Batris Putli Ni Varta Gujarati Seven | 7. નાયીની વાર્તા
સાતમે દિવસે ભોજ રાજા ફરી સિંહાસન ઉપર બેસવા જાય છે, ત્યાં શ્યામકા પૂતળી રાજાને અટકાવી, બોલી: “હે રાજન ! આ સિંહાસન ઉપર વિક્રમ રાજા જેવો પરોપકારી અને પરાક્રમી રાજા જ બેસી શકે. હું તમને તેમના ચતુરાઈ અને પરોપકારની નવી વાર્તા કહું છું.
એક વખત ઉજ્જયિની નગરીમાં એક સિદ્ધ પુરુષ આવી ચઢ્યો. તેનું નામ માણેકનાથ. તે સર્વ વિદ્યામાં પારંગત હતો. તેણે વિક્રમ રાજાના ખૂબ જ વખાણ સાંભળ્યા હતા, તેથી તે રાજમહેલે આવ્યો. વિક્રમ રાજાએ તેનો પ્રેમથી આદરસત્કાર કર્યો, ને ખૂબ માનપાન આપ્યાં. રાજાના મહેમાન તરીકે સિદ્ધ પુરુષ સાત દિવસ રોકાયો, તે સમયમાં રાજાએ સિદ્ધ પુરુષની ઘણી સેવા-ચાકરી કરી.
એક દિવસ સિદ્ધ પુરુષ જમી પરવારી રાજા સાથે બેઠા હતા. રાજાનો હજામ સિદ્ધની પગચંપી કરતો હતો. સિદ્ધ પુરુષ રાજાની સેવાથી સંતુષ્ટ થઈ રાજાને કંઈક આપવા ઇચ્છા દર્શાવી, પરંતુ તે વખતે રાજાનો હજામ ત્યાં હાજર હતો, તેથી સિદ્ધ પુરુષે તે હજામને બહાર જવા કહ્યું. હજામ બહાર ગયો એટલે સિદ્ધ પુરુષે રાજાને ‘પરકાયાપ્રવેશનો મંત્ર આપ્યો.
સવાર થતાં સિદ્ધ પુરુષ પોતાને રસ્તે પડ્યા, પરંતુ હજામને આખી રાત ચેન પડ્યું નહિ. તેને થયું કે સિદ્ધ પુરુષે રાજાને શું આપ્યું હશે ? તેને તો ખાવાનું પણ ગમે નહિ, તેની ઊંધ પણ હરામ થઈ ગઈ. મધરાત થતાં તો તે રોવા બેઠો.
તે સમયે વિક્રમ રાજા વેશપલટો કરી નગરચર્ચા જોવા નીકળ્યા હતા. તેમણે હજામના ઘરમાંથી રડવાનો અવાજ સાંભળ્યો. તેઓ ઘરની દીવાલ ઓથે કાન રાખીને ઊભા રહ્યા. અંદર હજામ જોરજોરથી રડતો હતો, અને તેની સ્ત્રી બોલી રહી હતી : “આજે તમને શું થયું છે? અડધી રાતે કેમ રડો છો?
હજામ બોલ્યો: “હું નહિ તો શું કરું? કાલે રાજાના ત્યાં એક સિદ્ધ પુરુષ આવેલો. હું તેની પગચંપી કરતો હતો, ત્યારે તેણે મને ઓરડા બહાર કાઢીને રાજાને કંઈક આપ્યું. કોણ જાણે તેણે રાજાને શું આપ્યું? તેણે જરૂર કંઈ કીમતી વસ્તુ જ આપી હશે ! હવે હું આત્મહત્યા કરવાનો છું અને તેનું પાપ રાજાને માથે નાખવાનો છું.”
રાજાએ છુપાઈને હજામની વાત સાંભળી લીધી. તેમને ખૂબ જ નવાઈ લાગી. સવારે રાજાએ રાજમહેલમાં હજામને બોલાવ્યો અને કહ્યું : “ભાઈ !સિદ્ધ પુરુષે મને કાંઈ જ આપ્યું નથી. ફક્ત એક મંત્ર જ શીખવ્યો છે. એ મંત્ર પણ તારા કામનો નથી. તારે કાંઈ દુખ હોય તો મારી પાસેથી જોઈએ તેટલું ધન લઈ જા.”
હજામ બોલ્યો : “મહારાજ! મારે ધન જોઈતું નથી, ફક્ત સિદ્ધ પુરુષે તમને જે આપ્યું છે તે જ જોઈએ છે. જો તમે તે નહિ આપો તો હું આપઘાત કરીને મરી જઈશ.”
રાજાએ હજામના આપધાતના ભયથી તેને પરકાયાપ્રવેશનો મંત્ર શીખવ્યો. મંત્ર મળતાં જ તેના જીવને શાંતિ થઈ ગઈ.
થોડા દિવસ પછી રાજા હજામને લઈ જંગલમાં શિકારે ગયેલા, મહામુસીબતે રાજાએ એક મૃગનો શિકાર કર્યો. કંઈક યાદ આવતા તેઓ ઘોડા પરથી નીચે ઊતરી મરેલા મૃગ પાસે ગયા. તે સમયે વાળંદ પણ ઘોડા પરથી ઊતરી એક ઝાડ ઓથે ઊભો રહ્યો, અને વિક્રમ રાજા શું કરે છે તે જોવા લાગ્યો. વિક્રમ રાજાએ સિદ્ધ પુરુષના મંત્રનો ઉપયોગ કરવાનું વિચાર્યું. તેમણે આજુબાજુ નજર કરી તો કોઈ હતું નહિ. તેમણે પરકાયાપ્રવેશ મંત્રના બળે પોતાનું શરીર છોડીને મરેલા મૃગમાં પ્રવેશ કર્યો અને તેમનું નિષ્પ્રાણ ખોળિયું ત્યાં જ પડ્યું રહ્યું.
પેલો ચાલાક હજામ ઝડની ઓથે ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેણે આ તકનો લાભ લઈ તરત જ પરકાયાપ્રવેશ મંત્રના બળે પોતાના શરીરનો ત્યાગ કરી રાજાના શરીરમાં પેસી ગયો. તેને થયું કે મૃગના શરીરમાં વિક્રમ રાજાનો જીવ છે, એટલે જ્યાં સુધી મૃગ મરે નહિ ત્યાં સુધી તેને ભય રહે તેમ હતો. તેથી તે મૃગને મારવા ધસ્યો કે મૃગ પોતાનો જીવ બચાવીને જંગલની ઝાડીમાં નાસી ગયું.
પછી પેલો હજામ રાજા બનીને નગરમાં આવ્યો. તે રાણીના મહેલે ગયો. રાજાને સહીસલામત પાછા આવેલા જોઈ કેટલીક દાસીઓએ તેમને સોનાના થાળમાં મોતી ભરી વધાવા ગઈ. ત્યારે એક દાસીને રાણી સમજી તેનો હાથ પકડી હજામ બનેલો રાજા બોલ્યો : “રાણીજી, તમારા જેવા બીજા કોઈ નથી. એટલે જ પહેલા હું તમને મળવા મહેલે આવ્યો છું.”
બિચારી દાસી તો ગભરાઈ ગઈ અને રાણી પાસે દોડી ગઈ અને બધી વાત કરી. રાજા રાણીવાસમાં આવ્યા. તેમના હાવભાવ જોઈ રાણીને દાસીની વાત ખરી લાગી. તેને થયું કે વિક્રમ રાજા આવું વર્તન કરે જ નહિ. તેણે વિક્રમ રાજાની પરીક્ષા લેવાનું વિચાર્યું. હજામ મહેલમાં આવી પલંગ પર બેઠો, અને રાણી પાસે પાન માગ્યું. ત્યારે રાણી બોલી: “પહેલાં તમે મારા એક સવાલનો જવાબ આપો, પછી જ હું તમને પાન આપું.”
હજામે કહ્યું: “તમતમારે જે સવાલ પૂછત્ત્વો હોય તે પૂછો.”
રાણીએ કહ્યું: “કાલે આપણે શી વાતચીત કરી હતી અને શું ખાધું હતું તે કહો.
હજામે જવાબ આપ્યો, તે ખોટો હતો. તરત રાણી સમજી ગઈ. તેણે હજામને બીજા અનેક પ્રશ્નો પૂછ્યા, પણ બધાના જવાબો ખોટા હતા. તેથી ચતુર રાણી સમજી ગઈ કે આનો દેખાવ ભલે વિક્રમ રાજા જેવો દેખાય, પણ ખરેખર તે નથી. તેણે ચતુરાઈથી રાજાને પાન ખવડાવી, એક ઓરડામાં સુવાડી સાંકળ મારી દીધી.
સવાર થતાં રાણીએ પ્રધાનજીને બોલાવ્યા અને બધી વાત કરી. બંને જણાએ રાજાની ફરી પરીક્ષા કરી જોવાનું નક્કી કર્યું. રાજા બનેલ હજામને બહાર કાઢી રાણીએ હસીને કહ્યું : મહારાજ ! મારી સમસ્યાનો ઉત્તર આપો. તેમાં કોણ હાર્યું અને કોણ જીત્યું તે પ્રધાનજી નક્કી કરશે. રાણીએ સમસ્યા પૂછી.
નીર વિના જે નીપજે, પાપે પેદા થાય,
તેને જવલો જીતશે, તે અમને કહો રાય !
હજામ તો સમસ્યા સાંભળી મૂઢની જેમ બેસી રહ્યો. તે સમસ્યાનો જવાબ આપી શક્યો નહિ રાણી અને પ્રધાનજીને ખાતરી થઈ ગઈ કે આ વિક્રમ રાજા નથી. કારણ આ સમસ્યા તેમની વચ્ચે પહેલાં ચર્ચાઈ ચૂકી હતી. પ્રધાનજીએ તેને ચોકી પહેરા નીચે રાખ્યો.
બીજી બાજુ વિક્રમ રાજા મૃગ બની જંગલમાં આમથી તેમ રખડ્યા કરે છે તે મોટેથી બોલી શકતું નહોતું, એટલે દુખી થઈ ફર્યા કરતું હતું. એક દિવસ એવું બન્યું કે એક પોપટ અને પોપટી ઝાડ ઉપર બેઠા હતા, તેવામાં એક બાજે આવી તરાપ મારી. તે તરાપમાં પોપટી આવી ગઈ અને બાજ પોપટીને લઈ ઊડી ગયું. બિચારો પોપટ પોપટીના વિયોગમાં ઝૂરતો ભોંય પર પડી તરફડીને મરી ગયો.
મૃગવેશે ફરતા રાજાએ આ જોયું. તેમણે લાગ જોઈને તરત જ હરણનું શરીર છોડી, મરેલા પોપટમાં પ્રવેશ કર્યો ને ત્યાંથી ઊડતો ઊડતો ઉજ્જયિની પોતાની રાણીના મહેલે આવ્યો. તે સમયે રાણી ઉદાસ ચહેરે રાજાના જ વિચારોમાં ખોવાઈને બેઠં હતાં. પોપટ ઊડીને રાણીના પલંગ ઉપર બેઠો, ને જંગલમાં પોતાની સાથે બનેલ બીના કહી સંભળાવી. અને કહ્યું : “હાલમાં જે રાજા બની બેઠો છે, તે ખરેખર હજામ છે.”
રાણીએ પોપટ સાચું બોલે છે, તે જાણવા માટે તેને અનેક પ્રશ્નો અને સમસ્યાઓ પૂછી. તે બધાના જવાબો પોપટે સાચા આપ્યા. રાણીને પોપટની વાતમાં વિશ્વાસ બેઠો. તેમણે તરત જ પ્રધાનજીને તેડાવ્યા, અને પોપટની બધી વાત કરી. પ્રધાનજીએ પણ પોપટને રાજદરબારના અનેક અંગત પ્રશ્નો પૂછયા, તે બધાના જવાબો પોપટે સાચા આપ્યા. હવે રાણી અને પ્રધાનજીને ખાતરી થઈ ગઈ કે પોપટ જ વિક્રમ રાજા છે. રાણીએ તો પોપટને વહાલથી છાતી સરસો ચાંપી, ચોધાર આંસુએ રડવા લાગ્યાં અને બોલ્યાં : “મહારાજ! હવે તમે તમારા મૂળ રૂપમાં આવો.
પોપટે કહ્યું : “રાણી! ધીરજ રાખો, આ કામ ધારે તેટલું સહેલું નથી. આ માટે તમારે એક યુક્તિ કરવી પડશે. તમારે જે હજામ રાજા બની બેઠો છે, તેની સાથે મીઠી મીઠી વાતો કરી પ્રેમનું નાટક રચો, અને લાગ મળતાં જ કોઈ મરેલા પશુમાં તેને પરકાયાપ્રવેશ મંત્રને અજમાવી જોવાનું કહો.”
રાણીએ તરત જ રાજાના કહ્યા પ્રમાણે રાજાના વેશમાં રહેલા હજામ સાથે પ્રેમનું નાટક શરૂ કર્યું. તેઓ રાજાને પ્રાણીશાળામાં પશુ-પંખીઓ જોવાના બહાને લઈ ગયા. ત્યાં એક ઘેટું મરેલું જોતાં રાણીએ રાજા બની બેઠેલા હજામને પરકાયાપ્રવેશ મંત્ર અજમાવી જોવાનું કહ્યું, હજામને તો રાણીની ચાલાકીની સહેજ પણ ખબર ન હતી, તે તો રાણીની વાતોમાં ભોળવાઈ ગયો અને તરત જ વિક્રમ રાજાનું શરીર ત્યજી મરેલા ઘેટામાં પ્રવેશ કર્યો. વિક્રમ રાજા પણ પોપટ રૂપે ત્યાં જ હાજર હતા, તેઓ તરત જ પોતાના ખોળિયામાં પ્રવેશ કરી લીધો. જ્યારે હજામ ઘેટાના ખોળિયામાં રહ્યો. રાજાએ તરત જ પોપટનું ખોળિયું બાળી નખાવ્યું. હવે હજામને આખી વાત સમજાઈ ગઈ. પરંતુ હવે શું થાય ? હાથના કર્યા હૈયે વાગ્યા. ઘેટા બનેલા હજામને બધા ઘેટાંઓ સાથે રાખવામાં આવ્યું. અને પોપટ વિક્રમ રાજા બની ગયો.
આમ ઘણા દિવસો વીતી ગયા. એક દિવસ રાજા દરબાર ભરીને બેઠા હતા. ત્યાં એક બ્રાહ્મણ કલ્પાંત કરતો રાજા પાસે આવ્યો ને બોલ્યો: “હે મહારાજ! હું ગરીબ બ્રાહ્મણ છું, મારે એક સોળ વરસનો દીકરો હતો. તેનું અમે વેવિશાળ કર્યું એટલે વેવાઈ તરત જ લગ્ન લેવા દબાણ કરવા લાગ્યા, એટલે લગ્ન માટેનાં નાણાં લેવા હું, બ્રાહ્મણી અને મારો પુત્ર તમારી પાસે આવતાં હતાં.
રસ્તે જતાં વનમાં આવી પહોંચ્યાં, રસ્તો ભૂલી આમથી તેમ રખડવા લાગ્યાં. તેવામાં એક વાઘ આવ્યો. તેણે મારા દીકરા ઉપર તરાપ મારી, તેથી દીકરો બીકનો માર્યો ધરતી પર પડી ગયો ને મરી ગયો. તેના મૃતદેહને લઈને મારી પત્ની ક્ષિપ્રા નદીને કિનારે બેઠી છે. અમે પણ અમારા પુત્ર સાથે બળી મરવા માગીએ છીએ, કારણ પુત્ર વગરનું જીવન અમારા માટે નકામું છે તેના વગર અમે જીવી શકીએ તેમ નથી. મહારાજ, હું તમારે ત્યાં અગ્નિ સંસ્કાર માટેનાં લાકડા, જવ, તલ અને ઘી લેવા આવ્યો છું. તમે મહેરબાની કરીને મને તેનો પ્રબંધ કરી આપો તો સારું.
વિક્રમ રાજાએ બ્રાહ્મણને આશ્વાસન આપ્યું અને કહ્યું : “હે વિપ્રદેવ! જિંદગીમાં કદી ઉતાવળિયું પગલું ભરવું નહિ ઘણી વાર તેમ કરવા જતાં નુકસાન થતું હોય છે. ઘણી વાર માણસમાં જીવ હોય છતાં તેને મરી ગયેલ માની બાળી નાખવામાં આવે છે. કદાચ તમારા દીકરામાં પણ જીવ હોય ને તમે એને બાળી મૂકો તો તમને હત્યા લાગશે, માટે તમે અને તમારી પત્ની તમારા પુત્રના મૃતદેહને લઈ અહીં આવો, આપણે તેને સજીવન કરવા માટે બનતા તમામ પ્રયત્નો કરી જોઈએ. તમે હમણાં તેની પાછળ બળી મરવાનો વિચાર માંડી વાળો!”
બ્રાહ્મણને રાજાની વાત ગળે ઊતરી. તે રાજાની રજા લઈ બ્રાહ્મણી પાસે ગયો અને બધી હકીક્ત કહી જણાવી. બ્રાહ્મણ – બ્રાહ્મણી બંને પોતાના દીકરાના મૃતદેહને લઈ રાજમહેલે આવ્યાં, ત્યારે વિક્રમ રાજા વૈતાળને બોલાવી તેને સાથે લઈ સ્મશાનમાં હરસિદ્ધ માતાની પૂજા કરવા ચાલ્યા. તેમણે મંદિરમાં આવી માતાજીની પૂજા અને સ્તુતિ કરીને બોલ્યા : “હે મા! આજે મારી લાજ તમારા હાથમાં છે. તમારી કૃપાથી તો આજ મેં બ્રાહ્મણ – બ્રાહ્મણીને બળતાં અટકાવ્યાં છે.”
“વિક્રમ !” કહેતાં મા હરસિદ્ધ પ્રકટ થયાં ને બોલ્યાં : “મરેલા તો જીવતાં થતાં હશે ?”
વિક્રમ બોલ્યા “મા, હવે શું કરું?”
માતાજી બોલ્યાં : “એક ઉપાય છે. તમે પેલા ઘેટામાં પેઠેલા હજામ પાસે જાઓ, અને તેને સમજાવો કે તે બ્રાહ્મણના છોકરાના ખોળિયામાં પ્રવેશ કરે તો બધાની આબરૂ રહી જશે.”
આટલું કહી હરસિદ્ધ માતા અંતર્ધ્યાન થઈ ગયાં. વિક્રમ રાજા તરત જ ઘેટા પાસે ગયા અને કહ્યું: “તને ઘેટાના રૂપમાં ઘણું દુખ ભોગવવું પડતું હશે. માટે તું આ ઘેટાનું ખોળિયું છોડી, એક બ્રાહ્મણના ખોળિયામાં પ્રવેશ કર, જેથી તારું કલ્યાણ થશે.”
હજામ હઠે ચડ્યો. તેને થયું કે આજે રાજાને મારી ગરજ પડી છે. તેથી જ તે મારી પાસે આવ્યા છે. એટલે એણે ચોખ્ખી ના પાડી. રાજાએ તેને ખૂબ જ સમજાવ્યો અને કહ્યું : “તને જે જોઈએ તે આપીશ, તને રાજકન્યા પરણાવું, પણ તું મારું કહ્યું માન.”
પણ હજામ માન્યો નહિ એટલે રાજા ગુસ્સે થઈ તલવારથી મારી નાખવાની ધમકી આપી, એટલે તરત જ હજામ રાજાનું કહ્યું માનવા તૈયાર થઈ ગયો. રાજા તેને બ્રાહ્મણના દીકરા પાસે લાવ્યા. હજામે બ્રાહ્મણના દીકરાના શરીરમાં પ્રવેશ કર્યો કે તરત જ ઘેટો મરી ગયો ને બ્રાહ્મણનો દીકરો આળસ મરડી ઊભો થયો. બધાના આનંદનો પાર ન રહ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ તેને છાતી સરસો ચાંપી લીધો.
સવાર થતાં તો આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. રાજાએ પોતાના વચન મુજબ બ્રાહ્મણના દીકરાને જે જોઈતું હતું, તે આપ્યું અને પોતાની એક રાણીની પુત્રીને પરણાવવાની તૈયારી કરાવી, બ્રાહ્મણની નાત અને સગાં-સંબંધીઓને તેડાવ્યા. ઘણી ધામધૂમ સાથે તેમનાં લગ્ન કર્યા અને તેને પોતાનો પ્રધાન બનાવ્યો. પછી જ્યાં પહેલાં તેનો વિવાહ કરવામાં આવ્યો હતો. તે કન્યાને પણ તેની સાથે પરણાવી. તેમને રહેવા મહેલ પુષ્કળ સંપત્તિ પણ આપી.
વિક્રમ રાજાનાં આવાં સત્કર્મથી તેમની ચારે બાજુ વાહ વાહ થવા લાગી.
આમ વાર્તા પૂરી કરી શ્યામકા પૂતળીએ કહ્યું: “આવા ચતુરાઈ અને ભલાઈનાં કામ વિક્રમ રાજા કરતા હતા, જો તમે પણ આવા કાર્ય કરી શકો તો જ આ સિંહાસન પર બેસી શકો.”
આટલું કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.
Also Read :