Class 8 Gujarati Chapter 15 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 8 Gujarati Chapter 15 Swadhyay
Class 8 Gujarati Chapter 15 Swadhyay

Class 8 Gujarati Chapter 15 Swadhyay

Class 8 Gujarati Chapter 15 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 15 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 15 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 15. અખંડ ભારતના શિલ્પી

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(1) કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા દર્શાવે છે?

(ક) મોટા ભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવાનો.

(ખ) કૉર્ટની કાર્યવાહી દરમિયાન પત્નીના અવસાનનો તાર મળવાનો.

(ગ) કાખબલાઈ પર જાતે જ સળિયા વડે ડામ દેવાનો.

(ઘ) દેશી રજવાડાંઓના વિલીનીકરણનો.

જવાબ : (ક) મોટા ભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવાનો.

(2) હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી હતી?

(ક) ખેડૂતોના સરદાર

(ખ) લોખંડી પુરુષ

(ગ) વીર વલ્લભભાઈ

(ઘ) હિંદ કી નીડર જબાન

જવાબ : (ઘ) હિંદ કી નીડર જબાન

(3) આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ નથી?

(ક) મહાત્મા ગાંધીજી

(ખ) સરદાર વલ્લભભાઈ પટેલ

(ગ) જવાહરલાલ નેહરુ

(ઘ) લાલબહાદુર શાસ્ત્રી

જવાબ : (ઘ) લાલબહાદુર શાસ્ત્રી

(4) વલ્લભભાઈનો જીવનમંત્ર શો હતો?

(ક) સત્ય

(ખ) અહિંસા

(ગ) સાદું જીવન અને ઉચ્ચ વિચાર

(ઘ) પ્રેમ

જવાબ : (ગ) સાદું જીવન અને ઉચ્ચ વિચાર

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો.

(1) ગાંધીજીની દષ્ટિએ સાચું જીવન કોનું છે?

ઉત્તર : ગાંધીજીની દષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે.

(2) વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું?

ઉત્તર : વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું.

(3) કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા?

ઉત્તર : કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા.

(4) કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો?

ઉત્તર : વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો.

(5) વલ્લભભાઈના સ્વભાવને કોની ઉપમા આપવામાં આવી છે?

ઉત્તર : વલ્લભભાઈના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવી છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના મૌખિક રીતે ઉત્તર આપો.

(1) વલ્લભભાઈને ‘સરદાર’ નું બિરુદ કોણે અને ક્યારે આપ્યું?

ઉત્તર : ગાંધીજીએ વલ્લભભાઈને ‘સરદાર’ નું બિરુદ આપ્યું. બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એક વાર ગાંધીજી આવેલા. એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતાં કહેલું કે અહીંના ‘સરદાર’ વલ્લભભાઈ છે.

(2) વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા, એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ?

ઉત્તર : વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખબલાઈ થઈ હતી. વૈદ્યરાજ એના ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માગતા હતા, પણ કુમળા બાળકને જોઈને તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો. સો એમની નીડરતા જોઈને દંગ રહી ગયા હતા. આમ વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા.

(3) વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે?

ઉત્તર : વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો. આથી એમણે બચત કરી પૈસા ભેગા કર્યા હતા; પરંતુ એ પૈસાથી તેમણે મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા. આ ઘટનામાંથી વલ્લભભાઈનો એમના મોટા ભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે.

(4) કૉર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં કયા સમાચાર હતા? આ ઘટનામાં વલ્લભભાઈના વ્યક્તિત્વનું કયું પાસું પ્રગટ થયું છે?

ઉત્તર : વલ્લભભાઈ કૉર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. એ વખતે એક પ્યુન તેમને તાર આપી ગયો. એમાં એમનાં પત્નીના અવસાનના સમાચાર હતા. તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તારા ખિસ્સામાં મૂકી દીધો અને તેઓ કૉર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે.

(5) વલ્લભભાઈની રમૂજવૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે?

ઉત્તર : વલ્લભભાઈની રમૂજવૃત્તિ આ પ્રસંગમાં જોવા મળે છે : એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો : ‘રચનાત્મક ગફલત’. એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદારે બિરબલની છટાથી કહ્યું, “ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ !”

(6) રજવાડાંના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે?

ઉત્તર : ભારતમાં અનેક નાનાં-મોટાં રજવાડાંઓ હતાં. આ રજવાડાંના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતાં. તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર નહોતા. આથી રજવાડાંના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

(1) ‘વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે.” – એમ લેખક શા માટે કહે છે?

ઉત્તર : અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ-વધારો નાખ્યો હતો. એ ખેડૂતો પર અન્યાય હતો. વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો. આ દષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ હતું.

(2) ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે” એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે?

ઉત્તર : “ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે” એમ ગાંધીજીએ કહ્યું છે, કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે.

(3) પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો?

ઉત્તર : પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય : (1) દઢ મનોબળ, દેશદાઝ અને દેશભક્તિ (2) વિદ્યાર્થીવિયથી જ નીડરતા, નેતાગીરી અને દઢ સંકલ્પબળ (3) ભ્રાતૃપ્રેમ, બહારથી રુક્ષ, આખાબોલા, પણ અંદરથી કોમળ. (4) વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો. (5) વિનોદવૃત્તિ, આઝાદી માટે જેલની યાતના વેવાની તત્પરતા. (6) શૂરવીર, લોખંડી પુરુષ, જનસમુદાયની નાડના પારખું, લોકસમુદાય પર મજબૂત પકડ. (7) નૈતિકતા, વ્યવહારુ અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તેવો પ્રેમ (8) સાદું જીવન અને ઉચ્ચ વિચાર.

(4) લેખકે ક્યા ત્રણ દેશભક્તોને ‘ત્રિમૂર્તિ’ સાથે સરખાવ્યા છે?  એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો.

ઉત્તર : લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નેહરુને ‘ત્રિમૂર્તિ’ કહ્યા છે. ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નેહરુએ સોંદર્યનું મહિમાગાન કર્યું.

(5) પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી?

ઉત્તર : પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી : બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતાં સરદાર કહે છે, “લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી, ખેતરમાં ફરતાં રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ, એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે.”

પ્રશ્ન 2. નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે પાંચ-છ વાક્યો લખો.

(1) બારડોલીની લડત

ઉત્તર : અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ-વધારો લાગુ પાડ્યો. આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા. આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિરછોગું ગણાય છે. આ લડત શરૂ થયા પછી એક જાગ્રત નેતા તરીકે વલ્લભ ભાઈએ ખેડૂતોને ચેતવણી આપી હતી કે ખેડૂતોએ લગનમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડ્યે ઘરને તાળાં મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે. ગરીબ, તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવું પડશે. બારડોલીની લડતથી વલ્લભભાઈ ‘ખેડૂતોના સરદાર’ તરીકે ઓળખાવા લાગ્યા.

(2) નીડર વલ્લભભાઈ

ઉત્તર : વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. નાનપણમાં તેમને કાખબલાઈ થયેલી, વૈદ્યરાજે એનો ઇલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવા વિચાર્યું, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો, જોનારાં સૌ દંગ રહી ગયા. એમની નીડરતાનું દર્શન ભારતનાં તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું.

(3) અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ

ઉત્તર : ભારતમાં અનેક નાનાં-મોટાં રજવાડાં હતાં. ભારતના તમામ રાજાઓનાં રાજ્યોમાં વિલીનીકરણની કપરી અને મહત્ત્વની કામગીરી સરદારને સોંપાઈ; પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી. આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડયું. અનેક રાજાઓને સમજાવ્યા. જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું.

પ્રશ્ન 3. નીચે ઉલ્લેખવામાં આવેલાં પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણનો ઉલ્લેખ કરો :

(1) વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો.

ઉત્તર : નીડરતા

(2) વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ એમણે પહેલાં મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા.

ઉત્તર : ભ્રાતૃભાવ

(૩) એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો : ‘રચનાત્મક ગફલત’. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ. બિરબલની છટાથી બોલી ઊઠ્યા: “ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી, તેવી દાઝેલી દાળ!’”

ઉત્તર : વિનોદ

Also Read :

Class 8 Gujarati Chapter 16 Swadhyay


Spread the love
error: Content is protected !!
Scroll to Top