Class 6 Gujarati Chapter 8 Swadhyay
Class 6 Gujarati Chapter 8 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 8 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 8 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 8. બિરબલની યુક્તિ
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો :
(1) વહેલી સવારે બાદશાહે ઝરૂખાની નીચે શું જોયું?
(ક) નોકર ચોગાનમાં ઊભો હતો.
(ખ) નોકર ચોગાનમાંથી ઝાડુ લેતો હતો.
(ગ) નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો.
(ઘ) નોકર ઝાડુ ઊંચું કરી બાદશાહ સામે જોતો હતો.
ઉત્તર : (ગ) નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો.
(2) રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી?
(ક) બુંદેલખંડના
(ખ) ઝારખંડના
(ગ) ઉત્તરખંડના
(ઘ) પુષ્પખંડના
ઉત્તર : (ક) બુંદેલખંડના
(૩) નોકરને જવાબ શીખવનાર કોણ હતું?
(ક) અકબર
(ખ) બિરબલ
(ગ) બેગમ
(ધ) ફાંસીગર
ઉત્તર : (ખ) બિરબલ
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો?
ઉત્તર : બાદશાહ અક્બર પોતે જ લશ્કર લઈને રણમેદાનમાં આવે છે, એવા સમાચાર મળતાં જ બુંદેલખંડનો રાજા પરત ફર્યો.
(2) શિરામણ સમયે સેનાપતિએ શા સમાચાર આપ્યા?
ઉત્તર : શિરામણ સમયે સેનાપતિએ બાદશાહને સમાચાર આપ્યા કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને આપણા રાજ્ય ઉપર ચડી આવ્યો છે.
(૩) બેગમે બાદશાહને શા સમાચાર આપ્યા?
ઉત્તર : બેગમે બાદશાહને સમાચાર આપતાં કહ્યું, ‘‘મારા ભાઈને સાપ કરડ્યો છે અને એને જલદી સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે.”
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) બાદશાહને પોતાનો દહાડો બગડશે એવું કેમ લાગ્યું?
ઉત્તર : બાદશાહે સવારના પહોરમાં ઝરૂખામાં જઈને નીચે જોયું તો એક ઝાડુવાળો ઝાડુથી મહેલનું ચોગાન વાળતો હતો. બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાનું મોં ઢાંકી દીધું, પણ બાદશાહને લાગ્યું કે મેં સવારના પહોરમાં ઝાડુવાળાનું મોં જોયું છે, તેથી આજ મારો દહાડો બગડશે.
(2) સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા?
ઉત્તર : સાંજે જમતી વખતે રાજા કોળિયો ભરવા જતા હતા તેવામાં તેના થાળમાં એક ગરોળી પડી. રાજાના મનમાં સવારે ઝાડુવાળાનું મોં જોયું તેથી વહેમ તો હતો જ. ગરોળી થાળમાં પડતાં એ વહેમ પાકો થયો. તેથી રાજા ગુસ્સે થયા.
(૩) રાજાનાં દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું?
ઉત્તર : રાજાનાં દર્શન કરતી વખતે ઝાડુવાળાએ કહ્યું કાલે સવારે જ્યારે તમે મારું મોં જોયું હતું તે સમયે મેં પણ તમારું મોં જોયું હતું. આપનો તો માત્ર દિવસ જ બગડ્યો હતો જ્યારે આપનું મોં જોવાથી મારે તો કેદખાને જવાનું થયું અને ફાંસીની સજા ભોગવવી પડી. તો આપણા બેમાં કોણ વધારે અપશુકનિયાળ?
(4) અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો?
ઉત્તર : અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી કે શુકન-અપશુકન અંગેનો પોતાનો વહેમ ખોટો હતો. રાજાએ ઝાડુવાળાને છોડી દેવાની તેમજ સરપાવ આપી માન-ભેર ઘેર પહોંચાડવાની આજ્ઞા કરી. આમ, એને રાજાએ પોતાનો ખોટો વહેમ દૂર કર્યો.
પ્રશ્ન 2. તમે જીવનમાં અનુભવેલા કે જોયેલા ચાતુર્યપ્રસંગ વિશે આઠ-દસ વાક્યો લખો.
ઉત્તર :
ચોર પકડાઈ ગયા
શનિવાર હોવાથી મારી શાળા સવારની હતી. મારાં મમ્મી-પપ્પા નોકરી પર ગયાં હોવાથી ઘેર એકલો જ હતો. મારા ઘર સામેનું ઘર બંધ હતું. ત્યાં સામેના ઘરના દરવાજા તરફ મારું ધ્યાન ગયું. ઠક … ઠક … અવાજ આવતો હતો.
મેં મારા ઘરની જાળીમાંથી જોયું. ચોર તાળું તોડી, ઘરમાં ઘૂસ્યા હતા. મેં સમયસૂચકતા વાપરી. મારા ઘરનું બારણું ખોલી, સામેના ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો. પછી 100 નંબર ઉપર ફોન કરી મેં પોલીસને જાણ કરી. પોલીસ આવી. ચોર પકડાઈ ગયા. પોલીસ અધિકારીઓએ મારી હિંમત તેમજ ચતુરાઈને બિરદાવી, મારાં પડોશી તેમજ મમ્મી-પપ્પાએ પણ મને શાબાશી આપી.
પ્રશ્ન 3. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :
(1) સવારનો નાસ્તો — શિરામણ
(2) ઝટપટ ઊકલી ન શકે તેવો પ્રશ્ન — કોયડો
(૩) કાળના જેવા મોંવાળું — કાળમુખું
(4) મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે — મૈયત
(5) શાબાશી બદલ અપાતો પોશાક — સરપાવ
પ્રશ્ન 4. બાદશાહ દ્વારા બોલાયેલાં ગમે તે ચાર વાક્યો પાઠમાંથી શોધીને લખો.
ઉત્તર :
બાદશાહ દ્વારા બોલાયેલાં વાક્યો :
(1) ‘સેના તૈયાર કરો.’
(2) ‘એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો.’
(3) ‘મારે આખો દહાડો ભૂખ્યા રહેવું પડ્યું.’
(4) ‘બિરબલ, આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય.’
પ્રશ્ન 5. નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો :
એક નાનું ગામ – યુવાનો ભણેલા – વૃદ્ધો વ્યવહારકુશળ – ગામમાંથી જાન જવી – જાનમાં વૃદ્ધોને ન લઈ જવા – જાનમાં માત્ર યુવાનો જ – કન્યાપક્ષની શરત – ‘જવાબ આપો તો જ કન્યા પરણાવીએ’ – ‘ગામનું તળાવ ઘીથી ભરી આપો’ – યુવાનોની ચિંતા – સંતાઈને આવેલા વૃદ્ધનો જવાબ – ‘પહેલાં તળાવ ખાલી તો કરી આપો’ – કન્યાપક્ષનું કહેવું, ‘જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે’ – બોધ
ઉત્તર :
રામપુરા નામનું એક ગામ હતું. એમાં યુવાનો ભણેલા અને વૃદ્ધો વ્યવહારકુશળ હતા. ગામના લોકો સંપથી રહેતા હતા.
યુવાનો ખૂબ બુદ્ધિશાળી હતા. એક વખત ગામમાંથી જાન બીજે ગામ જવાની હતી. યુવાનોએ નક્કી કર્યું કે જાનમાં વૃદ્ધોને લઈ જવા નહિ.
આથી જાનમાં માત્ર યુવાનો જ ગયા. કન્યાપક્ષના લોકો સમજદાર હતા. એમાં વૃદ્ધો પણ હતા. કન્યાપક્ષના વૃદ્ધોને ઇચ્છા થઈ કે ચાલો, આ યુવાન જાનૈયાઓની ક્સોટી કરીએ. તેમણે વરપક્ષ આગળ શરત મૂકી, “અમે એક શરતે જ કન્યા પરણાવીએ.
ગામનું તળાવ ઘીથી ભરી આપો.”
શરત સાંભળીને જાનૈયા ચિંતામાં પડી ગયા.
એ જાનમાં એક વૃદ્ધ સંતાઈને આવ્યા હતા. એમણે યુવાનોને કહ્યું, ‘‘જાઓ, કન્યાપક્ષના લોકોને કહો કે તે ગામનું તળાવ ખાલી કરી આપે.
યુવાનોએ કન્યાપક્ષના લોકોને કહ્યું, “તળાવ તો અમે ઘીથી ભરી દઈએ પણ તમે પહેલાં તળાવ ખાલી તો કરી આપો!’’
કન્યાપક્ષના વડીલોને ખ્યાલ આવી ગયો કે એમની સાથે જરૂર કોઈ વૃદ્ધ આવ્યા હશે. વૃદ્ધ સિવાય કોઈ આ જવાબ આપી શકે નહિ.
વૃદ્ધોને સાથે ન રાખ્યાની ભૂલ યુવાનોને સમજાઈ.
બોધ : ઘરડાં ગાડાં વાળે.
પ્રશ્ન 6. નીચેના ફકરામાં યોગ્ય જગ્યાએ વિરામચિહ્નો મૂકો :
થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા જમતાં જમતાં એ લાલપીળા થઈ ગયા એમના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો એમણે હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો
ઉત્તર : થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતાં જમતાં એ લાલપીળા થઈ ગયા. એમના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, ‘‘જાઓ, પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો.’’
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 9 અભ્યાસ અને સ્વાધ્યાય