One Akbar Birbal Story Gujarati | 1. બીરબલનો દંડ

Spread the love

One Akbar Birbal Story Gujarati
One Akbar Birbal Story Gujarati

One Akbar Birbal Story Gujarati | 1. બીરબલનો દંડ

એક દિવસ બીરબલે બાદશાહને કહ્યું, “નામવર, જ્યારે મારાથી કાંઈ પણ ભૂલ થાય ત્યારે આપ મારો ન્યાય હું જેને કહું તેની પાસે કરાવજો.” બાદશાહે કહ્યું “ભલે, જેવી તારી મરજી.” બીરબલને તો બાદશાહ પર પૂરતો વિશ્વાસ હતો, કારણ કે બાદશાહ બીરબલ જે કહેતો તે માનતા.

એક દિવસ એવું બન્યું કે બીરબલ કાંઈ વાંકમાં આવ્યો. બાદશાહનો વિચાર તો બીરબલનો દશ-બાર હજાર રૂપિયા દંડ કરવાનો હતો. આ વાત બીરબલના જાણવામાં આવી. આથી એણે બાદશાહ પાસે જઈ કહ્યું, “નામવર, મેં અપરાધ કર્યો છે એ વાત સાચી. પરંતુ આપે મને વચન આપ્યા મુજબ મારો ન્યાય હું જેને કહું એની પાસે કરાવો.” આ સાંભળી બાદશાહે કહ્યું, “ભલે, તું જેને કહેશે એ પાંચ માણસોને બોલાવી તારો ન્યાય કરાવીશ.”

બીરબલે કહ્યું, “એ લોકો જે ન્યાય કરે તે આપ નામવરને કબૂલ કરવો પડશે.”

બાદશાહ બોલ્યા : “અરે પંચ કહે તે મારે પણ કબૂલ છે.”

આ પ્રમાણે બાદશાહ પાસેથી વચન લઈ કહ્યું, “નામવર, પાંચ અછૂતોને બોલાવો. એની પાસે મારો ન્યાય કરાવો, એ જે કહેશે તે દંડ હું ભરી આપીશ.”

આ સાંભળી બાદશાહ હસ્યા, “અરે બીરબલ, પાગલ તો નથી બની ગયા ને ? એ અછૂતો-હલકી જાતના લોકો તારો શું ન્યાય કરશે ? એ કરતાં તું મોટા મોટા શેઠ શાહુકારોને બોલાવ ને તારો ન્યાય કરાવ. એ લોકો તારો યોગ્ય ન્યાય કરશે.”

પરંતુ બીરબલે કહ્યું, “નહીં નામવર, મારે ન્યાય કરવા માટે તો મેં જેને કહ્યું એ લોકોને જ બોલાવો. એ સિવાય બીજા કોઈને જ નહિ.”

બીરબલના કહેવા મુજબ બાદશાહે ઢેઢવાડેથી પાંચ અછૂતોને બોલાવ્યા અને એ લોકોને બધી જ હકીકત કહી સંભળાવી.

પાંચે જણા પોતાને બાદશાહે આપેલું માન જોઈ ઘણા જ ખુશ થયા અને અંદરોઅંદર વિચાર કરવા લાગ્યા, “મારું સાળુ, બીરબલે આપણને દુઃખ દેવામાં કાંઈ બારી રાખી નથી. માટે આજે તો તે બરાબર આપણા હાથમાં આવ્યો છે. માટે આપણે બધાએ એવો એવો દંડ કરવો જોઈએ કે એને જનમભર યાદ રહી જાય.”

એકે કહ્યું, “મારો તો વિચાર એ છે કે બીરબલનો આપણે સાત વીશી અને દશ રૂપિયા દંડ કરવો બરાબર છે.

બીજાએ કહ્યું, “ના, એમ નહિ. આટલો બધો ભારે દંડ ભરી એ બિચારો મરી જશે, માટે એનાં બાળબચ્ચાંનો જરી વિચાર કરી એનો પાંચ વીશી અને દશ રૂપિયા દંડ કરવો ઠીક છે.”

ત્રીજો જણ બોલ્યો, “અરેરે ! આટલો બધો દંડ હોય? આટલો બધો દંડ એ કયાંથી ભરી શકશે ? માટે એનો તો ત્રણ વીશી અને દસ રૂપિયા દંડ કરો. આટલો દંડ ભરતાં ભરતાં તો બિચારો જિંદગી સુધી નહિ ભૂલે !”

આખરે એ લોકોએ અંદરોઅંદર વિચાર કરી નક્કી કર્યું કે બીરબલનો બે વીશી અને દસ રૂપિયા દંડ કરો. અને તે પણ જાણે બીરબલને ભારે પડી જશે એમ એ લોકોએ ધાર્યું. પછી તેમનો આગેવાન હાથ જોડીને બાદશાહને કહેવા લાગ્યો, “અન્નદાતા ! અમે ઘણો જ વિચાર કર્યા પછી દંડની રકમ નક્કી કરી છે, માટે આપ જો ફરમાવો તો બોલીએ.”

બાદશાહ બોલ્યા, “બોલો જોઈએ, કેટલો દંડ કર્યો છે ?”

આગેવાન બોલ્યા, “અન્નદાતા, જો કે બીરબલનો વાંક મોટો છે એટલે દંડ પણ મોટો હોય કે સ્વાભાવિક છે. એટલે અમે એવો ભારે દંડ નક્કી કર્યો છે કે એને જન્મભર યાદ રહેશે. માટે એનો બે વીશું ને દશ રૂપિયાનો દંડ થવો જોઈએ.”

આ સાંભળી બાદશાહ બીરબલની ભણી જોઈ હસ્યા. બીરબલે કહ્યું, “જોયું નામવર ! ગરીબ માણસ બિચારો પોતાની ગુંજાસ જોઈને કામ કરે એનો આ દાખલો. અછૂતોને મનથી તો પચાસ રૂપિયા એટલે ઘણાબધા રૂપિયા.”

બાદશાહ બીરબલની ચતુરાઈ સમજી ગયા અને બીરબલની ચતુરાઈ ખાતર તેનો દંડ માફ કર્યો.

Also Read :

2. સવાશેર માંસ


Spread the love
error: Content is protected !!
Scroll to Top