Fourteen Batris Putli Ni Varta Gujarati । 14. નૌકાની વાર્તા
ચૌદમે દિવસે શુભમુહૂર્ત જેવા રાજા ભોજ સિંહાસન પર બેસવા જાય છે, ત્યાં ચૌદમી પૂતળી મૃગનયની એ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતા અટકાવી બોલી : “હે રાજન ! આ સિંહાસન તો વિક્રમરાયનું છે. તેના ઉપર તો પરદુઃખભંજન વિક્રમ જેવો રાજવી જ બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી :
એક સમયની વાત છે. રાજા દરબાર ભરીને બેઠા હતા, ત્યાં તેમનો એક વૃદ્ધ પ્રધાન આવ્યો અને હાથ જોડીને કહેવા લાગ્યો : “મહારાજ! હું હવે વૃદ્ધ થવા આવ્યો છું. મારે ઘણા દિવસથી જાત્રા કરવા જવાની ઇચ્છા થઈ છે. જો આપ રજા આપો તો હું રામેશ્વર જાઉં.”
વિક્રમ રાજાએ તેને તરત રજા આપી. પ્રધાન પછી જાત્રાએ ઊપડી ગયો. અનેક પવિત્ર સ્થાનોનાં દર્શન કરતો કરતો છેવટે તે રામેશ્વર પહોંચ્યો. ત્યાં તેણે હરિયાળી ભૂમિ જોઈ. રામચંદ્દ્રે લંકામાં જવા બાંધેલો સેતુ જોયો. ઉછળતાં સાગરનાં મોજાંઓ જોયાં અને તેના મનમાં ભક્તિભાવની ઊર્મિઓ લહેરાવા લાગી. તેને તો રામેશ્વર એટલું બધું ગમી ગયું કે તેણે છ મહિના ત્યાં રહેવાનું નક્કી કર્યું. તે આખો દિવસ મંદિરોમાં દર્શન કરે અને ભગવાનનું નામ લે.
પ્રધાનને ઉજયિની નગરીમાંથી ગયાને ઘણો સમય થઈ ગયો. એટલે તેની પત્ની ચિંતા કરવા લાગી. એક દિવસ તો તે પતિના વિયોગે એટલી તડપી ઊઠી કે રાજાના દરબારમાં આવીને રડવા લાગી અને બોલી : “હે રાજન ! મારા પતિને રામેશ્વર ગયાને ઘણા દિવસો થઈ ગયા, પરંતુ તેઓ હજુ સુધી પાછા ફર્યા નથી. વળી તેમના કોઈ ખબર-અંતર પણ આવ્યા નથી. મને તો તેમની ચિંતા ખાયે જાય છે. શું કરું ને શું ન કરું? તેની કાંઈ સૂઝ પડતી નથી.”
રાજાએ પ્રધાનની પત્નીને આશ્વાસન આપ્યું ને કહ્યું : બહેન ! ધીરજ રાખો. સૌ સારાં વાનાં થશે. હું તમને વચન આપું છું કે, છ મહિનાની અંદર તમારા પતિને શોધી લાવીશ.”
બીજે દિવસે રાજાએ રાજપાટ પ્રધાનને સોંપી વેશપરિવર્તન કરી પોતાના ઘોડા પર બેસી રામેશ્વર તરફ પ્રયાણ કર્યું. રાજાએ રામેશ્વર પહોંચીને પ્રધાનની શોધખોળ શરૂ કરી, પણ ક્યાંય પ્રધાનજીનો પત્તો લાગ્યો નહિ. છેવટે રાજા થાકીને એક વાડીમાં આવીને બેઠા. વાડીમાં રાજાએ એક દુર્બળ માણસને જોયો, અને રાજાને તેમાં પ્રધાનની ઝાંખી થતી લાગી. આથી રાજાએ દુર્બળ માણસ પાસે ગયા અને બોલ્યા : “ભાઈ ! તમે કોણ છો ? આવી દુર્બળ હાલતમાં તમે અહીં કેમ પડ્યા રહ્યા છો ?”
પેલા દુર્બળ માણસે રાજા સામે જોયું. પરંતુ પોતાની આવી હાલતને લીધે તે પોતાના રાજાને ઓળખી શક્યો નહિ. તે ધીરા અવાજે બોલ્યો “હું ઉજ્જયિનીના વિક્રમ રાજાનો પ્રધાન છું. જાત્રા કરવા માટે અહીં આવ્યો હતો. અહીંનું સ્થાન મને ખૂબ ગમી ગયું એટલે મેં અહીં થોડા દિવસ રોકાઈ જવાનું નક્કી કર્યું.
“વિક્રમ રાજા તરત પોતાના પ્રધાનને ઓળખી ગયા અને તેને ભેટી પડ્યા ને બોલ્યા: “પ્રધાનજી! તમે મને ઓળખ્યો નહિ! હું પોતે જ રાજા વિક્રમ છું. હું તમને શોધવા માટે અહીં રામેશ્વર આવ્યો છું. તમારું શરીર આવું દુર્બળ કેમ થઈ ગયું ?”
પ્રધાન પોતાના રાજાને ઓળખી ગયો. હવે તેને પોતાની વાત કહેતાં જરા પણ સંકોચ ન રહ્યો. એ બોલ્યો : “મહારાજ ! આજથી. છ મહિના પહેલાં હું સેતુબંધ રામેશ્વરની જાત્રા કરવા નીકળ્યો હતો. ફરતો ફરતો આ સમુદ્રકિનારે આવી ચડ્યો. હું વિસામો ખાવા એક ઝાડ નીચે બેઠો હતો, ત્યાં મેં એક અદ્ભુત દૃશ્ય જોયું. સમુદ્રમાંથી એક સુવર્ણનૌકા બહાર આવી. તે નૌકામાં અસંખ્ય હીરાથી મઢેલું એક ઝળકતું ઝાડ હતું. આ ઝાડનો પ્રકાશ આખી નૌકામાં પથરાતો, એટલે આખી સુવર્ણનૌકા ઝગમગી રહી હતી. હું તો આ અદ્ભુત નૌકા જોઈ સ્તબ્ધ થઈ ગયો.
આ નૌકા ધીરે ધીરે કિનારે આવી. તેમાંથી એક રૂપસુંદરી બહાર આવી અને તે નજીકમાં આવેલી વાડીમાંથી ફૂલ વીણીને તે નૌકામાં બેસી ગઈ, તે સાથે જ નૌકા ધીરે ધીરે અદશ્ય થઈ ગઈ. બસ, ત્યારથી હું એ દેશ્ય ફરી જોવા માટે દરરોજ આખી રાત જાગું છું. પરંતુ મારા કમનસીબ કે બીજી વાર તે સુવર્ણ નૌકા અને પેલી રૂપસુંદરીનાં દર્શન થયાં નથી ને તેમના વિજોગે હું દુર્બળ જેવો થઈ ગયો છું.
પ્રધાનની વાત સાંભળી વિક્રમ રાજાને પણ અદૂભુત દૃશ્ય જોવાની ઇચ્છા થઈ. તેમણે પ્રધાનને ધીરજ આપી અને એ નૌકાવાળી સુંદરીને લાવી આપવા વચન આપ્યું. તેઓ પણ પ્રધાન જોડે વાડીમાં રહેવા લાગ્યા.
એક રાતે સમુદ્રકિનારે રાજા અને પ્રધાન વાતો કરતા સૂતા હતા. થોડી વારે પ્રધાનને નિદ્રા આવી ગઈ. પરંતુ રાજા તો જાગતા પડ્યા રહ્યા હતા. મધરાત થતાં સમુદ્રમાંથી ફરી ઝગમગાટ થયો. રાજા તો આટલો બધો ઝમગાટ જોઈને એકદમ સફાળા બેઠા થઈ ગયા. ત્યાં તો થોડી વારમાં એક રૂપસુંદરી સુવર્ણનૌકા લઈને આવી. રાજા તો એ નૌકામાં રહેલા ઝાડનો ઝળકાટ જોઈને નવાઈ પામ્યા, તેમને પ્રધાનની વાત ખરી લાગી.
ધીરે ધીરે નૌકા સમુદ્રકિનારે આવી અને તેમાંથી એક રૂપસુંદરી બહાર આવીને વાડીમાં ફૂલો વીણવા લાગી. રાજાએ તરત લાગ જોઈને અદેશ્ય રૂપે નૌકામાં છુપાઈ ગયા. થોડી વારમાં સુંદરીએ ફરી નૌકાને હંકારી મૂકી. નૌકા પાણીમાં સડસડાટ કરતી એક ખડગ આગળ ઊભી રહી. તે સુંદરી નૌકામાંથી ઊતરી એક ગુફમાં દાખલ થઈ. વિક્રમ રાજા પણ અદેશ્ય રૂપે તેની પાછળ પાછળ ગુફામાં ગયા. ગુફામાં મોટો મહેલ હતો. પેલી સુંદરી મહેલના સુવર્ણ હીંડોળાખાટ પર બેઠી બેઠી હીંચકા ખાવા લાગી. તરત વિક્રમ રાજાએ તેની આગળ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. રૂપસુંદરી તો કોઈ અજાણ્યા પુરુષને જોતાં ગભરાઈ ગઈ. તેણે હિંમત કરીને પૂછયું : “અરે ભાઈ ! તમે કોણ છો ? અહીં કેમ આવ્યા છો? તમે હમણાં આ મહેલ છોડી ચાલ્યા જાવ ! કારણ આ તો રાક્ષસનો મહેલ છે. તે બહાર ફરવા ગયો છે. હમણાં આવતો જ હશે. જો એ તમને મહેલમાં જોશે તો કાચો ને કાચો ખાઈ જશે.”
વિક્રમ રાજાએ રૂપસુંદરીને પોતાની ઓળખાણ આપી. પછી કહ્યું : “તમે મારી ચિંતા ન કરો. હું ગમે તેવા રાક્ષસથી ડરું તેવો નથી. પણ તમે કોણ છો ? ને અહીં રાક્ષસના મહેલમાં ક્યાંથી ?”
સુંદરીએ વિક્રમ રાજાને પોતાની ઓળખાણ આપતાં કહ્યું: “હું રામાવતી નગરીની રાજકુંવરી છું. એક દિવસ આ રાક્ષસ મને મહેલમાંથી ઉપાડી લાવ્યો. તે મને અહીં પોતાની સગી દીકરીની જેમ રાખે છે. મને અહીં કોઈ વાતની તકલીફ નથી પરંતુ મને મારાં માતા-પિતા અને ઘરની યાદ આવે છે. આ બધી સુખસાહ્યબી અને સુવર્ણનૌકા બધું રાક્ષસનું છે.”
વિક્રમ રાજા બોલ્યા “હે કુંવરી ! આ રાક્ષસનું મોત કેવી રીતે થાય તે હો ! મને હરસિદ્ધ માતાની તેમજ વીર વૈતાળની સહાય છે, તેથી આ રાક્ષસને જરૂર મારી શકીશ અને તમને તેના પંજામાંથી મુક્ત કરાવીશ.”
રૂપસુંદરી બોલી: “હે રાજન ! હું તમને રાક્ષસના મોતનો ભેદ બતાવું. પણ તે પહેલાં તમારે મને એક વચન આપવું પડશે કે રાક્ષસના મર્યા પછી તમારે મને તમારી નગરીમાં રાખવી પડશે.”
વિક્રમ રાજાએ કહ્યું : “હું તમને વચન આપું છું કે રાક્ષસના મર્યા પછી તમને મારી નગરીમાં લઈ જઈશ.”
એટલે કુંવરી બોલી : “મલયાચલ પર્વત ઉપર ચંદનનાં વૃક્ષ છે. તેની ડાળે ડાળે નાગ ફૂફાડા મારે છે. રાક્ષસ હંમેશા એ ચંદનનો શરીરે લેપ કરે છે તેથી તે આવો બળવાન રહે છે. એની જેમ જે આ ચંદનનો લેપ કરે એ એના જેવો બળિયો થાય, અને તે જ એને મારી શકે. માટે જો તમે એ ચંદનનો લેપ કરો, તો તમે આ રાક્ષસને મારી શકશો.”
વિક્રમ રાજાએ તો હરસિદ્ધ માતા તેમજ વીર વૈતાળનું સ્મરણ કર્યું. બંનેની મદદથી તરત એ મલયાચલ પર્વત ઉપર જઈ પહોંચ્યા. ત્યાં ઝાડે ઝાડે ફૂંફાડા મારતા નાગ વીંટળાયેલા હતા. રાજાએ તેમાંથી એક ઝાડ પાસે જઈ ડાળ નમાવી. નાગ ફૂફાડા મારીને ઉપર ચડી ગયા. પછી રાજાએ ચંદનકાષ્ટ લઈ ઘસ્યું ને તેનો શરીરે લેપ કર્યો. લેપ કરતાંની સાથે રાજાના શરીરમાં જાણે મહાબળનો સંચાર થયો. હવે પોતે રાક્ષસની સામે લડી શકશે એમ એમને ચોક્કસ થયું. પછી તે ત્યાંથી પાછા ગુફામાં આવી ગયા.
સવાર થતાં રાક્ષસ મહેલમાં આવ્યો. તેણે પોતાના મહેલમાં કોઈ અજાણ્યા પુરુષને જોયો. એટલે એના અંગે અંગમાં ક્રોધ વ્યાપ્યો. તેણે જોરથી ત્રાડ પાડીને ખડગ લઈ વિક્રમ રાજા સામે ધસ્યો, વિક્રમ રાજાએ પણ તરત જ પોતાની તલવાર વડે રાક્ષસની સામે ટક્કર ઝીલી, તેને મારી નાખ્યો.
પેલી સુંદરીએ આવી વિક્રમ રાજાને પ્રણામ કર્યા. એ ઘણી પ્રસન્ન થઈ. પછી રાજા અને કુંવરી ધનનો ભંડાર લઈને સુવર્ણ નૌકામાં બેઠા. વિક્રમ રાજાએ કુંવરીને પ્રધાનની વાત કરી. બંને જણ નૌકા લઈ વાડી આગળ આવ્યા.
પ્રધાન તો વાડીમાં દુર્બળ હાલતમાં જ પડ્યો હતો. રાજાએ તેનો હાથ ઝાલીને ઊભો કર્યો અને કહ્યું: “ભાઈ ! હવે તું શોક છોડી દે અને મારી સાથે ઉજ્જયિની ચાલ.”
પ્રધાને આંખો ચોળી જોયું તો સામે સુવર્ણનૌકા અને કુંવરીને દીઠા. તેમને જોતાં જ પ્રધાન તો રાજી રાજી થઈ ગયો. તેને રાજા પર ઈર્ષા આવી. તેની દાનત બધું પડાવી લેવાની હતી, એટલે તેણે પાગલ બનવાનો ઢોંગ શરૂ કર્યો. રાજા તેને નૌકામાં બેસાડી ઉજ્જયિની લાવ્યા પછી પ્રધાનને કહ્યું : “પ્રધાનજી, તમે નૌકામાંથી ઊતરી તમારા ઘેર જાઓ. તમારી પત્ની રાહ જુએ છે.”
પ્રધાન બોલ્યો : “રાજન ! મને આ કુંવરી સાથે લગ્ન કરાવી આપો અને આ નૌકા તેમજ બધી ધનદોલત મને આપો, તો જ હું આ નૌકામાંથી નીચે ઊતરું.”
રાજાએ તેને ઘણો સમજાવ્યો અને સવારે દરબારમાં આવવાનું કહ્યું, ત્યાં તેની ઇચ્છા પૂરી થશે તેમ જણાવ્યું. પછી પ્રધાન પોતાના ઘેર ગયો અને પોતાની પત્નીને મળ્યો.
પ્રધાનને આખી રાત ઊંઘ આવી નહિ. સવાર થતાં તે દરબારમાં આવી પહોંચ્યો. રાજાએ પ્રધાનની સ્ત્રીને સમજાવી પ્રધાનનાં લગ્ન રૂપસુંદરી સાથે કરાવી આપ્યા. તેને સુવર્ણનૌકા તેમજ બધી ધનદોલત પણ આપી દીધાં.
ઉજ્જયિનીમાં પ્રધાનની આવી જીદ જોઈ લોકો તેને ધિક્કારવા લાગ્યા અને રાજાની આવી ઉદારતા અને વચનપાલકતા જોઈ પ્રજાજનો રાજાની વાહ વાહ કરવા લાગ્યા.
મૃગનયની પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “હે ભોજ રાજા! વિક્રમ રાજા જેવો પરાક્રમી ને ઉદાર રાજા જ આ સિંહાસન પર બેસી શકશે.”
આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.
Also Read :