Twenty Batris Putli Ni Varta Gujarati । 20. વેતાળ ભાટની વાર્તા

Spread the love

Twenty Batris Putli Ni Varta Gujarati
Twenty Batris Putli Ni Varta Gujarati

Twenty Batris Putli Ni Varta Gujarati । 20. વેતાળ ભાટની વાર્તા

વીસમા દિવસે ભોજ રાજા ઇષ્ટદેવનું ધ્યાન ધરી જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં ‘ક્ષમા’ નામની પૂતળી ભોજ રાજાને સિંહાસન ઉપર બેસતા અટકાવી બોલીઃ “હે રાજન! આ સિંહાસન ઉપર તો વિક્રમ રાજા જેવો જ્ઞાની, ઘની અને પરાક્રમી રાજા જ બેસી શકશે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી.

કનોજ દેશમાં ભીમ નામે એક ભાટ રહેતો હતો. તે ભલો અને પરગજુ હતો. તેને ઊમિયા નામે પત્ની હતી. તે પણ ધાર્મિક સ્વભાવવાળી હતી. આમ બંને પતિ-પત્ની ખૂબ જ ધર્મિષ્ઠ અને સદાચારી હતાં. તેઓ બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુખ હતું. તેમને એક પણ સંતાન ન હતું. તેઓ વાંઝિયા હતા. આ માટે ભીમે શંકર ભગવાનની આરાધના કરવાનું વિચાર્યું.

તે પત્નીની રજા લઈને શિવજીના મંદિરે ગયો. ત્યાં જઈ તેણે શંકર ભગવાનની આરાધના કરવા માંડી સતત ત્રણ મહિના સખત તપશ્ચર્યા કર્યા બાદ મહાદેવજી તેના પર પ્રસન્ન થયા અને તેની ઇચ્છા જાણી પુત્રનું વરદાન આપ્યું.

ભીમ ભાટે ઘેર આવી મહાદેવજીના વરદાનની વાત કરી. દિવસો પસાર થયા ત્યાં તો તેની પત્નીને ચડતા દિવસો થયા ફરી નવ માસે એક રૂપાળો પુત્ર અવતર્યો. જોશીના કહેવાથી ભાટે તે પુત્રનું નામ વેતાળ પાડ્યું. વાદળમાં ચંદ્ર અને જળમાં કમળ શોભે તેમ ભીમના ઘરમાં એ શોભવા લાગ્યો. તે દિવસે દિવસે વધવા લાગ્યો. સાત વર્ષનો થતાં ભીમ ભાટે તેને ગુરુંને ઘેર ભણવા મૂક્યો. ગુરુ પણ તેની બુદ્ધિ જોઈ સ્તબ્ધ થઈ જતા હતા, ચૌદ વર્ષમાં તો તે ભણીગણીને ખૂબ જ હોશિયાર થઈ ગયો. તે પણ મા-બાપની જેમ જ નિયમિત પ્રભુભક્તિ કરતો અને તેની પાસે જે કાંઈ હોય તે ગરીબોને દાન કરી દેતો.

વેતાળ પુખ્ત વયનો થયો ત્યાં સુધી તેનામાં બધા સદ્ગુણ ખીલી ઊઠ્યા. તે ખૂબ જ છૂટા હાથે દાન કરતો, તેથી તેની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ. શરૂઆતમાં તો માતા-પિતા વેતાળનાં દાન કરવાના આ ગુણથી ખૂબ જ રાજી થતા, પરંતુ વેતાળના છૂટા હાથે દાન કરવાથી ભીમ ભાટની બધી સંપત્તિ ઓછી થઈ ગઈ. હવે ઘરમાં એક ટંક પણ ખાવાના સાંસા થઈ ગયા.

એક દિવસ ભીમ ભાટે પોતાના પુત્ર વેતાળને પાસે બેસાડીને કહ્યું: “બેટા ! તું દાન કરે તે સારું કાર્ય છે, પરંતુ આપણી શક્તિ પ્રમાણે દાન કરીએ તો સારું, તારા દાન કરવાથી આપણી મોટા ભાગની બધી સંપત્તિ ખલાસ થઈ ગઈ છે. હવે જો આમાંથી પણ દાન કરતો રહીશ તો તો આપણે ભૂખે મરવું પડશે. હવે તું ઉંમરલાયક થયો છે, એટલે તારે કંઈ કામકાજ કરી બે પૈસા કમાવા જોઈએ.”

વેતાળને પિતાજીની વાત યોગ્ય લાગી. તે ઘર છોડી પૈસા કમાવા માટે ચાલી નીકળ્યો. તે ફરતો ફરતો ઉજ્જયિની નગરીમાં આવ્યો. ત્યાં બધાના મોંએ તેણે વિક્રમ રાજાનાં વખાણ સાંભળ્યાં. તેણે પણ વિક્રમ રાજાને મળવાની ઇચ્છા થઈ. આ માટે તેણે રાજદરબારમાં જવાનું વિચાર્યું. તે ઉજજયિની નગરીમાં પહેલ વહેલો આવ્યો હતો. તેણે રસ્તામાં એક ગરીબ માણસને રાજદરબારમાં જવાનો રસ્તો પૂછળ્યો, ત્યારે તે માણસે કહ્યું: “ભાઈ, તમે કોણ છો ? અને રાજદરબારમાં રસ્તો પૂછવાનું કારણ શું?

વેતાળે કહ્યું : “હું એક પરદેશી છું. મેં આ નગરીમાં વિક્રમ રાજાનાં ખબ જ વખાણ સાંભળ્યાં, અને એ પણ સાંભળ્યું કે રાજા કલાકારોની ખૂબ જ કદર કરે છે. માટે હું પણ મારી કલા બતાવવા રાજા પાસે જાઉં છું.”

ત્યારે ગરીબ માણસે કહ્યું : “ભાઈ, હું તમને જરૂર રસ્તો બતાવું પણ તમારે મને કંઈક આપવું પડશે.”

વેતાળે કહ્યું : “હે ભાઈ! રાજા મને જે કંઈ ભેટ આપશે તે બધું હું તને આપી દઈશ, તું આ જગ્યાએ જ બેસજે.”

પેલા ગરીબ માણસે વેતાળને રસ્તો બતાવ્યો. વેતાળ વિક્રમ રાજાના દરબારમાં ગયો અને રાજાને પ્રણામ કર્યા ને પોતાની કલા રજૂ કરવા દેવાની વિનંતી કરી. વેતાળ ભાટનો દીકરો હતો, તેથી તે મધુર કંઠે દુહા-છંદ લલકારતો હતો. તે રાજાનો આદેશ મળતાં જ મધુર કંઠે દુહા-છંદ લલકારવા લાગ્યો. તેણે આખા દરબારને મુગ્ધ કરી દીધા. બધા જ તેની વાહવાહ બોલવા લાગ્યા. ખુદ વિક્રમ રાજા પણ તેના દુહા-છંદ પર વારી ગયા. તેમણે વેતાળને શાબાશી આપી અને નામ પૂછ્યું.

વેતાળ ભાટે કહ્યું: મહારાજ ! મારા જેવા સાધારણ માણસને નામ શું વળી ? એક શ્રીરામનું અને બીજું પરદુઃખભંજન વિક્રમરાયનું. આ દેહને લોકો વેતાળ કહે છે.

વેતાળનો જવાબ સાંભળી રાજા વધુ ખુશ થયા તેમણે પૂછ્યું : “ક્યાંથી આવો છો ને ક્યાં જવાના છો ?”

વેતાળે કહ્યું : “માટીમાંથી આવ્યો છું ને માટીમાં જવાનો છું. આથી વધુ કંઈ જાણતો નથી.”

વિક્રમ રાજા વેતાળ પર ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે રાજી થઈ વેતાળને હાથી, ઘોડા, પાલખી અને એક લાખ સોનામહોરો ભેટમાં આપી.

વેતાળ આ બધું લઈ પેલા ગરીબ માણસ પાસે આવ્યો અને તેણે પોતાના વચન મુજબ બધું જ તેને આપી દીધું અને પોતે ખાલી હાથે ગામમાં ફર્યો અને ભિક્ષા માગી લોટ ઉઘરાવી સીધો સ્મશાને ગયો. ત્યાં તેણે રોટલા બનાવ્યા. તે ખાઈ, પાણી પીને આરામ કરવા સૂતો.

વિક્રમ રાજાના સિપાહીઓએ વેતાળની આ ઉદારતાની ખબર વિક્રમ રાજાને કહી કે વેતાળે રાજા તરફથી મળેલી બધી ભેટ એક ગરીબ માણસને આપી દીધી છે અને પોતે ખાલી હાથે ચાલ્યો ગયો છે. વિક્રમ રાજાને વેતાળની આવી ઉદારતા જોઈ તેની ઉપર માન ઊપજ્યુ. તેમણે તરત જ સિપાહીઓને મોકલી વેતાળ ભાટને ફરી દરબારમાં બોલાવ્યો.

વિક્રમ રાજાએ તેને ફરીથી પુષ્કળ ધન-ઝવેરાત આપવા માંડ્યું પરંતુ વેતાળે તે લેવાની ના પાડી અને કહ્યું: “મહારાજ! ભેટ એક જ વાર લેવાય. હું વારેઘડી ભેટ સ્વીકારું તો લોભિયો કહેવાઉ. મને આપની ઉદારતા પર ખૂબ જ માન છે.

વેતાળ ભાટે ઘણી આનાકાની કરી, છતાં વિક્રમ રાજાએ તેને પરાણે પાંચસો હાથી, પાંચસો ઘોડા અને લાખ સોનામહોરો ભેટમાં આપી. વેતાળ ભાટે ફરીથી રાજાનાં ખૂબ જ ગુણગાન ગાયાં અને ત્યાંથી આ રસાલા સાથે નીકળી પડ્યો. રસ્તામાં વૈતાળ ભાટને પાલખીમાં બેઠેલો અને તેની પાછળ આટલા બધા હાથી અને ઘોડા જોઈને એક બ્રાહ્મણને થયું કે જરૂર આ ઉજજયિનીનો  વિક્રમ રાજા લાગે છે તે વેતાળ ભાટની સામે આવી ઊભો ને હાથ જોડી બોલ્યો : “હે ગૌબ્રાહ્મણ પ્રતિપાળ પરદુઃખભંજન મહારાજ વિક્રમ! તમારું નામ અમર તપો.”

વેતાળને થયું કે જરૂર આ બ્રાહ્મણ મને વિક્રમ રાજા સમજી બેઠો છે. તેને કોઈ વાતનું દુખ લાગે છે. જો હવે હું ના પાડીશ તો તે નિરાશ થઈ જશે ને વિક્રમ રાજાને કલંક લાગશે એટલે તેણે કહ્યું: “હે ભૂદેવ! ક્યાંથી આવો છો ને કેમ આવો છો?”

બાહ્મણે કહ્યું : “અન્નદાતા ! દુખનો માર્યો આવું છું. દુખ દાવાનળ જેવડું મોટું અને મેરુ સમાન છે. તમારા વગર બીજો કોઈ એ ફેડે એમ નથી.”

વેતાળે કહ્યું: “હે ભૂદેવ! આપનું દુખ કહો ઈશ્વર સૌની લાજ રાખશે.”

બ્રાહ્મણ બોલ્યો : “હું ચંદ્રાવતી નામે ગામમાં રહું છું. હું મહાદેવનો પરમ ભક્ત છું. મોટી ઉંમર સુધી મને પુત્ર ન હતો, તેથી મેં શિવજીની ઉપાસના કરી અને તેમની કૃપાથી મારે ઘેર એક પુત્ર અવતર્યો. તે બાર વર્ષનો થયો ને બધાં શાસ્ત્રમાં પારંગત થયો. એક દિવસ તેણે મને કહ્યું: પિતાજી! હવે હું આ ઘરનું અન્ન નહિ ખાઉં. મારે તો વનમાં જઈ તપ કરવું છે. મને આ સંસારમાં કંઈ સાર લાગતો નથી.” તેની આવી વાત સાંભળી હું તો ડઘાઈ ગયો. મને થયું કે આને હવે પરણાવી દઉં, જેથી તેનું ચિત્ત ઘરમાં લાગે મેં તેને ઘણાં દ્રષ્ટાંતો કહ્યાં અને માંડ માંડ લગ્ન માટે સમજાવ્યો. મેં તેને કંઈ કેટલીય કન્યાઓનાં નામ દીધાં, પણ તેણે તો હઠ પકડી કે જો મને મારી પસંદગીની કન્યા મળશે તો જ હું લગ્ન કરીશ.

આ વાતને થોડો સમય થયો. હવે એવું થયું કે અમારા ગામમાં એક બ્રાહ્મણ રહે તેને કાંઈ સંતાન નહોતું. ચાર લાખ જપ કર્યો ત્યારે તેને ઘેર દીકરી અવતરી. દીકરી પરણવા જેવડી થઈ એટલે એણે કહ્યું : હું આ જન્મ કુંવારી રહીશ ને પ્રભુનું નામ જપીશ. મા-બાપે સાત-સાત લાંઘણો કરી ત્યારે દીકરીનું મન જરા પીગળ્યું એણે કહ્યું: જે મારી શરતો સ્વીકારશે, તેની સાથે હું લગ્ન કરીશ. મારો છોકરો તે કન્યા પાસે ગયો. તેને આ કન્યા ખૂબ જ ગમી ગઈ. તેણે આ કન્યા સાથે લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી ને કહ્યું : “બોલો તમારી શરતો શી છે ?

ત્યારે કન્યાએ કહ્યું:  મારી સાથે લગ્ન કરવા હોય તો તમારે અમારી જ્ઞાતિના ચારસો ઘરમાં ઘર દિઠ એક ઘોડો, એક હાથી અને સો સોનામહોરો આપવાની. જો તમે એ આપવા તૈયાર હોય તો જ હું તમારી સાથે લગ્ન કરું.

છોકરો આ સાંભળી મારી પાસે આવ્યો અને મને કહ્યું : પિતાજી ! મને મારી પસંદગીની કન્યા મળી ગઈ છે. હવે તમે મને તેની સાથે લગ્ન કરાવી આપો. આમ કહી તેણે મને તે કન્યાની આકરી શરત કહી. મે તેને ઘણો સમજાવ્યો કે બેટા, આટલું બધું ધન તો કોઈ રાજા-મહારાજા પાસે જ હોય, આપણી પાસે નહિ, માટે એ કન્યા સાથે પરણવાનું માંડી વાળ અને બીજી કોઈ કન્યા પસંદ કર.  પરંતુ મારો છોકરો તો હઠ લઈને જ બેઠો કે પરણું તો તેને જ, નહિતર આજીવન કુંવારો રહીશ. દીકરાનું દિલ નારાજ ન થાય તે માટે તેને મેં આશ્વાસન આપી એક વર્ષમાં આ બધી સામગ્રી લાવી આપવાનું વચન આપીને આવ્યો છું. હું એ સામગ્રીની શોધ કરું છું. જો મને આ સામગ્રી નહિ મળે તો હું આપઘાત કરીશ.”

બ્રાહ્મણની વાત સાંભળી વેતાળ ભાટને ઘણું દુખ થયું. તેણે કહ્યું: “હે ભુદેવ! તમારે જેટલી સામગ્રીની જરૂર છે, તે બધી અહીં મારી પાસે હાજર છે. માટે તમે એ બધું લઈ જાઓ, ને ધામધૂમથી તમારા દીકરાને તેની મનગમતી કન્યા સાથે પરણાવી દો.”

બ્રાહ્મણે તો બધી વસ્તુઓનો સ્વીકાર કરી વિક્રમ રાજાનું નામ લઈ વખાણ કરવા લાગ્યો ત્યારે વેતાળ ભાટે કહ્યું: “હે ભૂદેવ ! હું વિક્રમ રાજા નથી, પરંતુ વેતાળ ભાટ છું. આ બધું મને વિક્રમ રાજા તરફથી દાનમાં મળેલું છે. તે હું તમને કૃષ્ણાર્પણ કરું છું.”

વેતાળ ભાટની આવી ઉદારતા જોઈ બ્રાહ્મણ ખૂબ રાજી થઈ ગયો. તેણે કહ્યું : “શાબાશ ભાટના દીકરા શાબાશ, તારી છાતીને ધન્ય છે પણ મારાથી દાનની વસ્તુ ન લેવાય. હું તે લેવાનો નથી.”

વેતાળે કહ્યું : “ભૂદેવ ! મારાથી આપેલું પાછું ન લેવાય. મેં તમને આ ધન ખૂબ જ પ્રેમથી આપ્યું છે.”

આમાં એક ના કહે ને બીજો લેવા આગ્રહ કરે. બંને વચ્ચેની આ રકઝક રાત સુધી ચાલી. એવામાં છૂપાવેશે નગરચર્ચાએ નીકળેલા વિક્રમ રાજા ફરતા ફરતા આ બાજુ આવી પહોંચ્યા, તેમણે તરત વેતાળ ભાટને ઓળખી લીધો. તેઓ ઝાડ પાછળ છુપાઈને બંને વચ્ચેની વાત સાંભળવા લાગ્યા. રાજાને આ બંને ઉપર ખૂબ જ માન ઊપજ્યુ. થોડી વાર રહી તે બંને પાસે આવ્યા ને બોલ્યા : “ભૂદેવ! તમે સુપાત્ર એટલે દાન લેવાને લાયક છો, જ્યારે વેતાળ ભાટ કીર્તિને પાત્ર છે, માટે તેનું દાન સ્વીકારીને આપ તેની કીર્તિમાં વૃદ્ધિ કરો.” વિક્રમ રાજાના આગ્રહને વશ થઈ બ્રાહ્મણ તે બધી સામગ્રી લઈ પોતાને ઘેર ગયો અને પોતાના પુત્રને ધામધૂમથી તેની મનપસંદ કન્યા સાથે પરણાવી દીધો.

આ બાજુ વેતાળ ભાટ ઉપર વિક્રમ રાજા અતિ પ્રસન્ન થયા. તેમણે વેતાળને કહ્યું : “હે વેતાળ, હવે મારે તારી પાસે એક વસ્તુ માગવાની છે. માટે બ્રાહ્મણને આપ્યું તેમ તું મને વચન આપ !”

વેતાળે કહ્યું: “અરરર! મહારાજ! આ શું બોલ્યા ? હું તમારો સેવક છું.”

રાજાએ કહ્યું: “ઠીક, હું તો માગું છું કે આ ધન કરતાં ચારગણું ઘન તારે મારી પાસેથી સ્વીકારવું પડશે.”

વેતાળ વચને બંધાઈ ગયો હતો. વિક્રમ રાજા તેને ફરીથી પોતાના મહેલે લઈ ગયા અને તેને ચારગણું જર-ઝવેરાત આપી માનભેર તેના ગામે મોકલ્યો.

વેતાળ ભાટ બધું જ જર-ઝવેરાત લઈ પિતાજીને આપ્યું ને કહ્યું : “પિતાજી! હવે મને દાન કરતા અટકાવશો નહિ.” ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ગામમાં સહુ વેતાળ ભાટની ઉદારતાના વખાણ કરવા લાગ્યા. સાથે સાથે વિક્રમ રાજાની કદરદાનીની પણ વાહ વાહ કરવા લાગ્યા.

‘ક્ષમા’ પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું: “હે ભોજ રાજા! વિક્રમ રાજા જેવા કદરદાન ને ઉદાર રાજા જ આ સિંહાસન પર બેસી શકે.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

આ વાર્તા પણ વાંચો :

21. પાનનાં બીડાંની વાર્તા


Spread the love
error: Content is protected !!
Scroll to Top