Class 7 Social Science Chapter 19 Swadhyay
Class 7 Social Science Chapter 19 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 19 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 19 સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 19. બજાર
સત્ર : દ્વિતીય
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) બજાર એટલે શું?
ઉત્તર : બજાર એટલે ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ.
(2) ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી?
ઉત્તર : ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે દુકાનનું ભાડું, વીજળી, મકાનવેરો, કર્મચારીનો પગાર વગેરે પ્રકારનો ખર્ચ થતો નથી.
(3) નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે?
ઉત્તર : આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેતઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) ની વ્યવસ્થા કરવામાં આવી છે.
(4) ખાદ્યપદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ?
ઉત્તર : ખાદ્યપદાર્થો ‘એગમાર્ક’ અને ‘એફ.એસ.એસ.એ.આઈ.’ – ‘fssai’ લોગો (નિશાની) વાળા જ ખરીદવા જોઈએ. આ ઉપરાંત, તેનું પૅકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બૅચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇનગ્રેડિયન્ટ (સમાવિષ્ટ ઘટકો) વગેરે બધી વિગતોની પણ ખરાઈ કરવી જોઈએ.
(5) ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે?
ઉત્તર : ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવામાં જોડાયેલ દરેક વ્યક્તિ ઓછા-વત્તા અંશે વળતર મેળવે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો :
(1) બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાતો સમજાવો.
ઉત્તર :
બજારના પ્રકાર આ પ્રમાણે છે : (1) મહોલ્લા બજાર (2) સાપ્તાહિક કે ગુજરી બજાર (3) મોટાં શૉપિંગ કૉપ્લેક્સ (4) શૉપિંગ મોલ (5) નિયંત્રિત બજાર અને (6) ઑનલાઇન બજાર.
બજારની જરૂરિયાતો : (1) ગ્રાહકને અથવા વ્યક્તિને પોતાની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ અને મોજશોખની વસ્તુઓ ખરીદવા માટે (2) વેપારીઓને ચીજવસ્તુઓ વેચવા માટે (3) ઉત્પાદકોને પોતાના ઉત્પાદનની વસ્તુઓ વેચવા માટે (4) નાની-મોટી કંપનીઓની વિવિધ બ્રાન્ડની વસ્તુઓ વેચવા માટે (5) ખેડૂતોને પોતાની ખેતપેદાશો વેચવા માટે ( 6 ) વ્યવસાયકારોને પોતાના વ્યવસાય માટેની વસ્તુઓ ખરીદવા માટે
(2) ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારી જણાવો.
ઉત્તર : કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી નાણાં ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ‘ગ્રાહક’ કહેવાય.
ગ્રાહક સુરક્ષા અધિનિયમ -1986′ અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે.
(1) સલામતીનો અધિકાર : આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ-વેચાણ સામે સલામતી મેળવી શકે છે. વ્યક્તિ કોઈ ચીજવસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તેના સ્વાથ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
(2) માહિતી મેળવવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે ચીજવસ્તુ કે સેવા સંબંધિત જરૂરી તમામ માહિતી મેળવી શકે છે.
(3) પસંદગી કરવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ-તપાસીને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરી શકે છે.
(4) રજૂઆત કરવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહકોનાં હિતો સાથે જોડાયેલ ગ્રાહક સુરક્ષા મંડળ સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે.
(5) ફરિયાદ-નિવારણનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ ફરિયાદનું નિવારણ અને પોતાને થયેલ નુકસાનનું યોગ્ય વળતર મેળવી શકે છે.
(6) ગ્રાહકશિક્ષણ મેળવવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહકનાં હિતો સાથે જોડાયેલી તમામ બાબતોથી અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહકશિક્ષણ મેળવવાનો ગ્રાહકને હક આપવામાં આવ્યો છે.
(3) ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ? સમજાવો.
ઉત્તર : ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ :
(1) ગ્રાહકે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે જી.એસ.ટી.વાળું અસલ બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું.
(2) મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ‘આઈ.એસ.આઈ. (ISI)ના માકવાળાં ખરીદવાનો આગ્રહ રાખવો. વિક્રેતાના સહીસિક્કા કરેલ ગેરેન્ટી કાર્ડ, વૉરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવાં અને તેને સાચવી રાખવાં.
(3) સોના અને ચાંદીના દાગીના ‘હોલમાર્ક વાળા જ ખરીદવા. કોઈ પણ ટેક્સ બચાવવાની વેપારીની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશાં પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો. બિલમાં દાગીનાની શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતાથી લખાયેલી છે કે નહિ તે જોઈ-તપાસીને ચકાસી લેવાં.
(4) ખાદ્યપદાર્થો હંમેશાં ‘એગમાર્ક’ (Agmark) અને ‘fssai’ (એફ.એસ.એસ.એ.આઈ.) લોગોવાળા નિશાનીઓવાળા જ ખરીદવા. એ પદાર્થોની કિંમત, પૅકિંગ, તેની કંપની, બ્રાન્ડ નેમ, બૅચનો નંબર, ઉત્પાદનની તારીખ, ચોખ્ખું વજન, અંતિમતિથિ
(એક્સપાયરી ડેટ), ઇનગ્રેડિયન્ટ (સમાવિષ્ટ ઘટકો) વગેરે તમામ વિગતો જોઈ-તપાસીને ચકાસી લેવાં. ભેળસેળના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી.
(5) દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી. જેનરિક દવાઓ સુલભ હોય તો તેને જ ખરીદવાનો આગ્રહ રાખવો.
(6) તૈયાર કપડાં ખરીદતી વખતે તેનું કાપડ, કલર, સિલાઈ, જરીભરત, માપ-સાઇઝ વગેરે તપાસવાં.
(7) ગેસ સિલિન્ડરમાં સીલ અને વજન તપાસવાં, રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 0000 ઝીરો મીટર રીડિંગ જોઈ લેવું તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો.
(8) પોતાના સંતાનનો શાળામાં પ્રવેશ મેળવતી વખતે શાળામાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની શૈક્ષણિક લાયકાતની વિગતો મેળવી લેવી, શિક્ષણ ફી ભર્યાની પાકી રસીદ મેળવી લેવી.
(9) જીવનવીમા પૉલિસી અને વાહન વીમાની પોલિસીની શરતો સમજી પૉલિસીના અસલ દસ્તાવેજો અચૂક મેળવી લેવા અને સાચવવા.
(10) ગ્રાહકે ભટકુપન, ઇનામી કે ડિસ્કાઉન્ટ જેવી લોભામણી જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી કે ‘સેલ’માંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ, ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ. ખરીદીમાં છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવી, જેથી તેઓ છેતરાતા અટકી જાય.
(4) કાપડની ઉત્પાદન-પ્રક્રિયાને વર્ણવો.
ઉત્તર : સૌપ્રથમ ખેતરમાં કપાસનું બિયારણ વાવવામાં આવે છે. ચારેક મહિનામાં વાવણી પછી નિંદામણ ખાતર અને પાણીની માવજત દ્વારા કપાસના છોડ પર મોટાં જીડવાં આવી જાય છે.
જીડવાંમાંથી સફેદ કપાસ વીણીને તેની ગાંસડીઓ બાંધીને કપાસને ઘરમાં સંઘરવામાં આવે છે. એ પછી કપાસનો બધો જથ્થો નજીકના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈ જવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડનો વેપારી કપાસને ખરીદીને તેને નજીકના જીનિંગ મિલના માલિકને વેચી દે છે. જીનમાં કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેને તેલ બનાવનાર વેપારીને વેચવામાં આવે છે. હવે જીનિંગ મિલનો માલિક રૂની એકસરખી ગાંસડીઓ તૈયાર કરીને તેને દોરા બનાવતી સ્પિનિંગ મિલના માલિકને વેચી દે છે. કાપડ મિલનો માલિક દોરામાંથી કાપડ બનાવીને તેના તાકા ડાઈંગ મિલમાં કલર કરવા માટે મોકલે છે. એ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ-અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરવામાં આવે છે. ખમીશ (શટ), પેન્ટ, બાળકોનાં કપડાં, છોકરા-છોકરીઓના પોશાક વગેરે તૈયાર થતાં તેના પર લેબલ લગાવી તેમને બૉક્સમાં પૅક કરવામાં આવે છે. પોશાકોનાં બૉક્સ જથ્થાબંધ વેપારીને વિદેશ વેપાર માટે કે ઘરેલુ બજાર માટે વેચવામાં આવે છે. આ વેપારી એ બૉક્સને છૂટક વેપારીને વેચે છે. છૂટક વેપારીના શો-રૂમમાંથી ગ્રાહકો મનગમતાં વસ્ત્રો ખરીદે છે. આ રીતે કાચા માલમાંથી કાપડ તૈયાર કરીને બજારમાં આવેલાં વસ્ત્રોનું વેચાણ થાય છે.
પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે સામે આપેલ ( ) માં V કે * ની નિશાનીથી દર્શાવો :
(1) ગુજરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી મળી રહે છે.
જવાબ : ખોટું
(2) જથ્થાબંધ માલસામાન વેચનાર વેપારીને છૂટક વેપારી કહે છે.
જવાબ : ખોટું
(3) ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે.
જવાબ : સાચું
પ્રશ્ન 4. મને ઓળખો :
પ્રશ્ન 5. ખાલી જગ્યા પૂરો :
(1) કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને……….બજાર કહે છે.
જવાબ : સાપ્તાહિક
(2) ખેડૂતોની ખેતપેદાશોનું જાહેર હરાજીથી વેચાણ………..માં થાય છે.
જવાબ : નિયંત્રિત બજાર (માર્કેટિંગ યાર્ડ)
(3) સોના-ચાંદીના દાગીના………..માર્કાવાળા જ ખરીદવા જોઈએ.
જવાબ : હોલમાર્ક
(4) કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ…………..છે.
જવાબ : કપાસ
(5) વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક……………છે.
જવાબ : બજાર
Also Read :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય