Class 6 Gujarati Chapter 3 Swadhyay
Class 6 Gujarati Chapter 3 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 3 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 3 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 3. દ્વિદલ
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો.
(1) વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી?
(ક) પરમેશ્વરની
(ખ) મૂર્તિની
(ગ) ચિત્રની
(ઘ) ગણપતિની
ઉત્તર : (ખ) મૂર્તિની
(2) દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માગી?
(ક) પબ્લિક ફોન
(ખ) મોબાઇલ ફોન
(ગ) સેલ્યુલર ફોન
(ધ) ગ્રામોફોન
ઉત્તર : (ક) પબ્લિક ફોન
(3) દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો?
(ક) સ્વચ્છતાનો
(ખ) નમ્રતાનો
(ગ) ખુમારીનો
(ઘ) વફાદારીનો
ઉત્તર : (ગ) ખુમારીનો
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) શિલ્પી શું કરી રહ્યો હતો?
ઉત્તર : શિલ્પી એકાગ્રતાથી આરસપહાણમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો.
(2) બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું?
ઉત્તર : બાજુમાં પડેલી મૂર્તિના નાક પાસે એક નાનો ઘસરકો થયો હતો.
(3) યુવકે દુકાનદારને શાની ના પાડી?
ઉત્તર : દુકાનદારે યુવકને કામ આપવાની તૈયારી બતાવી ત્યારે યુવકે તેને ત્યાં કામ કરવાની ના પાડી.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો?
ઉત્તર : પ્રથમ મૂર્તિ બનાવતાં મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો પડ્યો હતો. આ નુકસાન સાધારણ હતું, પણ એ નુકસાન અંગે પોતાનો ભગવાન અને પોતે જાણે છે એ વિચારી શિલ્પી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો.
(2) દુકાનદારને કેમ નવાઈ લાગી?
ઉત્તર : યુવકે ફોન ઉપર સ્ત્રી પાસે કામની માગણી કરી, ત્યારે સ્ત્રીએ પોતાની પાસે કામ કરવાવાળી વ્યક્તિ છે એમ કહી યુવકને ના પાડી હતી. સ્ત્રીએ કામ આપવાની ના પાડી, છતાં યુવકના ચહેરા પર નિરાશાની એક પણ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. જ્યારે દુકાનદારે યુવકને નોકરીની ઑફર કરી ત્યારે યુવકે ના પાડી દીધી. આ કારણે દુકાનદારને નવાઈ લાગી.
(૩) યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો?
ઉત્તર : યુવક જે સ્ત્રીને ત્યાં કામ કરતો હતો એને જ ફોન કરતો હતો. પોતે જાણવા માગતો હતો કે પોતાના કામથી એ સ્ત્રીને સંતોષ છે કે નહિ. આમ, સ્વમૂલ્યાંકન માટે યુવકે સ્ત્રીને ફોન કર્યો હતો.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું?
ઉત્તર : માણસે જોયું કે શિલ્પી જે મૂર્તિ ઘડતો હતો એની બાજુમાં એના જેવી જ બીજી મૂર્તિ પડેલી હતી. આમ, એક જ મંદિર માટે ભગવાનની એકસરખી મૂર્તિઓ તૈયાર થતી જોઈને માણસે આશ્ચર્ય અનુભવ્યું.
(2) શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી?
ઉત્તર : શિલ્પી પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો થયો હતો. આમ, એ મૂર્તિને થોડુંક નુકસાન થયું હતું. આથી ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પીએ એ મૂર્તિ પડતી મૂકી.
(૩) સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી?
ઉત્તર : સ્ત્રીએ પોતાને ત્યાં લૉન કાપવા માટે એક માણસને નોકરીએ રાખ્યો હતો. એના કામથી એ સ્ત્રીને પૂરો સંતોષ હતો, તેથી ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની તે સ્ત્રીએ ના પાડી.
(4) સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ કેમ થયો?
ઉત્તર : યુવકે એક અજાણી વ્યક્તિ તરીકે નોકરીની જરૂરિયાત માટે સ્ત્રીને ફોન કર્યો હતો. સ્ત્રીએ ફોન ઉપર કહ્યું કે કામ માટે એણે માણસ રોકી લીધો છે અને એના કામથી એને પૂરો સંતોષ છે. વાસ્તવમાં ફોન કરનાર યુવક પોતે એ સ્ત્રીને ત્યાં જ નોકરી કરતો હતો. તે જાણવા માગતો હતો કે એ સ્ત્રીને એના કામથી સંતોષ છે કે નહિ. તેથી સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ થયો.
(5) સ્વમૂલ્યાંકન એટલે શું? શું તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે?
ઉત્તર : વ્યક્તિ પોતે તટસ્થ રીતે પોતાના કામની મુલવણી કરે તેને ‘સ્વમૂલ્યાંકન’ કહેવાય. હું નિયમિત રોજનીશી (ડાયરી) લખું છું. તેમાં હું મારાં તમામ કાર્યોની નોંધ કરું છું. એ નોંધને આધારે હું ‘જાતતપાસ’ કરું છું. દરેક કાર્ય યોગ્યતાની દૃષ્ટિએ ચકાસું છું. મારાં કાર્યો વિશે બીજાઓના અભિપ્રાય મેળવું છું. આમ કરવાથી મને ભૂલસુધારવાની તક મળે છે.
પ્રશ્ન 2. વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી તેમના ગુજરાતી અર્થ લખો :
ઉત્તર :
(1) ફૂટ – બાર ઇંચનું લંબાઈનું માપ
(2) સ્ટોર – સામાન વેચવાની દુકાન
(૩) પબ્લિક – સાર્વજનિક
(4) સ્પીકર ફોન – એક પ્રકારનો ટેલિફોન
(5) મૅડમ – સન્નારી, શ્રીમતી
(6) લૉન – લીલું ઘાસ
(7) સર – સાહેબ
પ્રશ્ન 3. ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો આપો :
ઉદાહરણ : પોતાનું x પારકું
ઉત્તર :
(1) જાણ x અજાણ
(2) જવાબ × સવાલ
(3) નીરસ × સરસ
(4) નુકસાન × ફાયદો
(5) ધ્યાન x બેધ્યાન
(6) પરદેશ x સ્વદેશ
(7) સંતોષ x અસંતોષ
(8) હાજર X ગેરહાજર
પ્રશ્ન 4. નીચેના કોષ્ટકમાં કેટલાંક કામોની યાદી આપેલી છે. નીચે આપેલી સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના ક્યા કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની કરો :
પ્રશ્નો :
(1) સૌથી વધુ કામ કોણ કરે છે?
(2) સૌથી ઓછું કામ કોણ કરે છે?
(૩) તમે કયું કર્યું કામ નથી કરી શકતા? કેમ?
(4) કામની સરખી વહેંચણી થઈ શકે તે માટે તમે શું કરી શકો?
(નોંધ : વિદ્યાર્થી સારણીને આધારે આ પ્રશ્નોના ઉત્તર વર્ગમાં ચર્ચા કરીને આપશે.)
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 4 અભ્યાસ અને સ્વાધ્યાય