Class 6 Science Chapter 3 Swadhyay
Class 6 Science Chapter 3 Swadhyay. ધોરણ 6 વિજ્ઞાન વિષયના એકમ 3 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : વિજ્ઞાન
એકમ : 3. પદાર્થોનું અલગીકરણ
સ્વાધ્યાય
પ્રશ્ન 1. શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? બે ઉદાહરણ આપો.
ઉત્તર : (1) મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા. ઉદા..ઘઉંમાંથી ફોતરાં અને કાંકરા દૂર કરવા. (2) મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા. ઉદા..દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા. (3) પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા. ઉદા.. રાઈ, તલ, મગ જેવા ખાદ્યપદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા. (4) મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા. ઉદા…પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે તે જાણી શકાય છે.
પ્રશ્ન 2. ઊપણવું એટલે શું? તે ક્યારે વપરાય છે?
ઉત્તર :
ઊપણવું : અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણાં હલકાં એવાં ફોતરાં કે અન્ય કચરો મિશ્ર થયેલ હોય છે. અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઊપણવું કહે છે.
ઉપયોગ : ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરાં, ધૂળ અન્ય કચરો દૂર કરે છે. ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઊડી જાય તેવાં હલકાં હોય ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે.
પ્રશ્ન 3. રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરાં તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો?
ઉત્તર : રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે. ફોતરાં અને ધૂળના કણો હલકાં હોવાથી પાણી પર તરે છે. હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરાં અને રજકણો પણ દૂર થઈ જાય છે. આ રીતે કઠોળને બે-ત્રણ વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે. આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય.
પ્રશ્ન 4. ચાળવું એટલે શું? તે ક્યારે વપરાય છે?
ઉત્તર :
ચાળવું : મિશ્રણના બે ઘટકો જુદાં જુદાં કદના હોય ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે. આ પદ્ધતિને ચાળવું કહે છે.
ઉપયોગ : (1) અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરાં અને કાંકરા દૂર કરવા જરૂરી છે. આ માટે ઘઉંના જથ્થાને ત્રાંસા ચાળણા પર નાખવામાં આવે છે. આથી ઘઉંમાંથી કાંકરા, નાના પથ્થર વગેરે દૂર થાય છે. આમ, ચોખા ઘઉં અલગ થાય છે. (2) બાંધકામના સ્થળે આવા ચાળણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર દૂર કરાય છે.
પ્રશ્ન 5. રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો?
ઉત્તર : રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપન અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું.
પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આથી રેતી પ્યાલાના તળીયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપન કહે છે. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે. [ગાળણક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય.]
પ્રશ્ન 6. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે અલગ કરી શકો? જો હા, તો કઈ રીતે કરશો?
ઉત્તર : હા. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય. ઘઉંના લોટના કણો કરતાં ખાંડના કણો મોટા હોવાથી મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી વડે ચાળો. આથી ખાંડના કણો ચાળણીની ઉપર રહેશે અને લોટ ચળાઈને નીચેના પાત્રમાં પડશે. આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે.
પ્રશ્ન 7. ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો?
ઉત્તર : ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપન, નિતારણ અને ગાળણક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રથમ ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો. આથી કચરો, માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે.
પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો. બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે.
પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણક્રિયા કરીને એક પાત્રમાં લો. આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્યું હશે.
પ્રશ્ન 8. ખાલી જગ્યા પૂરો :
(a) ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને કહે………..છે.
ઉત્તર : છડવું
(b) જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે, ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને…………કહે છે.
ઉત્તર : ગાળણક્રિયા
(c) દરિયાના પાણીમાંથી મીઠું…………પદ્ધતિથી મેળવવામાં આવે છે.
ઉત્તર : બાષ્પીભવન
(d) જ્યારે ડહોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની…………પદ્ધતિ ઉપયોગમાં લેવાઈ છે.
ઉત્તર : નિતારણ
પ્રશ્ન 9. ખરું કે ખોટું?
(a) પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે.
ઉત્તર : ખોટું
(b) દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઊપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે.
ઉત્તર : ખોટું
(c) ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે.
ઉત્તર : ખોટું
(d) અનાજ અને ફોતરાં નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે.
ઉત્તર : ખોટું
પ્રશ્ન 10. લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડું કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે?
ઉત્તર : આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ. પાણીમાં ખાંડની ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે. તેથી વધુ ખાંડ ઓગાળવા પાણી ઠંડું કરતાં પહેલાં ખાંડ ઓગાળવી જોઈએ અને ખાંડ ઓગળી જાય પછી બરફ ઉમેરવો જોઈએ.