Class 7 Gujarati Chapter 11 Swadhyay
Class 7 Gujarati Chapter 11 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 11નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 11 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : ગુજરાતી
એકમ : 11 જનની
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :
(1) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે…………
(ક) મા તે મા
(ખ) માતા વાત્સલ્યમૂર્તિ છે.
(ગ) માતાનો બીજો કોઈ વિકલ્પ નથી.
(ઘ) માતા તો દરેકને હોય
જવાબ : (ગ) માતાનો બીજો કોઈ વિકલ્પ નથી.
(2) માડીનો મેઘ બારેમાસ એટલે………….
(ક) માતાનો પ્રેમ વધે-ઘટે છે.
(ખ) માતાનો પ્રેમ કાયમ મળે જ
(ગ) વરસાદ તો કાયમ વરસે જ
(ઘ) વરસાદ વિના કાંઈ નહિ
જવાબ : (ખ) માતાનો પ્રેમ કાયમ મળે જ
(3) માતાનો પ્રેમ કેવો હોય છે?
(ક) વરસતી વાદળી જેવો
(ખ) ચળકતી ચાંદની જેવો
(ગ) એકસરખા પાણીના પ્રવાહ જેવો
(ઘ) ગંગાના નીર જેવો
જવાબ : (ગ) એકસરખા પાણીના પ્રવાહ જેવો
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર આપો :
(1) માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે?
ઉત્તર : માતાને મધ અને મેઘજળ કરતાં પણ મીઠી ગણવામાં આવી છે.
(2) માતાની આંખ શાનાથી ભરેલી છે?
ઉત્તર : માતાની આંખ (વાત્સલ્યરૂપી) અમૃતથી ભરેલી છે.
(૩) માતાનાં વેણ કેવાં છે?
ઉત્તર : માતાનાં વેણ વહાલ(પ્રેમ)થી ભરેલાં છે.
(4) માતાના કાળજામાં શું ભરેલું છે?
ઉત્તર : માતાના કાળજામાં અનેક અરમાન ભરેલાં છે.
(5) કોનો પ્રેમપ્રવાહ એકસરખો છે?
ઉત્તર : માતાનો પ્રેમપ્રવાહ એકસરખો છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો.
ઉત્તર : માનો પ્રેમ મેઘનાં જળ અને મધથી પણ વધુ મીઠો છે. એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. એની આંખો અમૃતથી ભરેલી છે ને વેણ વહાલથી ભરેલાં છે. એની ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે. એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે. માનો પ્રેમ અચળ છે. એનો પ્રેમ બારેમાસ એકસરખો વહે છે.
(2) ‘માડીનો મેઘ બારેમાસ રે’ – કાવ્યપંક્તિ સમજાવો.
ઉત્તર : આકાશના મેઘ તો એકાદ ઋતુમાં વરસે છે ને ચાલ્યા જાય છે, પણ માનો પ્રેમરૂપી મેઘ તો બારેમાસ વરસતો રહે છે. મા બાળક ઉપર હંમેશાં પ્રેમ વરસાવતી રહે છે.
પ્રશ્ન 2. નીચેના શબ્દોનો વાક્યપ્રયોગ કરો :
(1) અમી (2) હેલ (3) વ્યોમ (4) દોહ્યલું
ઉત્તર :
(1) અમી – માની આંખોમાંથી હંમેશાં અમી વરસે છે.
(2) હેલ – આજે પણ ગામડાંમાં પાણીની હેલ ભરીને જતી પનિહારીઓ જોવા મળે છે.
(3) વ્યોમ – રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે.
(4) દોહ્યલું – માનો પ્રેમ દેવા માટે દોહ્યલો છે.
પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :
(1) માત (2) સોડ્ય (3) પ્રાણ (4) માસ
ઉત્તર : (1) માત – જાત
(2) સોડ્ય – જોડ, કોડ
(3) પ્રાણ – લ્હાણ
(4) માસ – ઉજાસ
પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો :
(1) માતા (2) આકાશ (3) ધરતી (4) ચંદ્ર
ઉત્તર :
(1) માતા – માત, જનની, માડી
(2) આકાશ – વ્યોમ
(3) ધરતી – ધરણી
(4) ચંદ્ર – શશી, ચંદા
પ્રશ્ન 5. સૂચવ્યા મુજબ કરો :
(1) નીચેનામાંથી માતાને કોના કરતાં ચડિયાતી બતાવી છે? તે શબ્દો અલગ તારવો.
જંગલ, ધરતી, જમના, ગંગા, સૂરજ, ચંદ્ર, તારા, વરસાદ (મેઘ), વાવાઝોડું, સુનામી, ધરતીકંપ, મધ
ઉત્તર : ધરતી, વાદળી, વરસાદ(મેઘ), ગંગા, ચંદ્ર, મધ
(2) આ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો.
ઉત્તર :
ધરતી : ધરણીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ, અચળા અચૂક એક માય રે
વાદળી : વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
વરસાદ (મેઘ) : માડીનો મેઘ બારેમાસ રે
ગંગા : ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે
ચંદ્ર : ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, એનો નહિ આથમે ઉજાસ રે.
મધ : મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે,
(૩) આ પંક્તિઓનો ભાવાર્થ લખો.
ઉત્તર : ધરતીમાતા પણ ક્યારેક ધ્રુજી ઊઠતી હશે પણ મા ક્યારેય ચલિત થતી નથી. વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, પણ માતૃપ્રેમરૂપી મેઘ તો બારેમાસ વરસતો રહે છે. ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશાં એકસરખો રહે છે. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે, પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી. (આ જગતમાં) મધ મીઠું હોય છે અને મેઘ (વરસાદ)નું જળ મીઠું હોય છે, પણ હે સખી, માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે.
(4) આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો.
ઉત્તર : મધ ને મેઘ મીઠાં છે, પણ માનો પ્રેમ તો એ બંનેથી પણ વધારે મીઠો છે. ધરતી તો ક્યારેક ધ્રૂજે, પણ મા તો હંમેશ અચળ, અડગ રહે છે. ગંગાનો પ્રવાહ વધઘટે પણ માના પ્રેમનો પ્રવાહ તો એકસરખો રહે છે. વાદળી વરસીને જતી રહે પણ માનો પ્રેમ તો બારેમાસ વરસે છે. ચાંદનીના ઉજાસમાં વધઘટ થાય, પણ માના પ્રેમનો ઉજાસ તો ક્યારેય આથમતો નથી.
પ્રશ્ન 6. આ કાવ્યના સમૂહગાન વખતે સંગીતનાં કયાં કયાં સાધનોનો ઉપયોગ કરશો? તમને ક્યું વાદ્ય વગાડવું ગમશે?
ઉત્તર : આ કાવ્યના સમૂહગાન વખતે હાર્મોનિયમ, તબલાં, બંસરી વગેરે સાધનોનો ઉપયોગ કરીશું. મને બંસરી વગાડવી ગમશે.
Also Read :
ધોરણ 7 ગુજરાતી પાઠ 12 અભ્યાસ અને સ્વાધ્યાય