Class 7 Science Chapter 13 Swadhyay
Class 7 Science Chapter 13 Swadhyay. Std 7 Science Chapter 13 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 13 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 13 સ્વાધ્યાય.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 13 | દૂષિત પાણીની વાર્તા |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :
(1) પાણીના શુદ્ધીકરણની પ્રક્રિયા એ……………દૂર કરવાની પ્રક્રિયા છે.
જવાબ : પ્રદૂષકો
(2) ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ…………….. કહેવાય છે.
જવાબ : સિવેઝ
(3) સુકાયેલ……………. એ ખાતર તરીકે ઉપયોગી છે.
જવાબ : કાદવ- Sludge
(4) ગટરોની પાઇપલાઇન………….અને……………દ્વારા બંધ થઈ શકે છે.
જવાબ : ખાદ્યતેલ
પ્રશ્ન 2. સુએઝ શું છે? સારવાર ન પામેલ સુએઝને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે?
ઉત્તર : સુએઝ એ ઘરો, ઉદ્યોગો, હૉસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે. સારવાર ન પામેલ સુએઝ સ્વાસ્થ માટે હાનિકારક છે. તે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરી શકે છે. તે જમીનની સપાટી પરના જળાશયો અને ભૂગર્ભજળ બંનેને પ્રદૂષિત કરે છે. તેથી તેને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે.
પ્રશ્ન 3. તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? સમજાવો.
ઉત્તર : તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચીકાશવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે. વળી તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે. આથી ગટરમાં પાણી વહેવવામાં રુકાવટ પેદા કરે છે. આને પરિણામે ગટરો બ્લૉક (જામ) થઈ જાય છે. પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે. આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહિ.
પ્રશ્ન 4. ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધીકરણ માટેના જુદા જુદા તબક્કાઓ સમજાવો.
ઉત્તર : ગટરના ગંદા પાણીની સારવાર (વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) દરમિયાન શુદ્ધીકરણ માટેના જુદા જુદા તબક્કાઓ નીચે મુજબ છે :
(1) ગટરના ગંદા પાણીને બારસ્કીન (યાંત્રિક ફિલ્ટર) માંથી પસાર કરવામાં આવે છે. આથી મોટી વસ્તુઓ જેવી કે ચીંથરાં, લાકડીઓ, પ્લાસ્ટિકના પૅકેટ, હાથરૂમાલ વગેરેને દૂર કરી શકાય છે.
(2) પછી ગંદા પાણીને અવસાદને ટાંકામાં લઈ જવામાં આવે છે. અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે. ત્યાં રેતી, કાંકરી, પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે.
(3) ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે. ટાંકો મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે. તે ભાગમાં મળ જેવા નકામા ઘન પદાર્થો તળિયે બેસી જાય છે, જેને સ્ક્રેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે. તેને કાદવ (Sludge) કહે છે. પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્ટીમર દ્વારા દૂર કરવામાં આવે છે. આ રીતે પ્રક્રિયા પામેલ પાણીને સ્વચ્છ પાણી કહે છે. સ્ક્રેપર દ્વારા દૂર કરેલા કાદવ(Sludge)ને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે. ત્યાં અજારક બૅક્ટરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે.
(4) શુદ્ધીકરણ પામેલ પાણીમાં એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે. તેમાં જારક બૅક્ટરિયા વૃદ્ધિ પામી મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે. અમુક કલાકો પછી નિલંબિત બૅક્ટરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે, જેને ક્રિયાશીલ કાદવ કહે છે. ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે. ક્રિયાશીલ કાદવમાં 97 % પાણી છે. હવે પાણીને રેતી ચૂકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે.
પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે. કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે. કેટલીક વાર પાણીને ક્લોરિન અથવા ઓઝોન જેવા રસાયણો ઉમેરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે.
પ્રશ્ન 5. કાદવ એ શું છે? તેને કેવી રીતે સારવાર અપાય છે તે સમજાવો.
ઉત્તર : વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીની શુદ્ધીકરણ પ્રક્રિયામાં ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરી તેને અવસાદના ટાંકામાં લાવી રેતી અને કાંકરી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે. ટાંકાનો મધ્ય ભાગ ઢળતો હોવાથી મળ જેવા નકામા ઘન પદાર્થો અહીં એકઠા થાય છે. આને કાદવ(Sludge) કહે છે. તેને સ્કેપર દ્વારા દૂર કરાય છે. કાદવ(Sludge)ને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે. ત્યાં અજારક બેકટેરિયા દ્વારા તેનું વિઘટન કરી તેમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે, બાકી રહેલો ભાગ સુકવી ખાતર તરીકે વપરાય છે.
પ્રશ્ન 6. સારવાર ન પામેલ માનવમળ એ સ્વાથ્ય માટે હાનિકારક છે. સમજાવો.
ઉત્તર : સારવાર ન પામેલ માનવમળ જળ પ્રદુષણ તથા ભૂમિ પ્રદુષણ કરે છે, તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભજળ બંનેને પ્રદૂષિત કરે છે. આ પ્રદૂષિત પાણી પીવાથી કૉલેરા, ટાઇફાઈડ, કમળો, ઝLડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. આમ, સારવાર ન પામેલ માનવમળ એ સ્વાથ્ય માટે હાનિકારક છે.
પ્રશ્ન 7. પાણીને બિનચેપી બનાવવા માટે કયા બે રસાયણો વપરાય છે?
ઉત્તર : પાણીને બિનચેપી (જંતુરહિત) બનાવવા માટે ક્લોરિન વાયુ (કે ક્લોરિન ટિકડી) અને ઓઝોન વાયુ વપરાય છે.
પ્રશ્ન 8. વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતાં બારસ્ક્રીનનાં કાર્યો સમજાવો.
ઉત્તર : વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બારસ્કીનમાંથી પસાર કરવામાં આવે છે. તેના ઊભા સળિયા લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, ચીંથરાં, હાથરૂમાલ જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે. આમ, બારસ્ક્રીન વડે મોટો અને યંત્રોને નુકસાન પહોંચાડે તેવો કચરો દૂર કરી શકાય છે.
પ્રશ્ન 9. સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો.
ઉત્તર : સારી સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી ઓછી રહે છે. ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર, માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે અને ગંદકી ફેલાય છે. પાઇપ તૂટવાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કૉલેરા, ટાઇફોઈડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે. આમ, સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે.
પ્રશ્ન 10. સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો.
ઉત્તર : ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામપંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ. ગટરોનાં ઢાંકણાં ન હોય કે કોઈકના ઘરનું પાણી પાડોશીના ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય. પીવાનું પાણી ડહોળું આવે તોપણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય. જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય. સારી સ્વચ્છતાસભર પદ્ધતિઓ અપનાવવી એ આપણી જીવનશેલી હોવી જોઈએ. તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે. લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે.
પ્રશ્ન 11. અહીં ક્રોસવર્ડ પઝલ (પહેલી) આપેલ છે. આપેલ ચાવીઓના જવાબોના અંગ્રેજી શબ્દોની મદદથી ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરો. ગુડ લક !
આડી ચાવી :
(3) પ્રવાહી કચરો – SEWAGE
(4) સિવેઝ ટ્રીટમેન્ટમાં ઘન કચરો – SLUDGE
(6) સ્વચ્છતાને લગતો શબ્દ – SANITATION
(8) માનવશરીરમાંથી બહાર ફેંકાતો કચરો – EXCRETA
ઊભી ચાવી :
(1) વપરાયેલ પાણી – WASTEWATER
(2) સિવેઝ લઈ જતી પાઇપ – SEWER
(5) સૂક્ષ્મ જીવો જે કૉલેરા માટે જવાબદાર છે – BACTERIA
(7) પાણીને બિનચેપી બનાવતું રસાયણ – OZONE
અંગ્રેજી શબ્દો : (SEWER, SEWAGE, BACTERIA, SANITATION, WASTEWATER, EXCRETA, SLUDGE, OZONE)
ઉત્તર :
પ્રશ્ન 12. ઓઝોન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો :
(1) તે સજીવોના શ્વાસોચ્છવાસની ક્રિયા માટે જરૂરી છે.
(2) તે પાણીને બિનચેપી બનાવવા જરૂરી છે.
(3) તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
(4) તેનું પ્રમાણ હવામાં 3 % જેટલું છે.
આમાંથી ક્યાં વિધાનો સાચાં છે?
(A) (1), (2) અને (3)
(B) (2) અને (3)
(C) (1) અને (4)
(D) આપેલ તમામ
ઉત્તર : (B) (2) અને (3)
Also Read :
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય