Class 7 Gujarati Chapter 6 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 6 અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 7 Gujarati Chapter 6 Swadhyay
Class 7 Gujarati Chapter 6 Swadhyay

Class 7 Gujarati Chapter 6 Swadhyay

Class 7 Gujarati Chapter 6 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના પાઠ 6 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 6 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 6. ભીખુ

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો.

(1) અહીં ‘માણસોનો ઠઠારો’ એટલે………….

(ક) ધક્કામુક્કી

(ખ) ભીડ

(ગ) મેળો

(ઘ) ઝગમગાટ

ઉત્તર : (ખ) ભીડ

(2) હું………..એક જ જાતના સ્વરો વચ્ચે થઈને ‘પગથી પર ચડી ગયો’ એટલે…

(ક) પગેથી ચાલીને ગયો

(ખ) ફૂટપાથ પર ગયો

(ગ) રોડ પર ગયો

(ઘ) એક પ્રકારના વાહનમાં ગયો

ઉત્તર : (ખ) ફૂટપાથ પર ગયો

(3) ‘‘ભીખુ’’ પાઠમાં, ‘આ છોકરો સ્તંભ હશે’ – શબ્દોનો અર્થ શો છે?

(ક) નોકરી કરતો

(ખ) કુટુંબમાં જવાબદાર

(ગ) કમાતો

(ઘ) અડગ

ઉત્તર : (ખ) કુટુંબમાં જવાબદાર

(4) ‘‘ભીખુ’ પાઠની ઘટના ક્યા શહેરની છે?

(ક) દિલ્હી

(ખ) અમદાવાદ

(ગ) ગોંડલ

(ઘ) વીરપુર

ઉત્તર : (ખ) અમદાવાદ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

( 1 ) લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા?

ઉત્તર : લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા.

(2) છોકરાની મા તરફ શૉફરે શા માટે ઠપકાભરી નજર નાખી?

ઉત્તર : છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ શૉફરે ઠપકાભરી નજર નાખી.

(૩) લેખક સ્ત્રીને ત્રણ પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા?

ઉત્તર : લેખકે ત્રણ પૈસા સ્ત્રીને આપતાં, પૈસાના ખખડાટથી જાગેલું છોકરુ રખેને લેખકને હેરાન કરે એ વિચારથી લેખક દૂર જતા રહ્યા.

(4) છોકરાં એના (ભિખારી) ભાઈને શા માટે વળગી પડ્યાં?

ઉત્તર : છોકરાં ભૂખ્યાં હતાં તેથી (ભિખારી) ભાઈ કંઈ લાવ્યો હશે. એમ ધારીને તેને વળગી પડ્યાં.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) લેખક કોની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા? શા માટે?

ઉત્તર : લેખક એક દસ-બાર વર્ષના અત્યંત કંગાળ લાગતા છોકરાની વર્તણૂકને બારીકાઈથી જોઈ રહ્યા હતા, કારણ કે તે મીઠાઈની દુકાન આગળના એક ખૂણામાં ઊભો હતો. તે અત્યંત તૃષ્ણાથી અનિમેષ દૃષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને જલેબીનાં ચકચકત ગૂંચળાં તરફ જોઈ રહ્યો હતો.

(2) ભીખુ દાળિયા ખાતાં શા માટે અટકી ગયો?

ઉત્તર : ભીખુએ છ પૈસાના દાળિયા જોખાવ્યા. પછી તે નીચે ધૂળમાં ચીંથરું પાથરી તેમાં દાળિયા બાંધવા લાગ્યો. તેણે તેમાંથી એક મૂઠી ભરી દાળિયા લીધા. તે દાળિયા મોંમાં મૂકવા જતો હતો ત્યાં તેને તેનાં ભૂખ્યાં ભાંડુઓ યાદ આવ્યાં, તેથી તે દાળિયા ખાતાં અટકી ગયો.

(૩) લેખકે હૉટલ અને સિનેમાને શા માટે યાદ કર્યાં?

ઉત્તર : લેખકે બે કલાક પહેલાં જ કલદાર રાણીછાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. તેમાંથી નવ આના સિનેમામાં અને સવા છ આના હૉટલમાં ખરચાઈ ગયા હતા. હવે લેખક પાસે માત્ર ત્રણ પૈસા જ બાકી રહ્યા હતા. તે તેમણે ભિખારણ બાઈને આપી દીધા. ભીખુએ પોતે ભૂખ્યા રહીને પોતાનાં ભૂખ્યાં ભાંડુઓને દાળિયા ખાવા આપ્યા હતા. આ જોઈને લેખકને થયું કે સિનેમા અને હૉટલના વિલાસી ખર્ચા ઓછા કરવામાં આવે તો આવા ગરીબોને પોષી શકાય. આમ લેખકે હૉટલ અને સિનેમાને યાદ કર્યાં.

(4) ભીખુએ લેખક સામે લુચ્ચાઈમાં મોં કેમ મલકાવ્યું?

ઉત્તર : ભીખુએ પોતાનાં ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા. લેખકે આ હકીકત જોઈ. લેખકે એનું નામ પૂછ્યું. પોતાની વાત લેખક કળી ગયા છે એવું જાણીને ભીખુએ લુચ્ચાઈમાં મોં મલકાવ્યું.

(5) ભીખુનો ભાંડરડાં માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો?

ઉત્તર : ભીખુ ખરીદેલા દાળિયા ચીંથરામાં બાંધી રહ્યો હતો, ત્યારે તેણે તેમાંથી દાળિયાની એક મૂઠી ભરી; પણ દાળિયા ખાધા નહિ. તે ભૂખનું દુ:ખ ગળી જઈને તેની મા પાસે પહોંચ્યો. તે મા આગળ જૂઠું બોલ્યો કે તેને એક શેઠે જલેબી ખવડાવી છે. તેથી લેખકને ભીખુનો ભાંડરડાં માટેનો પ્રેમ ગમ્યો.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) લેખક ચાલતાં ચાલતાં ક્યાં અટકી ગયા? ત્યાં તેમણે શું જોયું?

ઉત્તર : લેખક ફૂટપાથ પર ચાલતા હતા. તે સમયે તેમણે ત્રણ દરવાજા પાસે દર્દથી બોલાયેલા આ શબ્દો સાંભળ્યા, ‘એક કંગાલ પર ઇતની રહમ કરો !’ આથી લેખક ચાલતાં ચાલતાં અટકી ગયા. ત્યાં તેમણે દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રીને ત્રણ-ચાર બાળકો સાથે જોઈ.

(2) ભીખુએ જલેબી ખરીદીને શા માટે ખાધી નહિ?

ઉત્તર : જલેબીની સુગંધથી ભીખુનું મોં પાણી પાણી થઈ ગયું, છતાં તેણે જલેબી ખરીદી નહિ. ભીખુને તેનાં ભૂખ્યાં ભાંડુઓ યાદ આવ્યાં. તેણે જલેબીને બદલે છ પૈસાના દાળિયા ખરીદ્યા, જેથી બધા ભાંડુઓને થોડા થોડા દાળિયા ખાવા મળે.

(૩) ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો?

ઉત્તર : ભીખુની મા અને એનાં ભાંડુ ભૂખ્યાં હતાં. એની પાસે એટલા દાળિયા નહોતા, કે જેથી ઘરનાં બધાંની ભૂખ સંતોષી શકાય. બધાંને દાળિયા મળી રહે એ માટે ભીખુએ પોતે દાળિયા ખાધા નહિ. કુટુંબ પ્રત્યેની લાગણીને કારણે તે એની મા આગળ ખોટું બોલ્યો કે પોતે ધરાઈને ખાધું છે.

(4) ‘કુટુંબનો સ્તંભ’ કોને કહેવાય?

ઉત્તર : ઘરનો સ્તંભ ઘર માટે ટેકા કે આધારનું કામ કરે છે. એમ જે વ્યક્તિ ૫૨ સમગ્ર કુટુંબનો આધાર હોય તેને ‘કુટુંબનો સ્તંભ’ કહેવાય.

(5) ‘ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો.’ – એવું લેખકે કેમ કહ્યું?

ઉત્તર : ભીખુ પોતે પણ ખૂબ ભૂખ્યો હતો. ભૂખનું એ દુઃખ દૂર કરવા એણે છ પૈસાના દાળિયા ખરીદ્યા. દાળિયા મોંમાં નાખવા જતાં એને પોતાનાં ભૂખ્યાં ભાંડુ યાદ આવ્યાં. તે દાળિયા ખાઈ ન શક્યો. લેખક તેથી કહે છે : ‘ભીખુ ભૂખનું દુ:ખ ગળી ગયો.’

(6) આ વાર્તાનું શીર્ષક તમે શું આપો? શા માટે?

ઉત્તર : આ વાર્તાનું શીર્ષક હું ‘અંતરના અમી’ આપું, કારણ કે આ વાર્તાનું મુખ્ય પાત્ર ભીખુ પોતે દુઃખ વેઠે છે, પણ મા અને ભાઈભાંડુનો વિશેષ ખ્યાલ રાખે છે. પોતે ભીખ માગીને લાવે અને પોતે ન ખાય પણ ભાઈભાંડુને ખવડાવે છે. જે ભીખુના અંતરમાં રહેલું અમૃત તત્ત્વ છે.

પ્રશ્ન 2. નીચેનાં વાક્યો કોણ બોલે છે તે કહો :

(1) ખાવાનું તો ભાઈ લાવે ત્યારે …’

ઉત્તર : આ વાક્ય છોકરાંની મા બોલે છે.

(2) ‘એક શેઠિયે મને જલેબી ખવડાવી.’

ઉત્તર : આ વાક્ય ભીખુ બોલે છે.

(૩) ‘મા ! કાંઈ ખાવાનું છે?’

ઉત્તર : આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભીખારણનું છોકરું બોલે છે.

(4) ‘એઈ – આંખ પણ નથી કે શું?’

ઉત્તર : આ વાક્ય પારસી બાનુનો પટાવાળો બોલે છે.

પ્રશ્ન 3. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી, વાક્યપ્રયોગ કરો :

(1) ઉગારી લેવું – બચાવી લેવું

વાક્ય : ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને, મુસાફરોને અકસ્માતથી ઉગારી લીધાં.

(2) વાત ક્ળાઈ જવી – વાત સમજાઈ જવી

વાક્ય : પોતાની વાત કળાઈ ગઈ છે એ જાણીને રઘુ શરમિંદો થઈ ગયો.

(૩) રાડ ફાટી જવી – ભયથી ચીસ પડી જવી

વાક્ય : રસ્તાની વચ્ચે ચાલતી બસની બ્રેક ફેઈલ થઈ જતાં, સૌની રાડ ફાટી ગઈ.

(4) વદન કરમાઈ જવું – નિરાશ થઈ જવું

વાક્ય : પરીક્ષામાં નાપાસ થતાં ચંપકનું વદન કરમાઈ ગયું.

પ્રશ્ન 4. સૂચવ્યા મુજબ કરો :

(1) આ પાઠમાં ‘વદન’ શબ્દ છે. આ શબ્દમાંના અક્ષરોનો ઉપયોગ કરી બીજા શબ્દો બનાવી શકાય :

જેમ કે  – વદ, વન

( 2 ) આ ઉપરાંત બીજા વધુ શબ્દો બનતા હોય તો બનાવો.

ઉત્તર : દન, દવ, નદ, નવ

(૩) આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી મેળવો.

ઉત્તર :

(1) દન = દિવસ

(2) દવ = દાવાનળ

(3) નદ = મોટી નદી

(4) નવ = ‘9’ (સંખ્યા)

(5) વદ = કૃષ્ણ પક્ષ, અંધારિયું

(6) વન = જંગલ

(4) આ શબ્દોના ઉપયોગથી વાક્યો બનાવો :

ઉત્તર :

(1) મંદિરના મહારાજે છેલ્લા છ દનથી અનાજ-પાણી છોડ્યાં છે.

(2) જંગલમાં દવ લાગ્યો છે.

(૩) નદનાં ઊંડાં પાણીમાં હોડીઓ તરે છે.

(4) શંકરપ્રસાદને નવ ભાઈ-બહેન છે.

(5) મારા ભાઈનો જન્મ શ્રાવણ વદ ત્રીજનો છે.

(6) પહેલાના જેવાં ગાઢ વન હવે રહ્યાં નથી.

પ્રશ્ન 5. શબ્દશતરંજ

આપેલ કોષ્ટકના આડા, ઊભા અને ત્રાંસા ખાનામાંથી નવ તેજસ્વી અને પ્રેરક બાળકોનાં નામ શોધો. દરેકનો ત્રણ-ચાર વાક્યોમાં પરિચય આપો.

Class 7 Gujarati Chapter 6 Swadhyay
Class 7 Gujarati Chapter 6 Swadhyay

ઉત્તર :

(1) અજ (2) અભિમન્યુ (3) આરુણી (4) કુશ (5) ધ્રુવ (6) નરેન્દ્ર (7) નચિકેતા (8) લવ (9) ઉપમન્યુ

(1) અજ – અજ સૂર્યવંશી રાજા રધુનો પુત્ર હતો. ઇન્દુમતી નામની રાજકન્યાને તે પરણ્યો હતો. આકાશમાર્ગે જતા નારદની વીણા પરથી પુષ્પહાર ઇન્દુમતી ઉપર પડતાં તેનું અવસાન થયું હતું. ત્યારે અજ રાજાએ વિલાપ કર્યો હતો.

(2) અભિમન્યુ – તે અર્જુનનો પુત્ર હતો. માતા સુભદ્રાની કુખે જન્મ્યો હતો. કૃષ્ણનો તે ભાણેજ હતો. મહાભારતના યુદ્ધમાં તેર દિવસ સુધી તે બરાબર ઝઝૂમ્યો હતો. કૌરવોએ ગોઠવેલા ચક્રવ્યૂહમાં તે ફસાઈ ગયો. કૌરવોએ એનો અન્યાયથી વધ કર્યો.

(૩) આરુણી – ગુરુએ તેને ખેતરમાં પાણીમાં પાળો બાંધવાનું કામ સોંપ્યું હતું. પાણી જોરમાં આવતું હતું અને પાળો તૂટી જતો હતો. આથી પોતે જ ત્યાં સૂઈ ગયો. પાણી અટક્યું. ગુરુએ એને ઉઠાવ્યો અને શાબાશી આપી. પાછળથી તે જ ‘ઉદ્દાલક’ તરીકે પ્રસિદ્ધ થયો.

(4) કુશ – ભગવાન શ્રીરામનો મોટો પુત્ર હતો. તેનો જન્મ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં થયો હતો. શ્રીરામે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે કુશ અને તેના ભાઈ લવે યજ્ઞના ઘોડાને પકડી શ્રીરામની સેનાને પડકારી હતી. તેણે કુશાવતી નગરીની સ્થાપના કરી હોવાનું મનાય છે.

(5) ધ્રુવ – તે રાજા ઉત્તાનપાદ અને એની અણમાનીતિ રાણી સુનીતિનો પુત્ર હતો. પાંચ વર્ષની વયે પિતાના ખોળામાં બેસવાની બાબતમાં રાજાની માનીતી રાણી સુરુચિએ તેનું અપમાન કર્યું. તેથી તે જંગલમાં ગયો અને તેણે ઘોર તપ કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા.

(6) નરેન્દ્ર – સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. નાનપણથી જ તેઓ તેજસ્વી, બુદ્ધિમાન તેમજ શક્તિશાળી હતા. તેમણે એક શક્તિશાળી આખલાને બે શિંગડાં પકડી પછાડ્યો હતો. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા પછી પરમહંસે તેમને ‘વિવેકાનંદ’ નામ આપ્યું. દરિદ્રનારાયણની સેવા તેમનો જીવનમંત્ર હતો.

(7) નચિકેતા – તે ગૌતમ ગોત્રમાં થયેલા આરુણિ (ઉદ્દાલક) ઋષિનો પુત્ર હતો. ઉદ્દાલક ઋષિએ યજ્ઞ કર્યો. તેમણે ઘરડી ગાયો દાનમાં આપવા માંડી. ‘આપ મને કોને આપો છો?’ – તેણે પિતાને પૂછ્યું. પિતા મૂંઝાયા. ગુસ્સે થયા. ‘યમને’ તેમણે જવાબ આપ્યો, નચિકેતા યમ પાસે ગયો. યમ નચિકેતા ઉપર પ્રસન્ન થયા. તેમણે નચિકેતાને ત્રણ વરદાન આપ્યાં.

(8) લવ – તે ભગવાન શ્રીરામનો નાનો પુત્ર હતો. સીતાની કુખે તેનો જન્મ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં થયો હતો. લવ અને તેના ભાઈ કુશે શ્રીરામના અશ્વમેધ યજ્ઞના ઘોડાને રોકીને શ્રીરામની સેનાને પડકારી હતી.

(9) ઉપમન્યુ – ઉપમન્યુ ધૌમ્ય ઋષિનો શિષ્ય હતો. તેને આશ્રમની ગાયો ચારવાનું કામ સોંપ્યું હતું. આકડાનું દૂધ આંખમાં પડવાથી તે આંધળો થતાં કૂવામાં પડ્યો. ગુરુએ તેને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. અશ્વિનીકુમારોની કૃપાથી તે ફરીથી દેખતો થયો હતો.

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 7 અભ્યાસ અને સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top