Batris Putli Ni Varta Gujarati | બત્રીસ પૂતળીની ઉત્પતિ કથા વાર્તા

Spread the love

Batris Putli ni Varta Gujarati Section 1

ઉત્તર માળવાની રાજધાની ધારાનગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા હતા. આ નગરીની શોભા મનોહર અને અનુપમ હતી. તેને પંચાણું પરાં અને પંદર રાજમાર્ગો હતા.એકસો દશ દરવાજા અને બત્રીસ બારીઓ હતી. બસો બાર કૂવા અને વાવો હતી. પાણીના ઘાટ તો ગણ્યા ગણાય નહિ એટલા હતા. રાજા ભોજ પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા; તેથી અહીં દરેક વર્ણના લોકો સુખ-શાંતિથી રહેતા હતા.

રાજા ભોજ વિદ્યાના ભારે શોખીન હતા.તે દરેક વિદ્વાનોની કદર કરતા. તેમના દરબારમાં એક એકથી ચઢિયાતા વિદ્વાનો જોવા મળતા.તેમના દરબારમાં કોઈપણ પંડિત નવી કવિતા રચે કે તરત જ રાજા તેને મોટું ઇનામ આપતા.

આવી ધારાનગરીમાં બે ભાઈબંધ રહે. એક સોની અને બીજો બ્રાહ્મણ. લલ્લુભાઈ સોની અને કૃપાશંકર નામનો બ્રાહ્મણ બંને પોતાનું ગુજરાન માંડ માંડ કરીને કરતા. એક દિવસ બંને ભાઈબંધોએ પોતાની પરિસ્થિતિથી તંગ આવી કંટાળીને પરદેશ કમાવા માટે જવાનું નક્કી કર્યું. બંને પોતપોતાના કુટુંબીઓની રજા લઈ, થોડા દિવસના ભાથાં તેમજ થોડાં નાણાં સાથે પરદેશ જવા નીકળી પડ્યા.

બંને ભાઈબંધો ફરતા ફરતા વિજયનગરમાં આવી પહોંચ્યા..આ નગરના લોકો બધી વાતે સુખી હતા..આ નગરીની સમૃદ્ધિ જોઈ બંને ભાઈબંધોએ અહીં રહી કમાણી કરવાનું વિચાર્યું. લલ્લુભાઈ સોનીએ બજારની વચ્ચોવચ પોતાની સોના-ચાંદીના ઘડતર માટેની દુકાન કરી, પોતાનો ધંધો શરૂ કરી દીધો, જ્યારે કૃપાશંકરે એક શાળા શરૂ કરી અને નગરના છોકરાઓને ભણાવવા લાગ્યો. કૃપાશંકર વિદ્વાન હતો, તેથી તેની વિદ્વત્તાના વખાણ વિજયનગરના રાજાના કાન સુધી પહોંચ્યા. તેમણે કૃપાશંકરને પોતાના દીકરાને ભણાવવા માટે રોક્યો.

બંને ભાઈબંધો પોતપોતાના કામમાં મશગૂલ રહેવા લાગ્યા. ધીમે ધીમે કરતા બાર વર્ષનો સમયગાળો વીતી ગયો.. હવે સોનીને પોતાનું ઘર અને બાળબચ્ચાં સાંભર્યા. તેણે પોતાનો ધંધો સમેટી લઈને પોતાના વતનમાં જવાનું નક્કી કર્યું. તે  કૃપાશંકર પાસે ગયો અને કહ્યું : આપણે અહીં આવ્યાને બાર બાર વર્ષ વીતી ગયાં. બંને જણા ઘણું કમાયા. હવે આપણે ઘેર જઈએ.

કૃપાશંકરને પણ પોતાનું ઘર સાંભરી આવ્યું અને તેને પણ પોતાને ઘેર જવાની ઇચ્છા થઈ. તેથી તે પોતાના વતન જવા માટે સંમતિ લેવા રાજા પાસે ગયો. રાજાએ કહ્યું: “હાલમાં રાજકુંવરનો અભ્યાસ અધૂરો છે, તે પૂરો થયે તું તારે વતન જજે. જો તને તારા ભાઈબંધ ઉપર વિશ્વાસ હોય તો હું તને ચાર કીમતી રત્નો આપું છે, તે તેની સાથે તારે ઘેર મોકલી આપ. આ ચાર કીમતી રત્નો જો વેચશો તો એટલું બધું ધન મળશે કે તમારે જિંદગીમાં કદી ઘનની ખોટ નહિ પડે.” આમ કહી રાજાએ ભંડારમાંથી ચાર રત્નો મંગાવી કૃપાશંકરને ભેટ આપ્યાં.

કૃપાશંકર તો રાજી રાજી થઈ ગયો. તે રાજાને પ્રણામ કરી ચાર રત્નો લઈ પોતાના ભાઈબંધ સોની પાસે આવ્યો અને કહ્યું : “હાલમાં રાજકુંવરનો અભ્યાસ અધૂરો હોવાથી મારે તો હમણાં વતન પાછા આવી શકાશે નહિ. આથી તું મારી પત્નીને આ ચાર રત્નો આપજે અને હું અહીં ક્ષેમકુશળ છું તે જણાવજે.” આમ કહી કૃપાશંકરે લલ્લુભાઈ સોનીને ચાર રત્નો બાંધીને આપ્યાં.

લલ્લુભાઈ સોની તો પોતાનો ધંધો સંકેલી, બધાં નાણાં એકઠાં  કરી વિજયનગરથી ધારાનગરી જવા નીકળી પડ્યો. રસ્તામાં જ સોનીની દાનત પેલાં ચાર રત્નો જોઈને બગડી. તેને વિચાર આવ્યો કે, આ રત્નો હું બ્રાહ્મણીને નહિ આપું તો કોણ જાણવાનું છે? તેણે મનમાં કંઈક યુક્તિ વિચારી કાઢી.

સોનીએ પોતાને ઘેર આવી ચાર રત્નો પત્નીને બતાવ્યાં. તેની પત્ની તો ચાર રત્નો જોઈને ગાંડીઘેલી થઈ ગઈ. સોનીએ આ ચાર રત્નો ઘરમાં પલંગ નીચે ખાડો ખોદી દાટી દીધાં. પછી બીજા દિવસે ગામના ચાર આગેવાનોને બોલાવી, ખાનગીમાં લાંચ આપી, પોતાની સાથે સાક્ષી તરીકે રાખી બ્રાહ્મણીને ત્યાં ગયો. સોનીએ આ ચાર સાક્ષીઓની હાજરીમાં બ્રાહ્મણીને ચાર સોનામહોરો આપીને બ્રાહ્મણના કુશળ સમાચાર કીધા.

બ્રાહ્મણી તો ઘણા સમય પછી બ્રાહ્મણના કુશળ સમાચાર સાંભળી રાજી રાજી થઈ ગઈ. વળી ચાર સોનામહોરો જોઈ તેના આનંદનો તો પાર જ ન રહ્યો. દિવસો જતાં બધી વાત વિસારે પડી ગઈ.

આ બાજુ રાજકુંવરનો અભ્યાસ પૂરો થતાં કૃપાશંકરે રાજા પાસે જઈ પોતાના વતનમાં જવાની રજા લીધી. રાજાને કૃપાશંકરના કામથી પૂરો સંતોષ હતો. તેમણે રાજીખુશીથી તેને ઘેર જવાની રજા આપી. રાજાની આજ્ઞા લઈ બ્રાહ્મણે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં તે સુખના વિચારો કરતો હતો. પેલાં રત્નોથી આખી જિંદગી સુખરૂપ પસાર થશે. આવાં સ્વપ્નો જોતો તે પોતાને ઘેર આવ્યો. ઘેર આવીને જોયું તો બ્રાહ્મણી ગરીબાઈમાં દિવસો પસાર કરતી હતી.

બ્રાહ્મણને ઘણે દિવસે ઘરે આવેલો જાણી તેનાં સગાંસંબંધીઓ તેને મળવા આવ્યાં. તેનો આખો દિવસ બધાંને મળવામાં પસાર થઈ ગયો. રાત્રે બ્રાહ્મણ-બ્રાહ્મણી બંને એકલાં પડ્યાં ત્યારે બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું : “મેં મારા ભાઈબંધ લલ્લુભાઈ સોની સાથે ચાર કીમતી રત્નો મોકલાવ્યાં હતાં, છતાં આમ હાથે કરીને શા માટે દુખ ભોગવી રહી છે? એ રત્નો મને આપ તેને બજારમાં વેચીને આપણે આપણી ગરીબાઈ દૂર કરીએ”

બ્રાહ્મણીએ લલ્લુભાઈ સોનીએ આપેલી ચાર સોનામહોરો બ્રાહ્મણને આપી. બ્રાહ્મણે ચાર કીમતી રત્નોને બદલે ચાર સોના મહોરો જોઈ. તેણે બ્રાહ્મણીને કહ્યું: “મેં તો સોની સાથે ચાર કીમતી રત્નો મોકલાવેલ હતાં. તેની જગ્યાએ આ ચાર સોનામહોરો કેમ ?”

બ્રાહ્મણીએ કહ્યું : “મને તો લલ્લુભાઈએ આ ચાર સોના મહોરો જ આપી હતી.”

બ્રાહ્મણ સોનીની લુચ્ચાઈ સમજી ગયો. પોતાના ભાઈબંધે જ તેને દગો દીધો તે બદલ તે ઘણો નિરાશ થયો. તે સવાર થતાં જ સોનીના ઘરે પહોંચ્યો અને કહ્યું : “ભાઈબંધ ! તેં દોસ્ત જોડે જ દગો કર્યો? તેં તારી બુદ્ધિનો ઉપયોગ ભાઈબંધની પત્ની ઉપર જ કર્યો ? તે મારા મોકલાવેલ ચાર કીમતી રત્નોને બદલે મારી પત્નીને ચાર સોનામહોરો પકડાવી દીધી ?”

જે રત્નો તેં મને આપ્યાં હતાં, તે તો મેં તારી પત્નીને ચાર જણની સાક્ષીએ આપી દીધો છે. આ તો સારું થયું કે ચાર સાક્ષીઓ પણ પાસે હતા.

બંને ભાઈબંધો વચ્ચે તકરાર થઈ. કૃપાશંકર સમજી ગયો કે સોનીએ પોતાની સાથે લુચ્ચાઈ કરી છે. તેણે ન્યાય માટે રાજદરબારમાં સોની ઉપર ફરિયાદ માંડી. ભોજ રાજાએ દરબારમાં લલ્લુભાઈ સોનીને બોલાવ્યો. સોની પોતાના ચાર સાક્ષીઓને લઈને રાજદરબારમાં હાજર થઈ ગયો. સોની અને તેના સાક્ષીઓની બાતમીથી બ્રાહ્મણ જૂઠો ઠર્યો. રાજાએ બ્રાહ્મણને સોની ઉપર ખોટો આરોપ મૂકવા માટે દેશનિકાલ કર્યો.

બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘરવખરી લઈને આંસુ સારતાં બીજા રાજયમાં જવા નીકળ્યાં. નગરની થોડે દૂર એક ટેકરો હતો. તે ટેકરા ઉપર એક ગોવાળિયો દરરોજ તેના ભાઈબંધો સાથે રાજા-પ્રજાની રમત રમતો હતો. ભાઈબંધો પ્રજાજન બની તેની આગળ ફરિયાદ કરતા અને ગોવાળિયો ન્યાય ચૂકવતો. ન્યાય પણ એવો કરે કે ભલભલા ન્યાયાધીશોની અક્કલ બહેર મારી જાય ! ગોવાળિયામાં આટલી બધી બુદ્ધિ ક્યાંથી હોય ? પણ એ ટેકરામાં જ કંઈક ચમત્કાર હતો !

બ્રાહ્મણ-બ્રાહ્મણી તે ટેકરા પાસેથી આંસુ સારતાં જઈ રહ્યાં હતાં. ત્યાં અચાનક છોકરાઓની નજર આ બ્રાહ્મણ-બ્રાહ્મણી પર પડી. તેઓ તેમની પાસે ગયા અને તેમના રડવાનું કારણ પૂછયું. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ બધી વિગતે વાત કરી. છોકરાઓને તેમની પર દયા આવતાં તેઓ તેમને ટેકરા ઉપર પેલા ગોવાળિયા પાસે લઈ ગયા. ગોવાળિયાએ તેમની બધી વાત સાંભળ્યા પછી છોકરાઓને કહ્યું : “જાવ સોની અને તેના સાક્ષીઓને અહીં બોલાવી લાવો.”

છોકરાઓ તો થોડી વારમાં સોની અને તેના સાક્ષીઓને બોલાવી લાવ્યા. ગોવાળિયાએ પહેલા દરેકની અલગ-અલગ પૂછતાછ કરી. તેણે દરેકને રત્નનો આકાર કેવો હતો? તેનો રંગ કેવો હતો? તેવા અનેક સવાલો કર્યા. એકે ગોળ, બીજાએ ચોરસ, ત્રીજાએ ત્રિકોણ અને ચોથાએ લંબગોળ કહ્યા. ઉપરાંત દરેકે રંગ પણ અલગ અલગ કહ્યા. આમ ચારેય સાક્ષીઓએ અલગ અલગ જવાબ આપ્યા. તેમના જવાબ સાંભળીને ગોવાળિયાને ખાતરી થઈ ગઈ કે સોની અને તેના સાક્ષીઓ જૂઠા છે. એટલે ગોવાળિયાએ પોતાના ભાઈબંધોને કહ્યું : “આ સાક્ષીઓ અને સોની જૂઠું બોલે છે માટે તેમને સારો એવો મેથીપાક ચખાડો, જેથી તેઓ આપોઆપ સાચું બોલવા લાગશે.”

છોકરાઓ તો ગોવાળિયાનો હુકમ થતાં જ મોટી મોટી ડાંગ લઈને સોની અને તેના સાક્ષીઓની આસપાસ વીંટળાઈ ગયા. છોકરાઓના હાથમાં મોટી મોટી ડાંગ જોઈને સોની અને તેના સાક્ષીઓ ભયથી સાચું બોલી ગયા. ગોવાળિયાએ તરત જ સોનીને પેલાં રત્નો લઈ આવવા કહ્યું. સોની તરત જ પોતાને ઘેર જઈ જમીનમાં દાટેલ ચાર રત્નો લાવી બ્રાહ્મણને આપ્યાં. બ્રાહ્મણ-બ્રાહ્મણીને પોતાનાં રત્નો પાછા મળી જવાથી તેમના આનંદનો પાર ન રહ્યો.

Batris Putli ni Varta Gujarati Section 2

Batris Putli ni Varta Gujarati
Batris Putli ni Varta Gujarati

આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. રાજા ભોજને કાને પણ આ વાત આવી. આવા બુદ્ધિશાળી ન્યાયથી તેમને ઘણું આશ્ચર્ય થયું. તેમણે તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે જે જગ્યાએ બેસીને ગોવાળિયાઓ ન્યાય કરે છે, તે ટેકરામાં જ કંઈક ચમત્કાર છે. તેઓ પોતાના પ્રધાનો સાથે ત્યાં આવી પહોંચ્યા.અને પ્રધાનોને માણસો દ્વારા ટેકરો ખોદવાનો હુકમ કર્યો.

પ્રધાનોએ ટેકરો ખોદાવવાનું શરૂ કરાવ્યું. થોડું ખોદતાં જ એક અણમોલ સોનાનું રત્નજડિત સિંહાસન નીકળ્યું. તે બત્રીસ ગજ અર્ધગોળાકારમાં હતું ને ગજ ગજને અંતરે એક-એક એમ બત્રીસ પૂતળીઓ જડેલી હતી. એ પૂતળીઓને રત્નજડિત આભૂષણો પહેરાવેલાં હતાં. ઉપર દંડનું વિશાળ છત્ર શોભી રહ્યું હતું.Batris Putli ni Varta Gujarati

રાજા ભોજ આવું અદ્ભુત દેવતાઈ સિંહાસન જોઈ આનંદિત થઈ ગયા. તેમણે આ સિંહાસન પોતાને ત્યાં લાવી, સાફસૂફ કરાવી રાજસભામાં મુકાવ્યું. પંડિતો અને બ્રાહ્મણોને બોલાવી સિંહાસનનું પૂજન કરાવ્યું અને તેના પર બેસવાનું મુહૂર્ત જોવડાવ્યું. પછી રાજા ભોજ ભગવાનનું નામ લઈ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા કે તરત અચાનક અવાજ આવ્યો અને એક પૂતળી બોલી ઊઠી : “સબૂર રાજા ! તમે સિંહાસન ઉપર નહિ બેસી શકો.

રાજા ભોજ આભા બનીને ઊભા રહ્યા. તેમણે હાથ જોડીને પૂછયું. “તમે કોણ છો? મને શા માટે આ સિંહાસન ઉપર બેસવાની ના પાડો છો?”

પૂતળીએ કહ્યું : “રાજા ભોજ ! તમને ખરું કહીએ તો તમે અમને પૂતળીઓ માનો છો, તે ખરું નથી. પરંતુ અમે અમરાવતીની શાપિત અપ્સરાઓ છીએ”

રાજા ભોજે આશ્ચર્યસહ પૂછ્યું : “પૂતળીના રૂપમાં શાપિત અપ્સરાઓ ! આવો શાપ તમને કોણે આપ્યો ? તમારે અપ્સરા માંથી પૂતળીઓ કેમ બનવું પડ્યું. તે મને જરા વિગતે જણાવો.”

પૂતળીના રૂપમાં નંદા નામની અપ્સરા બોલી : “અમે બત્રીસે અપ્સરાઓ દેવલોકમાં દેવાધિરાજ ઇન્દ્રને પ્રસન્ન કરનારી હતી. દેવનગરી અમરાવતીમાં અમે બત્રીસે અપ્સરાઓ નૃત્યગાનમાં પારંગત હોવાને કારણે દેવો, દેવાંગનાઓ, યક્ષ, કિન્નરો, ગંધર્વો બધાં અમારો મુક્તપણે વખાણ કરતાં.

અમે દેવનગરી અમરાવતીની બત્રીસે અપ્સરાઓને એક દિવસ કૈલાસ જોવાનું મન થતાં બધાં સાથે મળીને આનંદ-પ્રમોદ કરતી કેલાસ પર આવી પહોંચી. હિમાલયના હિમથી ધવલ શિખરો જાણે સૂર્યનાં સપ્તરંગી કિરણોનું પ્રતિબિંબ પાડતાં હતાં.

તળેટીમાં ઊંચાં ઊંચાં તાલ, તમાલ અને દેવદારના વૃક્ષો શોભી રહ્યાં હતાં. દૂર દૂર કૈલાસની તળેટીમાં ભાગીરથી ગંગા વહી રહી હતી. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ મનોહર હતું. અમે અપ્સરાઓ આ પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવામાં એવી તો ખોવાઈ ગઈ કે અમે આનંદ-પ્રમોદ કરતી કરતી ગંગાને કાંઠે આવી. પહોંચી. અમે તેના નિર્મળ જળમાં નાહી સેવન કરી, એકબીજા ઉપર છંટકાવ કરવા લાગી.

અચાનક અમારી નજર ગંગાને સામે કાંઠે આવેલી એક વિશાળ શિલા ઉપર પડી. આ શિલાની બાજુમાં ત્રિશૂળ રોપેલું હતું, અને તે ત્રિશૂળ ઉપર ડમરું બાંધેલું હતું. તેની પાસે ધૂણી ધખતી હતી. આ વિશાળ શિલા ઉપર જટાધારી ભગવાન શંકર સમાધિસ્થ દિશામાં બેઠેલા હતા. તેમના શરીર ઉપર સર્પો ફરી રહ્યા હતા.

અમે બધા ગંગાની સામે કાંઠે આવેલ શિલા પાસે આવી અને વૃક્ષોની ઓથે ઊભી રહી, ધ્યાનથી ભગવાન શંકરના દેહને જોવા લાગી. તેમના દેહ-સૌષ્ઠવે અમારી બત્રીસે અપ્સરાઓનાં મનને મોહી લીધાં. અમો અંદરોઅંદર ચર્ચા કરવા લાગી. કોઈ કહેઃ “શિવ  જો મારા પતિ હોય તો ?” તો બીજી કહે “મેં તો તેમને તારી પહેલાં જ પસંદ કરી લીધા છે. આમ દરેક અપ્સરાઓ તેમને પતિ તરીકે સ્વીકારવા તત્પર બનવા લાગી.

આ સમયે ઓચિંતા પાર્વતીજી ત્યાં આવી ચડ્યાં અને તેમણે અમારી બત્રીસે અપ્સરાઓની ચર્ચા સાંભળી દંગ થઈ ગયાં. તેઓ પોતાના પતિ વિશેની આવી ચર્ચા સાંભળી ક્રોધે ભરાઈ ગયાં અને શંકરજીની સમાધિ પૂરી થાય તે પહેલાં તેમણે અમને શાપ આપ્યો :

“હે અપ્સરાઓ ! તમારી નજરને ધિક્કાર છે. તમે સદાશિવ ઉપર તમારી દષ્ટિ બગાડી, તેથી હું તમને શાપ આપું છું કે, તમે બત્રીસે અપ્સરાઓ બનીને કેલાસમાં મૂકેલા સિંહાસન ઉપર રહી, તેની શોભામાં વધારો કરો.”

ભગવાન શંકર સમાધિમાંથી ઊભા થતા પાર્વતીજીના ક્રોધને નિહાળી રહ્યા. તેઓ પાર્વતીજીના ક્રોધ આગળ કશું જ બોલ્યા નહિ અને સીધા કૈલાસ પર આવ્યા. અહીં બ્રહ્માજીએ વિશ્વકર્મા પાસે સિહાસન ઘડાવેલ અને તે શિવજીને લગ્ન પ્રસંગે ભેટ આપેલ.

આ જ દેદીપ્યમાન સિંહાસન ફરતે અમે બત્રીસે અપ્સરાઓ પૂતળી બનીને ગોઠવાઈ ગઈ. આનાથી આ સિંહાસન અનેરું બન્યું.

ભગવાન શંકરે આ સિંહાસન જોયું. પણ તેઓ તો શરીરે ભસ્મ ચોપડનાર અને વ્યાઘચર્મ પહેરનાર હોવાથી તેમને આ સિંહાસન મોહ પમાડી શક્યું નહિ. તેમને તો કોઈપણ બાહ્ય વસ્તુમાં રસ હતો નહિ.

બીજી બાજુ અમરાવતીમાં દેવરાજ ઇન્દ્રનો દરબાર બત્રીસે અપ્સરા વિના સૂમસામ થઈ ગયો હતો; જાણે કે દરબારનો રંગ જ ઊડી ગયો હોય. દેવરાજ ઇન્દ્ર પણ આ સ્થિતિથી ખૂબ જ ચિંતિત અને શોકાતુર હતા. તેમણે સમાધિથી બત્રીસે અપ્સરાઓની પરિસ્થિતિ જોઈ લીધી અને ગમે તેમ કરીને આ અપ્સરાઓને પૂતળીઓના શાપમાંથી મુક્ત કરવાનો મનોમન નિર્ધાર કર્યો.

તેમણે આ માટે ભગવાન શંકર પાસે જવાનું વિચાર્યું. તેઓ કૈલાસ ઉપર આવી પૂજા-અર્ચન વડે શિવજીને પ્રસન્ન કર્યા અને તેમને કહ્યું : “હે ભોળાનાથ ! આ અપ્સરાઓને માતા પાર્વતીજીના શાપમાંથી મુક્તિ અપાવો.”

શિવજીએ ઇન્દ્રને કહ્યું: “આ અપ્સરાઓને દેવીએ શાપ આપ્યો છે, અને તેથી તે જ તેનું નિવારણ કરી શકશે. માટે તમારે દેવીને પ્રસન્ન કરવા પડશે.”

ઈન્દ્રે દેવી પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે તેમના ચરણોમાં પુષ્પો અર્પણ કર્યા. દેવી પાર્વતીજીએ પ્રસન્ન ચિત્તે કહ્યું : “હે દેવરાજ ઇન્દ્ર! આ અપ્સરાઓએ મારા પતિ તરફ કુષ્ટિ કરી છે અને કોઈપણ પત્ની પોતાના પતિ તરફ ખરાબ નજરે જોનાર સ્ત્રીને સાંખી લેતી નથી. તેમના અયોગ્ય વર્તનને લીધે જ તેમને શાપ મળ્યો છે.

હે દેવરાજ ! હું તમારી દેવસભાની સ્થિતિ સમજી શકું છું, માટે તેમના શાપનિવારણ માટે કહું છું કે, જ્યારે આ સિંહાસન ઉપર માલવપતિ રાજા ભોજ બેસવા જશે ત્યારે જ આ અપ્સરાઓ મારા શાપમાંથી મુક્ત થઈ ફરી પાછી સ્વર્ગની અધિકારિણી બનશે.”

પાર્વતીજીનાં વચનોથી ભોળાનાથ અને દેવરાજ ઇન્દ્રને ખુશી થઈ. છેવટે ભોળાનાથે ઇન્દ્રને તુષ્ટ કરવાના હેતુથી કહ્યું : “હે દેવરાજ ! હું તો વ્યાઘચર્મ પહેરનારો અને શરીરે ભસ્મ ચોળનારો છું. મારે આ સિંહાસન કાંઈ જ કામનું નથી. તમે આ સિંહાસન લઈ જાઓ. તે તમારી દેવસભામાં શોભી ઊશે.”

દેવરાજ ઇન્દ્ર ભગવાન શંકર અને પાર્વતીજીની રજા લઈ અદૂભૂત સિંહાસન સાથે કૈલાસ પરથી વિદાય થયા. તેઓ સિંહાસન સાથે અમરાવતીની દેવસભામાં આવ્યા. સિંહાસનની પૂજા કરી આદરપૂર્વક સભાખંડમાં ગોઠવવામાં આવ્યું, પરંતુ દેવરાજ તેની ઉપર બિરાજમાન થયા નહિ.

આ વાતને ઘણા વર્ષો વીતી ગયાં. આ સમયે ઉજ્જયિની નગરીમાં મહારાજા ભર્તુહરિ રાજ કરતા હતા. તેમની પત્ની અનંગસેના ખૂબ દુષ્ટ હતી. તેના ખરાબ વર્તનને કારણે રાજા ભર્તુહરિ તેમના નાનાભાઈ વિક્રમાદિત્યને રાજગાદી સોંપી નાથ સંપ્રદાયનો ભેખ લીધો. રાજા વિક્રમાદિત્ય ભલા, ઉદાર, પરાક્રમી અને સર્વગુણ સંપન્ન હતા. તેઓ પોતાની પ્રજાનું ખૂબ ધ્યાન રાખતા. તેમના રાજ્યમાં ક્યાંય પણ અંધાધૂંધી ન હતી. પરોપકારી વર્તનને કારણે તેમણે ચારે બાજુ ખ્યાતિ મેળવી હતી.

રાજા વિક્રમાદિત્યના સમયમાં એક વાર ઈન્દ્રસભામાં નૃત્યગાન ચાલી રહ્યું હતું. તેમાં રંભા અને ઉર્વશી નામની અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. આ બંને અપ્સરાઓ ઇન્દ્રસભાની શોભા હતી. તેઓ બંને નાચગાનમાં ખૂબ પારંગત હતી, તેથી તે દેવરાજ ઇન્દ્રની માનીતી હતી.

ઇન્દ્ર રાજાના  જન્મદિવસે દેવસભામાં મોટો નૃત્ય સમારોહ યોજાયો હતો. ગાયન-વાદનમાં પ્રવિણ ગાંધર્વો પોતપોતાનાં વાદ્યો સાથે દેવસભામાં આવી ગયા. દરેક દેવ-દેવીઓ પણ પોતપોતાના આસને બિરાજમાન થઈ ગયાં. હવે નૃત્યનો સમય થયો. ત્યાં જ અચાનક રંભા અને ઉર્વશીમાં વિવાદ પેદા થયો. બંને ચડસાચડસીમાં આવ્યાં. રંભા કહે : “નૃત્ય કરવાનો અધિકાર પહેલો મારો છે” જ્યારે ઉર્વશી કહે : “નૃત્ય કરવાનો અધિકાર પહેલો મારો છે. કારણ કે નૃત્ય કરવામાં તારા કરતાં હું ચડિયાતી છું.” આમ બંને એકબીજાથી ચડિયાતી થવા લાગી. બધા દ્વિધામાં મુકાયાં.

આ સમયે દેવસભામાં નારદજીએ પ્રવેશ કર્યો. સભા એકદમ શાંત હતી. નારદજી સભાની સ્થિતિ જોઈ બોલ્યા: “હે દેવરાજ ! હું તો તમારા જન્મદિવસે ઘણાં બધાં કામો છોડી નૃત્યગાનનો આનંદ માણવા માટે અહીં આવ્યો છે. પરંતુ સભામાં તો ક્યાંય રંગ દેખાતો નથી. આનું શું કારણ ?

દેવરાજ ઇન્દ્ર બોલ્યા : “હે નારદજી ! આજના દિવસે આ બંને અપ્સરાઓ વિવાદે ચડી છે. તેઓ બંને એકબીજાથી ચડિયાતી માને છે. હવે તમે જ નિર્ણય કરો કે આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ ? જે શ્રેષ્ઠ હશે તે જ પહેલાં નૃત્ય કરશે.”

નારદજી ખૂબ જ હોશિયાર હતા. તેઓ આખી પરિસ્થિતિ સમજી ગયા. તેમણે ચૂપ રહેવામાં જ યોગ્ય માન્યું કેમકે એક નર્તકીને શ્રેષ્ઠ કહેતાં બીજી નર્તકીના ક્રોધનો ભોગ બનવું પડે તેમ હતું.

નારદજીએ થોડી વાર વિચાર કરીને કહ્યું : “હે દેવરાજ ! નર્તકીઓના નૃત્યનો ન્યાય કરવાનું કામ મારું નથી. આ કામ તો કોઈ રાજા-મહારાજાનું છે. આ કામ તો રાજા વિક્રમાદિત્ય જ કરી શકે.”

ઇન્દ્ર કહ્યું : “આ રાજા વિક્રમાદિત્ય કોણ છે અને તે ક્યાં વસેલો છે?”

નારદજીએ કહ્યું : “આર્યાવર્તમાં માલવદેશ આવેલો છે. તેની રાજધાની ઉજયિની નગરીમાં તમારો પૌત્ર રાજા વિક્રમ રાજ કરે. છે. તે સર્વગુણ સંપન્ન છે. તે આપની સભાનો ન્યાય કરી શકે તેમ છે”

દેવરાજ ઇન્દ્ર અતિ આનંદમાં આવી ગયા. તેમણે કહ્યું : “હે દેવર્ષિ ! તમે તો આજે મારી મોટી સમસ્યા ઉકેલી દીધી. હવે તમે થોડી વધારે મહેરબાની કરીને મારા પૌત્રને તાકીદે અહીં તેડી લાવો તો સારું.”

દેવરાજ ઇન્દ્રની વાત સ્વીકારી નારદજી ઉજ્જયિની નગરીમાં પહોંચી ગયા અને વિક્રમ રાજાને દેવરાજ ઇન્દ્રનું આમંત્રણ આપ્યું વિક્રમ રાજા નારદજી સાથે સ્વર્ગલોક આવ્યા. ત્યાંની સભા જોઈ વિક્રમ રાજા ખૂબ પ્રસન્ન થયા. દેવરાજ ઈન્દ્ર વિક્રમ રાજાનું ઇન્દ્રસભામાં સ્વાગત કર્યું અને તેમને સન્માનપૂર્વક યોગ્ય આસને બેસાડ્યા. દેવરાજ ઇન્દ્ર તેમને રંભા અને ઉર્વશીના વિવાદ વિશે જણાવ્યું અને બંનેમાંથી નૃત્યકલામાં કોણ પારંગત છે, તેનો નિર્ણય કરવાનું કહ્યું. વિક્રમ રાજાએ ઇન્દ્રસભામાં ન્યાય કરવાનું મળતાં તેઓ પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા.

થોડી વારમાં દેવરાજ ઇન્દ્રની મંજૂરી મળતાં મૃદંગવાદકે મૃદંગ ઉપર થાપ મારી અને તેની સાથે જ બધાં વાદ્યો રણકી ઊઠ્યાં. રંભા અને ઉર્વશી બંને રંગભૂમિ ઉપર આવી અને નૃત્ય કરવા લાગી. બંને અપ્સરાઓ પોતાની કલા બતાવવામાં મશગૂલ બની ગઈ. આખી સભા બંનેના નૃત્યને જોઈને દિગ્મૂઢ પામી ગઈ. રાજા વિક્રમ પણ બંનેનું નૃત્ય ધ્યાનપૂર્વક નિહાળવા લાગ્યા.

થોડી વારમાં બંનેનું નૃત્ય પૂરું થયું. હવે રાજા વિક્રમનો નિર્ણય કરવાનો સમય આવી ગયો. દેવરાજ ઈન્દ્ર બંને અપ્સરાઓ તથા આખી સભા વિક્રમ રાજાના નિર્ણયની રાહ જોવા લાગ્યા. બધાનાં મનમાં એ જ પ્રશ્ન થતો કે રાજા આ બંનેમાંથી કોને શ્રેષ્ઠ કહેશે ?

છેવટે રાજા વિક્રમે કહ્યું : “આપ સૌ નૃત્યના જાણકાર છો, છતાં આજે તમે મને ન્યાય કરવા માટે અહીં બોલાવ્યો, તે માટે હું ખરેખર આભારી છું. મારો નિર્ણય એ છે કેરંભા એ ખરેખર રંભા છે. તેનો મધુર અવાજ અને લાવણ્યનો જોટો જગતમાં બીજે ક્યાંય જોવા ન મળે તેનું દેહસૌદ્ધ પણ ગમે તેવાને આંજી દે તેવું છે. જ્યારે ઉર્વશી નૃત્યમાં તાલ, ઠેકા, મુદ્રાઓ અને દેહલાલિત્યથી ઉત્તમ રીતે અભિવ્યક્ત કરી શકે છે. રંભા ગીત-સંગીતમાં અજોડ છે તો ઉર્વશી નૃત્યકલામાં નિપુણ છે. આમ મારે મન બંને એકબીજાની પૂરક છે કોઈ કોઈથી શ્રેષ્ઠ નથી.”

વિક્રમ રાજાનો આવો પક્ષપાત રહિત નિર્ણય સાંભળીને દેવરાજ ઇન્દ્ર તથા આખી સભા વિક્રમ રાજાની વાહવાહ કરવા લાગી. બંને અપ્સરાઓ પણ રાજાના નિર્ણયથી ખુશ થઈ ગઈ અને પોતાના આવા વિવાદ બદલ શરમથી માથું નીચું કરી ગઈ. બંનેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બંને એકબીજાને ભેટી પડી. આ જોઈ દેવરાજ ઇન્દ્ર પણ ખુશ થઈ ગયા અને તેમણે રાજા વીર વિક્રમને મહાદેવજીએ આપેલા સિંહાસન ઉપર બેસવાને યોગ્ય સમજી તે સિંહાસન ભેટ આપ્યું.

Batris Putli ni Varta Gujarati Section 3

Batris Putli ni Varta Gujarati
Batris Putli ni Varta Gujarati

વિક્રમ રાજા આ અદભુત સિંહાસન લઈ ઉજ્જયિનીનગરીમાં પાછા ફર્યા. ઉજ્જયિનીનગરીની પ્રજા આવા સોનાજડિત દેવતાઈ સિંહાસન જોઈ નવાઈ પામી. બધાં આ સિંહાસનનાં વખાણ કરવા લાગ્યાં, અને સિંહાસનમાં જડેલી બત્રીસ પૂતળીઓનાં અંગ-ઉપાંગ અને રૂપલાવણ્ય જોવામાં મશગૂલ થઈ ગયાં.

રાજા વિક્રમાદિત્ય સિંહાસનને પોતાની રાજસભામાં મુકાવ્યું રાજાએ પંડિતોને બોલાવી સિંહાસન પર બેસવાનું મુહૂર્ત જોવડાવ્યું. રાજા સિંહાસનની પૂજા કરી, તેના ઉપર બિરાજમાન થયા.

જ્યારે જ્યારે રાજા આ સિંહાસન ઉપર બેસતા ત્યારે ત્યારે વિક્રમ રાજાની આગળ એક અદભુત ચિત્ર ઊભું થતું. તેમને સિંહાસન ઉપર બેસતાં જ દેવસભાના રંગરાગ આંખો સમક્ષ તરવરવા લાગ્યા, અને તેમને પણ આવા રંગરાગ કરવાનું મન થઈ આવ્યું. ધીરે ધીરે વિક્રમ રાજાના દરબારમાં નૃત્ય-ગાન વધવા લાગ્યું.

તેઓ રાજકાજમાં ઓછું ધ્યાન આપવા લાગ્યા. રાજસભામાંથી વિદ્વાનો અને મંત્રીઓની સંખ્યા ઘટતી ગઈ તેમ તેમ નર્તકીઓની સંખ્યા વધતી ગઈ. રાજ્યમાં ચારે બાજુ અંધાધૂંધી ફેલાઈ ગઈ. બધા વિક્રમ રાજાની એશઆરામની નિંદા કરવા લાગ્યા.

દરબારના મંત્રીઓ, કારભારીઓ અને વિદ્વાનોને રાજાની નિંદા સહન થઈ નહિ તેમણે રાજાને આ બાબતે વાત કરવાનું વિચાર્યું. તેઓ બધા સાથે મળીને રાજા પાસે ગયા અને રાજ્યની અંધાધૂંધીની અને પ્રજાના દુખની વાત કરી.

વિક્રમ રાજાને પોતાના મંત્રીઓ, રાજકારભારીઓ અને વિદ્વાનો તરફથી સલાહ-સૂચન મળતાં પોતાની જાત ઉપર ખૂબ શરમ ઊપજી. તેમને પોતાની વિલાસિતાનું ભાન થવા લાગ્યું. તેઓ વિલાસિતા માટે આ સિંહાસનને જવાબદાર ગણવા લાગ્યા. તેમને ભાન થયું કે ક્યારથી હું આ સિંહાસન ઉપર બેસવા લાગ્યો ત્યારથી જ હું રાજકાજનાં કામ છોડી નૃત્યગાન જોવા તરફ વળ્યો છું.

તેમણે તરત જ દઢ નિર્ણય કર્યો કે આ સિંહાસન મારા માટે યોગ્ય નથી. ક્યાં સુધી આ સિંહાસન મારા રાજદરબારમાં રહેશે, ત્યાં સુધી મારું મન રાજકાજમાં લાગશે નહિ.

તેમણે પોતાનો નિર્ણય દરબારીઓને જણાવ્યો. પછી પંડિતોને બોલાવી સિંહાસનનું પૂજન કરાવી સિંહાસનને વાજતે-ગાજતે નગર બહાર લઈ ગયા અને જમીનમાં ખાડો કરાવી સિંહાસનને દાટી દઈ ઉપર મોટો ટેકરો કરાવી દીધો. ત્યાર પછી રાજા વિક્રમ પ્રજાનાં લોકલ્યાણનાં કાર્યો કરવા લાગ્યાં.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં.

શકરાજા શાલિવાહન સાથેના યુદ્ધમાં વિક્રમ રાજાનું શરીર ઝેરી શસ્ત્રોથી વીંધાતાં તેમણે શાલિવાહન સાથે સંધિ કરી. રાજા શાલિવાહન દક્ષિણમાં સત્તા સંભાળે અને પોતે આર્યાવર્તના ઉત્તરમાં સત્તા સંભાળે.

પછી ઘવાયેલી હાલતમાં રાજા વિક્રમ ઉજ્જયિની આવ્યા. તેમણે જે દિવસે શાલિવાહન સાથે સંધિ કરી તે દિવસને અમર બનાવવા સંવતનો પ્રારંભ કર્યો. ત્યાર પછી ઘણા ઉપચારો કરવા છતાં તેમના શરીરનું દુખ મટ્યું નહિ અને અંતે તેઓ મોતને શરણે થયા.”

આમ નંદા નામની પૂતળીએ પોતાની એટલે કે બત્રીસે પૂતળીઓની કથની કહી સંભળાવી.

જેમના નામનો સંવત ચાલે છે જેમણે વીર વૈતાળને વશ કર્યો હતો, હરસિદ્ધ માતાની કૃપા મેળવી હતી. જેમણે પોતાનું આખું જીવન લોકકલ્યાણ અર્થે સમર્પી દીધું હતું, તેવા પરદુખભંજન રાજા વીર વિક્રમનું આ સિંહાસન છે. હવે તેમના જેવા જે પરોપકારી, પરગજુ, ચતુર, પરાક્રમી, સાહસિક એવા બત્રીસ લક્ષણા રાજા હોય તે જ આ સિંહાસન ઉપર બેસવાને યોગ્ય છે.”

રાજા ભોજે નંદા પૂતળીને કહ્યું : “હે અપ્સરા ! હું શૂરવીર કે પરોપકારી નથી, છતાં હવે તમે મને કૃપા કરીને રાજા વિક્રમે શાં શાં પરાક્રમ અને પરોપકારનાં કામ કર્યા હતાં, તે મને જણાવો, તે હું સાંભળવા ઇચ્છું છું.

આથી પહેલી પૂતળી નંદાએ સિંહાસન બત્રીસીની પહેલી વાર્તા શરૂ કરી.

Also Read :

1.હરણની વાર્તા


Spread the love
error: Content is protected !!
Scroll to Top