Class 7 Gujarati Chapter 4 Swadhyay
Class 7 Gujarati Chapter 4 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના પાઠ 4 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 4 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : ગુજરાતી
એકમ : 4. બે ખાનાંનો પરિગ્રહ
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના ખાનાંમાં લખો :
(1) ગાંધીજીને કયા વાઇસરૉયને મળવા દિલ્લી જવાનું હતું?
(ક) લૉર્ડ ક્લાઇવ
(ખ) લૉર્ડ ડેલહાઉસી
(ગ) લૉર્ડ મિન્ટો
(ઘ) લૉર્ડ માઉન્ટ બેટન
ઉત્તર : (ઘ) લૉર્ડ માઉન્ટ બેટન
(2) મનુબહેન ગાંધીજીનાં શું થતાં હતાં?
(ક) પુત્રી
(ખ) પૌત્રી
(ગ) દોહિત્રી
(ઘ) ભત્રીજી
ઉત્તર : (ખ) પૌત્રી
(3) ‘બે ખાનાંનો પરિગ્રહ’ પાઠથી તમે શીખશો કે…
(ક) વણખપનું ન વાપરવું.
(ખ) સંગ્રહ કરવો.
(ગ) સગવડોનો ઉપયોગ કરવો.
(ઘ) મનુબહેન સાચાં હતાં.
ઉત્તર : (ક) વણખપનું ન વાપરવું.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) ગાંધીજીને શામાં બેસાડીને વાઇસરૉયે મળવા બોલાવ્યા હતા?
ઉત્તર : ગાંધીજીને વિમાનમાં બેસાડીને વાઇસરૉયે મળવા બોલાવ્યા હતા.
(2) લેખિકાએ ‘હિન્દુસ્તાનના પિતા’ કોને કહ્યા છે?
ઉત્તર : લેખિકાએ ગાંધીજીને ‘હિન્દુસ્તાનના પિતા’ કહ્યા છે.
(3) ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કયું કામ કર્યું?
ઉત્તર : ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કામ ફંડ ઉઘરાવવાનું કર્યું.
(4) સ્ટેશન માસ્તરે ગાંધીજીને શી આજીજી કરી?
ઉત્તર : સ્ટેશન માસ્તરે ગાંધીજીને, રેલવેના ડબાનાં બંને ખાનાં વાપરવાનું ચાલુ રાખવા માટે આજીજી કરી.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી?
ઉત્તર : વાઇસરૉયે બાપુને વિમાન દ્વારા મળવા બોલાવ્યા. બાપુએ વિમાનમાં જવાની વાઇસરૉયને ના પાડી, જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી શકાય નહિ, એમ ગાંધીજી માનતા હતા.
(2) લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાનો ડબો શા માટે પસંદ કર્યો?
ઉત્તર : લેખિકાને થયું કે સ્ટેશને-સ્ટેશને બાપુનાં દર્શન કરવા માટે લોકોની ભીડ જામશે. ફંડ એકઠું કરતાં અવાજ થશે. તેથી બાપુને સહેજ પણ આરામ મળશે નહિ. જો એક ખાનામાં સામાન રહે અને બીજા ખાનામાં બાપુ સૂઈ-બેસી શકે તો બાપુજીની સગવડ સચવાય. આથી લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાનો ડબો પસંદ કર્યો.
(૩) બાપુએ લેખિકાને શા માટે ઠપકો આપ્યો?
ઉત્તર : પટનાથી દિલ્લીની મુસાફરી માટે બાપુએ લેખિકાને ઓછામાં ઓછો સામાન રહે એવો રેલવેનો નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબો પસંદ કરવા કહ્યું હતું, પણ લેખિકાએ બાપુની સગવડ અને અનુકૂળતા માટે બે ખાનાવાળો ડબો પસંદ કર્યો. બાપુ પોતાના ખપ કરતાં વધારે વાપરવું તેને એક પ્રકારની હિંસા સમજતા હતા, તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો.
(4) લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવા બાપુએ શું કરવા સૂચવ્યું?
ઉત્તર : લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવા બાપુએ લેખિકાને રેલવેના ડબાનું બીજું ખાનું ખાલી કરવા કહ્યું અને તેનો ઉપયોગ વધારાનાં જે પેસેન્જરો લટકતાં હતાં તેમને માટે કરવા સ્ટેશન માસ્તરને સૂચવ્યું.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી?
ઉત્તર : આ પ્રસંગમાંથી અમને પ્રેરણા મળે છે કે ખપ કરતાં વધારે વાપરવામાં એક પ્રકારની હિંસા રહેલી છે.
(2) ગાંધીજી વિશે દસ વાક્યો લખો.
ઉત્તર : મહાત્મા ગાંધીનો જન્મ ઈ. સ. 1869ના ઑક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. બાળપણમાં તેમણે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું. શ્રવણની વાર્તા વાંચી. તેની ગાંધીજી પર ઊંડી અસર થઈ. માધ્યમિક શિક્ષણ પૂરું કરીને તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા ને બૅરિસ્ટર થયા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમને રંગભેદનો કડવો અનુભવ થયો. આ અન્યાય દૂર કરવા તેમણે અહિંસક લડત ઉપાડી. તેમાં તેઓ સફળ થયા. ત્યાંથી ભારત આવ્યા. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા બાપુએ આંદોલન ચલાવ્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમનાં શસ્ત્રો હતાં. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો. તેઓ સફળ થયા. ઈ. સ. 1947માં ભારતને આઝાદી મળી.
(3) બચાવને ‘લૂલો’ ને બદલે ‘આંધળો’ કહીએ તો? અને પ્રેમને ‘આંધળો’ને બદલે ‘ફૂલો’ કહીએ તો?
ઉત્તર : ‘લૂલો બચાવ’ એ રૂઢ થયેલો શબ્દપ્રયોગ છે. ‘લૂલો’ એટલે નિરાધાર પુરાવા વિનાનો. જેના બચાવમાં કશો પુરાવો કે આધાર ન હોય તેને ‘આંધળો બચાવ’ કહી શકાય નહિ.
‘આંધળો પ્રેમ’ (બ્લાઇન્ડ લવ) એ પણ રૂઢ થયેલો શબ્દપ્રયોગ છે. ‘આંધળો’ એટલે જેમાં પ્રેમી પોતાના પ્રિય પાત્ર સિવાય બીજું કશું જોઈ શકતી નથી તેવો પ્રેમ.
આમ ‘લૂલો બચાવ’ તેમજ ‘આંધળો પ્રેમ’નાં વિશેષણો બદલવાથી અર્થ અસ્પષ્ટ બને છે.
પ્રશ્ન 2. નીચેના શબ્દોના અર્થ જાણો અને તેમનો વાક્યપ્રયોગ કરો :
(1) ખેવના – સંભાળ, કાળજી
વાક્ય : માના આકસ્મિક મૃત્યુ પછી છોકરાંની ખેવના રાખનાર કોઈ ન રહ્યું.
(2) હુન્નર – કારીગરી, કસબ
વાક્ય : હુન્નર શીખનાર ક્યારેય ભૂખે મરતો નથી.
(૩) ભીડ – ગિરદી
વાક્ય : ભીડમાં ખિસ્સાકાતરુંથી સાવધ રહેવું જોઈએ.
(4) સલૂન – ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબો
વાક્ય : મહારાજાઓ અને અંગ્રેજ અમલદારો સલૂનમાં જ મુસાફરી કરતા.
(5) પ્રાયશ્ચિત્ત – પાપના નિવારણ માટેનું તપ
વાક્ય : કોઈ ખોટું કામ થઈ જાય તો આપણે તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.
પ્રશ્ન 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો :
(કે, અને, એટલે, તો)
(1) એકમાં સામાન રખાવ્યો………બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું.
ઉત્તર : અને
(2) ઇન્સ્પેક્ટરે જોયું……….મહાદેવની આંખમાં આંસુ હતાં.
ઉત્તર : તો
(3) ડૉક્ટરે કહ્યું…………એણે કસરત કરવી જોઈએ.
ઉત્તર : કે
(4) મહાદેવ ગાયને હાંકવા રોકાયો……….એને પરીક્ષામાં મોડું થયું.
ઉત્તર : એટલે
Also Read :
ધોરણ 7 ગુજરાતી પાઠ 5 અભ્યાસ અને સ્વાધ્યાય