Class 7 Social Science Chapter 12 Swadhyay
Class 7 Social Science Chapter 12 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 12 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 12. વાતાવરણની સજીવો પર અસરો
સત્ર : પ્રથમ
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :
(1) ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે?
ઉત્તર : લોભ આવરણ વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે.
(2) ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં કયાં વૃક્ષો જોવા મળે છે?
ઉત્તર : ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં રોઝવુડ, અબનૂસ, મહોગની, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે.
(3) શંકુદ્રુમનાં જંગલોમાં કયાં પ્રાણીઓ વધુ જોવા મળે છે?
ઉત્તર : શંકુદ્રુમનાં જંગલોમાં વાંદરા, ધ્રુવીય (સફેદ) રીંછ, કસ્તુરી મૃગ, યાક, વરુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે.
(4) રણપ્રદેશના લોકો સતત ઊડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે?
ઉત્તર : રણપ્રદેશના લોકો સતત ઊડતી રેતીથી બચવા માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતાં વસ્ત્રો પહેરે છે.
(5) નૈઋત્યના પવનો કોને કહેવાય છે?
ઉત્તર : ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તે નૈઋત્યના પવનો કહેવાય છે.
પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો :
(1) સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો
ઉત્તર : સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યભાગમાં આવેલાં છે. આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવાં પ્રાણીઓ જોવા મળે છે.
(2) ભૂમધ્ય સાગરનાં જંગલો
ઉત્તર : ભૂમધ્ય સાગરનાં જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે, યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે. અહીં ઉનાળો લાંબો, સૂકો અને ગરમ હોય છે; જ્યારે શિયાળો ટૂંકો, હૂંફાળો અને ભેજવાળો હોય છે. તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંઘરી શકે એવી વિશિષ્ટતા ધરાવે છે. આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, શેતૂર, અંજીર, ઓલિવ (જૈતુન), સફરજન, નાસપાતી, પીચ,પ્લમ અને આલુ જેવાં રસદાર અને ખટાશવાળાં ફળો પુષ્કળ થાય છે. તેથી આ પ્રદેશ ‘ફળોના બગીચાઓનો પ્રદેશ’ કહેવાય છે.
(૩) સમતાપ આવરણ
ઉત્તર : વાતાવરણનો આ સ્તર ક્ષોભ-સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે. આ આવરણમાં તાપમાન એકસરખું સ્થિર રહે છે. તેથી તેને ‘સમતાપ આવરણ’ કહેવામાં આવે છે. તેમાં હવાની હલનચલન, પવનનાં તોફાનો, વાદળાં, વરસાદ, ઋતુઓ કે હિમ ઉદ્ભવતાં નથી. અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે. તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે. જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે. આ આવરણમાં આશરે 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે. જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને ‘સમતાપ-સીમા’ કહે છે.
સમતાપ આવરણના 15થી 35 કિલોમીટર વચ્ચેની ઊંચાઈએ આવેલા આવરણને ‘ઓઝોન આવરણ’ કહે છે. અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યનાં અત્યંત ગરમ પારજાંબલી (Ultra Violet) કિરણોને શોષી લે છે. ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે. તે માનવી માટે આરોગ્યપ્રદ છે. ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતાં સળગી ઊઠે છે અને નાશ પામે છે.
(4) વાતાવરણનું દબાણ
ઉત્તર : ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને ‘વાતાવરણનું દબાણ’ કહેવામાં આવે છે. સમુદ્રસપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. પૃથ્વીસપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડું હોય છે. તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) આબોહવા એટલે શું? આબોહવાની માનવજીવન પર થતી અસરો જણાવો.
ઉત્તર : કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુસંબંધી પરિસ્થિતિ. વાતાવરણના તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્ત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે.
આબોહવાની માનવજીવન પર થતી અસરો : (1) કોઈ પણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ વધારે થાય છે. (2) વધુ વરસાદવાળા પ્રદેશનાં ઘરોનાં છાપરાં તીવ્ર ઢોળાવવાળાં હોય છે; જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોનાં મકાનો ઓછા ઢોળાવનાં અને સપાટ છાપરાંવાળાં હોય છે. (3) જે-તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતીપાકોને ખોરાકમાં લે છે. દા. ત., મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે; જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. (4) જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવાં ઊની કાપડનો પોશાક પહેરે છે. દા. ત., લદાખના લોકો (5) ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખૂલતો પોશાક પહેરે છે. દા. ત., દક્ષિણ ભારતના લોકો (6) ગરમ રણપ્રદેશના લોકો સતત ઊડતી રેતી સામે રક્ષણ મેળવવા માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દા. ત., સાઉદી અરેબિયાના લોકો (7) અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે; જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતુ હોય છે. (8) લોકો મોટા ભાગે આબોહવા મુજબ ઉત્સવો ઉજવે છે. ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે.
(2) ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો વિશે જણાવો.
ઉત્તર : ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોને ‘ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો’ પણ કહે છે. આ જંગલો ઘટાદાર હોય છે. તે વિષુવવૃત્ત અને ઉષ્ણ કટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે. પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંનાં વૃક્ષોનાં પાંદડાં ક્યારેય એકસાથે ખરતાં નથી. નવાં પાંદડાં ફૂટતાં જ રહે છે, જેથી અહીંનાં જંગલો બારેમાસ લીલાં રહે છે. આથી તેને બારેમાસ લીલાં કે નિત્ય લીલા જંગલો કહે છે. રોઝવુડ, અબનૂસ, મહોગની, રબર વગેરે અહીંનાં મુખ્ય વૃક્ષો છે. ભારતમાં ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે.
પ્રશ્ન 4. યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો :
(1) રેડિયો તરંગોનું પરાવર્તન………..આવરણને આભારી છે.
ઉત્તર : આયના
(2) પશ્મિનો બકરી………….માં જોવા મળે છે.
ઉત્તર : કશ્મીર
(3) ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો…………હોય છે.
ઉત્તર : અત્યંત ઠંડા
Also Read :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય