Class 7 Gujarati Chapter 19 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 19 અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 7 Gujarati Chapter 19 Swadhyay
Class 7 Gujarati Chapter 19 Swadhyay

Class 7 Gujarati Chapter 19 Swadhyay

Class 7 Gujarati Chapter 19 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 19નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 19 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 19 પાંચ દાણા

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :

(1) ધનપાલ શેઠ ગણતરીવાળા હતા નો અર્થ………….

(ક) પૈસાદાર હોવાથી હિસાબમાં પાક્કા હતા.

(ખ) બહુ જ લોભી હતા.

(ગ) કંજૂસ હતા.

(ઘ) ધનની બાબતમાં કુનેહવાળા હતા.

જવાબ : (ઘ) ધનની બાબતમાં કુનેહવાળા હતા.

(2) ધનપાલ શેઠે ચાર વહુઓને દાણા આપ્યા હતા કારણ કે………..

(ક) હોશિયાર વહુને ઓળખવા માગતા હતા.

(ખ) તે વહુઓની પરીક્ષા લેવા માગતા હતા.

(ગ) તે આવડતવાળી વહુને શોધવા માગતા હતા.

(ઘ) કઈ વહુ દાણા વાવીને ડબલ કરે છે તે જાણવા માગતા હતા.

જવાબ : (ખ) તે વહુઓની પરીક્ષા લેવા માગતા હતા.

(3) નાની વહુની દાણા વાવવાની વાત સાંભળીને ધનપાલ શેઠ………….

(ક) બે વહુઓ પર બહુ જ ખીજાયા.

(ખ) બંનેને અલગ ઘરમાં રહેવા ચાલ્યા જવાનું કહ્યું.

(ગ) નાની વહુની રાહબરી હેઠળ કામ કરવા કહ્યું.

(ઘ) ત્રીજી વહુને ઘરની તમામ જવાબદારી સોંપી.

જવાબ : (ગ) નાની વહુની રાહબરી હેઠળ કામ કરવા કહ્યું.

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર આપો :

(1) ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી?

ઉત્તર : ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. એમને ત્યાં લક્ષ્મીની છોળો ઊછળતી હતી. તેમની પાસે ઘરમાં ખરચતાં ખૂટે નહિ એટલું ધન હતું.

(2) શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા?

ઉત્તર : જો ઘરની રાણી આવડતવાળી ન હોય, તો અઢળક ધન પણ ખૂટી જાય, એમ શેઠ માનતા હતા.

(3) દીકરાઓની કઈ બાબતથી શેઠને સંતોષ હતો?

ઉત્તર : શેઠના ચારેય દીકરાઓનું મન વેપારધંધામાં લાગેલું હતું. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો.

(4) વહુઓનું પારખું કરવા શેઠે કઈ યુક્તિ વિચારી?

ઉત્તર : વહુઓનું પારખું કરવા શેઠે એક યુક્તિ વિચારી. તેમણે ચારેય વહુઓને બોલાવી. દરેકને ડાંગરના પાંચ-પાંચ દાણા આપ્યા. એ દાણા કાળજીપૂર્વક સાચવી રાખવા અને માગું ત્યારે પાછા આપવા કહ્યું.

(5) સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા પાંચ દાણાનું શું કર્યું?

ઉત્તર : સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા પાંચ ડાંગરના દાણા પોતાના પિયરમાં મોકલાવીને ત્યાં ખેતરમાં વવરાવ્યા. પાક પાકતો ગયો અને વહુ એને ફરીફરીને વવરાવતી ગઈ. આમ, શેઠે આપેલા ડાંગરના પાંચ દાણા વધતા જ ગયા.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) શેઠે ઘરના કોઠારનો કારભાર કોને સોંપ્યો?  શા માટે?

ઉત્તર : શેઠે ઘરના કોઠારનો કારભાર નાની વહુને સોંપ્યો, કારણ કે શેઠની પરીક્ષામાં એ સફળ થઈ હતી. તે ઠરેલ અને ચતુર હતી. તે ઘરની લક્ષ્મી હતી. એના હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે અને તે ઘર સારી રીતે સાચવી શકશે એમ ધનપાલ શેઠને લાગ્યું હતું.

(2) શેઠ ધનવાન હતા, છતાં તે ગણતરીવાળા હતા, એવું શા માટે કહી શકાય?

ઉત્તર : શેઠ ધનવાન હતા, છતાં ગણતરીવાળા હતા, કારણ કે તે સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય, તો અઢળક ધન પણ ખૂટી જાય. તે બાબતને ધ્યાનમાં લઈને જ તેમણે ચારેય વહુઓનું પારખું લીધું હતું.

(3) શેઠને વહુઓનું જ પારખું કરવાની ઇચ્છા કેમ થઈ?

ઉત્તર : શેઠને ખ્યાલ હતો કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. દીકરાની વહુઓ ચાલાક અને ઘરરખુ છે કે નહિ તે જાણવા માટે શેઠને વહુઓનું જ પારખું કરવાની ઇચ્છા થઈ.

(4) ધનપાલ શેઠે સૌથી નાની વહુને ઠરેલ અને ચતુર કેમ ગણી?

ઉત્તર : ધનપાલ શેઠે દરેક વહુને ડાંગરના પાંચ-પાંચ દાણા આપ્યા હતા. સૌથી નાની વહુએ એ પાંચ દાણામાંથી ગાડાં ભરાય એટલા દાણા ઉત્પન્ન કર્યા હતા. નાની વહુ ઉંમરમાં બધી વહુઓથી કદાચ નાની હશે પણ સ્વભાવે કરેલ હતી અને એનામાં સમયને પારખવાની ચતુરાઈ હતી.

(5) ધનપાલ શેઠે નાની વહુમાં કયા પ્રકારનું શાણપણ જોયું?

ઉત્તર : ધનપાલ શેઠે નાની વહુમાં ઠરેલપણું, ચતુરાઈ તેમજ ઘરનો કારભાર ચલાવી શકે એવું શાણપણ જોયું.

પ્રશ્ન 2. નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો :

(1) “એ દાણા જતન કરીને સાચવી રાખજો.”

ઉત્તર : આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે.

(2) “એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા. હવે એ દાણા ક્યાંથી લાવીએ?”

ઉત્તર : આ વાક્ય ધનપાલ શેઠની મોટી બે વહુઓ બોલે છે.

(3) “સસરાજી, મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે. થોભો, હું દાબડી લઈ આવું.”

ઉત્તર : આ વાક્ય ધનપાલ શેઠની ત્રીજી વહુ બોલે છે.

(4) “સસરાજી, એ દાણા લાવવા માટે આપને મારા પિયેર ગાડાં મોકલવાં પડશે.”

ઉત્તર : આ વાક્ય ધનપાલ શેઠની સૌથી નાની વહુ બોલે છે.

પ્રશ્ન 3. નીચેનાં પાત્રોનો ચાર-પાંચ વાક્યોમાં પરિચય કરાવો :

(1) ધનપાલ શેઠ : ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો. તે ગણતરીવાળા હતા ને એવું માનતા હતા કે ઘરની રાણીની આવડત ઉપર જ લક્ષ્મીનો આધાર છે. ચારેય વહુઓ ચાલાક અને ઘરરખુ છે કે નહિ એ જાણવા શેઠે તેમની કસોટી કરી. નાની વહુ એમાં સફળ થઈ. શેઠ માનતા હતા કે બધી વહુઓ પોતપોતાની સૂઝ પ્રમાણે કામ કરશે તો ઘરની શોભા વધશે.

(2) સૌથી નાના દીકરાની વહુ : ધનપાલ શેઠની સૌથી નાના દીકરાની વહુ ઠરેલ, ચતુર અને શાણપણવાળી હતી. સસરાએ આપેલા ડાંગરના પાંચ દાણાનો મર્મ તે સમજી ગઈ. એ પાંચ દાણા તેણે પિયેર મોકલ્યા ને વવડાવ્યા. પાક પાકતો ગયો અને તે ફરીફરીને વવરાવતી ગઈ. જ્યારે સસરાએ તે દાણા માગ્યા ત્યારે તેણે કહ્યું કે એ દાણા લાવવા માટે આપને મારે પિયેર ગાડાં મોકલવાં પડશે. શેઠની સૌથી નાની વહુ આવી સમજદાર હોવાથી જ શેઠે તેને આખા ઘરનો કારભાર સોંપ્યો હતો.

પ્રશ્ન 4. સૂચવ્યા મુજબ કરો :

(1) તમારા વડીલો પાસેથી કહેવતો સાંભળો.

ઉત્તર : અમારા વડીલો પાસેથી અમે સાંભળેલી કહેવતો : (1) નાચવું નહીં ને આંગણું વાંકું (2) ઉતાવળે આંબા ન પાકે (3) ઝાઝા હાથ રળિયામણા (4) ખાલી ચણો વાગે ઘણો (5) સાપ ગયા ને લિસોટા રહ્યા.

(2) આ કહેવતોના અર્થ તમારા શિક્ષકની મદદથી જાણો અને લખો.

ઉત્તર :

(1) નાચવું નહીં ને આંગણું વાંકું – કામ ન આવડતું હોય કે કામથી છટકવું હોય ત્યારે કોઈ બહાનું કાઢવામાં આવે છે.

(2) ઉતાવળે આંબા ન પાકે – ઉતાવળ કરવાથી કોઈ પણ કામ સારી રીતે થઈ શકતું નથી.

(3) ઝાઝા હાથ રળિયામણા – વધુ માણસો કોઈ કામમાં લાગી જાય ત્યારે કામ ઝડપથી અને સારું થાય.

(4) ખાલી ચણો વાગે ઘણો – જેનામાં ઓછી આવડત હોય તે વધુ ડહાપણ બતાવવાનો દેખાવ કરે.

(5) સાપ ગયા ને લિસોટા રહ્યા – કાર્ય પૂરું થયા પછી પણ તેના સંસ્કારો રહી જવા.

(3) આ કહેવતોનો વાક્યોમાં પ્રયોગ કરો.

ઉત્તર :

(1) કાકા અમારે ત્યાં લગ્નમાં આવવા માગતા નહોતા, તેથી તેમણે માંદગીનું બહાનું કાઢ્યું – નાચવું નહીં ને આંગણું વાંકું બીજું શું?

(2) પિતાએ પોતાના પુત્રને કામમાં ઉતાવળ કરતો જોઈને સલાહ આપી કે બેટા, ઉતાવળે આંબા ન પાકે.

(3) જે કામ એક માણસથી થાય તે ક્યારેક અનેકનો સાથ મળતાં વધુ સારું ને ઝડપથી થઈ શકે છે, કહેવાય છે કે ઝાઝા હાથ રળિયામણા.

(4) એનામાં ઝાઝી આવડત ન હોવા છતાં કોઈ પણ વાતમાં એને સલાહ આપવાની ટેવ પડી ગઈ છે, સાચું જ કહ્યું છે કે ખાલી ચણો વાગે ઘણો.

(5) દાદાના જમાનાની વાત થોડી થાય? એ જમાનાના લોકોનાં વ્યવહાર અને ખાનદાની કેવાં? – હવે સાપ ગયા અને લિસોટા રહ્યા !

(4) તમે એક મૌલિક વાર્તાલેખન કરો.

ઉત્તર : બાદશાહે પૂછ્યું, “સૌથી મોટું પાન કયા ઝાડનું ?” બધાએ આ સવાલના જુદા જુદા જવાબો આપ્યાં. છેવટે બીરબલને પૂછ્યું. એણે કહ્યું, “સૌથી મોટું પાન તો નાગરવેલનું. કારણ કે એ પાન એના ગુણને લઈને આપ નામવરના મુખ સુધી પહોંચે છે. પછી ભલેને બીજાં પાનો લંબાઈમાં મોટાં હોય !”

(5) તમે લખેલી વાર્તાનું તમારા વર્ગખંડમાં વાચન કરો.

ઉત્તર : વિદ્યાર્થી લખેલી વાર્તાનું વર્ગખંડમાં વાચન કરશે.

પ્રશ્ન 5. નીચેનાં વાક્યોમાંનાં ક્રિયાપદો ઓળખી તેના પ્રકારો લખો :

ઉત્તર :

(1) રાજકુમાર બેઠો.

ક્રિયાપદ : બેઠો

પ્રકાર : અકર્મક

(2) ગાંધીજીએ ટુકડો ફાડ્યો.

ક્રિયાપદ : ફાડ્યો

પ્રકાર : સકર્મક

(3) વીસીવાળા મહારાજે દેવશંકરને ભાત પીરસ્યા.

ક્રિયાપદ : પીરસ્યા

પ્રકાર : દ્વિકર્મક

(4) કુસુમાયુધ રડ્યો.

ક્રિયાપદ : રડ્યો

પ્રકાર : અકર્મક

(5) જીવરામ ભટ્ટ જમ્યા.

ક્રિયાપદ : જમ્યા

પ્રકાર : અકર્મક

(6) સારથિએ ઘોડા છોડી નાખ્યા.

ક્રિયાપદ : છોડી નાખ્યા

પ્રકાર : સકર્મક

(7) મહારાજે તરત સેનાપતિને આજ્ઞા કરી.

ક્રિયાપદ : આજ્ઞા કરી

પ્રકાર : દ્વિકર્મક

(8) નાની વહુએ સાસુમા આગળ ચાડી ખાધી.

ક્રિયાપદ : ચાડી ખાધી

પ્રકાર : સકર્મક

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 20 અભ્યાસ અને સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top