Class 6 Gujarati Chapter 14 Swadhyay
Class 6 Gujarati Chapter 14 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 14નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 14 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 14. સારા અક્ષર
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો કમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્ષમાં લખો :
(1) મેહુલની નોટ સાહેબ વર્ગનાં બધાં બાળકોને બતાવે છે, કારણ કે…………..
(ક) નોટનાં પાનાં લીસાં હતાં.
(ખ) તે કાયમ નિયમિત લેસન કરે છે.
(ગ) તેના અક્ષરોની વાત બતાવવા માંગે છે.
(ઘ) તેણે હોમવર્ક સરસ કર્યું હતું.
જવાબ : (ગ) તેના અક્ષરોની વાત બતાવવા માંગે છે.
(2) અક્ષરો સારા કાઢવા હોય તો……………..
(ક) મન શાંત રાખવું.
(ખ) કલમથી જ લખવું.
(ગ) નવી બૉલપેનની જરૂર પડે.
(ઘ) લખવાનો વારંવાર મહાવરો કરવો પડે.
જવાબ : (ઘ) લખવાનો વારંવાર મહાવરો કરવો પડે.
(3) તમે પહેલા ધોરણમાં ભણતાં ત્યારે સાહેબ આડી-ઊભી-ત્રાંસી લીટી દોરાવતા, કારણ કે……
(ક) લખવાનો મહાવરો થાય.
(ખ) અક્ષરોના વળાંક સુધરે.
(ગ) ચિત્ર દોરતાં આવડે.
(ઘ) આનંદ થાય.
જવાબ : (ખ) અક્ષરોના વળાંક સુધરે.
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર આપો :
(1) સાહેબ બધાંને મેહુલની નોટ બતાવે છે, તે બાબતે હાર્દિક શું માને છે?
ઉત્તર : સાહેબ બધાંને મેહુલની નોટ બતાવે છે, તે બાબતે હાર્દિક માને છે કે તેની નોટનાં પાનાં લીસાં અને સરસ છે.
(2) ‘ચારજો’ને બદલે કયો શબ્દ વંચાયો?
ઉત્તર : ‘ચારજો’ ને બદલે ‘મારજો’ શબ્દ વંચાયો.
(3) સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે?
ઉત્તર : સોનલના પપ્પા તેને સસ્તી નોટ લાવી આપે છે.
(4) અશરફ કલમને શેમાં બોળવાનું કહે છે?
ઉત્તર : અશરફ કલમને શાહીના ખડિયામાં બોળવાનું કહે છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :
(1) ‘ઓડનું ચોડ વેતરાઈ જવું’ એટલે શું?
ઉત્તર : ‘ઓડનું ચોડ વેતરાઈ જવું’ એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ છે કંઈને બદલે કંઈ થઈ જવું.
(2) સોનલનાં દાદીમાએ અક્ષર સુધારવા માટે શી સલાહ આપી?
ઉત્તર : સોનલનાં દાદીમાએ અક્ષર સુધારવા માટે એ સલાહ આપી કે સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવું.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) બધાં બાળકો મેહુલની નોટ કેમ જોતાં હતાં?
ઉત્તર : મેહુલના અક્ષર સારા હતા અને તે લખતી વખતે છેકછાક નહોતો કરતો. એટલા માટે બધાં બાળકો મેહુલની નોટ જોતાં હતાં.
(2) સોનલના અક્ષર સારા આવે છે તેનું કયું કારણ રાધા આપે છે?
ઉત્તર : સોનલના અક્ષર સારા આવે છે તેનું કારણ આપતાં રાધા કહે છે કે, સોનલ અણીવાળી પેન્સિલથી લખે છે એટલે એના અક્ષર સારા આવે છે.
(૩) ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે?
ઉત્તર : ગાંધીજીએ અસરો વિશે કહ્યું છે કે, ‘ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે.’
(4) કલમથી કેવી રીતે લખાય છે?
ઉત્તર : કલમને દવાત(શાહીના ખડિયા)માં બોળીને લખાય છે.
(5) ધવલે કલમના બદલે બૉલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા?
ઉત્તર : ધવલે કલમના બદલે બૉલપેનથી લખવાના આ ફાયદા બતાવ્યા : પેન્સિલની માફક અણી છોલવાની ચિંતા નહિ. ઇન્ડિપેનની માફક શાહી ભરવાની કડાકૂટ નહિ. હાથ ગંદા થવાનો ડર નહિ અને રીફિલ ખલાસ થાય એટલે બદલી નાખવાની.
(6) ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ કયાં કયાં ઉદાહરણો આપ્યાં છે?
ઉત્તર : ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ નીચેનાં ઉદાહરણો આપ્યાં છે :
(1) એક વખત રાધાની મમ્મી બહારગામ ગઈ ત્યારે રાધાની ફોઈએ તેની મોટી બહેનને કાગળમાં લખ્યું, “માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો.” ત્યારે ખરાબ અક્ષરને કારણે બધાંને એવું વંચાયું, “ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો.” આથી, રાધાની બહેન રોજેરોજ ચાટલા (અરીસા) સાફ કર્યા કરતી અને પોતાના ટૂંકા વાળનો ચોટલો વાળવાની કોશિશ કર્યા કરતી.
(2) એક માણસે ગામડે કાગળમાં લખ્યું કે, “ઢોરને બરાબર ચારજો.” ખરાબ અક્ષરને કારણે ત્યાં એવું વંચાયું કે, “ઢોરને બરાબર મારજો !” આને લીધે બિચારાં ઢોર માર ખાઈખાઈને અધમૂઓ થઈ ગયાં.
પ્રશ્ન 2. અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે તે લખો :
(1) સોનલ (2) ધવલ (3) રાધા (4) અશરફ
ઉત્તર :
(1) સોનલ : સવારમાં વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા હાથ ઠરી જાય પછી ધીમે ધીમે સરસ રીતે લખવું.
(2) ધવલ : સુલેખનની નોટમાં લખવાથી અક્ષર સુધારી શકાય છે.
(3) રાધા : પાટલી પર ભીની માટી પાથરવી, પછી સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેવી. એ અક્ષરો ઉપર લખવાનો અભ્યાસ કરવાથી અક્ષર સુધરી જાય છે.
(4) અશરફ : વર્તુળ-અર્ધવર્તુળવાળાં તથા ઊભી-આડી-ત્રાંસી લીટીવાળા ચિત્રો દોરવાથી વળાંકવાળા સુંદર અક્ષર આવે છે.
પ્રશ્ન 3. નીચેની ગદ્યસૂક્તિનો વિચારવિસ્તાર કરો :
‘ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે.’
ઉત્તર : “કેળવણી’ શબ્દ ‘કેળવવું’ પરથી બન્યો છે. ‘કેળવવું’ એટલે કુટેવો સુધારીને સુટેવો પાડવી. કેળવણી એ એક પ્રકારની તાલીમ છે. ભાષામાં વાચન, મુખપાઠ અને શ્રુતલેખન આવે છે. આ ત્રણે બાબત સારી રીતે શીખી લીધા પછી વિદ્યાર્થીએ સુલેખન પર ધ્યાન આપવું જોઈએ. સુલેખનની નોંધપોથીમાં અક્ષરો સારી રીતે ઘૂંટવાથી તથા ચિત્રકળા શીખવાથી અક્ષરો મરોડદાર અને મોતીના દાણા જેવા આવે છે. સારા અક્ષર પણ કેળવણીનો જ એક ભાગ છે. ખરાબ અક્ષરને કારણે ઘણા ગોટાળા સર્જાય છે. એટલા માટે જ ગાંધીજીએ કહેલું કે, “ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે.”
પ્રશ્ન 4. (ક) નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યો બનાવો :
(1) વાતોનાં વડાં કરવાં (2) ઓડનું ચોડ વેતરાઈ જવું
ઉત્તર :
(1) વાતોનાં વડાં કરવાં – નકામી લાંબી લાંબી વાતો કરવી
વાક્ય : કેટલાક કામધંધા વગરના માણસો નવરા બેઠા બેઠા વાતોનાં વડાં કર્યા કરે છે.
(2) ઓડનું ચોડ વેતરાઈ જવું – કંઈને બદલે કંઈ થઈ જવું
વાક્ય : આંધળા અને બહેરા સામસામા મળે ત્યારે એમની વાતચીતમાં ઓડનું ચોડ વેતરાઈ જાય છે.
(બ) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો.
(1) લીસું x ખરબચડું
(2) અણિયાળી x બુઠ્ઠી
(3) મોંઘું x સસ્તુ, સોંઘું
(4) ધીરજ x અધીરાઈ
પ્રશ્ન 5. સૂચના પ્રમાણે કરો :
(1) આ પાઠમાં વપરાયેલા પાંચ અંગ્રેજી શબ્દો શોધીને લખો.
ઉત્તર : પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો : ક્લાસ, પેપર, પેન, પેન્સિલ, રીફિલ
(2) તમે શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દો લખો.
ઉદા. લેસન – નોટબુક
ઉત્તર : ક્લાસ – ટીચર
પેપર – નોટ
પેન – અક્ષર
પેન્સિલ – રબર
રીફિલ – બૉલપેન
(૩) આ બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો.
ઉત્તર : ક્લાસમાં ટીચર ભણાવે છે. છોકરાં પેપર અને નોટ લઈને બેઠાં છે. સૌ પેનથી સુંદર અક્ષરે લખે છે. ટેબલ પર પેન્સિલ અને રબર પડ્યાં છે. બધાંની પાસે બૉલપેન અને રીફિલ છે.
(4) અનુબંધ ધરાવતા શબ્દો તમે ક્યા આધારે લખ્યા? તમે વાક્યો કેવી રીતે બનાવી શક્યા? વર્ગમાં ચર્ચા કરો.
નોંધ : વિદ્યાર્થી વર્ગમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વાક્યો કેવી રીતે બનાવવા તેની ચર્ચા કરશે.
પ્રશ્ન 6. આ પાઠમાં તમને કોનું પાત્ર સૌથી વધારે ગમ્યું? શા માટે?
ઉત્તર : આ પાઠમાં મને રાધાનું પાત્ર સૌથી વધારે ગમ્યું, કારણ કે રાધા વિચારશીલ છે. તે સ્વસ્થતાથી વિચારે છે. મિત્રો સાથેની વાતચીતમાં એની સમજદારી તેમજ સૂઝ જણાઈ આવે છે.
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 15 અભ્યાસ અને સ્વાધ્યાય