Class 6 Gujarati Chapter 16 Swadhyay
Class 6 Gujarati Chapter 16 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 16નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 16 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 16 માતૃહ્રદય
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્ષમાં લખો :
(1) અપંગ તનનાં પણ મનનાં નહિ, એટલે………….
(ક) શરીર અપંગ છે એટલે મન નબળું.
(ખ) મનની મક્કમતા બહુ મોટી વાત.
(ગ) અપંગ માણસથી કશું ન થઈ શકે.
(ઘ) અપંગ જીવતા મૂઆ છે.
જવાબ : (ખ) મનની મક્કમતા બહુ મોટી વાત.
(2) બાઈ કરગઠિયાં વીણવા નીકળી હતી કારણ કે…………
(ક) સાંજે રાંધવા માટે જરૂરી હતાં.
(ખ) જંગલમાં તે વાત સહજ હતી.
(ગ) દવામાં ઉપયોગમાં લેવાનાં હતાં.
(ઘ) અગ્નિ પેટાવવો હતો.
જવાબ : (ક) સાંજે રાંધવા માટે જરૂરી હતાં.
(3) બાળકની નજર સામેની ભેખડના પથ્થર પર પડી ત્યાં……….
(ક) નીચે ઊંડી ખાઈ દેખાતી હતી.
(ખ) સિંહણીની બોડ દેખાતી હતી.
(ગ) બોડની બહાર સિંહનું નાનું બચ્ચું દેખાતું હતું.
(ઘ) ગલૂડિયું દેખાતું હતું.
જવાબ : (ઘ) ગલૂડિયું દેખાતું હતું.
(4) માતૃહૃદય’ પાઠમાં વધારે તો………..
(ક) બીક લાગે તેવી વાત છે.
(ખ) ગભરાઈ જવાય તેવી વાત છે.
(ગ) માતાના પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે.
(ઘ) પશુપ્રેમની વાત છે.
જવાબ : (ગ) માતાના પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે.
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો?
(1) ગિરનાર કોની જેમ બેઠો છે?
ઉત્તર : ગિરનાર કોઈ અવધૂત(વૈરાગી સાધુ) ની જેમ બેઠો છે.
(2) પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ શું કરતા?
ઉત્તર : પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ ભેંસો અને બીજાં ઢોરોને લઈ ચરાવવા ઊપડી જતા.
(3) માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો?
ઉત્તર : માલધારી સ્ત્રીનું બાળક તેની પાછળ-પાછળ આવતું હતું. સ્ત્રી કરગઠિયાં વીણતાં બાળકને ભૂલી ગઈ. જ્યારે તેણે સિંહણની ડણક (ગર્જના) સાંભળી ત્યારે તેને બાળક યાદ આવ્યું. બાળકને ન જોતાં માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો.
(4) સિંહણ બાળકથી કેટલી દૂર હતી?
ઉત્તર : સિંહણ બાળકથી સાત ફૂટ દૂર હતી.
(5) આખરે બંને માતાઓએ શું કર્યું?
ઉત્તર : આખરે બંને માતાઓએ એકબીજા સાથે આંખ મિલાવી ને પોતપોતાનું શિશુને લઈને ચાલી ગઈ. માલધારી સ્ત્રીને નેસમાં અને સિંહણને પોતાની બોડમાં જવું હતું.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) માલધારી સ્ત્રીઓ શું કામ કરતી હતી?
ઉત્તર : માલધારી સ્ત્રીઓ સવારે દહીં વલોવતી અને સાંજે બળતણ વીણવા ગીરનાં જંગલોમાં નીકળી પડતી હતી.
(2) બાળક માતાથી પાછળ કેમ રહી ગયું?
ઉત્તર : માતા સૂકાં લાકડાં વીણતી-વીણતી આગળ ચાલી ગઈ અને તેનું બાળક ફૂલડાં ચૂંટતું ધીમે ધીમે ચાલતું હતું તેથી પાછળ રહી ગયું.
(3) બાળક પોતાની સાથે નથી એવી માતાને ક્યારે ખબર પડી?
ઉત્તર : સૂકાં લાકડાં વીણતી માતાએ સિંહની ડણક સાંભળી. એને પોતાનું બાળક સાંભર્યું, પોતાની આસપાસ બાળકને ન જોયું ત્યારે માતાને ખબર પડી કે પોતાનું બાળક પોતાની સાથે નથી.
(4) માતાને કયું દશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગી?
ઉત્તર : એક બાજુ માલધારી સ્ત્રીનું શિશુ સિહબાળને રમાડી રહ્યું હતું અને બીજી બાજુ સિંહણ એના બચ્ચાને જોઈ એની નજીક આવી રહી હતી. માલધારી શિશુની માતાએ આ ભયાનક દશ્ય જોયું અને તેને ધરતી ગોળ ગોળ ફરતી લાગી.
(5) શિકાર માટે ગયેલી સિંહણ શિકાર કર્યા સિવાય શા માટે પાછી ફરી?
ઉત્તર : શિકાર માટે ગયેલી સિંહણને માનવબાળની ગંધ આવી, તેથી સિંહણ પોતાના વહાલસોયા બચ્ચાના રક્ષણ માટે શિકાર કર્યા સિવાય પોતાની બોડ તરફ પાછી ફરી.
(6) માલધારી સ્ત્રી અને સિંહણ બંને વચ્ચે પાયાનું સામ્ય કયું છે? શા માટે?
ઉત્તર : માલધારી સ્ત્રી અને સિંહણ એ બંને માતાઓ છે. એક મનુષ્ય છે ને બીજું પશુ. એમ બંનેનાં ખોળિયાં જુદાં છે પણ બંને માતાઓમાં મમતા અને પ્રેમ સમાન રૂપે રહેલાં છે.
(7) “માનવ હોય કે પશુ – માતૃહૃદય તો સૌનાં સરખાં !” આ પંક્તિનો અર્થ સમજાવો.
ઉત્તર : બાળકનો બગલમાં સિંહબાળ હતું. એક બાજુ બાળકની માતા હતી. બીજી બાજુ સિહણ હતી. પરિસ્થિતિ તંગ હતી. સદ્ભાગ્યે માતાના સમજાવવાથી બાળકે સિંહબાળને મૂકી દીધું. તે પોતાની મા પાસે દોડી ગયું. બંને માતાઓની આંખો મળી. બંનેનાં માતૃહૃદયોએ કંઈક વાત કરી. બંનેના હૃદયમાં શિશુ પ્રત્યેનાં મમતા અને પ્રેમ સમાન હતાં. માનવ હોય કે પશુ, માતૃહૃદય તો સૌનાં સરખાં!
પ્રશ્ન 2. નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
(1) માલધારી (2) બલિહારી (3) અસ્તિત્વ (4) પરિવર્તન (5) નેસ (6) શિશુ
ઉત્તર :
(1) માલધારી : માલધારીઓ ડુંગરના ઢાળ ઉપર ઢોર ચરાવે છે.
(2) બલિહારી : કુદરતની બલિહારી છે કે જનાવરોમાં પણ પ્રેમ અને મમતા હોય છે.
(3) અસ્તિત્વ : ગીધ પંખીનું અસ્તિત્વ હવે જોખમમાં છે.
(4) પરિવર્તન : ચાણક્યની વાત સાંભળીને ચોરોનું હૃદય-પરિવર્તન થઈ ગયું.
(5) નેસ : ગીરના ભરવાડો નેસમાં રહે છે.
(6) શિશુ : નાનાં ભોળાં શિશુ સૌને વહાલાં લાગે છે.
પ્રશ્ન 3. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો :
(1) આંખે ચક્કર આવવાં – તમ્મર આવવાથી કાંઈ ન દેખાવું, ભાન ગુમાવવું
(2) જીવ અડધો થઈ જવો – ચિંતાથી વિહ્વળ થઈ જવું
(3) દિલનો ટુકડો હોવું – ખૂબ વહાલા હોવું
પ્રશ્ન 4. નીચેના શબ્દોના અર્થ આપો :
(1) કરગઠિયાં (2) પ્રાગડ ફૂટવું (3) ઓસાણ (4) ખોળિયું
ઉત્તર :
(1) કરગઠિયાં – ઝાડનાં સુકાયેલાં ડાળાં, બળતણ
(2) પ્રાગડ ફૂટવું – અરુણોદય થવો, સવાર થવી
(3) ઓસાણ – યાદ, ખ્યાલ
(4) ખોળિયું – શરીર
પ્રશ્ન 5. નીચેનાં વાક્યોમાં ક્રિયાવિશેષણ શોધો :
(1) અમે બિલ્લીપગે આગળ વધ્યા.
જવાબ : બિલ્લીપગે
(2) એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે.
જવાબ : શાંતિથી
(3) માણસો ટપોટપ મરવા લાગ્યા.
જવાબ : ટપોટપ
(4) કોચલાં પાણીમાં આમતેમ ઝોલાં ખાઈ રહ્યાં હતાં.
જવાબ : આમતેમ
(5) પેલો માણસ ટાઢથી થરથર ધ્રુજી રહ્યો છે.
જવાબ : થરથર
પ્રશ્ન 6. સૂચના પ્રમાણે કરો :
(1) ‘મા’ શબ્દ સાથે સંકળાયેલા શબ્દોની યાદી કરો.
દા.ત. સ્નેહ
ઉત્તર : વહાલ, મમતા, મમત્વ, હેત, પ્રેમ, લાડ, માતૃત્વ વગેરે.
(2) તમારા શિક્ષકની મદદથી ‘મા’ નો મહિમા દર્શાવતી કહેવતો, પંક્તિઓ જાણો અને લખો.
ઉત્તર :
કહેવતો : (1) ‘મા તે મા, બીજા બધા વગડાના વા’
(2) ‘બાપ મરજો પણ મા ના મરજો’
પંક્તિઓ :
(1) ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે….
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.
(2) મીઠા વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર’
(3) પછી કોણ પોતા તણું દૂધ પાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું…
(4) મુખથી બોલું મા ત્યારે સાચે જ બચપણ સાંભરે,
પછી મોટપણની મજા બધી કડવી લાગે કાગડા.
(3) તમારી ‘મા’ તમને કેમ ગમે છે? છ-સાત વાક્યો લખો.
ઉત્તર : મારી ‘મા’ મને ગમે છે, કારણ કે એની તોલે કોઈ આવી શકે નહિ. મા તે મા બીજા બધા વગડાના વા.’ ફરિયાદ કરું પણ એ તો ક્યારેય ફરિયાદ કરતી નથી. મા ઘરમાં સૌને પ્રેમ આપે છે. પ્રેમ આપવો એ જ એનો મંત્ર છે. મેં ભગવાનને જોયા નથી પણ મારી મા ભગવાનનું જ રૂપ છે. એ ન હોય તો? – એ વિચારું છું ને ‘મા’ ની કિંમત સમજાય છે.
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 17 અભ્યાસ અને સ્વાધ્યાય