Batris Putli Ni Varta Gujarati Six | 6. અબોલા રાણીની વાર્તા

Spread the love

Batris Putli Ni Varta Gujarati Six
Batris Putli Ni Varta Gujarati Six

Batris Putli Ni Varta Gujarati Six | 6. અબોલા રાણીની વાર્તા

છઠ્ઠે દિવસે છઠ્ઠી પૂતળી ચિત્રાંગનાએ રાજા ભોજને સિંહાસન ઉપર બેસવા જતાં અટકાવી, બોલી : “હે રાજન ! આ સિંહાસન ઉપર વિક્રમ રાજા જેવો ઉદાર, પરાક્રમી અને ચતુર રાજા જે બેસી શકે. આથી વિક્રમ રાજાનાં પરાક્રમો જાણવા ભોજ રાજાએ ઇચ્છા દર્શાવી, એટલે ચિત્રાંગનાએ નવી વાર્તા કહેવી શરૂ કરી:

ઉજ્જયિની નગરીમાં વિક્રમ રાજા રાજ કરતો હતો. ઉજ્જયિનીના મધ્યમાં બજારો આવેલાં હતાં. ત્યાં તંબોળીઓનું પણ બજાર હતું. ત્યાં ભૈરવગોખ નામે એક જગ્યા ખૂબ પ્રખ્યાત હતી. તેની પાસે એક પાનવાળાની દુકાન હતી. આ પાનવાળાની દુકાને મસાલાથી ભરપૂર જાતજાતનાં પાન મળતાં. આ પાન વાળાનાં પાન ખાવા દૂર દૂરથી લોકો આવતાં. રજવાડામાં પણ એનાં જ પાન જતાં.

આ તંબોળીની દુકાને દરરોજ સાંજે એક રૂપવંતી સ્ત્રી આવે. તંબોળી તેની રુચિ પ્રમાણે પાનબીડું બનાવી દે, એટલે તે એક સોનામહોર આપી જતી રહેતી. તે કદી ભાવ બાબતમાં પૂછપરછ કરતી નહિ. એક દિવસ આ પાનવાળાને થયું કે, આ સ્ત્રી કોણ હશે ? તે દરરોજ મને એક સોનામહોર આપીને જાય છે ? તેને તે સ્ત્રી વિશે જાણવાનું મન થયું. તેણે તેના પોતાના ગોરને બોલાવી બધી વાત કરી.

ગોર મહારાજે તે સ્ત્રી કોણ છે તે વિશે જાણી લાવવાનું કામ માથે લીધું. એક સાંજે તંબોળીની દુકાને ગોર મહારાજ પણ હાજર રહ્યા. થોડી વાર થતાં તે સ્ત્રી દુકાને આવી અને પાન લઈ એક સોનામહોર આપી ચાલવા માંડી. જેવી સ્ત્રી ચાલી કે ગોર મહારાજ તેની પાછળ પાછળ ગયો. સ્ત્રી તો નગરથી ઘણે દૂર એક જંગલમાં ગઈ. ત્યાં એક પર્વત હતો. પર્વતમાં ગુફા હતી. ગુફા ઉઘાડીને તે સ્ત્રી અંદર પેઠી. એની પાછળ પાછળ ગોર પણ પેઠો. થોડુંક અંદર ગયા ત્યાં તો એક સુંદર નગર આવ્યું, જાણે ઈન્દ્રપુરી જોઈ લો. ત્યાં દૂરથી સંગીતસ્વરો આવતા. હતા. તેજસ્વી તારા ઝબકતા હોય એવા દીવા બળતા હતા અને પુષ્પોની મીઠી સુગંધ માનવનું ભાન ભુલાવી દેતી હતી.

નગરની શેરીમાં આગળ જતાં એક સુંદર બાગ આવ્યો. ત્યાં કેટલીક સ્ત્રીઓ રમત રમતી હતી, કોઈ ફેરફુદડી ફરતી હતી. બાગની પાસે એક ચોક હતો, ત્યાં આવેલ એક કૂવામાં કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા આવી હતી. તે ઘડાને કૂવામાં નાખતી અને કહેતી : “ધડા ઘડા કૂવામાંથી બહાર આવ, તને અબોલા રાણીની આણ!” આશ્ચર્ય વચ્ચે ઘડો દોરડા વગર તેની મેળે ઉપર આવતો.

દૂર ઊભેલા ગોરે આ કૌતુક જોયું તે તો આભો જ બની ગયો. તે પાણી ભરતી સ્ત્રીઓ પાસે આવ્યો અને બોલ્યો : “હે સુંદરીઓ ! તમે કોણ છો ? તમે હમણાં જેની આણ દીધી તે અબોલા રાણી કોણ છે ?”

પેલી સ્ત્રીઓ બોલી: “મહારાજ! તમે વળી અબોલા રાણીના રાજ્યમાં અહીં કેવી રીતે આવી ચઢ્યા ? અબોલા આમ ક્યાંય રસ્તામાં નથી પડી તે દેખાડીએ ? તે તો પુરુષનું મોંઢું પણ જોતાં નથી. મહેલમાં તેમના ખંડમાં ચાર પડદા બાંધેલ છે, તેની અંદર તે રહે છે. તેને પુરુષજાત પ્રત્યે નફરત છે. વળી તેની પ્રતિજ્ઞા એ છે કે ચાર વાર જે એને બોલાવે, એને એ વરે અને પડદા ખોલે.”

ગોર બોલ્યો : “ગમે તે હોય પણ મારે અબોલા રાણીને મળવું છે. તે મને દેખાડો. તેને મળ્યા વગર નહિ જાઉં.”

બ્રાહ્મણની હઠ જોઈને તેમાંથી એક સ્ત્રી અબોલા રાણી પાસે ગઈ અને બધી વાત કરી. રાણીએ કહ્યું: “એ મૂર્ખ બ્રાહ્મણને પેલા કુંડમાં નવડાવી દો, એટલે એ આપોઆપ પાછો જતો રહેશે.”

પેલી સ્ત્રી ગોર પાસે આવી અને બોલી : “તમને અબોલા રાણીએ કુંડમાં નાહવાનું કહ્યું છે.”

ગોર તો રાણીને મળવા એટલો અધીરો બની ગયો હતો કે તે તો પહેર્યો કપડે જ કુંડમાં નાહવા પડ્યો કે સાથે જ પેલા તંબોળીની દુકાને જઈ પહોંચ્યો. તેણે આંખો ખોલી જોયું તો તે તંબોળીની દુકાને ઊભેલ. ગોર તો નવાઈ પામ્યો. તેમને અબોલા રાણીની નગરી સ્વપ્ન સમી લાગી. અહીં તો મધરાત થઈ હતી. ક્યાંય કોઈ જોવા મળતું ન હતું. તેનું મન અકળાઈ ગયું અને પોક મૂકીને રડવા લાગ્યો.

મધરાતે વિક્રમ રાજા નગરચર્ચા જોવા નીકળ્યા હતા. તેઓ ફરતાં ફરતાં અહીં આવી ચઢ્યા. તેમણે ગોરને રડતા જોઈ પૂછયું: “અરે મહારાજ ! આમ મધરાતે રડવાનું કારણ શું? એવું તે કયું દુખ આવી પડ્યું કે આમ રડો છો.?”

ગોરે કહ્યું : “અરે ભાઈ ! તમે મારું દુખ દૂર કરી શકો તેમ નથી.”

વિક્રમ રાજાએ ગોરને પોતાની ઓળખાણ આપીને કહ્યું : “હું ગમે તે રીતે તારું દુખ દૂર કરી આપીશ. તું રડવાનું બંધ કરી મને તારું દુખ જણાવ.”

ગોરે રાજાને અબોલાં રાણીની બધી વિગતે વાત કરી. રાજાએ કહ્યું : “તું મને એ અબોલા રાણી પાસે લઈ જા, તારું દુખ જરૂર દૂર થશે !

ગોરે બીજા દિવસે રાજાને સાંજના સમયે તંબોળીની દુકાને બોલાવ્યા. બીજા દિવસે સાંજે રાજા વેશપલટો કરી તંબોળીની દુકાનની થોડે દૂર ગોર સાથે ઊભા રહ્યા. થોડી વાર થતાં ફરી પેલી સ્ત્રી તંબોળીની દુકાને આવી અને પાનબીડું લઈ એક સોનામહોર આપી ચાલવા માંડી. ગોરના કહ્યા પ્રમાણે રાજા તરત જ પેલી સ્ત્રીની પાછળ પાછળ ગુફામાં દાખલ થયા. ગોરે જેવું વર્ણન કર્યું એવી જ નગરી, એવો જ વૈભવ અને એવી જ શોભા! તેઓ કૂવા આગળ આવી ઊભા રહ્યા. કૂવા ઉપર રૂપરૂપના અંબાર સમી સુંદરીઓ પાણી ભરતી હતી. કોઈને પણ ઘડો ખેંચવો પડતો નહોતો, થોડી વાર સુધી તો રાજાએ ઊભા ઊભા જોયા કર્યું પછી તેમની નજીક જઈ પૂછ્યું: “બાઈઓ! આ કોનું ગામ છે અને તમે કોની આણ આપો છો?

પેલી સ્ત્રીઓમાંથી અબોલા રાણીની એક સખી બોલી “તમે કોણ છો? અને અહીં કેમ આવ્યા છો ? 

વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી, ત્યારે સખી બોલી: “અહીં અબોલા રાણીનું રાજ ચાલે છે.

રાજાએ પૂછયું: “એ અબોલા રાણી કોણ છે? એ તો કહો ?”

પેલી સખી બોલી : “એક વખત કેટલીક દેવીઓ રેતીની – પૂતળીઓ બનાવવાની રમત રમતી હતી, એવામાં કેટલીક જોગણીઓની રૂપાળી પૂતળીઓ ઉપર અમીદષ્ટિ થતાં બધી પૂતળીઓ સજીવન થઈ ગઈ. એટલે તેમણે પૂતળીઓને રહેવા માટે અજબ નગરીની રચના કરી. અમે બધી સ્ત્રીઓ રેતીની પૂતળીમાંથી બનેલી છીએ. અમારામાંથી અતિ સુંદર પૂતળી અબોલા રાણી છે. તેથી તેમને આ નગરીના રાણી બનાવ્યાં છે. અહીં તેમનું રાજ્ય ચાલે છે. અમારી રાણી કોઈ પુરુષનું મોં જોતાં નથી કે તેની સાથે વાત પણ કરતા નથી તે પોતાના ખંડમાં ચાર પડદા રાખે છે. તેમણે એવી પ્રતિજ્ઞા લીધી છે કે જે પુરુષ પોતાની ચતુરાઈથી અબોલારાણીને ચાર વખત બોલતી કરે તો તે ચારેય પડદા છોડી નાખે, નહિ તો તેમની સાથે હોડમાં ઊતરનારને રાણી કારાગૃહમાં પૂરી દે છે.”

રાજાએ કહ્યું : “હું તમારી રાણીના ચારેય પડદા છોડવીશ, મને તેમની પાસે લઈ જાઓ.”

સખી રાજાને મહેલે લઈ ગઈ. બહાર પહેરો ભરતી દાસીને રાજાને સોંપી અંદર ગઈ.

સખીએ કહ્યું “ઉજ્જયિની નગરીના રાજા વિક્રમ તમને મળવા માગે છે અને તમારા પડદા છોડાવવા આવ્યા છે.”

અબોલા રાણી ગુસ્સે થઈને બોલીઃ “જા રાજાને કહે:

નગર ઉજેણીમાં તારું જોર, અહીં આવ્યો તે મારો ચોર;

ચાર પહોર તો વાચા લઈશ, પ્રાતઃકાળ કારાગૃહદઈશ.

રાજા પડદાથી દૂર રહી બોલ્યો :

સાંભળ રે ગર્વીલી સતી. તારો કોણ પિતા ને પતિ?

વચન બોલ બોલે જેટલા, કારાગૃહ નાખ્યા કેટલા?

રાણીએ દાસીને દૂર આવેલા કારાગૃહ બતાવવા હુકમ કર્યો. દાસી રાજાને કારાગૃહ લઈ ગઈ. ત્યાં લગભગ આઠસો રાજ કુમારોને સોનાની સાંકળે બાંધી કેદી તરીકે રાખ્યા હતા. તેમના કોમળ ચહેરાઓ સાવ મૂરઝાઈ ગયા હતા. માથાના વાળ અને દાઢી વધી જવાથી તેમના ચહેરાઓ પણ ઓળખાતા નહોતા. રાજકુમારોને જોઈને રાજા ખૂબ જ હેરાન થઈ ગયા. તેણે પ્રતિજ્ઞા કરી કે આ બધાને કારાગૃહમાંથી છોડાવું તો મારું ખરું નામ વિક્રમ.

Batris Putli Ni Varta Gujarati Six
Batris Putli Ni Varta Gujarati Six

દાસીએ રાજાને કહ્યું : “રાજન ! આ બધાની દશા જોઈને જો તમે પણ હારી જશો તો આવી જ દશા તમારી પણ થશે.” આમ કહી તે રાજાને પડદા બાંધેલ જગ્યાએ લઈ ગઈ અને સોનાના પાટ ઉપર બેસાડ્યા.

રાજાએ કહ્યું: “હે અબોલા રાણી, હું તમને એક સરસ મજાની વાર્તા કહું છું. તમે હુંકારો ભણજો.”

અબોલા રાણી મૌન રહ્યાં. એટલે રાજાએ દાસીને કહ્યું : “રાણીના બદલે તેમનું કાનનું કુંડળ હુંકારો દેશે, રાણીને કાંઈ વાંધો તો નથી ને !”

રાજાના આ શબ્દો સાંભળી બધી દાસીઓ ખડખડાટ હસવા લાગી, એક દાસી રાણી પાસે જઈને આ વાત કરી, એટલે રાણીએ સંમતિ આપી અને કહેવડાવ્યું: “જો રાણીનું કુંડળ પણ વાતમાં હુંકારો નહિ ભણે તો તમારે કારાગૃહમાં જવું પડશે.”

સારુ”. વિક્રમ રાજાએ તરત વીર વૈતાળને યાદ કર્યો, એટલે તે તરત અદેશ્ય રૂપે હાજર થયો. રાજાએ કહ્યું: “જા, તું અબોલા રાણીના કુંડળમાં બેસી જા, અને મારી વાતમાં હુંકારો ભણતો રહેજે.”

વૈતાળ અબોલા રાણીના કુંડળમાં ભરાઈ બેઠો. રાજાએ વાત હેવા માંડી :

હે અબોલા રાણીના કાનના કુંડળ ! મેલપુર પાટણ નામે નગરમાં ચંદ્રદિવ્ય નામે રાજા રાજ કરતો હતો. આ ગામમાં ચાર મિત્રો રહેતા હતા. એક બ્રાહ્મણ, બીજો સોની, ત્રીજો સુથાર અને ચોથો સાળવી. આ ચારે મિત્રો રાતદિવસ રખડ્યા કરે. તેમને કામધંધામાં સહેજ પણ રસ નહિ ફક્ત ખાઈ-પીને રખડ્યા કરે. આથી તેમનાં મા-બાપ ખૂબ જ ચીડાતાં. એક દિવસ ચારેયના મા-બાપે ચારેય છોકરાઓને ખૂબ જ ઠપકો આપ્યો, તેથી ચારેય મિત્રોએ પરદેશ જઈ કંઈ કામધંધો કરવાનો વિચાર કર્યો.

એક દિવસ ચારેય મિત્રો કોઈને પણ કહ્યા વગર પરદેશ કમાવા જવા નીકળી પડ્યા. રસ્તામાં એક ગામ આવ્યું. ચારેયે ત્યાં રાતવાસો કર્યો. તેમની પાસે સીધુ હતું. એટલે બ્રાહ્મણે રસોઈ બનાવવાનું વિચાર્યું. તેણે સોનીને દેવતા લેવા ગામમાં મોકલ્યો. ગામમાં એક સોનીની દુકાન જોઈ. સોની દુકાનમાં દાગીના ઘડતો હતો. આથી પેલા સોની છોકરાને થયું કે કદાચ અહીં મને કામ મળશે. એટલે તે દુકાને જઈ દેવતા માગ્યો અને એણે પોતાની બધી હકીક્ત કહી સંભળાવી. દુકાનદાર સોનીએ કહ્યું : “ભાઈ, તું સોની છે, તું મારે ત્યાં રહી જા, હું તને દાગીના ઘડતા શીખવી દઈશ, અને મહેનતાણા તરીકે પૈસા પણ આપીશ.”

કાલ સવારે પાછો આવી જઈશ. કહી સોની દેવતા લઈ પોતાના મિત્રો પાસે આવ્યો અને કહ્યું : “મને આ ગામમાં એક સોનીને ત્યાં કામ મળી ગયું છે.”

બધા મિત્રોએ કહ્યું : “ભલે, તું આ ગામમાં રોકાઈ જા. અમે આગળ વધીશું. જ્યારે ઘેર પાછા ફરીશું ત્યારે અહીં થઈને જઈશું.”

સવાર પડતાં જ સોની ગામમાં રોકાઈ ગયો. જ્યારે બાકીના ત્રણ મિત્રો આગળ ચાલ્યા. આગળ જતાં બીજું એક ગામ આવ્યું  ત્યાં સુથારને એક સુથારને ત્યાં કામ મળી ગયું.

સુથારને ત્યાં મૂકી બ્રાહ્મણ અને સાળવી આગળ ચાલ્યા. આગળ જતાં એક ગામમાં સાળવીને વણકરને ત્યાં કામ મળી ગયું. વણકરે કહ્યું:“તું મારે ત્યાં કામ કરે તો તને હું કાપડ વણતાં શીખવું.” એટલે સાળવી પણ ત્યાં જ રોકાઈ ગયો.

હવે બ્રાહ્મણ એકલો જ રહ્યો. એ ચાલતો ચાલતો નર્મદા નદીને કિનારે આવ્યો અને ત્યાં એક ગુરુંને ઘેર વિદ્યા ભણવા રહી ગયો. આમ ચારેય મિત્રો અલગ અલગ ગામમાં રોકાઈ ગયા અને પોતપોતાના હુન્નર શીખવા લાગ્યા.

જોતજોતામાં બાર વર્ષ વીતી ગયાં. બ્રાહ્મણ શાસ્ત્રો ભણીને સર્વ વિદ્યામાં પારંગત થઈ ગયો. તે ગુરુના આશીર્વાદ લઈ પોતાને ઘેર આવવા નીકળી પડ્યો. પાછા વળતાં રસ્તામાં સાળવી જે ગામમાં રોકાયો હતો, ત્યાં આવ્યો. તે ગામમાં સાળવીને મળ્યો. સાળવી પણ બાર વર્ષમાં સારી રીતે કપડાં વણતાં શીખી ગયો હતો. તે બ્રાહ્મણ સાથે ઘેર આવવા નીકળી પડ્યો. બંને મિત્રો સુથારને ગામે આવ્યા, અને સુથારને મળ્યા. સુથાર પણ પોતાની કારીગરીમાં પારંગત થઈ ગયો હતો. તે પણ પોતાના બંને મિત્રો સાથે ગામ આવવા નીકળી પડ્યો. ત્રણે મિત્રો ત્યાંથી સોનીના ગામે આવ્યા, અને સોનીને મળ્યા. સોની પણ પોતાના માલિકની રજા લઈ મિત્રો સાથે નીકળી પડ્યો.

ચારે મિત્રો ચાલતાં-ચાલતાં ઘોર જંગલમાં આવ્યા. તેઓ બાર-બાર વર્ષ પછી મળવાથી પોતપોતાની વાતો કરી આગળ વધ્યે જતા હતા. રસ્તામાં સાંજ પડવા આવી. ચારે જણે એક વિશાળ ઝાડ નીચે મુકામ કર્યો. ચારે જણે એક એક પહોર જાગવા નક્કી કર્યું.

પહેલો વારો સુથારે લીધો. બીજા ત્રણે જણ સૂઈ ગયા. ચાલવાને કારણે તેઓ ખૂબ થાકી ગયા હતા. એટલે તરત જ ઊંધી ગયા. જ્યારે એકલો સુથાર જાગતો બેઠો. હવે એકલાએ રાતનો પહોર કેમ કરીને વિતાવવો તે વિચારવા લાગ્યો. કંઈક વિચારતાં તેને થયું કે લાવને એકાદ લાકડની પૂતળી ઘડવા માંડું. તે તો તરત જ પોતાના ઓજારો કાઢી પૂતળી ઘડવા માંડી. પૂતળી ઘડી રહ્યો ત્યાં તો એક પહોર પૂરો થઈ ગયો અને હવે જાગવાનો વારો સાળવીનો આવ્યો. સાળવીના ઊઠતાં જ સુથાર સૂઈ ગયો. સાળવીની નજર પૂતળી ઉપર પડી. તેને થયું કે સુથારે કેવી સુંદર પૂતળી બનાવી છે! પણ તે વસ્ત્રો વગર સારી લાગતી નથી. એટલે તેણે પૂતળી માટે કપડાં તૈયાર કર્યા અને પહેરાવી દીધાં.

ત્રીજો પહોર થતાં જાગવાનો વારો સોનીનો આવ્યો, અને સાળવી સૂઈ ગયો. સોનીની નજરે પૂતળી પડતાં તે જોઈ રહ્યો. તેને થયું કે આ પૂતળી કેટલી સુંદર લાગે છે! પણ જો તેણે ઘરેણાં પહેર્યા હોત તો તેની સુંદરતામાં ઓર વધારો થાત. તેણે તરત પૂતળી માટે સુંદર ઘરેણાં બનાવી દીધાં અને પહેરાવ્યાં. હવે બ્રાહ્મણનો વારો આવ્યો. એટલે સોની સૂઈ ગયો. બ્રાહ્મણ તો પૂતળી જોઈ નવાઈ પામ્યો. તેને થયું કે આવી સુંદર પૂતળી જીવ વગરની કેમ ? તેણે તરત જ પોતાની વિદ્યા અજમાવી, તેને જીવતી કરી. ઘડીકમાં તો તે બોલતી ચાલતી રૂપાળી સુંદરી બની ગઈ. બ્રાહ્મણ તો તેને જોતાં જ તેના પર મોહી પડ્યો.

થોડી વારમાં સવાર થતાં જ ત્રણે મિત્રો જાગ્યા. તેમણે પોતાની સામે રૂપાળી સુંદરીને જોતાં જ તેના પર મોહી પડ્યા. થોડી વારમાં તો ચારેય મિત્રો ઝઘડવા લાગ્યા. એક કહે : “આ સુંદરી મારી ને બીજો કહે: ‘આ સુંદરી મારી.

વિક્રમ રાજાએ અહીં વાત અટકાવી પૂછ્યું: “હે કાનના કુંડળ! હવે તું જ કહે કે એ સુંદરી કોની ? સાચું કહેજે, ખોટું કહીશ તો તારી રાણીની હાંસી થશે.”

તરત કુંડળ ઉપર બેઠેલો વૈતાળ બોલ્યો : “પૂતળી બ્રાહ્મણની. કારણ એણે એનામાં જીવ આપ્યો ને !” આ સાંભળી અબોલા રાણી ગુસ્સે થઈને બોલી : “અરે કુંડળ! તારામાં કાંઈ બુદ્ધિ છે કે નહિ? જીવ મૂકે તે તો ઈશ્વર કહેવાય, પૂતળી ઘડનાર સુથાર તો પિતા તુલ્ય ગણાય. વસ્ત્રો પહેરાવનાર સાળવી ભાઈ ગણાય, પરંતુ જેણે ઘરેણાં ઘડીને પહેરાવ્યા તે એનો પતિ થયો !” આમ કહી તેણે કુંડળ ફેંકી દીધું.

વિક્રમ રાજાએ કહ્યું: “હે અબોલા રાણી ! તમારો જવાબ તદ્દન સાચો છે. તમારી બુદ્ધિ માટે માન છે, પરંતુ તમે બોલ્યાં એટલે એક પડદો છોડી નાખો.”

Batris Putli Ni Varta Gujarati Six
Batris Putli Ni Varta Gujarati Six

અબોલા રાણીએ પોતાની શરત પ્રમાણે એક પડદો છોડાવી લીધો.

રાણી, હવે હું બીજી વાત કહું, તમે હુંકારો દેશોને ?”

અરે રાજા, તમે ગમે તેમ કરો પણ રાણી હુંકારો નહિ દે.”

“કાંઈ નહિ, બેફિકરથી વિક્રમે કહ્યું : “રાણીનો હાર હુંકારો દેશે.”

વૈતાળ હારમાં જઈ બેઠો. રાજાએ બીજી વાત શરૂ કરી :

રાજવતી નગરમાં રાજસેન નામનો રાજા રાજ કરતો હતો. તે ભલો અને પ્રજાપ્રેમી હતો. તેની રાણી સત્યવતી પણ શાણી અને ઉદાર હતી. તેઓ બધી વાતે સુખી હતા, માત્ર શેર માટીની ખોટ હતી. રાજાએ પુત્રપ્રાપ્તિ માટે મહાદેવજીનું તપ કર્યું. છ મહિનાના તપ બાદ શિવજી રાજા પર પ્રસન્ન થયા અને તેને એક પુત્રનું વરદન આપ્યું. વરદાનના પ્રતાપે રાણીને એક સુંદર કુંવર અવતર્યો. આથી રાજા-રાણીના આનંદનો પાર રહ્યો નહિ.

ધીરે ધીરે કુંવર બાર વર્ષનો થઈ ગયો. તેનામાં ઠરેલપણું આવી ગયું, એટલે એક દિવસ રાજાએ કુંવરને બોલાવી કહ્યું : “બેટા ! હું દરરોજ શિવપૂજા કરું છું, હવે મારી વૃદ્ધાવસ્થાને કારણે આ નિયમ જાળવવો કઠિન થઈ ગયો છે. એટલે મારી જગ્યાએ હવે તું દરરોજ શિવપૂજા કર.”

કુંવરે તે વાત કબૂલ કરી. તે દરરોજ ભક્તિભાવથી શિવપૂજા કરવા લાગ્યો. કુંવર અઢાર વર્ષનો થતાં રાજાએ તેનાં લગ્ન શીતળપુરની રાજકુમારી રૂપાવતી સાથે કર્યો. પરંતુ કન્યાને વળાવવાનું મુહૂર્ત આવ્યું નહિ, એટલે કન્યાને ત્યાં જ રહેવા દઈ જાન પાછી વાળી. જોષીએ મુહૂર્ત કાઢી આપ્યું કે, “મહિના પછી કન્યાને તેડી જવી.”

મહિનો થતાં રાજગોર કુંવરીને તેડવા ગયા, ત્યારે કુંવરીએ કહ્યું: “હું તો કુંવરજી તેડવા આવશે ત્યારે જ આવીશ, તમારી સાથે નહિ આવું.”

કુંવરીનો સંદેશો સાંભળી રાજકુમાર પોતે તૈયાર થયો. તેણે પોતાના બાળમિત્ર પ્રધાનપુત્રને પણ સાથે લીધો. રસ્તે જતાં એક શિવમંદિર આવ્યું. શિવમંદિરની પાસે એક સરોવર હતું. તેમાં સુંદર કમળો ખીલ્યાં હતાં. રાજકુમારે રથમાંથી ઊતરી સરોવરમાં સ્નાન કરી કમળો ચૂંટી લાવી શિવજીની પૂજા કરી. તેણે મનમાં નિશ્ચય કર્યો કે, હે જટાધારી ભોળાનાથ ! હું મારી રાણીને લઈને પાછો ફરીશ ત્યારે ફરીથી હું કમળપૂજા કરીને જ જઈશ.

રાજકુમાર અને પ્રધાનપુત્ર ત્યાંથી શીતળપુર આવ્યા. રાજકુમાર આવ્યાના સમાચાર મળતાં તેમનો ધામધૂમથી સત્કાર કરવામાં આવ્યો અને માનપૂર્વક મહેલે લાવ્યા. દોઢેક મહિનો સાસરે રોકાઈ રાજકુમારે વિદાય માગી. રાજાએ પોતાની કુંવરીને અઢળક દાયજો આપી રાજકુમાર સાથે વિદાય કરી.

રાણીને તેડીને રાજકુમાર અને પ્રધાનપુત્ર પાછા વળ્યા. પ્રધાનપુત્ર રથનો સારથિ બન્યો. રસ્તામાં પેલું શિવમંદિર આવ્યું. રાજકુમારે રથ ઊભો રખાવ્યો અને કહ્યું: “તમે બંને રથમાં બેસી રહો, હું હમણાં જ શિવમંદિરમાં કમળપૂજા કરીને પાછો વળું છું.”

કુંવર સરોવર પાસે ગયો, પણ ઋતું બદલાઈ ગયેલી હોવાથી સરોવરમાં એક પણ કમળ હતું નહિ. રાજકુમાર મૂંઝાઈ ગયો. હવે શું કરવું ?.તે વિચારતો શિવમંદિરમાં ગયો. તેણે વિચાર્યું કે કરેલો સંકલ્પ પાર પાડવો જોઈએ. એટલે તેણે શિવજી આગળ મસ્તક નમાવી બોલ્યો : “હે ભોળાનાથ! સરોવરમાં કમળો સૂકાઈ ગયાં છે. પણ આ મારું શિરકમળ હજુ લીલું છે. આપ તેને કૃપા કરી સ્વીકારો” આમ કહી તેણે તલવારથી પોતાનું મસ્તક છેદી નાખ્યું.

ઘણી વાર થવા છતાં રાજકુમાર પાછો આવ્યો નહિ એટલે પ્રધાનપુત્ર મંદિરમાં ગયો, તો શિવજી આગળ રાજકુમારના ધડ મસ્તક અલગ પડેલાં હતાં. તે ગભરાયો કે મંદિરમાં મારા સિવાય બીજું કોઈ હતું નહિ એટલે રાજકુમારની હત્યાનો આરોપ મારા પર આવશે, અને મારી આબરૂ જતી રહેશે. માટે મરવું એ જ મારા માટે ઉત્તમ છે આમ વિચારી તેણે મ્યાનમાંથી તલવાર ખેંચીને પોતાનું મસ્તક ધડથી અલગ કરી દીધું.

ઘણી વાર થઈ છતાં પ્રધાનપુત્ર પણ પાછો આવ્યો નહિ. એટલે કુંવરી રૂપવતી ચિંતા કરવા લાગી. તે રથમાંથી ઊતરીને મંદિરમાં આવી, અને જોયું તો બંનેનાં મસ્તક ધડથી કપાઈને અલગ-અલગ પડેલાં હતાં. તે તો ચીસ પાડી ઊઠી, અને ધૂસકે ધૂસકે રડવા લાગી. તેને ખબર ન પડી કે આ બંનેની હત્યા કોણે કરી ? તેને થયું કે લોકો મને જ કલંકિની ગણશે અને મને હત્યારી ગણશે. આ કલંક મારાં માતા-પિતાના કુળને પણ લાગશે. માટે જીવવા કરતાં મરવું સારું? આમ વિચારી તેણે મરવા માટે મ્યાનમાંથી તલવાર ખેંચી ગળે મારવા જાય છે, ત્યાં તો મહાદેવજી સાક્ષાત્ પ્રકટ થયા, અને બોલ્યા : “હે પુત્રી, આત્મહત્યા એ મહાપાપ ગણાય છે. માટે મરવાનું માંડી વાળીને બોલ, તારે શું જોઈએ છે?”

કુંવરી રૂપવતી બંને હાથ જોડી બોલી: “હે ભગવન્! મારે બીજું કાંઈ જોઈતું નથી. ફક્ત આ બંને જણને જીવતા કરો એટલે બસ. પતિ વગરનું જીવન મારા માટે નકામું છે.

મહાદેવજીએ કહ્યું: “પુત્રી! તું બંનેનાં મસ્તક ધડ ઉપર ગોઠવી ઉપર એક વસ્ત્ર ઓઢાડી દે એટલે થોડી વારમાં જ બંને સજીવન થઈ જશે.” આમ કહી શિવજી અંતર્ધાન થઈ ગયા.

રૂપવતી તો દોડીને રથમાંથી એક રેશમી વસ્ત્ર લઈ આવી અને તરત જ છૂટા પડેલા મસ્તક એક એક ધડ ઉપર ગોઠવી દઈ, વસ્ત્ર ઓઢાડી દીધું. થોડી વારમાં તો બંને સજીવન થયા અને આળસ મરડીને ઊભા થયા. પણ આ શું? રાજકુમારના ઘડ ઉપર પ્રધાનપુત્રનું મસ્તક અને પ્રધાનપુત્રના ધડ ઉપર રાજકુમારનું મસ્તક ! ઉતાવળમાં થયેલી ભૂલ બદલ રૂપવતીને ખૂબ જ પસ્તાવો થયો. તે મુંઝાવા લાગી કે આ બંનેમાંથી પતિ કોણ ગણાય ?

વિક્રમ રાજાએ અહીં વાત અટકાવી બોલ્યા : “હે અબોલા રાણીના હાર! આ બંનેમાંથી રૂપવતીનો પતિ કોણ ગણાય? સાચું કહેજે, નહિતર અબોલા રાણીનું માન ઘટશે.”

તરત જ હારમાં રહેલો વૈતાળ બોલ્યોઃ “આમાં શું? કુંવરીએ લગ્નવિધિ વખતે કુંવરનો હાથ ઝાલ્યો હતો, માટે કુંવરનું ધડ હોય તે જ કુંવરીનો પતિ ગણાય. વળી માનવશરીરમાં મસ્તક કરતાં ઘડનો ભાગ મોટો હોય છે! માટે કુંવરનું ઘડ છે, તે જ કુંવરીનો પતિ ગણાય.”

અબોલા રાણીને આ જવાબ ખોટો લાગ્યો. એટલે તેનાથી રહેવાયું નહિ, અને તરત જ ગુસ્સે થઈ બોલી ઊઠ્યાં : “હે હાર! તને ધિક્કાર છે. તે તો મારું નામ લજવી નાખ્યું. તું મારા ગળામાં રહેવાને લાયક નથી” આમ કહી હાર જમીન પર ફેંક્તા કહ્યું: મસ્તક શરીરનું ભૂષણ છે. માણસ માત્ર મસ્તકથી ઓળખાય છે. માટે રાણી ધડની નહિ પણ મસ્તકની.”

“શાબાશ” વિક્રમે કહ્યું: “તમારી વાત ખરી છે. તમે ખરેખર ચતુર અને બુદ્ધિમાન છો. પરંતુ તમે બીજી વાર બોલ્યાં એટલે બીજો પડદો છોડી નાખો.”

રાણીએ પોતાની શરત પ્રમાણે બીજો પડદો છોડી નંખાવ્યો. હવે રાત્રીનો ત્રીજો પહોર શરૂ થયો.

વિક્રમ રાજાએ ત્રીજી વાત કહેતાં રાણીને હુંકારો દેવા કહ્યું, પણ રાણીએ માથું હલાવી ના પાડી. એટલે રાજાએ વૈતાળને રાણીના નુપૂરમાં બેસવા કહ્યું અને કહ્યું: “તમે હુંકારો નહિ દો તો તમારું નૂપુર હુંકારો પૂરશે” આમ કહી રાજાએ ત્રીજી વાત શરૂ કરી :

સોરઠ દેશમાં માતાજીનો એક પરમ ભક્ત રાજા રાજ કરતો હતો. તેની રાણી પણ ધાર્મિક વૃત્તિની હતી. બંને જણા બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુખ હતું તેમને એક પણ સંતાન હતું નહિ તેથી તેમનું મન હંમેશા વ્યથિત રહેતું. રાજાએ કોઈ સાધુ-પુરુષના કહેવાથી કાળકામાની ઉપાસના કરી, છેવટે માતાજી તેના પર પ્રસન્ન થયાં અને એક દીકરીનું વરદન આપ્યું. વરદાનને પ્રતાપે રાણીએ સુંદર પુત્રીને જન્મ આપ્યો. પુત્રીના જન્મને લીધે રાજા-રાણીનું વાંઝિયામેણું ટાળ્યું. તેમના હરખનો પાર રહ્યો નહિ.

જોતજોતામાં કુંવરી ઉમરલાયક થઈ, એટલે રાજાએ પ્રધાનને તથા કુંવરીના મામાને બોલાવી કહ્યું : “હવે કુંવરી પરણવાલાયક થઈ ગઈ છે માટે તમે અને હું તેના માટે યોગ્ય મુરતિયાની તપાસ શરૂ કરી દઈએ. યોગ્ય મુરતિયો મળતાં જ તેનો વિવાહ કરી લગ્નનો દિવસ પણ નક્કી કરી લેજો. બીજા જ દિવસથી ત્રણે જણ મુરતિયાની શોધમાં લાગી ગયા.

એક દિવસ પ્રધાન લશ્કર લઈ યુદ્ધ જીતવા ગયો. ત્યાં તેણે એક સુંદર રાજકુમારને જોયો. તેણે તરત જ રાજકુંવરીનો વિવાહ તેની સાથે કર્યો, અને લગ્નનો શુભ દિવસ પણ જોવડાવી દીધો.

બીજી બાજુ રાજા શિકારે નીકળતાં તેમણે એક બહાદુર રાજકુમારને જોયો. રાજાએ કુંવરીનો વિવાહ તેની સાથે કરી દીધો, અને લગ્નનો દિવસ જોવડાવી દીધો. લગ્ન દશમનું નક્કી થયું ત્રીજી બાજુ રાજકુંવરીના મામાએ પણ એક સુંદર અને સંસ્કારી મુરતિયો શોધીને કુંવરીના વિવાહ નક્કી કરી દીધા અને લગ્ન દશમનું નિરધાર્યું.

થોડા સમયમાં ત્રણે જણા રાજધાનીમાં ભેગા થયા. કુંવરીના મામાએ કહ્યું : “મેં કુંવરીનો વિવાહ કરી દીધો છે ત્યારે પ્રધાને કહ્યું: “મેં પણ રાજકુંવરીનો વિવાહ નકકી કરી દીધો છે.” રાજાએ પણ કહ્યું: “મેં પણ કુંવરીનો વિવાહ નક્કી કરી દીધો છે.” આમ એક કુંવરી માટે ત્રણ મુરતિયા નક્કી થયા. ત્રણે જણાએ કુંવરીના લગ્ન દશમના જ નક્કી કરેલા.

જોતજોતામાં દશમનો દિવસ નજીક આવી ગયો. લગ્નને દિવસે રાજાએ આખો રાજમહેલ શણગારાવ્યો. ચારેબાજુ મંડપ બંધાવીને રંગબેરંગી રોશનીઓ કરી, તોરણો બંધાવ્યાં. સાંજ થતાં જ ત્રણે વરરાજા જાન લઈને માંડવે આવ્યા. જાનનાં માણસો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે કુંવરી એક અને વરરાજા ત્રણ? આમાંથી કુંવરી પરણશે કોને? આમ અનેક પ્રશ્નો ચર્ચાવા લાગ્યા.

પરંતુ દૈવની ગતિ ન્યારી છે. રાજકુંવરી એકલી સ્નાનખંડમાં સ્નાન કરી રહી હતી. ત્યાં ખાળમાંથી એક કાળો ઝેરી સાપ સરકી આવ્યો ને કુંવરીને પગે ડસ્યો, કે તરત જ કુંવરીનું પ્રાણપંખેરું ઊડી ગયું. થોડી વારમાં તો આ સમાચાર બધે ફેલાઈ જતા હાહાકાર મચી ગયો.

આશાભર્યા ત્રણે રાજકુમારોએ આ સમાચાર સાંભળ્યાં કે , ખૂબ દુખી થઈ ગયા. તેઓ કુંવરીની સ્મશાનયાત્રામાં ડાધુઓ સાથે સ્મશાને ગયા અને કુંવરીના રૂપાળા દેહને જોતાં તેમને થયું કે આવો રૂપાળો દેહ ઘડીકમાં તો મડદું થઈ ગયો ? ત્રણે જણાને સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો. તેઓએ ઘેર જવાનો વિચાર માંડી વાળી સ્મશાનમાં જ રોકાઈ ગયા.

ત્રણમાંથી એક જણે સ્મશાનમાં જ મઢુલી બાંધી, કુંવરીની રાખ ભેગી કરી રહેવા લાગ્યો. જ્યારે બીજો બળેલી કુંવરીના હાડકા વીણી લઈ પોટલી બાંધી ગંગામાં પધરાવવા નીકળી પડ્યો. જ્યારે ત્રીજો સાધુ બની અડસઠ તીરથની જાત્રાએ નીકળી પડ્યો.

સાધુ બનેલો રાજકુમાર ફરતો ફરતો દક્ષિણ દેશમાં પહોંચ્યો તે એક ગામમાં આવ્યો. તેને કકડીને ભૂખ લાગી હતી, એટલે એક ઘેર ભિક્ષા માગવા ગયો. તેણે ઘરના દરવાજે ઊભા રહી ભિક્ષાન દેહિ કહ્યું કે ઘરમાંથી અવાજ સાંભળી એક સ્ત્રી બહાર આવીને સાધુને પગે લાગી સન્માનપૂર્વક બેસાડ્યા અને બોલી : “હે મહારાજ ! આપ નિરાંતે બેસો, રસોઈ થાય એટલે તમને જમવા બેસાડુ.”

સાધુને બેસાડી તે રસોઈ કરવા બેઠી. એવામાં પેલી સ્ત્રીનું નાનું બાળક રડવા લાગ્યું. એટલે પેલી સ્ત્રી ઊભી થઈ બાળકને છાનું રાખવા લાગી, પરંતુ બાળક તો હઠે ચઢ્યું હતું, તે તો કેમે કરી છાનું રહ્યું નહિ. તેથી તેણે એ બાળકને ચૂલામાં નાખ્યો. સાધુએ આ જોયું તેમનું હૃદય કમકમી ગયું. તેને તે સ્ત્રી પ્રત્યે તિરસ્કાર થયો. તેમને થયું કે આવી પાપિણીના હાથે જમવું એ પણ એક જાતનું પાપ જ છે. તે તો ઊઠીને ચાલવા માંડ્યા કે સામેથી તેનો પતિ ઘર તરફ આવતો હતો. તેણે કહ્યું: “મહારાજ! આમ ભૂખ્યા કેમ ચાલ્યા ? આંગણેથી અતિથિ ભૂખ્યા જાય એમ કેમ ચાલે?”

સાધુએ કહ્યું : “ભાઈ ! તારી સ્ત્રી પાપિણી છે. તેણે મારા દેખતાં જ બાળહત્યા કરી છે. આવા ઘરમાં મારાથી કેમ જમાય ?”

“ઓહોં, એમાં શું?” કહીને તે હસ્યો. “ચાલો ઘેર, પસ્તાવાનું કોઈ કારણ નથી. હું સજીવન મંત્ર જાણું છું. હમણાં જ તે બાળકને સજીવન કરી દઉં છું.”

આ સાંભળી સાધુ તો નવાઈ પામ્યા. તેઓ સાચી હકીકત જાણવા માટે ઘરમાં ગયા. ઘરધણીએ ચૂલામાંથી રાખોડી કાઢી મંત્ર ભણી પાણી છાંટ્યું, કે પળવારમાં તો બાળક સજીવન થઈ ગયું. સાધુ તો આ જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા. તેમણે ઘરધણીને એ મંત્ર શીખવવા વિનંતી કરી. ઘરધણીએ સાધુને મંત્ર શીખવાડ્યો અને કહ્યું : “મહારાજ ! આ મંત્રથી એક જ માણસને જીવતું કરી શકાશે.” પછી સાધુને હેતથી જમાડ્યા.

સાધુ તેમનો આભાર માની ત્યાંથી નીકળી પડ્યા અને રસ્તામાં આવી સાધુનો વેશ કાઢી રાજકુમાર બની ગયો. તે રાજકુમારીના ગામના સ્મશાને આવી પહોંચ્યો, તે જ વખતે ગંગામાં હાડકાં પધરાવવા ગયેલો રાજકુમાર પણ સ્મશાને આવી પહોંચ્યો. બંને જણા ત્રીજા રાજકુમારની મઢુલીએ ભેગા થયા.

 પેલાએ કન્યાની રાખ માગી અને તેના પર મંત્ર ભણી પાણી છાંટ્યું, ત્યાં તો કુંવરી સજીવન થઈ.

રાજકુમારીને સજીવન થયેલી જોઈ ત્રણે મુરતિયાઓ તેને પરણવા માટે અંદરોઅંદર ઝઘડવા લાગ્યા. એક કહેઃ “હું સજીવન મંત્ર લાવીને એને જીવતી કરી, તેથી રાજકુમારીને હું પરણું. ત્યારે બીજો કહે : મેં ગંગામાં અસ્થિ નાખ્યાં એથી એ જીવતી થઈ છે.” જ્યારે ત્રીજો કહે : જો મેં રાખ સાચવી જ ના હોત તો કુંવરી જીવતી શી રીતે થાત? માટે કુંવરીને હું જ પરણું” હવે પ્રશ્ન એ ઊભો થયો કે કુંવરીને પરણે કોણ?

આટલેથી વાત અટકાવી વિક્રમ રાજાએ કહ્યું : “હે અબોલા રાણીના નૂપુર ! સાચું બોલ, કુંવરી કોને પરણે ? ખોટું કહીશ તો તારી રાણીનું માન ઘટશે.”

નૂપુરમાં રહેલો વૈતાળ બોલ્યો : “જેણે મંત્રથી કુંવરીને સજીવન કરી એને !”

આ સાંભળી રાણી ગુસ્સે થઈ નૂપુરને કાઢી દૂર ફેંક્યું અને બોલી : “તારો ઉકેલ સાવ ખોટો છે. કુંવરીને જેણે મંત્રબળથી સજીવન કરી તે તો તેનો પિતા ગણાય. જેણે એનાં અસ્થિ ગંગામાં નાખ્યા તે તેનો પુત્ર થયો અને જે મઢુલીમાં રાખ સાચવીને બેઠો તે તેનો પતિ થયો.”

વિક્રમ રાજાએ કહ્યું: “હે અબોલા રાણી, તમારો ઉકેલ સાચો, પણ તમે ત્રીજી વાર બોલ્યાં, માટે ત્રીજો પડદો છોડી નાખો” !

રાણીએ શરત મુજબ ત્રીજો પડદો છોડાવ્યો.

હવે ચોથો પડદો બાકી રહ્યો.

વિક્રમ રાજાએ કહ્યું: “હવે હું તમને ચોથી વાત કહું છું. જો તમે હુંકારો નહિ દો તમારા હાથમાંનું કંકણ હુંકારો પૂરશે. પણ અબોલા રાણી મૌન રહ્યાં, એટલે રાજાએ વૈતાળને કંકણમાં બેસવાનું કહ્યું અને પોતે વાત શરૂ કરી:

મરુતદેશમાં મોરેશ્વર નામે એક ગામ હતું. ત્યાં સુંદરપાળ નામે રાજા રાજ કરતો હતો. આ ગામમાં એક આંધળો અને એક લંગડો રહેતા હતા. તે બંને ખાસ મિત્રો હતા. તેમને એકબીજા વગર સહેજ પણ ચાલતું નહિ. બંને મિત્રો આખો દિવસ સાથે જ રહે. એક દિવસ આંધળાએ લંગડાને કહ્યું: “ચાલ, હું તને ખભે બેસાડી દઉં તું મને રસ્તો બતાવજે.” આમ લંગડો આંધળાના ખભા ઉપર બેસી ગયો.

બંને મિત્રો વાતો કરતાં કરતાં એક ગામમાં આવી પહોંચ્યા. આ ગામના રાજાને એક કુંવરી હતી, કુંવરીના ગળામાં મસો હતો તેથી તે કદરૂપી લાગતી હતી. તેની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહોતું. છેવટે રાજાએ કંટાળીને ઢંઢેરો પિટાવ્યો કે, “ જેના પર હાથણી કળશ ઢોળશે, તેને મારી કુંવરી પરણાવીશ અને અઢળક સંપત્તિ આપીશ.”

રાજાએ મહેલના ભવ્ય ચોગાનને શણગારાવ્યો, હાથણીને પણ શણગારીને સૂંઢમાં કળશ આપ્યો. કળશ લઈને હાથણી ચાલવા માંડી. એટલામાં પેલા આંધળા-લંગડાની જોડી ફરતી ફરતી અહીં આવી પહોંચી. તેઓ ચોગાનના એક ખૂણામાં ઊભા રહ્યા. થોડી વારમાં તો હાથણી કળશ લઈને આંધળા-લંગડા પાસે આવી અને તેમની ઉપર કળશ ઢોળ્યો.

રાજાએ કુંવરીના લગ્ન આંધળા-લંગડા સાથે વિધિપૂર્વક કર્યા અને પુષ્કળ ધન-ઝવેરાત આપ્યું. તેઓને રહેવા માટે એક જુદો મહેલ પણ કાઢી આપ્યો.

થોડા સમયમાં ત્રણે જણા સંપીને રહેવા લાગ્યા. કુંવરી પોતાના બંને પતિઓનું બરાબર ધ્યાન રાખતી. એક દિવસ લંગડાની દાનત બગડી. તેણે આંધળાને મારી નાખવા કાવતરું રચ્યું. તે એક ઝેરી નાગ ઉપાડી લાવ્યો અને તેના ટુકડા કરી તપેલીમાં પાણી સાથે નાખી ઊકળવા માટે તપેલીને ચૂલે ચડાવી, પોતે બહાર જઈને બેઠો.

આંધળો બહાર ગયો હતો, તે થોડી વારે ઘેર આવ્યો. તેને કકડીને ભૂખ લાગી. એટલે તે ખાવાનું શોધવા ફાંફાં મારવા લાગ્યો. પરંતુ તેને ક્યાંય ખાવાનું મળ્યું નહિ. એવામાં તપેલીમાં ઊકળી રહેલા પાણીનો ખળખળ અવાજ સાંભળ્યો. તેને થયું કે ચૂલા ઉપર કાંઈ રંધાઈ રહ્યું છે. તે ધીરે ધીરે ચૂલા પાસે આવ્યો અને જેવું તપેલીનું ઢાંકણ ખસેડ્યું કે અંદરની વરાળ તેની આંખોને લાગી. ઝેરી વરાળથી તેની આંખના પડદા ખૂલી ગયા ને તે દેખતો થઈ ગયો.

તેણે તપેલીમાં જોયું તો અંદર નાગના ટુકડા. એ સમજી ગયો કે તેને મારવાનું આ કાવતરું હતું. તે ગુસ્સે થઈ લંગડા પાસે ગયો, એ વખતે લંગડો પાછલી બાજુ રાજકુંવરી સાથે બેઠો બેઠો વાતો કરતો હતો. આંધળાએ કશું જ બોલ્યા વિના લંગડાના ટાંટિયા ઝાલી જોરથી રાજકુમારી ઉપર એને પછાડ્યો.

પરિણામ કંઈક જુદું જ આવ્યું પછડાટથી લંગડાના પગ સારા થઈ ગયા અને રાજકુંવરીનો મસો તૂટી ગયો. લંગડો ચાલતો થઈ ગયો અને રાજકુંવરી રૂપાળી બની ગઈ. કુદરતી રીતે એકનું ખોટું કરવા જતાં ત્રણેને લાભ થયો. હવે ત્રણેની ખોડ જતી રહી, પરંતુ ત્યાં એક મુશ્કેલી સર્જાઈ. આંધળો અને લંગડો રાજકુંવરી માટે લડવા લાગ્યા. હવે રાજકુંવરી કોની ?

વિક્રમ રાજાએ અહીં વાત અટકાવી પૂછયું : “હે અબોલા રાણીના કંકણ ! સાચું કહે રાજકુંવરી કોની ? ખોટું બોલીશ તો તારી રાણીની આબરૂ જશે.”

કંકણમાં રહેલો વૈતાળ બોલ્યો : “જે પોતાના પગે મંગળફેરા ફર્યો તેની, એટલે કે આંધળાની.”

કંકણનો જવાબ સાંભળી રાણી ગુસ્સે થઈને બોલી: “આંધળો ફેરા ફર્યો તે તો લંગડાનો ઘોડો હતો. ઘોડા ઉપર બેઠો હોય તે જ અસવાર કહેવાય, તે વરરાજા ગણાય. માટે કુંવરી લંગડાની ગણાય.”

વિક્રમ રાજાએ કહ્યું : “ખરી વાત ! તમે ચોથી વાર બોલ્યાં એટલે ચોથો પડદો ખોલાવી નખાવો.”

રાણીએ પોતાની શરત પ્રમાણે ચોથો પડદો ખોલાવ્યો. રાણી વિક્રમ રાજા પાસે આવીને બોલી : “હે રાજન! તમે જીત્યા ને હું હારી. આજથી હું તમારી દાસી છું.”

રાજાએ કહ્યું: “પહેલાં તમે આ બધા કારાગૃહમાંના કેદીઓને છોડી મૂકો.

રાણીએ તરત જ દાસીઓને મોકલી બધા બંદીવાનોને મુક્ત કરાવ્યા. પછી રાજાએ કહ્યું: “તમે મારી સાથે ચાલો. મારો એક બ્રાહ્મણ મિત્ર તમારી સાથે પરણવાની હઠ લઈને બેઠો છે.”

રાણી કંઈ પણ આનાકાની કર્યા વગર રાજા સાથે જવા તૈયાર થઈ ગયાં. રાજા અબોલા રાણીને લઈને ઉજ્જયિનીમાં આવ્યા. પછી બીજા દિવસે પેલા બ્રાહ્મણ સાથે અબોલા રાણીના લગ્ન બહુ ધામધૂમ સાથે કરાવ્યાં.

વાર્તા પૂરી કરતા ચિત્રાંગના પૂતળીએ જણાવ્યું : “હે રાજા ભોજ ! વિક્રમ રાજા આવા બુદ્ધિશાળી અને પરોપકારી હતા. જેનામાં તેમના જેવા ગુણ હોય તે જ આ સિંહાસન પર બેસી શકે છે.

આમ કહી તે પૂતળી સરરર કરતી આકાશમાર્ગે ઊડી ગઈ.

Also Read :

7. નાયીની વાર્તા


Spread the love
error: Content is protected !!
Scroll to Top