Twenty one Batris Putli Ni Varta Gujarati । 21. પાનનાં બીડાંની વાર્તા

Spread the love

Twenty one Batris Putli Ni Varta Gujarati
Twenty one Batris Putli Ni Varta Gujarati

Twenty one Batris Putli Ni Varta Gujarati । 21. પાનનાં બીડાંની વાર્તા

એકવીસમે દિવસે ભોજ રાજા ફરી પાછા શુભ મુહૂર્ત જોઈ જેવા સિંહાસન પર બેસવા જાય છે, ત્યાં પૂતળી કપૂરગીરાએ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતાં રોકી બોલી: “હે રાજન ! આ સિંહાસન તો વિક્રમરાયનું છે. તેના ઉપર તો વિક્રમ રાજા જેવા પરોપકારી અને બુદ્ધિશાળી રાજા જ બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાની ભલાઈ અને કદરદાનીની નવી વાર્તા કહેવી શરૂ કરી.

એક દિવસ વિક્રમ રાજા દરબારમાં બેઠા હતા, એવામાં ત્યાં એક તંબોળી આવ્યો. તેના હાથમાં એક છાબ હતી. તેની ઉપર રેશમી વસ્ત્ર ઢાંકેલું હતું. તે છાબમાં કેટલાંક પાનનાં બીડાં હતાં. તેણે રાજાને પ્રણામ કર્યા અને પેલી છાબ રાજા સમક્ષ ધરી. રાજાએ ઉપરનું રેશમી વસ્ત્ર હટાવી લીધું કે છાબમાં શિંગોડા ઘાટનાં સોનેરી વરખવાળાં પાનબીડાં હતાં.

તંબોળીએ કહ્યું : મહારાજ! હું આપને માટે તથા દરબારીઓ માટે પાનનાં બીડાં લાવ્યો છું. તેનો ઉપયોગ કરો.”

રાજાએ પોતે એક બીડું લીધું અને બાકીનાં બીડાં બધા દરબારીઓને એક-એક વહેંચી દીધાં. પરંતુ પ્રધાને પોતાના ભાગનું બીડું લીધુ નહિ. તેણે રાજા આગળ શંકા વ્યક્ત કરતા કહ્યું : “મહારાજ ! કોઈપણ અજાણ્યા ફળ કે પાન ખાતાં વિચાર કરવો જોઈએ. મને આ પાન નાગરવેલના પાન કરતા જુદા લાગે છે.”

રાજાએ તંબોળીને પૂછ્યું: ‘તું આ પાન ક્યાંથી લાવ્યો ?”

તંબોળીએ કહ્યું: “મહારાજ ! અહીંથી બાર જોજન પર એક વણવાવ્યો નાગરવેલનો છોડ ઊગ્યો છે. એનાં પાન જોઈ મને થયું કે આવાં પાન દુનિયામાં કોઈએ જોયા નથી. માટે લાવ એના બીડાં વાળી વિક્રમરાયને ભેટ ધરું. એટલે મેં તેમાં કીમતી મસાલા નાખી બીડાં બનાવ્યાં અને અહીં લાવ્યો.”

પ્રધાને કહ્યું : “મહારાજ! મારી વાત ખરી નીકળીને ! એ વેલ તંબોળીએ વાવી નથી, તે તો નાગરવેલનો છોડ સમજીને એ પાન લઈ આવ્યો છે. કદાચ એ પાન ખાઈએ તો આપણે કોઈ રોગના ભોગ પણ બની શકીએ, કદાચ ઝેરી હોય તો મૃત્યુ પણ થઈ જાય. માટે આપણે આ અજાણ્યા પાનબીડા ખાવાં નથી.” આમ કહી તેણે બધા પાસેથી પાન લઈ તંબોળીની છાબમાં મૂકી દીધાં. પછી રાજાએ તેને આશ્વાસન આપ્યું કે “તંબોળી, તું ખાતરીવાળા પાનબીડા લઈ આવજે, તારી કદર કરીશ.”

તંબોળીએ રડમસ અવાજે બોલ્યો: “મહારાજ ! મને એ વાતનું ખૂબ દુખ થયું કે જો આ વાત દરબાર બહાર જશે કે ત્રિકમ તંબોળી અજાણ્યા પાનનાં બીડા બનાવે છે, તો લોકો મારી પાસેથી પાના ખરીદશે નહિ અને મારી ઘરાકી તૂટી જશે.”

વિક્રમ રાજાને તંબોળી પર દયા આવી. તેમણે તંબોળીને સો સોનામહોરો આપી, પરંતુ તંબોળીએ તે સ્વીકારી નહિ. તેણે કહ્યું: “મહારાજ! હું મૂર્ખ નથી કે તમને નુકસાન થાય તેવાં પાનબીડાં આપુ. તમે મારામાં વિશ્વાસ રાખો. આ પાન અલૌકિક છે. તે ખાનાર વધુ તેજસ્વી બની જશે. આપ તો અમારા અન્નદાતા છો. અન્નદાતાનું અહિત થાય એવું કોઈ કરે નહિ. માટે આપ મારામાં વિશ્વાસ રાખી એક પાનબીડું આરોગો.”

વિક્રમ રાજાએ તંબોળી પર વિશ્વાસ રાખી એક પાનબીડું લઈને ખાધું. રાજાને તેનાથી અપૂર્વ આનંદ થયો. તેમનામાં એક જાતની સ્ફૂર્તિ આવી, તેમને તો પાનબીડાં ખાવાથી ખૂબ જ સ્વાદ આવ્યો. તેથી તેમણે એક પછી એક પાનનાં બીડા ઉઠાવીને મોમાં મૂક્વાં માંડ્યા. રાજા જેમ જેમ પાનનાં બીડાં ખાતાં ગયા તેમ તેમ તેમના શરીરમાં પરિવર્તન થવા લાગ્યું. રાજાનું બદન અધિક તેજસ્વી બની ગયું. આ જોઈ બીજા દરબારીઓને પસ્તાવો થવા લાગ્યો. સૌને થયું કે આપણે પણ આ બીડાં ખાધાં હોત તો કેવું સારું! હવે શું થાય?

રાજા સૌના મનની વાત કળી ગયા. એટલે તેમણે બધાને પાન ખવડાવવાનો વિચાર કરી તંબોળીને કહ્યું : “તંબોળી ! તું જલદી જા અને એ જ નાગરવેલના પાનનાં બીજાં બીડાં બનાવી લાવ! હું તને ભારે ઇનામ આપીશ.”

તંબોળી તો તરત જ સાંઢણી ઉપર સવાર થઈ પેલી વેલ આગળ આવ્યો, પરંતુ વેલ તો ચીમળાઈ ગઈ હતી. તેને લાગેલાં પાન પણ ચીમળાઈ ગયાં હતાં. તે નિરાશ થઈ દરબારમાં પાછો આવ્યો ને બોલ્યો : “મહારાજ ! તે નાગરવેલ તો ચીમળાઈ ગઈ છે. એટલે હું બીડાં બનાવી લાવી શક્યો નહિ.” આ સાંભળી બધા દરબારીઓનાં મોઢાં ઊતરી ગયાં. વિક્રમ રાજા બધાનાં મોંના ભાવ કળી ગયા. તેમણે તરત જ દરબારીઓને એ પાનબીડાં ખવડાવવા વચન આપ્યું.

તેઓ તરત જ તંબોળી સાથે ફરી એ વેલ જોવા ગયા અને તે વેલનું બરાબર નિરીક્ષણ કર્યું. પછી તંબોળીને રજા આપી પોતે તેવી જ બીજી વેલ શોધવા નીકળી પડ્યા.

રસ્તામાં તેમને એક દુર્બળ બ્રાહ્મણ મળ્યો. વિક્રમ રાજાને જોઈને તે બોલી ઊઠ્યો.

“ભાઈ ! તમે કોણ છો? મહેરબાની કરી આ રસ્તે જશો નહિ. આ રસ્તે જનારાઓની ભૂંડી હાલત થાય છે.”

વિક્રમ રાજાએ પૂછયું : “ભાઈ ! આ રસ્તે એવું તે શું છે ?”

પેલો બ્રાહ્મણ બોલ્યો : “અહીંથી થોડે દૂર એક ચતુર નગરી આવેલી છે. ત્યાંની રાજકુમારી ઇન્દ્રની અપ્સરા કરતા પણ વધારે રૂપાળી છે. તેને જોઈને ભલભલાના દિલ પીગળી જાય તેમ છે. તે રાજકુવરી જેવી સ્વરૂપવાન છે તેવી જ બુદ્ધિશાળી પણ છે. તેને  ત્રણ સહેલીઓ છે. પ્રધાનપુત્રી, ક્ષત્રિયપુત્રી, વણિકપુત્રી. આ ચારે સહેલીઓ ચતુર અને બુદ્ધિશાળી છે. મેં કુંવરીને જોઈ એટલે મને તેની સાથે પરણવાની ઈચ્છા થઈ. હું કુંવરીને તમે તેની સહેલીઓને મળ્યો અને મારી દિલની વાત કરી. ત્યારે ચારે જણી બોલી: “અમે જે જે પ્રશ્નો પૂછીએ તેના તમે સંતોષકારક જવાબો આપો તો જ રાજકુંવરી તમારી સાથે લગ્ન કરશે, પણ તમે જો જવાબ આપવામાં નિષ્ફળ નીવડશો તો તમારે માથે મૂંડન કરાવી, આખા શરીરે ચૂનો ચોપડી, અવળે ગધેડે બેસાડી, આખા ગામમાં ફેરવી તમને જંગલમાં તગડી મૂકીશું.

હું કુંવરીને જોઈને મુગ્ધ થઈ ગયો હતો. હું તો કુંવરી સાથે પરણવાના મોહમાં તૈયાર થઈ ગયો. પછી ચારેય સહેલીઓએ વારાફરતી મને અનેક પ્રશ્નો પૂછ્યા, પણ હું તેમાંનો એકેનો જવાબ આપી શક્યો નહિ, એટલે તેઓએ મારા માથાનું મૂંડન કરાવી આખા શરીરે ચૂનો ચોપડી, અવળે ગધેડે બેસાડીને જંગલમાં તગડી મૂક્યો. આવી હાલતમાં હું મારે ઘેર જઈ શક્યો નહિ, ને આ જંગલમાં ઝૂરી ઝૂરીને રહેવા લાગ્યો. હવે તો મને તે કુંવરી મળશે તો જ હું મારે ઘેર જઈશ, નહિતર આખી જિંદગી આમ જંગલમાં જ ભટક્યા કરીશ.”

વિક્રમ રાજાએ બ્રાહ્મણને પોતાની ઓળખાણ આપી. વિક્રમ રાજાનું નામ સાંભળતાં જ બ્રાહ્મણ તેમને પગે પડ્યો ને કરગરી કહેવા લાગ્યો : “મહારાજ ! આપ તો ખૂબ જ બુદ્ધિશાળી છો. તમે આ કુંવરીના પ્રશ્નોના જવાબ આપી શકો તેમ છો. તમે મને તે કુંવરી સાથે પરણાવો.” વિક્રમ રાજાએ તેને ઉજ્જયિની જઈને રહેવા અને પોતાની આવવાની રાહ જોવા કહ્યું.

પછી વિક્રમ રાજા ચતુર નગરીમાં પહોંચ્યા. તે સીધા મહેલે ગયા ને ચોકીદારને ખબર આપી કે “તમારી કુંવરીને ખબર આપો કે એક પરદેશી સમસ્યાઓ ઉકેલી આપવા દૂર દૂરથી આવ્યો છે.”

એટલે ચોકીદારે કહ્યું: “ભાઈ, નાહક પ્રાણ ખોવા શીદ આગળ જઈ રહ્યા છો? એ ચારે જણા તમને જુઠ્ઠા પાડી મારી નાખશે.”

“માર્યું માર્યું”  વિક્રમ રાજાએ કહ્યું: “તમે જઈ મારા આવ્યાના સમાચાર આપો.”

ચોકીદાર માથું ધુણાવતો અંદર ગયો ને કુંવરીઓને ખબર આપી. તે સમયે ચારે સહેલીઓ બાજી રમી રહી હતી, ત્યારે ચોકીદારે ખબર આપી કે કોઈ પરદેશી લગ્નનો ઉમેદવાર થઈને આવ્યો છે. ચારે સહેલીઓએ તેને અંદર લઈ આવવાનું કહ્યું. ચોકીદાર વિક્રમ રાજાને લઈને અંદર ગયો અને વિક્રમ રાજા કુંવરી તથા તેની સહેલીઓને મળ્યા. વિક્રમ રાજાનું દેવાંશી સ્વરૂપ જોઈ ચારે જણ પહેલાં તો તેમની ઉપર મુગ્ધ થઈ ગઈ. વિક્રમ રાજાએ પોતાનું ત્યાં આવવાનું પ્રયોજન જણાવ્યું. એટલે ચારે સહેલીઓએ તેમને પોતાની શરત જણાવી. વિક્રમ રાજાએ તેમની શરત મંજૂર રાખી. એટલે કુંવરીએ રાજાને બેસવા માટે ઇશારો કર્યો.

પ્રથમ વણિકપુત્રીએ પ્રશ્ન પૂછ્યો: “હે પરદેશી ! સ્ત્રી જાતિના દેહ ઉપર મોટે ભાગે નરજાતિનાં જ આભૂષણો કેમ હોય છે ?”

આ માટે વિક્રમ રાજાએ તેમને ચાર ઋષિશિષ્યોનું દ્રષ્ટાંત આપતાં કહ્યું : “આજથી ઘણાં વર્ષો પહેલાં એક ઋષિ તેમના ચાર શિષ્યો સાથે જંગલમાં રહેતા હતા. એક દિવસ ચારે શિષ્યો ગંગાજીમાં સ્નાન કરવા ગયા. એવામાં એકાએક ત્યાં સ્વર્ગમાંથી એક દેવવિમાન નીચે ઊતર્યું અને તેમાંથી ઈન્દ્રની અપ્સરાઓ નીચે ઊતરી ગંગાજીમાં સ્નાન કરવા લાગી. ચારે શિષ્યો આ અપ્સરાઓને ટીકી ટીકીને જોવા લાગ્યા.

એમણે આ પહેલાં કદી કોઈ સ્ત્રીને નીરખી નહોતી. એક શિષ્યને તેનું મુખ ગમ્યું. બીજાને ડોક ગમી ત્રીજાને હાથ અને ચોથાને પગ ગમ્યા. પછી આ અપ્સરાઓ સ્નાન કરીને જતી રહી. પરંતુ આ ચારે શિષ્યોના દિલ હરતી ગઈ. ચારે શિષ્યોને આ અપ્સરાઓ સાથે પરણવાની ઈચ્છા થઈ ગઈ. એટલે આ ચારે શિષ્યો ભાન ભૂલીને શિવમંદિરમાં જઈને શિવજીની તપસ્યા કરવા માંડી. શિવજી તેમની ઉપર પ્રસન્ન થયા. તેમણે કહ્યું : “હે શિષ્યો ! હું તમારા પર પ્રસન્ન થયો છું. માંગો, તમે માંગો તે આપું.”

ત્યારે ચારે શિષ્યો એકીસાથે બોલી ઊઠ્યા : “હે ભોળાનાથ ! અમારી ઇચ્છા છે કે અમારાં લગ્ન જોયેલી અપ્સરાઓ સાથે થાય.”

શિવજી બોલ્યા : “હે બાળકો ! તમે કેવી વાત કરો છો? તમે ત્યાગી છો, છતાં તમારું કર્મ ભૂલીને તમે રાગી થવા માગો છો ? મૃત્યુલોકના માનવી માટે અપ્સરાઓની ઈચ્છા કરવી અસ્થાને છે. છતાં તમારી ઇચ્છા સંતોષાય તે માટે તમે ચારેય સ્ત્રીઓનાં આભૂષણો બનીને હંમેશા સ્ત્રીઓનાં અંગ ઉપર રહો.” આટલું કહી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા.

પછી ચારે શિષ્યો સ્ત્રીઓનાં આભૂષણ થઈ ગયાં. જેને અપ્સરાનું મુખ ગમ્યું તે સ્ત્રીના લલાટનો ચાંલ્લો બન્યો, જેને અપ્સરાની ડોક ગમી તે સ્ત્રીની ડોકનો હાર, જેને અપ્સરાના હાથ ગમ્યા તે સ્ત્રીના હાથનો ચૂડો અને જેને અપ્સરાના પગ ગમ્યા તે સ્ત્રીના પગના ઝાંઝર બન્યો. આમ ચારે શિષ્યોને પોતાનું મનવાંછિત સ્થળ મળી જવાથી ખુશ થઈ ગયા અને જગતની નારીઓ પણ એમના સહવાસથી પ્રસન્ન થઈ.” આ ચારે શિષ્યો નર જાતિના હોવાથી તેનાં આભૂષણોનાં નામ નર જાતિના બન્યાં.” વિક્રમ રાજાના આવા ઉત્તરથી ચારેય સહેલીઓને સંતોષ થયો. વણિક પુત્રીએ રાજાને તેમની બુદ્ધિ-ચતુરાઈ બદલ ધન્યવાદ આપ્યા.

પછી ક્ષત્રિયપુત્રીએ એક વેલણ બતાવી બીજો પ્રશ્ન કર્યો: “આ વેલણમાં થડ કર્યું અને ડાળ કઈ સમજવી ?”

વિક્રમ રાજાએ હસીને કહ્યું: “વેલણને નદીના વહેણમાં તરતું મૂકો. તેમાં જે છેડો વહેણ તરફ રહે, તે ડાળ સમજવી અને જે છેડો પાછળ રહે, તેને થડ સમજવું.”

રાજાનો ઉકેલ સાચો હતો, છતાંય ક્ષત્રિયપુત્રીને રાજાની ફરી કસોટી કરવાનું મન થયું. આ માટે તેણે એક સરખાં બે બાળકોને રાજા સમક્ષ ઊભા રાખી પ્રશ્ન પૂછ્યો : હે રાજન ! આ બે ભાઈ-બહેન છે. તેમાં છોકરી કોણ અને છોકરો કોણ તે કહો.”

રાજાએ જોયું તો બંને ભાઈ-બહેનનું કદ એકસરખું, વાન પણ એકસરખો, દેખાવ એકસરખો, વાળ એકસરખા અને પોશાક પણ એકસરખો હતો. રાજા તો આ જોઈ મૂંઝવણમાં પડી ગયા. એવામાં તેમને કંઈક યાદ આવતા બોલ્યા “આ બંને બાળકોને ઓરડા બહાર મોક્લો. પછી બંનેને વારાફરતી અંદર બોલાવો. તેઓ ઓરડામાં દાખલ થશે કે તરત જ હું કહી દઈશ કે છોકરો કોણ ને છોકરી કોણ ?” રાજાના કહ્યા પ્રમાણે બંને બાળકોને બહાર મૂક્યાં. પછી તેમને વારાફરતી અંદર મોકલ્યાં, રાજાએ આ બંને બાળકોનું નિરીક્ષણ કર્યું. પછી કહ્યું કે, “આ છોકરો ને આ છોકરી.” રાજાની પરખ સાચી હતી. એટલે ક્ષત્રિયપુત્રીએ તેનો ખુલાસો માગ્યો ત્યારે રાજાએ કહ્યું : એક બાળકે ચાલવામાં પહેલો જમણો પગ ઉપાડ્યો તે છોકરો. એટલે કે પુરુષનો હંમેશા જમણો પગ પહેલાં ઊપડે અને છોકરી એટલે કે સ્ત્રીનો ડાબો પગ પહેલાં ઊપડે.

ક્ષત્રિયપુત્રીને રાજાના બંને જવાબોથી સંતોષ થયો. તે મનમાં સમજી ગઈ કે આ માણસ ચતુર અને બુદ્ધિશાળી છે.

હવે પ્રધાનપુત્રીએ રાજાની પરીક્ષા કરવાનું વિચાર્યું. તેણે કહ્યું : “હે રાજન ! મારી બંને સહેલીઓને તમારા જવાબોથી સંતોષ થયો છે. જો તમે મારા પ્રશ્નોના જવાબો સાચા આપો તો ખરા કહું.” આમ કહી તેણે એક પ્રશ્ન રજૂ કર્યો “હે રાજન! મારી પાસે બંને ઘોડીઓ સરખી દેખાય છે. તો તેમાં માં કઈ અને વછેરી કઈ ? એ કેવી રીતે પારખી શકાય ?

રાજાએ કહ્યું : “બંનેને પાણી પીવા લઈ જાવ અને નદી કિનારે છોડી મૂકો. જે પાણી પીને આગળ થાય તે મા અને પાછળ ચાલે તે વછેરી.”

રાજાના ઉત્તરથી પ્રધાનપુત્રીને સંતોષ થયો. છતાં તેને બીજો પ્રશ્ન પૂછવાનું મન થયું. તેણે સોળ વર્ષની બે સુંદરીઓને રાજા સમક્ષ ઊભી રાખીને બોલી : “આ બંને પરણેલી છે. બંનેના પતિ પરદેશ ગયેલા છે. પરંતુ એકને પતિસુખ મળેલું નથી, ને બીજીને પતિસુખ મળ્યું છે. તો આ બંનેમાંથી કોને પતિસુખ મળ્યું ને કોને પતિસુખ મળ્યું નથી તે કહો.”

રાજાએ કહ્યું : “આનો જવાબ હું તમને એક દષ્ટાંત દ્વારા આપું છું. એક બ્રાહ્મણ હતો. તેને એક દીકરી હતી. દીકરીને લગ્ન થયા પછી કોઈ કારણસર પતિએ તેને કાઢી મૂકી અને પોતે પરદેશ જતો રહ્યો. હવે દીકરી પિતાને ઘેર રહેવા લાગી. તેના પિતા રાજદરબારમાં પ્રધાન હતા. મરણકાળ નજીક આવતાં પ્રધાને રાજાને કહ્યું : હે રાજન ! મારા મૃત્યુ બાદ હવે મારી દીકરીને પ્રધાન તરીકે નીમજો. મેં તેને રાજકારોબારની સઘળી તાલીમ આપેલી છે. એટલે તે મારી જેમ કુશળતાથી વહીવટ કરશે.

થોડા સમય પછી બ્રાહ્મણ પ્રધાન મૃત્યુ પામ્યો, એટલે રાજાએ તેની દીકરીને પ્રધાન બનાવી. બ્રાહ્મણકન્યા પ્રધાન બની રાજનું કામ બરાબર ચલાવવા લાગી. એવામાં એ પ્રધાન સ્ત્રીનો પતિ, જે પરદેશ ગયેલો, તે પાછો ફર્યો. તેણે જાણ્યું કે પોતાની સ્ત્રી પ્રધાન થઈ છે એટલે તેના મનમાં તેના ચારિત્ર્ય માટે શંકા આવી. તેણે એ માટે પોતાની સ્ત્રીની પરીક્ષા લેવાનું વિચાર્યું.

આ માટે તે પત્નીના નગરમાં ગયો. રાત પડી જવાથી તે મૂંઝવણમાં મુકાઈ ગયો. તે અંધારામાં ફરતો ફરતો એક હવેલી આગળ આવ્યો. એ હવેલીમાં એક ગુણકા રહેતી હતી. તેણે ઝરૂખામાંથી જોયું તો એક પરદેશી હવેલીની નીચે ઊભો હતો. તેણે તરત જ પરદેશીને બોલાવ્યો. પ્રધાનસ્ત્રીના પતિને તો રાત પસાર કરવી જ હતી, એટલે તે તરત ઉપર ગયો. ગુણકાએ સોદો દસ સોનામહોરથી કર્યો.

સવાર થતાં ગુણકાએ પેલા પરદેશી પાસે દસ સોનામહોરો માગી, ત્યારે તેણે ગુણકાને પાંચ સોનામહોરો આપી. ગુણકાએ તેની પાસે દસ સોનામહોરો માગી, પણ પરદેશીએ તે ન આપી. આમ બંને વચ્ચે ખૂબ જ રકઝક ચાલી.

છેવટે ગુણકા ન્યાય કરવા પેલા પરદેશીને લઈ રાજદરબારમાં પ્રધાન પાસે આવી. પરદેશીએ જોયું કે પ્રધાનપદે પોતાની પત્ની જ હતી. બ્રાહ્મણપ્રધાનની પુત્રી જે પિતાની જગ્યાએ પ્રધાન થઈને કામકાજ કરી રહી હતી, તેણે ગુણકાને જોઈને પૂછ્યું: “હે બહેન! તારી શું ફરિયાદ છે ?

ગુણકાએ કહ્યું : “આ પરદેશી દસ સોનામહોર આપવાનું કહી મારા ઘરમાં આખી રાત રોકાયો ને સવાર પડતાં તેણે મને ફક્ત પાંચ સોનામહોર જ આપી. હવે બાકીની પાંચ સોનામહોર મને અપાવો.”

બ્રાહ્મણ કન્યા પોતાના પતિને ઓળખી શકી નહિ. તેણે તેને કહ્યું “અરે ! તમે પવિત્ર બ્રાહ્મણ થઈને આવો હલકો સંગ કરો છો? બ્રાહ્મણથી તો ગુણકાનો પડછાયો પણ ન લેવાય અને તમે તેને ત્યાં આખી રાત રહ્યા ? તેનો સ્પર્શ કર્યો, ને પાછા ધોળે દહાડે મહેનતાણા માટે આવો કજિયો કરતા શરમ નથી આવતી?”

ત્યારે પરદેશી બોલ્યો : “હું તમારી પાસે શિખામણ માગવા નથી આવ્યો, હું તો તમારી પાસે ન્યાય માગવા આવ્યો છું, તમે એકતરફી સાંભળ્યું. હવે મહેરબાની કરીને મારું સાંભળો.”

પ્રધાનપુત્રીએ કહ્યું: બોલો, તમારી શી ફરિયાદ છે?

પરદેશીએ કહ્યું: “હું કંઈ મારી મરજીથી આ ગુણકાના આવાસે નહોતો ગયો. આ સ્ત્રીએ મને બોલાવ્યો. ત્યારે હું એને ઘેર ગયો હતો. અજાણ્યા ગામમાં રાત ક્યાં પસાર કરવી તેની મૂંઝવણમાં હું હતો. આમ મારે પણ ગરજ હતી અને તેને પણ ગરજ હતી. તેણે મહેનતાણા બદલ દસ સોનામહોરો માગી, પરંતુ અડધી ગરજ તેની હતી, તેથી મેં તેના અડધા હિસ્સાની પાંચ સોનામહોરો આપી તે વાજબી જ છે.”

વચમાં જ ગુણકા બોલી ઊઠી. “મને ગરજ ન હતી.”

પરદેશીએ કહ્યું : “ખોટી વાત ! પુરુષ કરતાં સ્ત્રીમાં લજ્જા ચારગણી ને કામ આઠગણો હોય છે. નહિ તો મને બોલાવે શાની? બોલો પ્રધાનપુત્રી વાત ખરી છે કે નહિ ?”

પ્રધાનપુત્રી બોલી : “મને આવી બાબતનો અનુભવ નથી. કરણ મેં ઘણા સમયથી મારા પતિનું મોં જોયું નથી, એટલે શું કહું?”

પછી વિક્રમ રાજાએ પેલી બે કન્યાઓની સામે જોઈને પૂછ્યું: બોલો તમને શું લાગે છે? પરદેશીની વાત સાચી કે ખોટી ? બંનેમાંથી જેણે પતિનું સુખ જોયું નહોતું તે પ્રથમ બોલી: મને તો કંઈ સમજ પડતી નથી કે પરદેશીની વાત સાચી કે ખોટી ? પછી બીજી કન્યા જેણે પતિનું સુખ જોયું હતું તે બોલી ઊઠી: “હા…હા એ પરદેશીની વાત સોએ સો ટકા સાચી છે. એ ગુણકાની જ બધી લુચ્ચાઈ છે.”

પછી રાજાએ પ્રધાનપુત્રીને કહ્યું : “બસ, તમારો જવાબ મળી ગયો? આ પહેલી કન્યાએ પતિનું મુખ જોયું નથી ને સુખે જોયું નથી અને આ બીજીએ પતિનું સુખ જોયું છે.”

પ્રધાનપુત્રીને રાજા તરફથી મળેલો જવાબ સંતોષકારક લાગ્યો. તેણે કહ્યું હું હારી ને તમે જીત્યા.”

હવે રાજકુંવરી આગળ આવી. તેણે કહ્યું : “હે પરદેશી ! તમે મારી ત્રણે સહેલીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, તેના યોગ્ય ઉત્તરો આપો તો તમને ખરા ચતુર જાણું.” આમ કહી તેણે કેટલાક પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું.

“અગ્નિ કરતાં વધુ બાળનાર કોણ?

રાજા વિક્રમ કહે: “ક્રોધ. ક્રોધી સદા મનમાં બળતો રહે છે. તેને કદી ટાઢક થતી નથી.”

કુંવરી બોલી : “મધથી મીઠું શું?”

રાજાએ કહ્યું : “ગરજ સૌથી મીઠી છે. ગરજે ગધેડાને બાપ કહેવો પડે.”

કુંવરીએ પૂછ્યું: “પવનથી વધુ ઝડપી કોણ ?

રાજાએ કહ્યું : “મન વધુ ઝડપી છે. તે પળવારમાં લાખો જોજન પહોંચી જાય છે.”

કુંવરીએ પૂછયું: “ધનવાન કરતાં વધુ સુખી કોણ ?”

રાજાએ કહ્યું : “સંતોષી નર સદા સુખી છે.”

કુંવરીએ પૂછ્યું: “ખરો મુસાફર કોણ છે?

રાજાએ કહ્યું : “સૂર્ય અને ચંદ્ર ખરા મુસાફર છે. જેની મુસાફરીનો કદી અંત આવતો નથી.”

કુંવરીએ પૂછ્યું: “મેઘરાજાથી મોટું કોણ ?

રાજાએ કહ્યું: “દાતા સહુથી મોટો છે.”

કુંવરીએ પૂછ્યું: “દીકરાં કરતાં વધુ સગું કોણ ?”

રાજાએ કહ્યું : “સ્વાર્થ”

કુંવરીએ પૂછ્યું: “ઝેરથી પણ કડવું શું?”

રાજાએ કહ્યું : “દુષ્ટ માણસ ઝેરથી પણ વધુ કડવો છે.”

આમ દરેક પ્રશ્નોના સંતોષકારક ઉત્તર મળવાથી રાજકુંવરી અતિ પ્રસન્ન થઈ ગઈ. તે વિક્રમ રાજાને પગે પડી બોલી : “હે પરદેશી ! તમે જીત્યા ને હું હારી, હવે હું થઈ ગઈ દાસી તમારી, તમે જે કહો તેમ કરવા તૈયાર છું.”

વિક્રમ રાજાએ રાજકુંવરીને ઊભી કરીને પોતાની ઓળખાણ આપી. પછી તેમણે બ્રાહ્મણની અને પાનનાં બીડાંની વાત કરી. વિક્રમ રાજાના મોઢેથી પાનની વાત સાંભળી કુંવરીએ કહ્યું : “એ તેજસ્વી પાન તો નાગરવેલના છોડના જ છે. જો તે છોડ ચીમળાઈ જાય તો તેના મૂળમાં વાઘણનું દૂધ રેડવામાં આવે તો તરત જ છોડે ચેતનવંતો બની જાય છે અને ફરી તેની ઉપર ઝડપથી પાન ઊગે છે.

વિક્રમ રાજા રાજકુંવરીને લઈને ઉજયિની આવ્યા. પછી કુંવરીની સૂચના મુજબ તરત પાછા જંગલમાં ગયા ને વાઘની બોડમાં ગયાં. ને ત્યાંથી વાઘણનું દૂધ સુવર્ણ પાત્રમાં લઈ જઈને પેલી ચીમળાઈ ગયેલી વેલના મૂળમાં રેડ્યું. થોડી વારમાં તો વેલ ચેતનવંતી બની ગઈ અને આખી વેલ ઉપર તેજસ્વી પાન ઊગી નીકળ્યાં. વિક્રમ રાજા તે પાન તોડીને પાછા ઉજ્જયિની આવ્યા.

પછી રાજાએ તે પાન પેલા તંબોળીને આપીને કહ્યું : “હે તંબોળી ! તું આ બધાં પાનનાં બીડું બનાવીને રાજદરબારમાં લાવ.”

તંબોળી તરત જ ઘેર જઈ બધાં પાનનાં બીડાં બનાવીને દરબારમાં લાવ્યો. રાજાએ આ બધાં બીડાં દરબારીઓને અને પેલા બ્રાહ્મણને આપ્યાં. બધાએ જેવાં પાનનાં બીડાં ખાધાં કે બધામાં નવચેતનનો સંચાર થયો. પેલો બ્રાહ્મણ જેનું શરીર સાવદુર્બળ થઈ ગયું હતું, ચહેરો પણ ફિક્કો પડી ગયો હતો, તે પણ પાન ખાવાથી એકદમ જુવાન અને સોહામણો થઈ ગયો. પછી રાજાએ પોતાના વચન મુજબ તે બ્રાહ્મણ સાથે કુંવરીને પરણાવી અને તેમને રહેવા માટે એક અલગ મહેલ પણ આપ્યો. બાદ રાજાએ તંબોળીને ન્યાલ કરી દીધો. રાજાના આવા ન્યાયથી બધા દરબારીઓ રાજાનો જય જયકાર બોલાવ્યો ને તેમના ગુણગાન ગાવા લાગ્યા.

વાર્તા પૂરી કરતાં કપૂરગીરા પૂતળીએ કહ્યું: “હે ભોજ રાજા! આવો ભલો, કદરદાન, બુદ્ધિશાળી અને પરોપકારી રાજા વિક્રમ હતા. તમે જો તેમનાં જેવું કાર્ય કરી શકો તો જ સિંહાસન ઉપર બેસવાના અધિકારી છો.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાર્ગે ઊડી ગઈ.

આ વાર્તા પણ વાંચો :

22. કામધેનુ ગાયની વાર્તા


Spread the love
error: Content is protected !!
Scroll to Top