Batris Putli Ni Varta Gujarati Three | 3. કમળની વાર્તા
ત્રીજે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે ત્રીજી પૂતળી ધનદાએ તેમને અટકાવ્યા અને બોલી : “સબૂર રાજા! આ સિંહાસન ઉપર રાજા વિક્રમ જેવા પરગજુ પરાક્રમી અને પરદુઃખભંજક જ બેસી શકે” રાજા ભોજના કહેવાથી ધનદા પૂતળીએ વિક્રમ રાજાના પરોપકારની અને પરાક્રમની એક વાર્તા કહેવા લાગી :
એક દિવસ ઉજ્જયિની નગરીના રાજા વિક્રમ જંગલમાં પોતાના સૈનિકો સાથે શિકારે ગયા. એક મૃગને જોઈને રાજાએ એની પાછળ ઘોડો દોડાવ્યો. તે મૃગની પાછળ પાછળ ખૂબ જ આગળ નીકળી ગયા અને પોતાના સૈનિકોથી વિખૂટા પડી દૂર જંગલમાં પહોંચી ગયા. તેમને થાપ આપી મૃગ પણ ક્યાંય નીકળી ગયું હતું. મૃગના શિકારની ધૂનમાં રાજાને સમયનું પણ ભાન રહ્યું ન હતું. ત્યારે રાજા થાકીને એક જગ્યાએ ઘોડા ઉપરથી નીચે ઊતર્યા ત્યારે ખબર પડી કે સાંજ ઢળી ગઈ હતી. હવે તેઓ બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા, પણ રસ્તો મળ્યો નહિ.
વિક્રમ રાજા જંગલમાં ફરતાં ફરતાં એક પુરાણી વાવ પાસે આવ્યા. વાવના ટોડલા ઉપર એક કુશ શરીરવાળો માણસ બેઠો હતો. રાજાએ વિચાર્યું કે આવા ભયાનક જંગલમાં અંધારી રાતે આ માણસ વાવ પાસે કેમ બેઠો છે ? તેઓ તે માણસ પાસે ગયા અને બોલ્યા : “ભાઈ ! તું કોણ છે? અને આવી અંધારી રાતે અહીં શા માટે બેઠો છે? તારે એવું તો શું દુખ છે કે અહીં તારે બેસવું પડ્યું? મને તું તારું દુખ જણાવ. બનશે તો જરૂર મદદ કરીશ”
પેલો માણસ બોલ્યો “ભાઈ ! તું તારે રસ્તે જા. મારું દુખ જાણીને તું શું કરીશ? મારું દુખ કોઈનાથી દૂર થવાનું નથી, તે તો ફક્ત પરદુખભંજક વિક્રમ રાજાથી જ દૂર થઈ શકે તેમ છે.” વિક્રમ રાજાએ તે માણસને પોતાની ઓળખાણ આપી અને જે દુખ હોય તે વિના સંકોચે જણાવવા કહ્યું. વિક્રમ રાજાને જોતાં પેલા માણસમાં કંઈક આશા જાગી. તેણે પોતાની કથની કહેવા માંડી:
હે રાજન! હું તારકપુર પાટણના જશવંતદેવ રાજાનો પુત્ર છું. મારું નામ અજીતદેવ છે. નાનપણથી જ મને હરિકથામાં ખૂબ રસ હતો. તેથી અમારા ઘેર બ્રાહ્મણ અવારનવાર કથા વાંચતો અને કહેતો કે, અડસઠ તીર્થસ્નાન કરીને જે આવે એનો વૈકુંઠમાં વાસ થાય આ વાત મારા મનમાં ખૂબ ઠસી ગઈ. મને આ અમૂલ્ય લાભ લેવાનું મન થયું અને એક દિવસ હું મારો ઘોડો તૈયાર કરી જાત્રાએ નીકળી પડ્યો.
હું ફરતો-ફરતો આ જંગલમાં આવી ચડ્યો. ઘર છોડે મને એક મહિનો થયો હતો. આ જંગલમાં આવતાં મને ખૂબ જ તરસ લાગી એટલે આ વાવ ઉપર આવ્યો. તે દિવસ સુદ આઠમનો હતો. વાવમાં પાણી પીને હું નિરાંતે આરામ લેવા બેઠો. ચારેક ઘડી દિવસ ચઢયો હશે કે અચાનક વાવની અંદરથી એક વિવિધરંગી ખીલેલું અદ્ભુત કમળ દેખાયું. તે કમળ સહસ્ર પાંખડીનું હતું. તે કમળ લેવા જેવો મેં હાથ લંબાવ્યો કે તરત તે કમળ અદૃશ્ય થઈ ગયું.
કમળ ન મળતાં મને ખૂબ જ દુખ થયું. તે કમળ મારા મનમાં ખૂબ જ વસી ગયું હતું. તે મેળવવાની લાલચે અહીં થોભી ગયો. અડસઠ તીર્થની જાત્રા કરવાનો વિચાર પણ મેં માંડી વાળ્યો, અને એ કમળ મેળવવા મારો જીવ અધીરો બની ગયો. દર મહિનાની સુદ આઠમે આ કમળ દેખા દે છે અને જ્યારે તેને લેવા હું જાઉં છું કે તરત અદૃશ્ય થઈ જાય છે.
ક્યારેક તો મારા હાથમાં તે આવશે એ આશાથી હું અહીં અડીંગો જમાવીને બેઠો છું. અહીં હું આજુબાજુથી ફળફળાદિ લાવીને મારુ પેટ ભરી લઉં છું, ઘણી વાર તો ભૂખ્યા પેટે પણ દિવસો પસાર કરવા પડે છે, આથી મારું શરીર આવું દુર્બળ બની ગયું છે. હે રાજન! આપ તો પરોપકારી ને પરાક્રમી છો. તમે મારા પર કૃપા કરી આ કમળ મેળવી આપો.”
વિક્રમ રાજાએ તેની પૂરી વાત સાંભળ્યા પછી તેને આશ્વાસન આપ્યું અને પોતે કમળ ન દેખાય ત્યાં સુધી તે અહીં જ થોભશે તેમ જણાવ્યું.
વિક્રમ રાજા સુદ આઠમ સુધી ત્યાં થોભ્યા. ફરી આઠમના દિવસે તે વિવિધરંગી કમળે વાવમાં દેખા દીધો. વિક્રમ રાજા તે કમળ લેવા આગળ વધ્યા કે તરત કમળ પાણીમાં અદશ્ય થઈ ગયું. વિક્રમ રાજાને આ કમળ દેવતાઈ રચનાનું લાગ્યું. તેમણે હરસિદ્ધ માતાનું સ્મરણ કર્યું અને માતાજીની સૂચનાથી વિક્રમ રાજા વાવના પાણીમાં કમળ લેવા કુદી પડ્યા. પાણીમાં પડતાંની સાથે તેઓ ઊંડા ઊતરતાં ઊતરતાં પાતાળમાં પહોંચી ગયા.
ત્યાં તેમણે એક ભવ્ય મહેલ જોયો. તેની ચારે બાજુ રંગબેરંગી ફૂલોથી મઘમઘતો બગીચો હતો, ને આ બગીચામાં એક નાનકડું સરોવર હતું. સરોવરની અંદર પેલા કમળ જેવા વિવિધરંગી અનેક કમળો જોયાં. રાજાને તો આ બધું જાણે સ્વર્ગ જેવું લાગ્યું.
વિક્રમ રાજા સરોવરમાં કમળ લેવા આગળ વધ્યા કે ત્યાં કોઈ એક સ્ત્રી તેમને જોઈ ગઈ અને તે “ચોર ચોર’ની બૂમો પાડવા લાગી. બૂમ પડતાંની સાથે ચોકીદારો ત્યાં દોડતાં આવી પહોંચ્યા. વિક્રમ રાજાએ હરસિદ્ધ માતાનું સ્મરણ કરી ચોકીદારો સાથે લડવા માંડ્યું. થોડી વારમાં તો રાજા વિક્રમે બધા ચોકીદારોને ઘાયલ કર્યા.
ઘાયલ ચોકીદારો સહાય માટે ચામુંડા માતા પાસે ગયા, અને બધી હકીકત જણાવી. આથી ચામુંડા માતા વિકરાળ રૂપ ધારણ કરીને હાથમાં મોટા દંડ સાથે રાજા સમક્ષ આવ્યાં, પરંતુ રાજાનો પ્રભાવ જોઈ માતાજી શાંત થઈ ગયાં. તેમણે રાજાને કહ્યું : “તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છું?” વિક્રમ રાજાએ માતાજીને વંદન કરી પોતે શા હેતુથી આવ્યા હતા તે જણાવ્યું અને પોતાનો પરિચય આપ્યો. પોતે અહીં વિવિધરંગી અદૂભુત કમળ અજીતદેવ માટે લેવા આવ્યો છે તેમ જણાવ્યું.
માતાજી પરોપકારી વિક્રમ રાજાને જોઈને ખુશ થયાં અને હસીને બોલ્યાં : “હું તારી જ રાહ જોતી હતી.”
મારી રાહ જોતા હતા ?” આશ્ચર્ય પામતાં વિક્રમે ચામુંડાને જણાવ્યું “હું તો આ વાત માની શકતો નથી.”
“મનાય નહિ તો પણ માનવી પડે તેમ છે.
“કેવી રીતે ?
રાજા વિક્રમ ! વાત એમ હતી કે એક વેળા હું નવરાત્રીમાં કૈલાસ ઉપર પાર્વતીજીને મળવા જતી હતી, ત્યારે જંગલમાં રસ્તામાં મેં એક સ્ત્રીને મરણ પામેલી હાલતમાં જોઈ. તેના પડખામાં એક બાળકી રડતી હતી. મેં એ બાળકીને તરત તેડી લીધી અને તેને લઈને હું કૈલાસ પહોંચી. ત્યાં જઈ પાર્વતીજીને ખોળે બાળકી મૂકી. તેમણે બાળકી તરફ પ્રેમભરી દૃષ્ટિએ જોઈ મને કહ્યું : “આ બાળકીને તમારી પાસે રાખો, ત્યાં તેનો ઉદ્ધાર થશે. જ્યારે તે તેર વર્ષની પરણવાલાયક થશે ત્યારે ઉજ્જયિની નગરીનો પરદુખભંજક વિક્રમ રાજા અચાનક તમારી પાસે આવશે ને તે જ બાળકીનો ઉદ્ધાર કરશે.
તે માતાજીએ તે કન્યાને બોલાવી અને વિક્રમ રાજાને બતાવી. તે કન્યા રૂપરૂપના અંબાર સમી હતી. તેને જોઈને થોડી વાર તો વિક્રમ રાજા પણ ભાન ભૂલી બેઠા.
માતાજીએ વિક્રમ રાજાને તે કન્યા સાથે લગ્ન કરવા કહ્યું, ત્યારે કન્યા બોલી : “હે પરદુખભંજક ! મને મારા આગલા જન્મનો પતિ મળી આવે તો જ તેની સાથે લગ્ન કરું. અને મને આશા છે કે તે મને જરૂર મળશે”
વિક્રમ રાજાએ તે આગલા જન્મમાં કોણ હતી તે જાણવા ઇચ્છા વ્યક્ત કરી ત્યારે કન્યાએ કહ્યું :
“હું આગલા જન્મમાં એક જૈન કુટુંબમાં જન્મી હતી. નાનપણથી જ મારામાં ધર્મના સંસ્કાર પડ્યા હતા. દેવપૂજા, ગુરુપૂજા, સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ હું શુદ્ધ રીતે કરતી હતી. વ્યાખ્યાનો સાંભળીને મને સંસાર-વૈરાગ્ય ઊપજયો હતો. મને લગ્ન કરવાની સહેજ પણ ઇચ્છા હતી નહિ છતાં મારા માતા-પિતાએ એક જૈન યુવાન સાથે મારા લગ્ન કર્યા.
મારો પતિ પણ ધાર્મિક હતો. તેને પણ સંસારસુખ ગમતું ન હતું. તેથી અમે બંને સાધુજીવન વિતાવતાં હતાં. સમય જતાં વાર ન લાગી. ક્યારે અમને ઘડપણ આવ્યું ત્યારે મને સંસારસુખ ભોગવવાની તીવ્ર ઇચ્છા થવા લાગી.
પણ આ ઇચ્છા અમારી અધૂરી રહી, કારણ ઘડપણ અને માંદગીને કારણે મારા પતિનું મૃત્યુ થયું. થોડા દિવસો પસાર થતાં મારું પણ મૃત્યુ થયું અમને બંનેને છેલ્લી ઘડી સુધી સંસારસુખ ભોગવવાની લાલસા રહી હતી, તેથી અમારો મોક્ષ થયો નહિ. જેથી આ મારો નવો જન્મ થયો. હવે મારે આગલા જન્મના તે પતિ સાથે જ લગ્ન કરવાની ઇચ્છા છે તમે કૃપા કરીને મને મદદ કરો.”
વિક્રમ રાજાએ કહ્યું: “હે દેવી! તું મારી સાથે ચાલ, હું તને તારો પતિ શોધી આપીશ, પહેલાં હું એક દુખીના દુખ દૂર કરવાના વચનથી બંધાયો છે. તેને હું કમળ આપી દઉં પછી તારો પતિ શોધી આપું.”
ચામુંડા માતાજીએ તરત જ સરોવરમાંથી વિવિધરંગી અદ્ભુત કમળો લાવીને વિક્રમ રાજાને આપ્યાં પછી એક શણગારેલ હાથી, અઢળક ધન-સંપત્તિ, કિમતી આભૂષણો સાથે વિદાય કર્યા.
વિક્રમ રાજા અને કન્યાએ માતાજીને પ્રણામ કર્યા. માતાજીએ બંનેને આશીર્વાદ આપી વિદાય આપી. બંને જણ વાવની પાસે જ્યાં કૃશ માણસ બેઠો હતો, તેની પાસે આવ્યાં. પેલો માણસ તો કમળની રાહ જોઈને જ બેઠો હતો.
તે માણસ હાથી, અઢળક સંપત્તિ, કમળો, કીમતી આભૂષણો અને સ્વરૂપવાન કન્યાને જોઈને કંઈક નિરાશ થયો. તેને મનમાં પસ્તાવો થવા લાગ્યો કે “જો હું જ સરોવરમાં કૂદી પડ્યો હોત તો મને આ કન્યા અને અઢળક સંપત્તિ મળત.” વિક્રમ રાજાએ તેના મનોભાવ જાણી તેની નિરાશાનું કારણ પૂછયું, ત્યારે પેલા કૃશ માણસે પોતાના દિલની વાત કરી.
વિક્રમ રાજાએ તેને કહ્યું: “હું કન્યા સાથે પરણ્યો નથી, અને આ અઢળક સંપત્તિ પણ મારી નથી. મારે તો આ કન્યાને આગલા જન્મના પતિને શોધીને તેની સાથે આ કન્યાને પરણાવી બધું આપી દેવાનું છે.”
વિક્મ રાજાએ કંઈક વિચાર કર્યો અને પછી કન્યાને કહ્યું : “આ યુવાનને તું થોડ પ્રશ્નો પૂછ જો તે તારા પૂર્વજન્મનો પતિ હશે તો તે ફટાફટ જવાબો આપશે.”
કન્યાએ તે યુવાનને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તેના બધા જવાબો યુવાને આપ્યા. પ્રશ્નોના ઉત્તરો સાંભળીને યુવાનને પણ પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો, અને તેણે સઘળી હકીક્ત કન્યાને કહી સંભળાવી. કન્યાને ખાતરી થઈ ગઈ કે આ જ તેનો પૂર્વજન્મનો પતિ છે.
પૂર્વજન્મનાં બંને પતિ-પત્ની મળતાં તેમને લઈ વિક્રમરાજા ઉજ્જયિની નગરીમાં આવ્યા, અને ઘણી જ ધામધૂમથી અજીતસેનનાં લગ્ન તે કન્યા સાથે કરાવી આપ્યા. તેમને રહેવા માટે રાજાએ એક મહેલ અને ચામુંડા માતાએ આપેલ અઢળક સંપત્તિ સોંપી પોતાના તરફથી પણ અઢળક સંપત્તિ આપી.
વાર્તા પૂરી થતાં ધનદા પૂતળીએ રાજા ભોજને ઉદેશીને કહ્યું : “હે રાજન ! આવા પરોપકારી અને પરાક્રમી વિક્રમ રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે.”
આટલું કહી તે પૂતળી સડસડાટ કરતી આકાશમાં ઊડી ગઈ.
Also Read :