Batris Putli Ni Varta Gujarati Eight | 8. ધનવંત શેઠની વાર્તા

Eight_Batris_putli_varta_gujarati
Batris Putli Ni Varta Gujarati Eight

Batris Putli Ni Varta Gujarati Eight | 8. ધનવંત શેઠની વાર્તા

આઠમે દિવસે પૂતળી લક્ષ્મણા ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતા અટકાવી બોલી : “હે રાજન! આ સિંહાસન પર તમે પગ મૂકશો નહિ. આની ઉપર તો વિક્રમ રાજા જેવો સત્યવાદી અને દાનેશ્વરી રાજા જ બેસી શકે.” આમ કહી તેણે રાજાના પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી.

ઉજયિની નગરીમાં વિક્રમ રાજા રાજ કરતા હતા. તેઓ પરદુઃખભંજક હોવાથી તેમના ખજાનામાંથી દરરોજ અઢળક દ્રવ્ય વપરાતું હતું. એક દિવસ રાજાએ પોતાના ખજાનચીને બોલાવી પૂછ્યું : “આપણી તિજોરીમાં કેટલું ધન છે?” રાજની તિજોરીમાં બહુ ધન હતું નહિ, એટલે સમજુ ખજાનચી બોલ્યો : “મહારાજ ! આપણે ધનનું શું કરવું છે? આપણી પાસે તો સત્ય, નીતિ, દયા, દાન, ધર્મભાવ ઇત્યાદિ સાત્ત્વિક પ્રકારનું ધન તો એટલું બધું છે કે જે ખુટાડ્યું ખૂટે તેમ નથી.” વિક્રમ રાજા ખજાનચીની વાત સમજી ગયા કે રાજ્યની તિજોરી ખાલી થતી જાય છે.

તેમની તીવ્ર ઈચ્છા હતી કે જો મારી પાસે અઢળક ધન હોય તો કેવું સારું! જેનાથી હું વધુ લોકકલ્યાણનાં કાર્યો કરી શકુ. આ ઇચ્છા સંતોષવા માટે તેમણે રાજ્ય પ્રધાનને સુપરત કરી વધુ ધનપ્રાપ્તિ માટે જંગલમાં શિવની ઉપાસના કરવા ગયા. રાજાએ ભૂખેતરસે સતત ત્રણ મહિના ઉપાસના કરી, છતાં શિવજી પ્રસન્ન ન થયા. આખરે રાજાએ કમળપૂજા કરવાના હેતુથી પોતાનું મસ્તક કાપવાની તૈયારી કરી કે તરત શિવજી પ્રસન્ન થયા અને સાક્ષાત પ્રકટ થઈ બોલ્યાઃ “હે રાજન! બોલ તારી શું ઇચ્છા છે? તારે જે જોઈએ તે માંગ.

વિક્રમ રાજાએ કહ્યું : “હે ભોળાનાથ! મને એટલું બધું ધન આપો, જેથી હું મારી ઇચ્છા પ્રમાણે લોકકલ્યાણનાં કાર્યો કરી શકું.”

શિવજીએ કહ્યું : “હે રાજન! અહીંથી દક્ષિણ દિશાએ જા, ત્યાં એક સાગર છે, તેની વચ્ચે બેટ છે ત્યાં મંદિર છે. તે મંદિરમાં એક અવધૂત રહે છે, તેને તું મળજે. તે કથીરનું કંચન કરી જાણે છે, સૂરજ જેવું તો એનું તેજ છે. પાસે કામધેનું છે. રસ્તો થોડો કઠિન છે, પરંતુ મારા આશીર્વાદ તારી સાથે છે, જરૂર તારી મનોકામના પૂર્ણ થશે.”

આટલું કહી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા.

રાજા તો ત્યાંથી દક્ષિણ દિશાએ નીકળી પડ્યા. તાપ સખત પડતો હતો. રાજા તો તાપની પણ પરવા કર્યા વિના આગળ ને આગળ રસ્તો કાપવા લાગ્યા. કેટલુંક ચાલ્યા પછી રાજાને ખૂબ જ તરસ લાગી. જળાશયની શોધમાં તેમની નજરે એક વાવ પડી. તેઓ પગથિયાં ઊતરીને પાણી પીવા વાવમાં ઊતર્યા. આ વાવમાં એક બાજુ ચોક હતો. ત્યાં ચાર જોગણીઓ ચોપાટ રમી રહી હતી.. એવામાં તેમની નજર રાજા ઉપર પડતાં જ ચારે જોગણીઓ ખડખડાટ હસવા લાગી ને બોલી : “તું ઠીક સમયે આવ્યો છે. અમને ક્યારની ભૂખ લાગી હતી.”

વિક્રમ રાજાએ કહ્યું : “ભલે તમતમારે મને શાંતિથી ખાજો. હું અહીંથી નાસી જવાનો નથી, પરંતુ તમે મને ખાતાં પહેલાં એટલું કહો કે તમે કોણ છો ? અને અહીં પુરાણી વાવમાં શા માટે ચોપાટ રમો છો ?”

એક જોગણી બોલી : “પહેલાં તું તારું નામ કહે, પછી અમે અમારી ઓળખાણ આપીશું.”

રાજાએ કહ્યું: “હું ઉજ્જયિની નગરીનો રાજા વિક્રમ છું. અને હરસિદ્ધ માતાનો પરમ ભક્ત છું.”

જોગણીઓ બોલી: “તું હરસિદ્ધ માતાનો પરમ ભક્ત છે. અમે પણ માતાજીના ભક્ત છીએ તે સારું થયું કે ઓળખાણ આપી, નહિતર આજે અમારાથી ઘોર પાપ થઈ જાત. અમારાથી તમને ન ખવાય અમારે તો તમને મદદ કરવી જોઈએ બોલો, તમે આ બાજુ કઈ તરફ નીકળ્યા છો?”

વિક્રમ રાજાએ પોતાની સઘળી હકીકત કહી જણાવી. એટલે જોગણીઓએ એક ઊડણપાવડી આપતાં કહ્યું : “હે રાજન! તમે જેજગ્યાએ જવા માગો છો, તે અહીંથી ખૂબ દૂર છે. તમે આ પવનપાવડીની મદદથી તમારી જગ્યાએ ઝડપથી પહોંચી જશો.”

વિક્રમ રાજા ચારે જોગણીઓનો આભાર માની પાવડી પગમાં પહેરી બોલ્યા : “ઊડ! ઊડ! પવનપાવડી, દક્ષિણ સાગરના બેટમાં અવધૂત પાસે જા.” પવનપાવડી તરત જ આકાશ માર્ગે ઊડવા લાગી અને પળવારમાં તો તે દક્ષિણ સાગરના બેટમાં અવધૂત પાસે આવી ગઈ. રાજાએ પગમાંથી પવનપાવડી કાઢી અવધૂત પાસે ગયા અને તેમને પગે પડી બોલ્યા : “મહારાજ! હું ઉજ્જયિની નગરીનો રાજા વિક્રમ છું. મને તમારી પાસે શિવજીએ મોકલ્યા છે. મને કૃપા કરી સુવર્ણ સિદ્ધિવાળી જડીબુટ્ટી આપો, જેથી હું લોકકલ્યાણનાં કાર્યો વધારે કરી શકું.”

અવધૂત રાજાને લોખંડમાંથી સોનું બને એવી જડીબુટ્ટી આપી અને કહ્યું : “હે રાજન ! ધનનો બહુ લોભ કરશો નહિ. આ જડીબુટ્ટીના આધારે પ૬ કરોડ સોનામહોરો બનાવજો. વધુ લોભ કરતા નહિ.”

રાજા અવધૂતનો આભાર માની તેમના આશીર્વાદ લઈ પવનપાવડીમાં બેસી ઉજયિની આવ્યા. જડીબુટ્ટીના આધારે તેમણે પ૬ કરોડ સોનામહોરો બનાવી પોતાની તિજોરીમાં મૂકી.

હવે આ ઉજ્જયિની નગરીમાં કરોડપતિ શેઠ ધનવંત રહેતા હતા. તેમના વૈભવનો પાર ન હતો. તેમનો વેપાર દેશ-પરદેશ ચાલતો હતો. એક વખત પરદેશથી ઉજ્જયિનીમાં એક વેપારી આવ્યો. તેમનું નામ શ્રીપાળ શેઠ. આ શેઠ પાસે એક કીમતી હીરો હતો. તેણે આ હીરો ઘણા ઝવેરીઓને બતાવ્યો, પરંતુ તેનું મૂલ્ય એટલું હતું કે તેના નાણાં કોઈ ચૂક્વવા તૈયાર થયું નહિ ધનવંત શેઠને ખબર પડતાં તેમણે તે હીરો ખરીદી લીધો અને તેનું મૂલ્ય ચૂક્વી દીધું. હીરાની ખરીદ-વેચાણથી બંને શેઠ વચ્ચે ભાઈબંધી થઈ ગઈ. ધનવંત શેઠે શ્રીપાળ શેઠને પોતાના ઘેર મહેમાન તરીકે રાખ્યા.

બંને ભાઈબંધો જમી પરવારી વાતોએ વળગ્યા. વાતવાતમાં શ્રીપાળ શેઠે કહ્યું : “ધનવંત શેઠ! મારે એક પુત્રી છે અને તે હવે ઉમરલાયક થઈ ગઈ છે. જો કોઈ તમારી નજરમાં સારો મુરતિયો હોય તો મને બતાવો, જેથી મારા માથેથી થોડો ભાર હળવો થાય.”

ધનવંત શેઠે કહ્યું : “અરે મિત્ર ! જો તને વાંધો ના હોય તો મારા પુત્ર સાથે તારી પુત્રીનો વિવાહ કરો.”

શ્રીપાળ શેઠને આ વાત ગમી ગઈ. તેમણે તરત જ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો, અને બંનેએ વિવાહ નક્કી કરી અરસપરસ ચાંલ્લા કર્યા અને નગરમાં પતાસાં વહેંચવામાં આવ્યાં. થોડા દિવસ પછી શ્રીપાળ શેઠ પોતાના વતન પાછા ફર્યા.

આ વાતને ચારેક વર્ષ વીતી ગયા. એકાએક ધનવંત શેઠની અવળી દશા બેઠી ! માલ ભરેલાં વહાણ સમુદ્રમાં ડૂબી ગયાં, અનાજના કોઠારમાં આગ લાગી, વેપારમાં ખોટ ગઈ, ચારે બાજુથી લેણદારો જીવ ખાવા લાગ્યા. ધનવંત શેઠ ઉપર તો મુસીબતોના પહાડ તૂટી પડ્યા, નાછૂટકે શેઠને દેવાળું કાઢવું પડ્યું અને પોતાનું ગામ છોડી બીજે ગામ ચાલ્યા ગયા.

ધનવંત શેઠનું કુટુંબ ખૂબ જ ગરીબ થઈ ગયું. ધનવંત શેઠનો લાડકવાયો દીકરો જે હીંડોળા ખાટે ઝૂલતો હતો, તેને મજૂર કરવાનો સમય આવ્યો. મા-દીકરો બંને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. થોડા સમયમાં આ વાતની જાણ શ્રીપાળ શેઠને પહોંચી ગઈ. તેમણે ધનવંત શેઠના દીકરા અજીત સાથેનું પોતાની દીકરીનું સગપણ તોડી નાખી કરોડપતિ કલ્યાણજી શેઠના દીકરા અશોક સાથે સગપણ કર્યું.

થોડા દિવસ પછી શ્રીપાળ શેઠે ઉજ્જયિની આવી પોતાની દીકરીનું લગ્ન અશોક સાથે ગોઠવ્યું. વિક્રમ રાજાને આ વાતની જાણ થતાં તેમણે શ્રીપાળ શેઠને મળવા બોલાવ્યા, અને બધા વેપારીઓને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું રાજા તરફથી માન મળવાથી બધા વેપારીઓ ખૂબ જ ખુશ થઈ ગયા.

બીજા દિવસે રાજાએ આખા નગરને જમાડ્યું. રાજાએ જમતાં પહેલાં વિચાર્યું કે નગરમાં કોઈ ભૂખ્યું તો રહી નથી ગયું ને! એ જોવા તેઓ નગરમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં તેઓ ધનવંત શેઠના ઘર આગળ આવ્યા કે અંદરથી રડવાનો અવાજ સંભળાયો. રાજાએ ઘરની બારીમાંથી જોયું તો ધનવંત શેઠની વહુ અને દીકરો રડતાં હતા. બંને જણા રડતાં રડતાં ઝેર પીવાની તૈયારી કરતાં હતાં. વિક્રમ રાજા તરત જ અંદર ગયા અને તેમને ઝેર પીતા અટકાવ્યા અને ઝેર પીવાનું કારણ પૂછ્યું, ત્યારે છોકરો બોલ્યો : “મહારાજ ! મારો વિવાહ શ્રીપાળ શેઠની દીકરી સાથે થયેલો, પણ નસીબજોગે અમારી હાલત ભિખારી જેવી થઈ ગઈ, એટલે શ્રીપાળ શેઠે મારો વિવાહ તોડી નાખ્યો અને તેમની દીકરી કલ્યાણજી શેઠના દીકરા અશોક સાથે કર્યો. અને તેની ખુશીમાં તમે પણ આખા નગરને જમાડ્યું, લોકો પૈસાને જ જુએ છે. ન્યાય-અન્યાયને જોતું નથી. મારાથી આવું અપમાન સહન થતું નથી, એટલે જ હું ઝેર પીને મારી જિંદગીનો અંત આણવા માગું છું.

પછી ધનવંત શેઠની પત્ની બોલ્યાં : “મહારાજ ! દીકરા વગર મારું જીવન પણ નકામું છે તેથી હું પણ મારી જિંદગીનો અંત આણવા માગું છું.”

વિક્રમ રાજાને બંનેની વાત સાંભળી ખૂબ દુખ થયું. તેમણે બંનેને ન્યાય અપાવવાનું વચન આપ્યું અને કહ્યું : “હું જરૂર તારા લગ્ન શ્રીપાળ શેઠની દીકરી સાથે જ કરાવીશ” એવું આશ્વાસન આપી રાજાએ વિદાય લીધી.

બીજા દિવસે વિક્રમ રાજાએ શ્રીપાળ શેઠને પોતાને મહેલે બોલાવ્યા અને ધનવંત શેઠના દીકરા સાથેનો વિવાહ તોડવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રીપાળ શેઠ બોલ્યા : “મહારાજ! મેં મારી દીકરીનો વિવાહ કર્યો હતો ત્યારે ધનવંત શેઠ ખૂબ જ શ્રીમંત હતા, જ્યારે આજે તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, તેઓ ભિખારી જેવી હાલતમાં જીવન ગુજારે છે. તેમને ખાવાના પણ સાંસા પડી ગયા છે. આવી પરિસ્થિતિમાં હું મારી દીકરીને કઈ રીતે તે ઘરમાં પરણાવું? આમાં મારો શો વાંક ?”

 વિક્રમ રાજા બોલ્યા: “શેઠજી! લક્ષ્મી કોઈની થઈ છે! તે તો સદા  હરતી-ફરતી રહે છે. વેપારીઓ પોતાની શાખ અને વચન ઉપર લાખો રૂપિયાનો ધીરધાર કરે છે સામાજિક વ્યવહાર બાંધે છે, પછી ગમે તે સ્થિતિ સર્જાય છતાં પાછી પાની કરતા નથી. આ રીતે જોતાં તમે ખોટું કામ કર્યું છે. તમારે તો ઊલટું વેવાઈ લોકોને ખરાબ પરિસ્થિતિમાં મદદ કરવી જોઈએ.”

શ્રીપાળ શેઠ બોલ્યા : “અમે વેપારી લોકો સરખા સાથે સંબંધ બાંધીએ છીએ, હવે ધનવંત શેઠ અમારી જેવી સ્થિતિવાળા રહ્યા નથી. તે બધું ગુમાવી બેઠા છે. માટે જ મારો સંબંધ તોડવો પડ્યો.”

વિક્રમ રાજાને શ્રીપાળ શેઠની દલીલ પરથી લાગ્યું કે શેઠ ધનના લોભી છે. જો તેમને ધનની લાલચ આપવામાં આવશે તો તેઓ પોતાની વાત બદલી કાઢશે.” આમ વિચારી તેમણે કહ્યું : “શ્રીપાળ શેઠ ! જો ધનવંતરાય પાસે અઢળક ધન આવે તો તમે તમારી દીકરી તેમના દીકરા સાથે પરણાવશો?”

 શ્રીપાળ શેઠ ધનનું નામ સાંભળી પીગળ્યા. તેમણે તરત જ હા પાડી દીધી. શ્રીપાળ શેઠ વિદાય થયા ત્યારે વિક્રમ રાજાએ પોતાના પ્રધાનને અને ખજાનચીને બોલાવી તેમની મારક્ત પ૬ કરોડ સોનામહોરો ધનવંતરાયને ત્યાં પહોંચાડી સર્વ હકીક્ત કહી જણાવી. રાજાની સહાયથી ધનવંતરાયનું બરબાદ થયેલું કુટુંબ ફરીથી આબાદ થઈ ગયું. ધનવંતરાય અઢળક ધનના માલિક બન્યા. ધનવંતરાય, તેમની પત્ની અને પુત્ર ત્રણે વિક્રમ રાજા પાસે આવ્યાં અને તેમનો ખૂબ જ આભાર માન્યો.

શ્રીપાળ શેઠને ખબર પડતાં તેમણે કલ્યાણજી શેઠના દીકરા અશોક સાથે કરેલો સંબંધ તોડી નાખ્યો અને ફરી ધનવંતરાયના દીકરા સાથે વિવાહ કર્યો અને ઘણી ધામધૂમથી પોતાની દીકરી ધનવંતરાય શેઠના દીકરા જોડે પરણાવી.

આ સમાચાર કલ્યાણજીના દીકરા અશોકે જાણ્યા ત્યારે તે ખૂબ દુખી થઈ ગયો અને તે પોતાનું સગપણ તૂટી જવાથી આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો. વિક્રમ રાજાને આની જાણ થતાં તેઓ અશોકને મળ્યા અને તેનું લગ્ન પોતાના પ્રધાનની પુત્રી સાથે કર્યું અને તેને ઘણું ધન-ઝવેરાત આપ્યું. આમ, ત્રણે કુટુંબો ખુશખુશાલ થઈ ગયાં.

લક્ષ્મણા પૂતળીએ વાર્તા પૂરી કરતાં કહ્યું : “હે રાજા ભોજ ! વિક્રમ રાજા આવા દાનેશ્વરી અને પરોપકારી હતા. તમે આવાં કાર્ય કરવા શક્તિમાન હો તો જ આ સિંહાસન ઉપર બેસી શકો. છો.” આટલું કહી પૂતળી સરરર કરતી આકાશમાર્ગે ઊડી ગઈ.

Also Read :

9. હંસની વાર્તા

error: Content is protected !!
Scroll to Top