Class 7 Social Science Chapter 7 Swadhyay
Class 7 Social Science Chapter 7 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 7 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 7. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
સત્ર : દ્વિતીય
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો.
(1) દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું?
ઉત્તર : દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું.
(2) બંગાળમાં ‘હરિબોલ’નો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો?
ઉત્તર : ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ‘હરિબોલ’નો મંત્ર ગુંજતો કર્યો હતો.
(3) તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી?
ઉત્તર : તુલસીદાસે ‘રામચરિતમાનસ’ અને ‘વિનયપત્રિકા’ નામના ગ્રંથોની રચના કરી હતી.
(4) શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહિબ’ માં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે?
ઉત્તર : શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહિબ’માં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે.
(5) ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફીસંત કોણ હતા?
ઉત્તર : મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફીસંત હતા.
પ્રશ્ન 2. માગ્યા મુજબ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) ટૂંક નોંધ લખો : સૂફી-આંદોલન
ઉત્તર : સૂફી-આંદોલન એ ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલાં ધાર્મિક આંદોલનો પૈકીનું એક મહત્ત્વનું આંદોલન હતું. સૂફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું. તેણે દેશમાં હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી ( 1 ) ચિશ્તી (2) સુહરાવર્દી ( 3) કાદરી અને ( 4 ) નક્શબંદી.
સૂફી-આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી. મોઇનુદીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. તે કોમી એકતાનું એક ઉમદા દષ્ટાંત છે. મોઇનુદ્દીન ચિશ્તીના અવસાન પછી તેઓ મહાન સૂફીસંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા. મોઇનુદ્દીન ચિશ્તી ઉપરાંત, કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન-ગંજ-એ-શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ, શેખ અહમદ સરહિંદી વગેરે ગણનાપાત્ર સૂફીસંતો હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદીન ગરીબ નામના એક લોકપ્રિય સૂફીસંત થઈ ગયા.
(2) ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય થયું હતું?
ઉત્તર : ભક્તિ આંદોલનને લીધે – (1) સમાજમાં પ્રવર્તતા બાહ્યાડંબરો, ઊંચનીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ. તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું. (2) સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. (૩) ઈશ્વર બધાંનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી. ( 4 ) જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા. (5) દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો, જે લોકોને ખૂબ ગમી ગયો. (6) બધા સંતો, આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો. વળી, તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને પદોની રચના કરી હતી, જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું. એ સાહિત્યની જનસમાજ પર ગાઢ અસર થઈ હતી. ભક્તિ આંદોલને સમાજની કાયાપલટ કરી. ઉપર્યુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન ખૂબ લોકપ્રિય બન્યું હતું.
(3) મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર :
(1) જ્ઞાનેશ્વર : સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ગીતા પર ટીકા-વિવેચન ‘જ્ઞાનેશ્વરી’ (જ્ઞાનેશ્વરી ગીતા) લખી હતી. તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા. જ્ઞાન, યોગ અને ભક્તિ દ્વારા તેમણે અદ્વૈતની ભાવના લોકો સુધી પહોંચાડી હતી.
(2) નામદેવ : યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા, પરંતુ સત્ય સમજાતાં તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા.
(3) એકનાથ : પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો. તેઓ સૌને સમાન માનતા હતાં.
(4) તુકારામ : મહારાષ્ટ્રના સંતકવિ છે. તેમણે અભંગો રચ્યાં હતાં, જે ખૂબ જાણીતાં થયેલાં છે.
(5) સમર્થ ગુરુ રામદાસ : છત્રપતિ શિવાજીના ગુરુ હતા. તેમણે ‘દાસબોધ’ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.
(4) એકેશ્વર પરંપરામાં સૌથી મહત્ત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો.
ઉત્તર : સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા. તે ગૃહસ્થી હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા. તે ભણ્યા નહોતા, છતાં સાધુસંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું. એ જ્ઞાનના આધારે તેમણે પદો અને સાખીઓ રચ્યાં હતાં. ‘બીજક’ તેમનો કાવ્યસંગ્રહ છે. સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છે. તેને સાહિબ,અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, બ્રહ્મ વગેરે જુદાં જુદાં નામ આપવામાં આવ્યાં છે.
પ્રશ્ન 3. (અ) નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો.
(1) ગુરુ નાનક કઈ શાખાના સંત હતા?
A. અલવારના
B. નયનારના
C. નિર્ગુણના
D. એકેશ્વરના
જવાબ : C. નિર્ગુણના
(2) જ્ઞાનેશ્વર ભગવદગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે?
A. બીજક
B. જ્ઞાનેશ્વરી
C. રામચરિતમાનસ
D. વિનયપત્રિકા
જવાબ : B. જ્ઞાનેશ્વરી
(3) મહારાષ્ટ્રના કયા સંતનાં અભંગો ખૂબ જ જાણીતાં છે?
A. જ્ઞાનેશ્વર
B. વિઠોબા
C. નામદેવ
D. તુકારામ
જવાબ : D. તુકારામ
(4) ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
જવાબ : D. ચાર
પ્રશ્ન 3. (બ) મને ઓળખો.
(1) મારા ગુરુ સમર્થ રામદાસ હતા.
જવાબ : શિવાજી
(2) હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું.
જવાબ : વિઠોબા મંદિર
(3) અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો.
ઉત્તર : મોઇનુદીન ચિશ્તી
Also Read :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 19 સ્વાધ્યાય