્વરૂપે ફેલાયેલા છે.
જવાબ : (C) કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો ક્યા સ્વરૂપે ફેલાયેલા છે.
(2) એ ત્રણ મુખ્ય પરિબળો કયાં છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે?
(A) જન્મ, મૃત્યુ અને લગ્ન
(B) જન્મ, મૃત્યુ અને સ્થળાંતર
(C) જન્મ, મૃત્યુ અને જીવનદર
જવાબ : (B) જન્મ, મૃત્યુ અને સ્થળાંતર
(3) ઈ. સ. 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી?
(A) 1 અબજ
(B) 3 અબજ
(C) 6 અબજ
જવાબ : (C) 6 અબજ
પ્રશ્ન 3. સંકલ્પના સમજાવો :
(1) જાતિ-પ્રમાણ
ઉત્તર : દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને ‘જાતિ-પ્રમાણ’ (સ્ત્રી-પુરુષ પ્રમાણ) કહે છે. દા.ત. ઈ. સ. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી.
(2) સાક્ષરતા
ઉત્તર : 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી-લખીને સમજી શક્તી હોય તેને ‘સાક્ષર’ કહેવામાં આવે છે. સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર ‘સાક્ષરતા’ કહેવાય છે.
(૩) વસ્તીગીચતા
ઉત્તર : પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની ‘વસ્તીગીચતા’ કહે છે.
પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરો :
(1) વિશ્વમાં વસ્તીની દષ્ટિએ ભારત………..ક્રમે છે.
જવાબ : દ્વિતીય
(2) ભારતમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ………છે.
જવાબ : 943
(3) ભારતમાં…………રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે.
જવાબ : કેરળ
(4) ગુજરાતમાં વસ્તી-ગીચતાનું પ્રમાણ…………..છે.
જવાબ : 308
Also Read :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય