Class 6 Gujarati Chapter 9 Swadhyay
Class 6 Gujarati Chapter 9 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 9 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 9 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 9. પાદર
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો :
(1) ગોંદરે ઢોરને પાણી પીવા બનાવેલા કુંડને શું કહે છે?
(ક) ખાડો
(ખ) હવાડો
(ગ) કુંડ
(ધ) જળવાડો
ઉત્તર : (ખ) હવાડો
(2) ગામનો જીવતો જાગતો ચોપડો લેખક કોને કહે છે?
(ક) તળાવને
(ખ) ગોંદરાને
(ગ) પુસ્તકાલયને
(ઘ) વડલાને
ઉત્તર : (ખ) ગોંદરાને
(૩) લેખક ના છૂટકે ખેતરમાં શું લઈને જતા હતા?
(ક) બળદ
(ખ) ભેંસો
(ગ) ભાત
(ઘ) સ્લેટ-પેન
ઉત્તર : (ગ) ભાત
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) ગામના ગોંદરે શું શું આવેલું છે?
ઉત્તર : ગામના ગોંદરે બે વિશાળ વડ, એક બાજુ પીપરો, પીપળા, તેમજ બીજી બાજુ લીમડા ઊભા છે, તેમજ ત્યાં એક કૂવો અને એક હવાડો આવેલા છે.
(2) સાહેબને આવતા જોઈ છોકરાં શું કરતાં?
ઉત્તર : સાહેબને આવતા જોઈ છોકરાં વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જતાં.
(૩) ગોંદરું ‘ગામનું નાક’ કેમ કહેવાય છે?
ઉત્તર : ગોંદરું ગામની શોભા છે, શાખ છે, ગોંદરા પરથી ગામ પરખાય છે, તેથી ગોંદરું ‘ગામનું નાક’ કહેવાય છે.
(4) ગામના પાદરમાં આવેલા પરિવર્તનથી લેખક શી લાગણી અનુભવે છે?
ઉત્તર : ગામના પાદરમાં આવેલા પરિવર્તનથી પાદરને કાળરૂપી સાપ ડસી ગયો હોય અને એના માથે જાણે કાળાં શીંગડાં ઊગી ગયાં હોય એવી લાગણી લેખક અનુભવે છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપો :
(1) ઉનાળાના બપોરે ગોંદરું કઈ રીતે ઉપયોગી બને છે?
ઉત્તર : ઉનાળાના બપોરે ઝાડના છાંયડે છોકરાં રમે છે. ઢોર વગડેથી ગોંદરે આવી પોરો ખાય છે. ઉનાળામાં ગોંદરું ઍરકન્ડિશનની ગરજ સારે છે. આમ, ગોંદરું ઉનાળાના બપોરે સૌને ઘણી રીતે ઉપયોગી બને છે.
(2) લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે?
ઉત્તર : લેખક વરસાદમાં પલળવાનો રોમાંચ અનુભવે છે. ગામના નેવાનાં પાણી ગોંદરે ભેગાં થાય, ત્યાંથી તળાવમાં જાય. વૃક્ષો અને વાડો સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું, વડવાઈઓમાં અટવાતું પાણી જોવાની લેખકને મજા પડતી. આ રીતે લેખક વરસાદનો આનંદ માણે છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) લેખકે ગામના પાદરમાં ઊજવાતા કયા કયા પ્રસંગોની વાત કરી છે?
ઉત્તર : ગામના પાદરમાં મેળો ભરાય. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગામને પાદરે થાય. મડદાને, એના અંગૂઠાને પાદરે જ આગ મૂકાય. આસો સુદ પાંચમે રાત્રે પાદરે ભવાઈના શ્રીગણેશ કરાય. આમ, લેખકે પાદરમાં ઊજવાતા સારામાઠા અનેક પ્રસંગોની વાત કરી છે.
(2) લેખકે ગામના પાદરમાં રમાતી કઈ કઈ રમતોની વાત કરી છે?
ઉત્તર : લેખકે ગામના પાદરમાં રચાતી હુતુતુતુ, આટાપાટા, આમલી-પીપળી, કુસ્તી, ભૂસકા મારવા વગેરે રમતોની વાત કરી છે.
(૩) લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે?
ઉત્તર : લેખક વરસાદમાં પલળવાનો રોમાંચ અનુભવે છે. ગામના નેવાનાં પાણી ગોંદરે ભેગાં થાય, ત્યાંથી તળાવમાં જાય. વૃક્ષો અને વાડો સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું, વડવાઈઓમાં અટવાતું પાણી જોવાની લેખકને મજા પડતી. આ રીતે લેખક વરસાદનો આનંદ માણે છે.
(4) ગામનું પાદર કઈ કઈ બાબતોનું સાક્ષી છે?
ઉત્તર : ગામનું પાદર ગામની જાહોજલાલી અને એની ચડતીપડતીનું સાક્ષી છે. પાદરમાં ધીંગાણાં મંડાણાં છે. લાકડીઓ, ધારિયાં અને તલવારો ઉછળ્યાં છે. ઢોલ બૂક્યા છે. સરકારી લફરાં થયાં છે. પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ છે. પાદરે ઘણી તડકી-છાંયડી જોઈ છે. રેતીના એક-એક કણમાં ઇતિહાસનું એક-એક પાનું લખાયું છે.
(5) ચોમાસાની ઋતુ સમયના ગોંદરાનું વર્ણન કરો.
ઉત્તર : ચોમાસાની ઋતુમાં વરસાદ આવતાંની સાથે જ, આખા ગામના નેવાંનાં પાણી ગોંદરે ભેગાં થાય. ત્યાંથી સીધાં જ એ પાણી તળાવમાં જાય. બાળકોને ગોંદરાનાં વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું કે વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાની મજા આવતી.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) તમારા ગામના પાદરમાં કે મહોલ્લામાં કયા પ્રસંગોની ઉજવણી થાય છે?
ઉત્તર : મારું ગામ ખૂબ જૂનું છે. એમાં ઘણાં પ્રાચીન મંદિરો છે. હાટકેશ્વરના મંદિરની આગળ મહાશિવરાત્રીએ અને શ્રાવણ માસના દર સોમવારે મેળો ભરાય છે. આશાપુરામાતાનાં દર્શને તેમજ બાધા દૂર કરવા ઘણા લોકો આવે છે. મારા ગામના પાદરમાં રામનવમી, ગણેશચતુર્થી અને જન્માષ્ટમીના તહેવારો પણ ઉજવાય છે. પાદરમાં એક મસ્જિદ છે. મુસ્લિમો ત્યાં ઈદ ઉજવે છે અને નમાજ પઢે છે. મારા ગામના પાદરમાં અવારનવાર ઉજાણીઓ પણ થતી રહે છે.
(2) તમારા ગામના પાદરમાં કે મહોલ્લામાં તમે કઈ કઈ રમતો રમો છો?
ઉત્તર : અમારા ગામના પાદરમાં અમે ગિલ્લી-દંડા, હુતુતુતુ, આમલી-પીપળી જેવી અનેક રમતો રમીએ છીએ. હમણાં અમે ક્રિકેટ રમવાની પણ શરૂઆત કરી છે. અમારા ગામના વડીલોએ અમને ફૂટબૉલ રમવાની વ્યવસ્થા કરી આપી છે. ગામના પાદરમાં નાનાં બાળકો સંતાકૂકડી તેમજ સાતતાળી પણ રમે છે.
(૩) તમારા ગામના પાદરમાં કે મહોલ્લામાં થતી પ્રવૃત્તિઓની યાદી કરો.
ઉત્તર : અમારી શાળા ગામના પાદરમાં આવેલી છે. શાળાની અનેક પ્રવૃત્તિઓથી પાદર રળિયામણું લાગે છે. ગામનું નાનકડું દવાખાનું પણ પાદરમાં આવેલું છે. દવાખાનામાં અવારનવાર અનેક પ્રકારના મેડિકલ કૅમ્પ યોજાય છે. પાદરમાં આવેલા મંદિરમાં સદાવ્રત ચાલે છે. કેટલાક યુવાનોએ આ મંદિરમાં એક પુસ્તકાલય શરૂ કર્યું છે. વૃદ્ધો તેમજ યુવાનો ત્યાં બેસીને છાપાં અને મૅગિઝનો વાંચે છે. આમ, અમારા ગામનું પાદર વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમે છે.
પ્રશ્ન 3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો :
(1) હેલે ચઢવું – અતિ ઉત્સાહમાં આવી જવું
વાક્ય : સંતનાં દર્શન કરવા માનવમહેરામણ હેલે ચઢ્યો હોય એવું લાગતું હતું.
(2) મૂછ મરડવી – અભિમાન કે શૂરાતન બતાવવું
વાક્ય : તોફાની ગુંડાઓ પકડાયા એટલે પોલીસ ઑફિસર મૂછ મરડવા લાગ્યો.
(3) લહાવો લેવો – આનંદ લેવો / કોઈ પ્રસંગ માણવો
વાક્ય : દીકરીનાં લગ્નનો લહાવો લેવાની અમરતકાકીની ઇચ્છા પૂરી થઈ.
પ્રશ્ન 4. તમારા ગામના પાદર કે મહોલ્લાનું વર્ણન કરો.
ઉત્તર :
મારા ગામનું પાદર : મારા ગામના પાદરમાં લીમડા, વડ, પાપળા, આમલી, ઉમરાનાં ઘણાં ઝાડ છે. એક મોટા વડની આજુબાજુ લોકોએ ઓટલો બનાવ્યો છે. ત્યાં નવરાત્રિમાં ગરબાનું આયોજન થાય છે. પાદરમાંથી ભદ્રા નદી વહે છે. ગોંદરે ખાતરના ઉકરડા છે. ખેડૂત માટે એ કાચું સોનું છે. પાદરના તળાવમાં ઢોર પાણી પીએ છે. માણસો ત્યાં નહાય છે. સ્ત્રીઓ કપડાં ધુએ છે. અનેક પ્રવૃત્તિઓથી ધમધમતું અમારા ગામનું પાદર ‘ગામનું નાક’ છે.
પ્રશ્ન 5. ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ થયો હોય તેવાં વાક્યો પાઠમાંથી શોધીને લખો.
ઉત્તર :
(1) અમને આનંદ થાય છે.
(2) જો એની માને તક્લીફ પડે તો આવી જ બને.
(૩) સાહેબોની ધાક જબરી હતી.
(4) તમોને પાપ લાગશે.
(5) કોઈ બપોર કે તડકો ન જુએ!
પ્રશ્ન 6. મને યાદ આવે છે મારા બાળપણનો પ્રસંગ’ – આઠથી દસ વાક્યોમાં પ્રસંગલેખન કરો.
ઉત્તર :
બાળપણનો યાદગાર પ્રસંગ
મારું નામ નીતુ પંચાલ. હું ત્રીજા ધોરણમાં ભણતી હતી. શાળામાં ધોરણ 1 થી 7 ની વેશભૂષા હરીફાઈ રાખવામાં આવી હતી.
હું પંખી બની હતી. મારા પહેરવેશમાં બે પાંખો લગાવી હતી. હું અભિનય સાથે ગીત ગાતી હતી
આપો, આપો બે સુંદર પાંખ મને
મારે પંખી ભમે તેમ ભમવું છે,
વન વાડી બગીચે રમવું છે.
મારે ઊંચેરા આભમાં ઊડવું છે,
પેલા તારા રમે તેમ રમવું છે.
પેલાં ઝાડોની કુંજમાં છૂપવું છે,
મારે પંખીનું ગીતડું ગાવું છે !
હાથ ચાંદા સૂરજને ધરવા છે,
મારે દીવા ગગનના ગણવા છે!
મારો અભિનય પૂરો થતાંની સાથે હાજર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મને તાળીઓના ગળગળાટથી વધાવી લીધી હતી. વેશભૂષા હરીફાઈમાં મને પ્રથમ ઇનામ મળ્યું હતું. આ પ્રસંગ મારા બાળપણનું યાદગાર સંભારણું બની ગયો.
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 8 અભ્યાસ અને સ્વાધ્યાય