Class 8 Gujarati Chapter 16 Swadhyay
Class 8 Gujarati Chapter 16 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 16 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 16 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 8
વિષય : ગુજરાતી
એકમ : 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
(1) કાવ્યમાં શાનો મહિમા થયો છે?
(ક) રાજાની પ્રજાવત્સલતાનો
(ખ) શ્રીકૃષ્ણ-સુદામાની મૈત્રીનો
(ગ) રાજારાણીના પ્રેમનો
(ઘ) રાજા અને ભક્તવત્સલનો
જવાબ : (ખ) શ્રીકૃષ્ણ-સુદામાની મૈત્રીનો
(2) ‘મૃદંગ’ શબ્દનો અર્થ દર્શાવો.
(ક) બંને બાજુ વગાડી શકાય એવું એક વાદ્ય
(ખ) તંતુવાદ્ય વીણા
(ગ) મુખેથી વગાડવાનું વાદ્ય
(ઘ) હાથથી વગાડવાનું વાદ્ય
જવાબ : (ક) બંને બાજુ વગાડી શકાય એવું એક વાદ્ય
(3) હિંડોળાખાટમાં કોણ પોઢયું છે?
(ક) રુક્મિણી
(ખ) ભદ્રાવતી
(ગ) શ્રીકૃષ્ણ
(ઘ) શ્રીવૃંદા
જવાબ : (ગ) શ્રીકૃષ્ણ
(4) શ્રીકૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવાં આંસુ ક્યારે વહેવા લાગ્યાં?
(ક) નારદજીને જોઈને
(ખ) વશિષ્ઠને જોઈને
(ગ) સત્યભામાને જોઈને
(ઘ) સુદામાને જોઈને
જવાબ : (ઘ) સુદામાને જોઈને
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) શ્રીકૃષ્ણને કેટલી પટરાણીઓ હતી?
ઉત્તર : શ્રીકૃષ્ણને આઠ પટરાણીઓ હતી.
(2) સુદામાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણને કોણે આપ્યા?
ઉત્તર : સુદામાના આગમનના સમાચાર એક દાસીએ શ્રીકૃષ્ણને આપ્યા.
(3) શ્રીકૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે?
ઉત્તર : જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ-સ્પર્શ કરશે એ રાણીને શ્રીકૃષ્ણ સૌથી વધારે વહાલી ગણશે.
(4) શ્રીકૃષ્ણ ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું?
ઉત્તર : શ્રીકૃષ્ણ ઉલાળીને સુદામા પાસેથી તુંબીપાત્ર લઈ લીધું.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો.
(1) શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની શી-શી સેવા કરતી હતી?
ઉત્તર : રુક્મિણી શ્રીકૃષ્ણના પગ દબાવતી હતી, શ્રીવૃંદા તેમને પંખો નાખતી હતી, ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો હતો, જડબુવતી જળની ઝારી લઈને ઊભી હતી. સત્યા શ્રીકૃષ્ણને કેસર, ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી. કાલિંદી અગર દૂર કરતી હતી, લક્ષ્મણા તંબોળ (પાનનું બીડું) લાવી હતી અને સત્યભામા એ પાનનું બીડું શ્રીકૃષ્ણને ખવડાવતી હતી. આમ, શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી.
(2) સુદામાના આગમનના સમાચારની શ્રીકૃષ્ણ પર શી અસર થઈ?
ઉત્તર : સુદામાના આગમનની જાણ થતાં જ શ્રી કૃષ્ણ ‘હેં હેં’ કરતાં સફાળા ઊડ્યા અને દોડ્યા. પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહિ. દોડતાં દોડતાં તેમનું પીતાંબર પગમાં ભરાઈ જતું હતું. તેમના હૈયામાં આનંદ માતો નહોતો. એમને દોડવાથી શ્વાસ ચડતો હતો. તેઓ હાંફી રહ્યા હતા. ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા. સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં શ્રીકૃષ્ણને એક પળ જુગ જેવી લાગતી હતી.
(3) સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી?
ઉત્તર : સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામાં મજાક કરતાં બોલ્યાં, “આ શા ફૂટડા શ્રીકૃષ્ણના મિત્ર સુદામા ! આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રીકૃષ્ણ શું જોઈને દોડી ગયા? બંનેની નાનપણની માયા ભારે કહેવાય. બંને મિત્રોની જોડી જોવા જેવી છે. શ્રીકૃષ્ણ શરીરે સુગંધી લેપ લગાડ્યો છે, જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે. કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર ડરી જશે.”
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તરો તમારી રીતે વિચારીને લખો :
(1) તમને કેવો મિત્ર ગમે? શા માટે?
ઉત્તર : જેનામાં સાચો મિત્રપ્રેમ, વફાદારી, પ્રામાણિકતા, શિક્ષણ પ્રત્યે રુચિ, ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે. એવો મિત્ર જ હંમેશાં મૈત્રી નિભાવી શકે છે અને સુખદુઃખમાં આપણી સાથે રહે છે. એ ક્યારેય દગો દેશે નહિ અને ભણવામાં પણ આપણને સાથ આપશે
(2) તમારા ઘેર આવેલ અતિથિનું સન્માન-સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર : મારા ઘેર આવેલ અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. એને મીઠો આવકાર આપવામાં આવે છે. એને પ્રેમથી ચા-પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે.
(3) શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનું દશ્ય તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : શ્રીકૃષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દશ્ય જોઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા, સુદામાએ હાથ પકડીને શ્રીકૃષ્ણને ઊભા કર્યા. એમને હૈયા સરસા ચાંપ્યા. એમને ગાઢ આલિંગનમાં લીધા. શ્રાવણ મહિનામાં જેમ છાપરા પરથી વરસાદના પાણીની ધાર પડે તેમ એ વખતે સુદામાને જોતાં જ શ્રી કૃષણની આંખમાંથી આસું વહેતાં હતાં. સુદામાએ શ્રીકૃષ્ણનાં આંસુ લૂછ્યા. શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબીપાત્ર લઈ લીધું અને કહ્યું, “તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું. હવે મારા મહેલને પાવન કરો.”
(4) શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો.
ઉત્તર : શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે. તેઓ રાજમહેલમાં હિંડોળાખાટ પર સૂતા છે. તેમને આઠ પટરાણીઓ છે. એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે. ત્યાં જાતજાતનાં વાજિંત્રો વાગે છે. વાજિંત્રોના તાલે અન્ય મુગ્ધા બાલકિશોરી, શ્યામછબીલી, હંસગામિની, ગજગામિની, મૃગનયની રાણીઓ નાચગાન કરીને શ્રીકૃષ્ણને રીઝવે છે.
પ્રશ્ન 2. નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો :
(1) પિંગલ જટાને ભસ્મે ભરિયો રે, સુધારૂપિણી સ્ત્રીએ તે વરિયો રે.
ઉત્તર : કૃષ્ણની દ્વારિકાનગરીના મહેલના દરવાજે આવીને એક બ્રાહ્મણ ઊભો છે. એ ચાલીને આવ્યો હશે એટલે રસ્તાની ધૂળ ઊડતાં એના માથાની જટા ભૂખરી થઈ ગઈ છે. એણે શરીરે ભસ્મ ચોળી છે, સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા હોય એમ એમનો દેહ ભૂખથી કૃશ થઈ ગયેલો દેખાય છે.
(2) આ હું ભોગવું રાજ્યસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે.
ઉત્તર : સુદામા આવ્યા છે એમ જાણીને શ્રીકૃષ્ણ પોતાના બાળમિત્રને મળવા સફાળા ઊભા થઈને દોડે છે. શ્રીકૃષ્ણ જતાં જતાં પટરાણીઓને કહેતા જાય છે કે સુદામાનો અતિથિસત્કાર કરવા માટે પૂજાથાળ તૈયાર કરો. પટરાણીઓને પોતાના બાળમિત્રનો મહિમા સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે, “મારા આ બાળમિત્ર સુદામાના પુણ્યપ્રતાપથી જ હું આ રાજ્યસનનું સુખ ભોગવી રહ્યો છું.” – એમ કહીને કવિ પ્રેમાનંદે શ્રીકૃષ્ણના સુદામા પ્રત્યેનાં મૈત્રી અને પૂજ્યભાવ વ્યક્ત કર્યા છે.
પ્રશ્ન 3. નીચેનાં વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગો કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવો થાય છે તે લખો :
(1) શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો.
જવાબ : બુડબુડ – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(2) વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
જવાબ : ગણગણાટ – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(3) મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ.
જવાબ : બણબણાટ – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(4) મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
જવાબ : મઘમઘાટ – દ્વિરુક્ત – ગંધનો અનુભવ
(5) તપેલીમાં ખીચડી ખદબદે છે.
જવાબ : ખદબદે – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(6) જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન છે.
જવાબ : તોડફોડ – દ્વિરુક્ત – શ્રવણનો અનુભવ
Also Read :
Class 8 Gujarati Chapter 17 Swadhyay