Class 6 Gujarati Chapter 4 Swadhyay
Class 6 Gujarati Chapter 4 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 4 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 4 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 4. રવિશંકર મહારાજ
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો.
(1) રવિશંકર વ્યાસને ‘મહારાજ’નું બિરુદ કોણે આપ્યું?
(ક) રાજાએ
(ખ) બ્રાહ્મણોએ
(ગ) લોકોએ
(ઘ) બહારવટિયાઓએ
ઉત્તર : (ગ) લોકોએ
(2) ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો?
(ક) રાજસત્તાનો
(ખ) લોકપ્રવૃત્તિનો
(ગ) ધાર્મિક પ્રવૃત્તિનો
(ધ) આર્થિક પ્રવૃત્તિનો
ઉત્તર : (ખ) લોકપ્રવૃત્તિનો
(૩) રવિશંકર મહારાજને ‘માણસાઈના દીવા’ કોણે કહ્યા છે?
(ક) ગાંધીજીએ
(ખ) ઝવેરચંદ મેઘાણીએ
(ગ) મહેન્દ્ર મેઘાણીએ
(ઘ) ધીરુભાઈએ
ઉત્તર : (ખ) ઝવેરચંદ મેઘાણીએ
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો?
ઉત્તર : બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક, નીડર, દયાળુ અને પરગજુ હતો.
(2) મહારાજ કામ કરવાની કઈ ખૂબી ધરાવતા હતા?
ઉત્તર : મહારાજ જે કામ હાથમાં લેતા તેમાં પોતાનો આત્મા રેડી દઈને કામ કરવાની ખૂબી ધરાવતા હતા.
(૩) જોગણ ગામમાં મહારાજે શું જોયું?
ઉત્તર : જોગણ ગામમાં રવિશંકર મહારાજે ગરીબાઈ અને ગંદકી જોઈ.
(4) મહારાજ ‘મૂકસેવક’ તરીકે શા માટે જાણીતા છે?
ઉત્તર : કશી પ્રસિદ્ધિ વિના, કોઈની પ્રશંસાની ઇચ્છા વિના, મૂંગા-મૂંગા લોકસેવા કરવી એ મહારાજનો જીવનમંત્ર હતો, તેથી તેઓ ‘મૂકસેવક’ તરીકે જાણીતા છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) રવિશંકર વ્યાસને ‘મહારાજ’નું બિરુદ કેમ મળ્યું?
ઉત્તર : રવિશંકર વ્યાસે લોકહિતનાં અનેક કાર્યો કર્યાં. સમાજમાં નિઃસ્વાર્થ ભાવે વિવિધ પ્રવૃત્તિઓ કરી. એ રીતે રવિશંકરે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું, તેથી લોકો દ્વારા તેમને ‘મહારાજ’નું બિરુદ મળ્યું.
(2) ઝવેરચંદ મેઘાણીએ મહારાજને ‘માણસાઈના દીવા’ કેમ કહ્યા?
ઉત્તર : મહારાજને માણસ અને તેની માણસાઈમાં શ્રદ્ધા હતી. ચોર હોય કે બહારવટિયો, મહારાજ એને મળીને એનામાં પરિવર્તન લાવીને જ રહેતા. કોતરોમાં ફરીફરીને એમણે બહારવટિયાઓને સુધાર્યા. એમના હૃદયની માણસાઈને બહાર લાવ્યા. તેથી ઝવેરચંદ મેઘાણીએ મહારાજને ‘માણસાઈના દીવા’ કહ્યા.
(૩) મહારાજ કઈ કઈ આપત્તિ સમયે મદદે દોડી જતા?
ઉત્તર : ક્યાંક નદીમાં પૂર આવ્યું હોય કે ભારે ધરતીકંપ થયો હોય, ક્યાંક કારમો દુકાળ પડ્યો હોય કે ભયાનક રોગચાળો ફેલાયો હોય, ક્યાંક કોમ કોમ વચ્ચે રમખાણો થયાં હોય – મહારાજ આવી કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે લોકોની મદદે દોડી જતા.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) રવિશંકર મહારાજના બાળપણના ક્યા સંસ્કારોએ તેમના પર અસર કરી?
ઉત્તર : રવિશંકર મહારાજનું હૃદય બાળપણથી જ ગરીબ અને દુઃખી જીવને જોઈને દુઃખી થતું. બાળપણથી જ તેઓ નીડર અને સાહસિક હતા. પિતાજી પાસેથી તેઓ જીવનમાં સારી ટેવો કેળવવાનું શીખ્યા હતા. માતા પાસેથી તેમને ‘ખૂબ ચાવીને ખોરાક ખાવો’ એ આરોગ્યની ચાવી પ્રાપ્ત થઈ હતી; ઘર તેમજ ખેતીનાં દરેક કામ શરમ, સંકોચ કે નાનમ વિના હોંશથી તે ઉપાડી લેતા. બાળપણના આ સંસ્કારોએ રવિશંકર મહારાજના જીવન પર અસર કરી હતી.
(2) મૂકસેવક મહારાજે લોકસેવાનાં ક્યાં ક્યાં કાર્યો કર્યાં?
ઉત્તર : મૂકસેવક રવિશંકર મહારાજે લોકસેવાનાં અનેક કાર્યો કર્યાં. અનાથાશ્રમ માટે ફાળો ઉઘરાવ્યો, ગામોમાંથી ગરીબાઈ અને ગંદકી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ચોર અને બહારવટિયાઓનાં હૃદયપરિવર્તન કરાવ્યાં. કુદરતી આફતોમાં લોકોને મદદ કરી. દુષ્કાળમાં લોકો માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી. કૉલેરાના દર્દીઓને મદદ કરી. હુલ્લડોમાં શાંતિ સ્થાપવા માટે પોતે ફર્યા.
(3) રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને શો લાભ થયો?
ઉત્તર : રવિશંકર મહારાજનાં કાર્યોથી અનાથાશ્રમને આર્થિક મદદ મળી. ગામડાંમાંથી ગરીબી અને ગંદકી દૂર થયાં. દૂષણો દૂર કરવા તેઓ ગામડે-ગામડે ફર્યા. તેમણે ચોરોને ચોરી છોડાવી અને બહારવટિયાઓનું લૂંટફાટ કરવાનું કામ છોડાવ્યું. કુદરતી આફત વખતે લોકોને રવિશંકર મહારાજની ભારે હૂંફ અને મદદ મળતી.
(4) રવિશંકર મહારાજની હિંમતનાં દર્શન યા પ્રસંગમાં થાય છે?
ઉત્તર : ઈ. સ. 1941 અને ઈ. સ. 1946માં અમદાવાદમાં મોટાં હુલ્લડ થયાં. માણસો હેવાન બની અંદરોઅંદર લડતા હતા, કાપાકાપી ચાલતી હતી. એ વખતે મહારાજ નિર્ભય બનીને સૂમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. હુલ્લડમાં અનેક માણસો મૃત્યુ પામ્યાં. એમનાં શબોનો મહારાજે જાતે અગ્નિસંસ્કાર કર્યો. આ પ્રસંગમાં રવિશંકર મહારાજની હિંમતનાં દર્શન થાય છે.
(5) રવિશંકર મહારાજનો જીવનમંત્ર શો હતો?
ઉત્તર : ‘કાંતેલી ખાદીનાં સાદાં વસ્ત્રો પહેરવાં, સાદું ખાવુંપીવું અને સાદાઈથી રહેવું’ – એ રવિશંકર મહારાજનો જીવનમંત્ર હતો.
(6) ‘મહારાજ’ શબ્દના જુદા જુદા અર્થ લખો.
ઉત્તર : ‘મહારાજ’ શબ્દના જુદા જુદા અર્થ : (1) મોટો રાજા, સમ્રાટ (2) રસોઇયો (3) સંત-મહંત (4) યજમાનવૃત્તિ કરનાર ગોર.
(7) દિવસરાત, અંધશ્રદ્ધા, ઝાડાઊલટી, જીવનધર્મ – આ શબ્દો સાથેસાથે કેમ લખાય છે?
ઉત્તર : સામાસિક શબ્દો ભેગા લખાય છે. દિવસરાત, અંધશ્રદ્ધા, ઝાડાઊલટી તેમજ જીવનધર્મ સામાસિક શબ્દો છે, તેથી સાથેસાથે લખાય છે.
પ્રશ્ન 2. સૂચના પ્રમાણે લખો :
(1) પાઠમાં વપરાયેલ શબ્દો ગામડેગામડે, કાચોપોચો જેવા બીજા શબ્દો શોધીને લખો. આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો.
ઉત્તર :
શબ્દો : ભમીભમીને, ઘેરઘેર, નાનાંમોટાં, ખૂંદતાં ખૂંદતાં, પલળતાં પલળતાં, ધ્રૂજતાં ધ્રૂજતાં, ધીમેધીમે, ખાવાપીવાનું, ચાવીચાવીને, અંદરોઅંદર, ટપોટપ, મૂંગાંમૂંગાં.
શબ્દો અને તેના વાક્યપ્રયોગો : ભમીભમીને અમે ખૂબ જ થાકી ગયાં હતાં. અમે ઘેરઘેર ફરી નાનાંમોટાં સૌને એ મંદિર વિશે પૂછ્યું. કાદવ ખૂંદતાં ખૂંદતાં અમે આગળ વધ્યા. પલળતાં પલળતાં જ જવું પડે તેમ હતું. ઠંડીથી ધ્રૂજતાં ધ્રૂજતાં ધીમેધીમે અમે મંદિર પહોંચ્યાં. ખાવાપીવાનું પતાવ્યું. ચાવીચાવીને ખાવું શક્ય નહોતું. અંદરોઅંદર એકબીજાને મદદ કરી. ટપોટપ કામ પતાવ્યું. પછી સૌ મૂંગાંમૂંગાં ચાલવા માંડ્યાં.
(2) બે વાક્યો વચ્ચે ‘અને’, ‘પણ’, ‘પરંતુ’ જેવા શબ્દો મૂકી અર્થપૂર્ણ ફકરો બનાવો.
ઉત્તર :
અર્થપૂર્ણ ફકરો : ભમીભમીને અમે ખૂબ થાકી ગયાં હતાં. અમે ગામમાં ઘેરઘે૨ ફર્યાં અને નાનાંમોટાં સૌને પૂછ્યું પણ કોઈએ મંદિર બતાવ્યું નહિ. અમે ધીમેધીમે ચાલતાં હતાં, ત્યાં વરસાદ પડ્યો તેથી ખૂબ કાદવ થયો. કાદવ હતો છતાં અમે એ ખૂંદતાં ખૂંદતાં આગળ ચાલ્યાં. પલળતાં પલળતાં અને ધ્રૂજતાં અમે મંદિરે પહોંચ્યાં. ભૂખ લાગી હતી પરંતુ ચાવીચાવીને ખાવું શક્ય નહોતું તેથી ઝડપથી ખાવાનું પતાવ્યું. સૌએ એકબીજાને મદદ કરી અને ટપોટપ કામ પતાવ્યું ત્યારબાદ સૌ મૂંગાંમૂંગાં ચાલવા માંડ્યાં.
(૩) તમે લખેલ ફકરો વર્ગ સમક્ષ વાંચો.
ઉત્તર : વિદ્યાર્થીઓ વર્ગ સમક્ષ આ ફકરો વાંચશે.
પ્રશ્ન 3. નીચેના કોષ્ટકમાંથી અર્થપૂર્ણ શબ્દો બનાવી, શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ઉત્તર :
અર્થપૂર્ણ શબ્દો : જનક, કરા, હાર, રજ, મહારાજ, સરસ, મૂક, દાદા, પૂજ્ય, કણી, સેવક, તક, કર, હદ.
શબ્દકોશ પ્રમાણે ગોઠવણી : કણી, કર, કરા, જનક, તક, દાદા, પૂજ્ય, મહારાજ, મૂક, રજ, સરસ, સેવક, હદ, હાર.
પ્રશ્ન 4. તમારા વિસ્તારની પરોપકારી વ્યક્તિ વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર : રમણભાઈ મારા વિસ્તારની એક પરોપકારી, સેવાભાવી વ્યક્તિ છે. એમના સાદગીભર્યા જીવન સાથે ત્યાગ, સમર્પણ અને સેવાના ગુણો વણાયેલા છે. જીવદયાનાં કાર્યો કરવા તે સદા તત્પર રહે છે.
હું, મિત્રો સાથે સોસાયટીના ઝાંપે ઊભો હતો. એટલામાં એક બાઇક સવારે નાના ગલૂડિયાને જોરદાર ટક્કર મારી. ગલૂડિયું તરફડવા લાગ્યું. હું રમણભાઈને તરત બોલાવી લાવ્યો.
રમણભાઈ પોતાના ઘરેથી ચાદર લેતા આવ્યા. ગલૂડિયાને ચાદરમાં લીધું. હું ગલૂડિયાને લઈને રમણભાઈની બાઇક પાછળ બેઠો.
અમે નજીકમાં આવેલા પશુપંખી-ચિકિત્સાલયમાં પહોંચ્યા. ગલૂડિયાને જરૂરી સારવાર મળી ગઈ. આમ, ગલૂડિયાનો જીવ બચી ગયો.
રમણભાઈ આવાં અનેક સેવાનાં કાર્યો કરતા રહે છે.
પ્રશ્ન 5. તમે કોઈને મદદરૂપ થયાં હો તે પ્રસંગ વિશે લખો.
ઉત્તર : મીના મારી એક બહેનપણી હતી. એના પપ્પાનું અવસાન થયું હતું અને એની મમ્મી મજૂરી કરતી હતી. તે ભણવામાં હોશિયાર હતી પણ સાવ ગરીબ હતી.
મેં મારી મમ્મીને વાત કરી. મમ્મી ઘરખર્ચમાંથી બચત કરી મને આપતી. હું મારા પૉકેટ-મનીમાંથી પણ બચત કરતી. મહેમાનો પૈસા આપે તો તે પણ ભેગા કરતી. ભાઈ રક્ષાબંધને આપે તે પૈસા ભેગા કરતી.
આમ, બચત કરીને ભેગા કરેલા પૈસાથી મીનાને ફી, પુસ્તકો તેમજ અન્ય મદદ કરતી.
પ્રશ્ન 6. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? વિચારો અને લખો :
(1) તમે રસ્તા પર જતા હો અને અકસ્માત થયેલો જુઓ તો….
ઉત્તર : હું રસ્તા પર જતો હોઉં અને અકસ્માત થયેલો જોઉં તો તાત્કાલિક સારવાર માટે 108 ગાડી બોલાવું. બીજા લોકોને પણ મદદ માટે બોલાવું. અકસ્માતનો ભોગ બનેલાને તાત્કાલિક શક્ય એટલી મદદ કરું.
(2) રમતાં-રમતાં તમારા મિત્રને ઈજા થાય તો…..
ઉત્તર : રમતાં-રમતાં મારા મિત્રને ઈજા થાય તો એને પ્રાથમિક સારવાર આપું. તાત્કાલિક રાહત થાય એવો ઉપચાર કરું અને તેને તરત જ દવાખાને લઈ જાઉં.
(૩) પૂર આવે તો….
ઉત્તર : પૂર આવવાની શક્યતા હોય ત્યારે હું લોકોને તાત્કાલિક ઊંચાણવાળા ભાગોમાં જતા રહેવાની, જાણ કરું. સલામત જગ્યાએ તેમને લઈ જવામાં મદદ કરું. ખાદ્યસામગ્રી, પીવાનું પાણી, કપડાં અને અન્ય સાધનસામગ્રી એકઠી કરી જરૂરિયાતમંદોને પહોંચતી કરું.
(4) તમારી નજર સામે ક્યાંય અચાનક આગ લાગે તો….
ઉત્તર : મારી નજર સામે ક્યાંય અચાનક આગ લાગે તો ફાયરસેફ્ટીનાં સાધનોનો ઉપયોગ કરું. આગ બુઝાવવા તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરું. આગમાં સપડાયેલા લોકોને બહાર લાવવાના ઉપાયો કરું. તાત્કાલિક ફાયરબ્રિગેડનો સંપર્ક કરી આગ બુઝાવવાનો પ્રયત્ન કરું.
પ્રશ્ન 7. નીચેના વિશે ચાર-પાંચ વાક્યો લખો :
(1) ફાયરબ્રિગેડ
ઉત્તર : આગને કાબૂમાં લેવા અને જાનહાનિ અટકાવવા માટે જે ખાસ પ્રકારની સુવિધા (સેવા) ઊભી કરવામાં આવી છે તેને ‘ફાયરબ્રિગેડ સર્વિસ’ તરીકે ઓળખવામાં આવે છે. એમાં નોકરી કરતા કર્મચારીઓને ખાસ પ્રકારની તાલીમ તેમજ વિશેષ પ્રકારનો ગણવેશ આપવામાં આવે છે. જેમાં આગનું જોખમ વધુ હોય, એવાં પેટ્રોલિયમ રિફાઇનરી, ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન, રાસાયણિક ખાતર ઉદ્યોગને પોતાની આગવી ‘ફાયરબ્રિગેડ’ વ્યવસ્થા હોય છે.
(2) 108 ઍમ્બ્યુલન્સ સર્વિસ :
ઉત્તર : અકસ્માતનો ભોગ બનેલા લોકો માટેની આ મહત્ત્વની તાત્કાલિક સેવા છે. ટેલિફોન દ્વારા 108 નંબર જોડતાં જ, ઍમ્બ્યુલન્સ હાજર થઈ જાય છે. તે દર્દીને ઝડપથી નજીકની હૉસ્પિટલમાં વિના મૂલ્યે પહોંચાડે છે. પ્રસૂતિ કે દુર્ઘટના વખતે ગુજરાત સરકારની આ સેવા આશીર્વાદરૂપ છે. ઇમરજન્સી મૅનેજમેન્ટ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMRI) દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે.
(૩) આપત્તિ વ્યવસ્થાપન કચેરી (ડિઝાસ્ટર મૅનેજમેન્ટ)
ઉત્તર : પૂર કે ભૂકંપ જેવી કુદરતી આફતો સામે આપત્તિ વ્યવસ્થાપન કચેરી બચાવ, નિયંત્રણ તેમજ માર્ગદર્શનનું કામ કરે છે. આ કચેરીના કર્મચારીઓ આધુનિક ટેક્નોલૉજીથી સુસજ્જ હોય છે. તે લોકોને ઓછામાં ઓછું નુક્સાન થાય એ માટેની કામગીરી કરે છે. આ સંસ્થાના બંધારણીય વડા તરીકે ભારતના વડા પ્રધાન હોય છે ને દરેક રાજ્યમાંથી સંસ્થામાં આઠ સભ્યો લેવામાં આવે છે.
(4) સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ.)
ઉત્તર : સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રજાકીય સેવાનાં કાર્યો, સરકારની કશી મદદ વિના, નહિ નફો – નહિ નુકસાનના ધોરણે કરે છે. રાજ્ય સરકાર જ્યાં પહોંચી વળે નહિ; ત્યાં આ પ્રકારની સંસ્થાઓ કાર્યરત રહે છે. સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, મૂક પ્રાણીઓ તેમજ શોષિત વર્ગના લોકો માટે આ સંસ્થાઓ કામ કરે છે. કેટલાંક સંગઠનો જ્ઞાતિ આધારિત હોય છે, કેટલાંક શહેર પૂરતાં છે, તો કેટલાંક સંગઠનો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરનાં (એન.જી.ઓ.) છે.
(5) ડૉક્ટર
ઉત્તર : ડૉક્ટર(તબીબ)નો વ્યવસાય સમાજમાં ઉમદા, માનભર્યો અને પવિત્ર ગણાય છે. ડૉક્ટરો સમાજના બધા વર્ગો સાથે સંકળાયેલા હોય છે. ડૉક્ટરનો મુખ્ય ઉદ્દેશ માનવતા અને સમાજની સેવાનો છે. તેમાં નફો કે આર્થિક વળતર એ ગૌણ બાબત છે. ડૉક્ટરોએ કાયદા ઉપરાંત એમનાં નૈતિક ધોરણ અને વર્તન માટે તબીબી આચારસંહિતાનું પાલન કરવાનું હોય છે. વિશ્વનાં તબીબી મંડળોએ સ્વૈચ્છિક સ્વીકૃતિથી તબીબોનાં કાર્ય, વર્તન અને ફરજો બાબતમાં સર્વસામાન્ય જે નિયમો બનાવ્યા છે, તેને તબીબી આચારસંહિતા કહે છે.
પ્રશ્ન 8. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :
(1) નદીકિનારા પાસેની બખોલો = કોતર
(2) પાણી જવા માટે બાંધેલો સાંકડો માર્ગ — ગરનાળું
(૩) ઘરની બાજુની દીવાલ — કરો
(4) કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર — સ્વયંસેવક
(5) જીવનનું મુખ્ય કર્તવ્ય — જીવનધર્મ
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 5 અભ્યાસ અને સ્વાધ્યાય