Class 8 Social Science Chapter 2 Swadhyay
Class 8 Social Science Chapter 2 Swadhyay, Std 8 Social Science Chapter 2 Swadhyay, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 2 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 2 સ્વાધ્યાય.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 2 | ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757થી ઈ.સ. 1857) |
સત્ર : | પ્રથમ |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
(1) મીરજાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો?
ઉત્તર : મીરજાફરને હટાવીને અંગ્રેજોએ મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો.
(2) ભારતમાં ક્યા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી?
ઉત્તર : ભારતમાં ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી.
(3) કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીનમહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી?
ઉત્તર : ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીનમહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી.
(4) રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા?
ઉત્તર : રૈયતવારી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈ(મદ્રાસ)ના ગવર્નર થૉમસ મુનરો હતા.
પ્રશ્ન 2. (અ) ટૂંક નોંધ લખો.
(1) બિરસા મુંડા
ઉત્તર : બિરસા મુંડા જનજાતિના સમાજના ઉત્કર્ષ માટે રચાયેલી ‘ઉલગુલાન’ ચળવળના પ્રણેતા હતા. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર, 1875માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુન્ડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટાં-બકરાં ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડામાં કુસ્તીના દાવ રમવામાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીને કારણે બિરસાનું બચપણ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. આમ છતાં, તેણે સ્થાનિક ખ્રિસ્તી મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં લોકો અને દીકુઓ (બહારથી આવેલા લોકો) વચ્ચે થતા સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી. તેણે વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ
કર્યું હતું. યુવાનીમાં બિરસા જનજાતિ સમાજના ઉત્કર્ષના કામોમાં લાગી ગયા હતા. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં એ ચળવળનો પ્રભાવ હતો. બિરસાએ ચળવળ દરમિયાન જનજાતિના લોકોને દારૂનો ત્યાગ કરવાની, ઘર અને ગામને સ્વચ્છ રાખવાની તથા ડાકણ- જાદુ કળામાં વિશ્વાસ ન રાખવાની હાકલ કરી. તેણે મુંડાઓને પોતાના ગૌરવશાળી ભૂતકાળ મુજબ જીવન જીવવાનું અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસાની દરેક વાતને મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. બિરસાની ચળવળથી અંગ્રેજોને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરશે. તેથી તેમણે રાજ્યવહીવટમાં અડચણરૂપ બનવાનો બિરસા પર ખોટો આરોપ મૂકી ઈ. સ. 1895માં બિરસાની ધરપકડ કરી.
ઈ.સ. 1897માં જેલમાંથી છૂટ્યા પછી બિરસાએ ફરીથી ચળવળ શરૂ કરી. તેમણે દીકુઓ અને અંગ્રેજો સામે સફેદ ધ્વજનું બિરસારાજ સ્થાપવા ચળવળને વેગવંતી બનાવી. ઈ.સ. 1900માં બિરસાનું અવસાન થવાથી તેની ચળવળ મંદ પડી ગઈ.
(2) રૈયતવારી પદ્ધતિ
ઉત્તર : ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 19મી સદીની શરૂઆતમાં ભારતમાં જમીનમહેસૂલ એકત્ર કરવા કેટલીક પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. તેમાંની એક પદ્ધતિ હતી રૈયતવારી પદ્ધતિ. ઈ. સ. 1820માં જ્યારે થૉમસ મૂનરો મદ્રાસ(ચેન્નઈ)ના ગવર્નર હતા ત્યારે મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. થૉમસ મુનરો આ પદ્ધતિના પ્રણેતા હતા.
રૈયતવારી પદ્ધતિમાં ખેડૂતને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીનમહેસૂલ ચૂકવવાનું હતું. આ પદ્ધતિનો કોઈ ફાયદો ન હતો, કારણ કે (1) જમીનમહેસૂલ વધારે હતું. (2) સરકાર ઇચ્છે ત્યારે જમીનમહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. (3) કોઈ પણ સ્થિતિમાં ખેતરમાં અનાજનું ઉત્પાદન થાય કે ન થાય તોપણ ખેડૂતે નક્કી કરેલ મહેસૂલ આપવું પડતું હતું.
રૈયતવારી પદ્ધતિ અનુસાર, ખેડૂતોને કાયમી ધોરણે જમીનની માલિકીનો હક મળ્યો; પરંતુ ખેડૂતોને તેનો કોઈ ફાયદો ન મળ્યો.
(3) મહાલવારી પદ્ધતિ
ઉત્તર : ઈ. સ. 1822માં હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ભારતના ઉત્તર-પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં જમીન મહેસૂલની મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી.
બ્રિટિશ મહેસૂલી દફતર(રેકૉર્ડ)માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ‘મહાલ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ મહેસૂલ પદ્ધતિ અનુસાર, મહેસૂલના એકમમાં ખેડૂતનું ખેતર નહિ, પરંતુ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં સમગ્ર ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં રાખીને જમીનનું મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. તેથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે અમલમાં આવી હતી. આ પદ્ધતિમાં સમગ્ર ગામનું જમીનમહેસૂલ એકત્ર કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી.
મહાલવારી પદ્ધતિમાં ખેડૂતોને કોઈ ફાયદો થયો નહોતો, કારણ કે તેમને તો ખેતરમાં અનાજ પાકે કે ન પાકે દર વર્ષે નક્કી કરેલું મહેસૂલ મુખીને – બ્રિટિશ કંપનીને આપવું પડતું હતું.
પ્રશ્ન 2. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું?
ઉત્તર : કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય, ખેડૂતોએ નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. તેથી જમીનદાર તેમના પર જોરજુલમ કરીને મહેસૂલ વસૂલ કરતો. આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. ખરેખર, આ પદ્ધતિ ખેડૂતો માટે શાપરૂપ નીવડી હતી.
(2) અઢારમી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી?
ઉત્તર : ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી સસ્તા ભાવે ખરીદીને યુરોપમાં વેચવી. ઈ. સ. 1765માં બ્રિટિશ કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા) જેવા સમૃદ્ધ પ્રદેશોની દીવાની સત્તા મળી હતી. તેથી કંપનીએ એ પ્રદેશોની ખેતપેદાશો ઓછા ભાવે ખરીદવા માટે ખરીદ-વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપ્યો. તેણે પોતાની ઇચ્છા મુજબ કાચું રેશમ, ગળી, કપાસ, અફીણ, મરી વગેરે મુખ્ય પાકોનું વ્યાપારીકરણ કર્યું.
બ્રિટિશ કંપનીએ ખેડૂતો પર જુલમ ગુજારીને કાચા રેશમની નિકાસ પર પોતાની સત્તા સ્થાપી. ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે સુતરાઉ કાપડ પર ઉપસતો હતો. વળી, કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધી ગઈ. તેથી બ્રિટિશ કંપનીએ પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી રૈયતી પ્રથાથી ગળીનું ઉત્પાદન વધાર્યું. રૈયતી પ્રથા ગળીના કારખાનેદારોને ખૂબ લાભદાયી હતી, કારણ કે ગળીના નીચા બાંધીને ખેડૂતોને ફરજિયાતપણે ગળીનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જે ખેડૂત ગળીનું ઉત્પાદન કરવા ઇન્કાર કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો. ઈ.સ. 1780ના દાયકામાં બ્રિટિશ કંપની અને તેના કૃપાપાત્ર વેપારીઓ ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ ધરાવતા હતા. તેથી તેઓ ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતા. પરિણામે, ખેડૂતોને કપાસના પૂરતા ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા.
તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી-મસાલા વગેરે પણ મહત્ત્વના વેપારી પાકો હતા. પોતાની રાજકીય સત્તાના જોરે એ પાકોને નીચા ભાવે ખરીદવા કંપનીના વેપારીઓ ખેડૂતોને વાવેતર કરવા માટે અગાઉથી ધીરાણ આપતા. આ રીતે ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો હતો, જ્યારે ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા હતા. ગરીબ ખેડૂતો પાસેથી જમીનદારો જમીન ખરીદી લેતા હતા. પરિણામે ખેડૂતો મોટી સંખ્યામાં જમીનવિહોણા ખેતમજૂરો બની ગયા. આમ, અઢારમી સદીમાં ભારતમાં ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ ગયાં.
(3) યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી?
ઉત્તર : ગળી સુતરાઉ કાપડના રંગકામમાં વપરાતી હતી. ભારતની ગળીનો રંગ ચમતો હોય તેમ સુતરાઉ કાપડ પર ઉપસતો હતો. ઈ. સ. 1790 સુધી યુરોપના દેશો ગળી કેરેબિયન દેશમાંથી મંગાવતા હતા. સમય જતાં કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું. તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી હતી.
(4) અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો.
ઉત્તર : અંગ્રેજ શાસનમાં જનજાતિઓની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી :
(1) જનજાતિના કેટલાક સમૂહો જીવનનિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા હતા. (2) કેટલીક જનજાતિઓના લોકો પશુપાલન કરતા હતા. તેઓ ઘેટાં-બકરાં, ગાયો, ભેંસો વગેરે પશુધન સાથે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા હતા. (3) ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. જંગલમાંથી મેળવેલી વસ્તુઓ તેઓ સરખાભાગે વહેંચી લેતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા. (4) ખોંડ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડાં કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે તેઓ કસુંબી અને પલાશનાં ફૂલોનો ઉપયોગ કરતા હતા.
(5) દેશના જુદા જુદા ભાગોમાં રહેતી જનજાતિઓ – આદિવાસીઓ બે પ્રકારની ખેતી કરતી હતી : 1. સ્થળાંતરીય (સ્થળાંતરિત) ખેતી અને 2. સ્થાયી ખેતી. ગીચ જંગલોમાં રહેતા કેટલાક આદિવાસીઓ જંગલોનાં વૃક્ષો અડધેથી કાપીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા. એ પછી લાકડાં અને ઘાસ સળગાવીને તેની રાખને જમીનમાં ભેળવી દેતા. રાખ પોટાશયુક્ત હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એ જમીનમાં એક વખત પાક લીધા પછી તેઓ તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરતા. આ પદ્ધતિને ‘સ્થળાંતરીય (સ્થળાંતરિત) ખેતી’ કહેવામાં આવતી. 19મી સદી પહેલાં છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ નામની જનજાતિઓ સ્થાયી ખેતી કરતી હતી. તેમને જમીનના અધિકારો પણ મળ્યા હતા.
પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો.
(1) ભારતમાં ગળી-ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) સંખ્યાબંધ
જવાબ : (B) બે
(2) ઈ. સ. 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી?
(A) કલકત્તા (કોલકાતા) અને મુંબઈ
(B) મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)
(C) દિલ્લી અને કલકત્તા (કોલકાતા)
(D) કલકત્તા (કોલકાતા) અને મદ્રાસ(ચેન્નઈ)
જવાબ : (B) મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)
(3) ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?
(A) મુંડા
(B) કોલ
(C) સંથાલ
(D) કોયા
જવાબ : (C) સંથાલ
(4) આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતા હતા?
(A) બિરસા મુંડા
(B) ઠક્કરબાપા
(C) જુગતરામ દવે
(D) આમાંથી એકપણ નહિ
જવાબ : (A) બિરસા મુંડા
Also Read :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 15 સ્વાધ્યાય