Class 6 Gujarati Chapter 18 Swadhyay
Class 6 Gujarati Chapter 18 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 18નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 18 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 18 સુભાષિત
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે બોક્ષમાં લખો :
(1) ‘આપ સમો નહિ મિત્ર’ એટલે……..
(ક) આત્મશ્લાઘા
(ખ) આત્મચિંતન
(ગ) આપબળ
(ઘ) આત્મગૌરવ
જવાબ : (ગ) આપબળ
(2) ‘વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકાં.’ – આ પંક્તિમાં ‘તોલ’ શબ્દનો અર્થ………..
(ક) ભલાઈ
(ખ) ફોગટ
(ગ) મીઠાશ
(ઘ) કિંમત
જવાબ : (ઘ) કિંમત
(3) ‘મૈત્રીભાવ સનાતન’ એટલે…………
(ક) મિત્રતા વિના બધું જ નકામું
(ખ) સૌની સાથે હળીમળીને રહેવું
(ગ) કોઈની સાથે વેર ન રાખવું
(ઘ) વધારે મિત્રો રાખવા
જવાબ : (ખ) સૌની સાથે હળીમળીને રહેવું
(4) વિચારવિસ્તાર એટલે………..
(ક) સમજપૂર્વક વિચારને વિસ્તારવો.
(ખ) લંબાણથી લખવું.
(ગ) લખાણને વિસ્તારથી લખવું.
(ઘ) વિચારને વિસ્તાર્યા જ કરવો.
જવાબ : (ગ) લખાણને વિસ્તારથી લખવું.
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) મિત્ર કેવો હોવો જોઈએ?
ઉત્તર : મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ (પોતે જ પોતાનો સાચો મિત્ર છે).
(2) આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ?
ઉત્તર : આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ.
(3) મૈત્રીભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે?
ઉત્તર : વેરભાવ રાખવાથી વેર દૂર કરી શકાતું નથી. પાપને ઢાંકવા પાપ કરવાથી પાપ ઓછાં થતાં નથી, ઊલટાનાં વધે છે. મૈત્રીભાવ જ વેરભાવને દૂર કરે છે. તે જ સર્વ દુઃખોનું ઔષધ છે.
(4) સંત પુરુષોનું જીવન કેવું હોય છે?
ઉત્તર : સંત પુરુષોનું જીવન ધૂપ જેવું હોય છે. તે પોતે દુ:ખ વેઠીને બીજાને સુખ આપે છે.
(5) મીઠી વાણી માટે કોનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે?
ઉત્તર : મીઠી વાણી માટે પોપટ અને કોયલનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે.
(6) સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે?
ઉત્તર : જેમ ધૂપસળી પોતાની જાતને બાળી સમગ્ર વાતાવરણને સુવાસિત કરે છે, તેમ સંતો પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) આપણી જાતે કામ કરવાથી શો ફાયદો થાય છે?
ઉત્તર : જે પારકી આશા છોડી, પોતાનાં કામ જાતે જ કરે છે. તેનો આત્મવિશ્વાસ વધે છે, તેને નિરાશા અનુભવવી પડતી નથી. પોતે નિષ્ફળ જાય તો એનાં કારણોને દૂર કરીને સફળ થઈ શકે છે.
(2) જીવનમાં મૈત્રીભાવનું શું મહત્ત્વ છે?
ઉત્તર : જીવન અનેક વિષમતાઓ, વેરઝેર, કાવાદાવા તેમજ દુઃખોથી ભરેલું છે. કાદવથી કાદવ ધોઈ શકાય નહિ. જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિઃસ્વાર્થ મૈત્રીભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે.
પ્રશ્ન 2. આટલું શોધો અને લખો :
(1) પોતાની જાત(આપબળ) નો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો.
ઉત્તર :
કહેવતો :
(A)આપ ભલા તો જગ ભલા;
(B) આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય;
(C) આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ;
(D) હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા.
પંક્તિ :
(A) જાતે જે નર કરી શકે, તે ન બીજાથી થાય,
આપ મૂઆ વિના કોઈથી, સ્વર્ગે નવ જવાય.
(B) ચાકરનું રળ્યું ચાકર ખાય, ઘરનો ધણી પળ્યો જાય ને જાતે રળે ત્યારે કોઠી ભરાય.
(2) વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો :
ઉત્તર :
કહેવતો :
(A) બોલે તેના બોર વેચાય;
(B) માગ્યા વગર મા પણ પીરસે નહિ;
(C) વાત કરવી હુંકારે ને લડાઈ કરવી તુંકારે,
(D) હોઠ સાજા તો ઉત્તર ઝાઝા;
(E) બોલે નહિ હસી, તો સૌ જાય ખસી;
(F) વાણી પરથી પ્રાણી પરખાય.
પંક્તિ :
(A) ના વસ્ત્રથી, ના શાસ્ત્રથી; કુળવાન ઓળખાય છે વાણી માત્રથી
(3) મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો.
ઉત્તર :
કહેવતો :
(A) માથું આપે તે મિત્ર;
(B) મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે.
(C) મિત્રતા એવો છોડ છે કે જેને હંમેશાં પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.
દુહો :
(A) શેરી મિત્રો સો મળે; તાળી મિત્ર અનેક,
જેમાં સુખદુઃખ પામીએ તે લાખોમાં એક.
(4) અન્ય પાંચ સુભાષિતો મેળવીને લખો :
ઉત્તર : (1) હોય કામ મુશ્કેલ પણ, ઉદ્યમથી ઝટ થાય;
ખંત જો દિલમાં હોય તો; કદી ન ફોગટ જાય.
(2) હંસા પ્રીતિ ક્યાંયની, વિપત પડે ઊડી જાય;
સાચી પ્રીત શેવાળની, જળ ભેગી સુકાય.
(3) જે જન પામે પૂર્ણતા, તે ન કદી ફુલાય,
પૂરો ઘટ છલકાય નહિ, અધૂરો ઘટ છલકાય.
(4) મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.
(5) બહુ જન મળીને જે કરે, તે એકે નવ થાય;
સાવરણી ઘર સાફ કરે; સળી એકે શું થાય?
(5) શાળાની દીવાલ પરથી તમને ગમતા પાંચ સુવિચાર લખો :
ઉત્તર : ( 1 ) ક્ષમા વીરોનું આભૂષણ છે. (2) સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. (3) પ્રેમ સ્વર્ગનો રસ્તો છે. (4) માતાનું હૃદય બાળકની પાઠશાળા છે. (5) સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યનાં બે ફેફસાં છે.
પ્રશ્ન 3. નીચેના શબ્દ-ચોરસમાંથી કોંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધો :
(પૃથ્વી, આભ, મિત્ર, પંથ, ઔષધ, સુવાસિત)
ઉત્તર :
પૃથ્વી = ધરતી
આભ = નભ
મિત્ર = ભેરુ
પંથ = રસ્તો
ઔષધ = દવા
સુવાસિત = સુગંધિત
પ્રશ્ન 4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
(1) આભ x ધરતી
(2) પાપ X પુણ્ય
(3) મિત્ર x દુશ્મન
(4) ફાયદો x નુકસાન
(5) વેર x મૈત્રી
(6) સુખિયાં X દુખિયાં
પ્રશ્ન 5. નીચેનાં સુવાક્યોનો વિચારવિસ્તાર કરો :
(1) આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.
ઉત્તર : જે સ્વાશ્રયી હોય છે તેને હાથ લાંબો કરવાનો વારો આવતો નથી. પારકી આશા છોડીને પોતાના બળ ઉપર આધાર રાખનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. તે ગમે તેવાં મુશ્કેલ કાર્યો પણ સહેલાઈથી પાર પાડી શકે છે. આપણું કામ બીજું કોઈ કરી આપશે, એવી પારકી આશા રાખવાથી, વ્યક્તિ નિર્બળ બની જાય છે, એને નિરાશા જ અનુભવવી પડે છે. આ માટે મેઘ (વરસાદ) નું ઉદાહરણ આપવામાં આવે છે. વરસાદનાં પાણી જ ખેતી અને જીવન માટે પોષક છે.
(2) પાણી અને વાણી વિચારીને વાપરો.
ઉત્તર : પાણી કુદરતે આપેલી અમૂલ્ય સંપત્તિ છે. કુદરતે ખુલ્લે હાથે વેરેલી સંપત્તિને જતનથી સાચવવી જોઈએ. આપણે તેને જરૂર પ્રમાણે વાપરવાને બદલે, વેડફી દઈએ છીએ. પાણી ન મળે ત્યારે જ પાણીની સાચી કિંમત સમજાય છે. પાણી વાપરવામાં આપણે વિવેક રાખવો જોઈએ. એ રીતે વાણીનો સંયમ પણ અત્યંત જરૂરી છે. જ્યાં બોલવું જોઈએ ત્યાં ન બોલીએ અને જ્યાં બોલવું ન જોઈએ ત્યાં બોલીએ તે પણ ખોટું છે. પાણી વાપરવામાં જેમ વિવેક રાખવો જોઈએ એમ વાણીનો પ્રયોગ કરવામાં પણ વિવેક રાખવો જોઈએ. બંને વિચારીને વાપરીએ તો પસ્તાવું ન પડે.
પ્રશ્ન 6. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
વૃથા, છત્ર, કોયલ, વેર, ઔષધ, સુવાસિત, આભ, અંધકાર
ઉત્તર : અંધકાર, આભ, ઔષધ, કોયલ, છત્ર, વૃથા, વેર, સુવાસિત
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 17 અભ્યાસ અને સ્વાધ્યાય