Class 7 Science Chapter 5 Swadhyay
Class 7 Science Chapter 5 Swadhyay. Std 7 Science Chapter 5 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 5 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 5 | ભૌતિક અને રાસાયણિક ફેરફારો |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતાં ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો :
(a) પ્રકાશસંશ્લેષણ (b) પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું (c) કોલસાનું દહન (d) મીણનું પીગળવું (e) ઍલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી ઍલ્યુમિનિયમ ફૉઇલ બનાવવી (f) ખોરાકનું પાચન
ઉત્તર :
ભૌતિક ફેરફાર : પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું, મીણનું પીગળવું, ઍલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી ઍલ્યુમિનિયમ ફૉઇલ બનાવવી.
રાસાયણિક ફેરફાર : પ્રકાશસંશ્લેષણ, કોલસાનું દહન, ખોરાકનું પાચન.
પ્રશ્ન 2. સાચા વિધાન સામે T કરો અને ખોટા વિધાન સામે F કરો :
(a) લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે.
ઉત્તર : F
(b) પાંદડાંમાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે.
ઉત્તર : T
(c) લોખંડની પાઇપ પર જસતનો ઢોળ ચડાવતાં તેને જલદી કાટ લાગતો નથી.
ઉત્તર : T
(d) લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે.
ઉત્તર : F
(e) વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી.
ઉત્તર : T
પ્રશ્ન 3. નીચે આપેલાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરો.
(a) જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયૉક્સાઇડ પસાર કરવામાં આવે છે, ત્યારે તે……………ને કારણે દૂધિયું બની જાય છે.
ઉત્તર : કૅલ્શિયમ કાર્બોનેટ
(b) બેકિંગ સોડાનું રાસાયણિક નામ…………….છે.
ઉત્તર : સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ
(c) લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતો……………અને………..છે.
ઉત્તર : રંગ કરવો, ગૅલ્વેનાઇઝેશન
(d) પદાર્થના માત્ર……………ગુણધર્મમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે.
ઉત્તર : ભૌતિક
(e) એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે, તેને…………. ફેરફાર કહે છે.
ઉત્તર : રાસાયણિક
પ્રશ્ન 4. જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે, ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે. આ ક્યા પ્રકારનો ફેરફાર છે, તે સમજાવો.
ઉત્તર : જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે, ત્યારે કાર્બન ડાયૉક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. આથી આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે.
પ્રશ્ન 5. જ્યારે મીણબત્તી સળગે છે, ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતાં હોય.
ઉત્તર : જ્યારે મીણબત્તી સળગે છે, ત્યારે સૌપ્રથમ મીણ પીગળે છે. આ મીણનું પીગળવું ભૌતિક ફેરફાર છે. મીણના પીગળવા સાથે મીણ સળગીને ઑક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયૉક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે. આમ, મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફાર જોવા મળે છે.
આવા પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે. સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે. આ ભૌતિક ફેરફાર છે. પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું ચાલુ રાખતાં તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તે સળગી ઊઠે છે અને સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ બનાવે છે. આ રાસાયણિક ફેરફાર છે.
પ્રશ્ન 6. તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે?
ઉત્તર : દહીં બનાવવા મૂળ પદાર્થ દૂધ છે. દૂધમાં બૅક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં, નવા ગુણધર્મવાળો પદાર્થ બને છે. દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મોવાળા પદાર્થ છે. તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે.
પ્રશ્ન 7. સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે.
ઉત્તર : લાકડાનું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા ગુણધર્મોવાળા પદાર્થો રાખ અને કાર્બન ડાયૉક્સાઇડ બને છે. તેથી તે રાસાયણિક ફેરફાર છે. જ્યારે લાકડાને કાપી નાના ટુકડા કરવાથી તેનો આકાર અને કદ બદલાય છે. પરંતુ નાના ટુકડાઓ એ પદાર્થ તો લાકડું જ છે. તેથી તે ભૌતિક ફેરફાર છે. આમ, લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે.
પ્રશ્ન 8. કૉપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો.
ઉત્તર : કૉપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. કૉપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છેઃ
(1) એક બીકરમાં એક કપ પાણી લો. (2) પાણીને ગરમ કરો. પાણી ઊકળે ત્યાં સુધી ગરમ કરો. (3) હવે તેમાં કૉપર સલ્ફેટનો ભૂકો ઉમેરતાં જાવ અને મિશ્રણને હલાવતાં રહો. (4) જ્યારે દ્રાવણમાં વધુ કૉપર સલ્ફેટ ઓગળતો બંધ થાય, ત્યારે દ્રાવણને ગાળી લો. (આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય.) (5) આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો. (6) ત્યારપછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો. કૉપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કૉપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે.
પ્રશ્ન 9. સમજાવો – લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય છે.
ઉત્તર : લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે. આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી. તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે. આમ, લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે.
પ્રશ્ન 10. સમુદ્રકિનારાના પ્રદેશોમાં રણવિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે તે વાત સમજાવો.
ઉત્તર : હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે. સમુદ્રકિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણવિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી (ભેજ વગરની) હોય છે. વળી, સમુદ્રકિનારાના પ્રદેશોમાં ક્ષારવાળું પાણી હોય છે જે લોખંડની કટાવાની ક્રિયા ઝડપી બનાવે છે. આથી સમુદ્રકિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે.
પ્રશ્ન 11. રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગૅસ એ ‘લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)’ છે. સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતરણ થાય છે. (ફેરફાર – A) ત્યારબાદ તેનું દહન થાય છે. (ફેરફાર –B) આ ફેરફારો સાથે સંબંધિત નીચેનાં વિધાન સંબંધ ધરાવે છે. સાચા વિધાનની પસંદગી કરો.
(A) ફેરફાર – A રાસાયણિક ફેરફાર છે.
(B) ફેરફાર – B રાસાયણિક ફેરફાર છે.
(C) ફેરફાર – A અને B બંને રાસાયણિક ફેરફાર છે.
(D) ઉપરોક્ત એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી.
ઉત્તર : (B) ફેરફાર – B રાસાયણિક ફેરફાર છે.
પ્રશ્ન 12. પ્રાણીજ કચરાને પચાવીને એનેરોબિક બૅક્ટેરિયા બાયોગૅસ બનાવે છે.
(ફેરફાર – A) ત્યારબાદ બાયોગૅસનું બળતણ તરીકે દહન થાય છે. (ફેરફાર B) તો તેની સાથે સંબંધિત નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો :
(A) માત્ર ફેરફાર – A → રાસાયણિક ફેરફાર છે.
(B) માત્ર ફેરફાર – B → રાસાયણિક ફેરફાર છે.
(C) ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે.
(D) ઉપરનામાંથી એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી.
ઉત્તર : (C) ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે.
Also Read :
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય