Nine Batris Putli Ni Varta Gujarati | 9. હંસની વાર્તા

Spread the love

Nine Batris Putli Ni Varta Gujarati
Nine Batris Putli Ni Varta Gujarati

Nine Batris Putli Ni Varta Gujarati | 9. હંસની વાર્તા

નવમે દિવસે રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં કામાક્ષી નામની પૂતળીએ તેમને બેસતાં અટકાવી કહ્યું : “હે રાજન ! આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર તમારો નથી. આની ઉપર તો વિક્રમ રાજા જેવા જ પરાક્રમી, દાનેશ્વરી અને પરોપકારી રાજા બિરાજમાન થઈ શકે” ભોજ રાજાના કહેવાથી  કામાક્ષીએ વિક્રમ રાજાની નવી વાર્તા કહેવી શરૂ કરી.

એક દિવસ વિક્રમ રાજા જંગલમાં શિકારે ગયા હતા. શિકાર ખેલીને પાછા ફરતાં તેમની નજર એક ખેતર ઉપર પડી. તેમણે એ ખેતરમાં એક ખેડૂતને ગોફણ વડે પક્ષીઓ ઉડાડતો જોયો. પક્ષીઓ બિચારાં ભયનો માર્યા ફફડાટ કરતાં આમતેમ ઊડી રહ્યાં હતાં.

રાજાએ થોડી વાર સુધી ઊભા ઊભા આ જોયા કર્યું. તેમને બિચારા આ મૂંગા પશુ-પંખીઓ ઉપર દયા આવી. તેમને થયું કે જો બધા માનવી આ રીતે મૂંગા જીવોને હેરાન કરે, તો તેઓ કોને આશ્રયે રહે ? ખાય શું? તેમણે તરત જ મહેલે આવી પ્રધાનજીને બોલાવ્યા અને રાજ્યમાં પશુ-પંખીઓ માટે ઠેર ઠેર પાણી ની વધુ પરબો, ચબૂતરાઓ અને પાંજરાપોળો બનાવવા કહ્યું.

થોડા સમયમાં તો રાજ્યભરમાં પાણીની વધુ પરબો, ચબૂતરાઓ અને પાંજરાપોળો બની ગઈ; તેથી પશુ-પક્ષીઓને ખૂબ જ રાહત થઈ ગઈ. બધાં પક્ષીઓ રાજાના આ કાર્યથી ખૂબ જ ખુશ થઈ ગયાં અને રાજાના વખાણ કરવા લાગ્યાં. રાજાના આ વખાણ ધીરે ધીરે માનસરોવરના હંસો સુધી પહોંચી ગયા. આ હંસોના ઉપરી હંસે વિચાર કર્યો કે,

ચાલો જઈએ જોવા, જોઈએ વિક્રમરાયા

ધતાનું મુખ દીઠડે, જનમ સફળ થાય.

ઉપરી હંસ અને હંસલી વિક્રમ રાજાનાં દર્શન કરવા ઉજ્જયિની નગરીમાં રાજાના મહેલે આવ્યાં. રાજાએ આવા સુંદર હંસ અને હંસલીને જોઈને આશ્ચર્ય થયું. તેમણે હંસ હંસલીને પોતાના સરોવરના કિનારે ઉતારો આપ્યો અને દરરોજ મોતીનો ચારો અને દૂધ પાયું.

સતત આઠ દિવસ સુધી વિક્રમ રાજાની મહેમાનગીરી માણીને તેઓ વિદાય થયાં. તેઓ ઊડતાં ઊડતાં ઇન્દ્રસભાના ખંડ પાસે આવ્યાં. હંસ ઈન્દ્ર રાજાના દરબારમાં જવા ઇચ્છતો હતો, ત્યારે હંસલી ના પાડતી હતી. હંસલીની ઉપરવટ જઈ હંસ ઈન્દ્ર રાજાના દરબારમાં ગયો. ઇન્દ્ર રાજાએ યજ્ઞ માંડ્યો હતો અને ત્રણે લોકનાં ઋષમુનિઓ ત્યાં એકઠા થયા હતા. બધા ભેગા થઈને ચર્ચા કરતા હતા કે, “આ લોકમાં શ્રેષ્ઠ કોણ?”

વાત સાંભળતાં જ ત્યાં ઉપસ્થિત રહેલ હંસ બોલ્યો : “મહારાજ! ત્રણે લોકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો મૃત્યુલોકના વિક્રમ રાજા છે. કારણ,

પ્રાણ આપે પર કારણે, પરદુઃખભંજન એ જ,

એવો વિક્રમ એક છે, જેમાં ઈશ્વર તેજ.

આ શબ્દોએ તો અગ્નિમાં ઘીની આહુતિ આપી. ઈન્દ્ર રાજા તો ગુસ્સે થઈ ગયા. તેમનાથી આ બડાઈ સહન ન થઈ. “હે પામર હંસલા, એક તો મારા દરબારમાં વગર રજાએ આવ્યો છે, ને પાછો મૃત્યુલોકના એક માનવીના વખાણ કરે છે ! તારે આની સજા ભોગવવી જ પડશે” આમ કહી તરત જ હંસને એક પિંજરામાં પૂરી દીધો અને કહ્યું: “જોઉં છું કે તારો પરદુખભંજન વિક્રમ રાજા તને કેવી રીતે છોડાવે છે?”

આ વાતની હસલીને ખબર પડી કે ઇન્દ્ર રાજાએ ગુસ્સે થઈ હંસને પિંજરામાં પૂરી દીધો છે કે તે સીધી જ વિક્રમ રાજા પાસે આવી અને બધી વાત કહી.

હંસલીની વાત સાંભળી વિક્રમ રાજાને ખૂબ જ દુખ થયું. તેમણે હંસલીને હિંમત આપીને કહ્યું: “જ્યાં સુધી હું તારા હંસને પિંજરામાંથી મુક્ત નહિ કરાવું ત્યાં સુધી હું ઉજ્જયિની નગરીમાં પગ નહિ મૂકું.”

આમ કહી વિક્રમ રાજા રાજપાટ પ્રધાનને સોંપી હરસિદ્ધ માતાનું સ્મરણ કરી હંસને છોડાવવા માટે નીકળી પડ્યા. રાજા તો નથી જોતો રાત કે દહાડો, નથી ગણતો ભૂખ કે તરસ ટાઢ-તડકાની તો પરવા છે જ નહિ.  તે તો ફરતાં-ફરતાં સુખવતી નગરીમાં આવી પહોંચ્યા. આ નગરીમાં સેવર માંધાતા નામે રાજા રાજ્ય કરતો હતો. આ નગરીની પ્રજા બધી વાતે સુખી હતી. રાજા ફરતા ફરતા એક વણિકને ઘેર આવ્યા અને ત્યાં પોતાનો ઉતારો કર્યો. વણિકે રાજાની ભાવથી પરોણાગત કરી. તેણે રાજાને ભાવતાં ભોજન અને બત્રીસ જાતનાં શાક પીરસ્યાં, પાણી માગતા દૂધ હાજર કર્યું.

રાજાને થયું કે આ વણિક એક અજાણ્યા મુસાફર માટે આટલું બધું ખર્ચ કેમ કરે છે? તેણે વણિકને પૂછ્યું: “ભાઈ ! તમે આટલો બધો ખર્ચ શી રીતે કરો છો ?”

અતિથિ વાણિયાએ કહ્યું : “ભાઈ ! આ તો સેવર માંધાતાનું રાજ્ય છે. તેમાં કોઈ ભૂખ્યો-તરસ્યો ન રહે તે માટે ઘેર ઘેર અનાજ વગેરેની વ્યવસ્થા કરી છે. વળી અમારા રાજાનો હુકમ છે કે મહેમાનોની સેવા ખરા ભાવથી કરવી, ખર્ચ કરવામાં પાછી પાની કરવી નહિ અને જે ખર્ચ થાય તે રાજભંડારમાંથી લઈ જવું.”

આ સાંભળી વિક્રમ રાજાને વિચાર આવ્યો કે આ રાજા તે કેવો હશે? તેની પાસે એવું તે કેટલું ધન હશે કે તે આટલું છૂટથી વાપરે છે ? નક્કી આમાં કંઈક ભેદ હોવો જોઈએ આ માટે તેમણે ભેદ જાણવાનું વિચાર્યું.

મધરાત થતાં વિક્રમ રાજા જાગ્યા અને વેશપલટો કરી અદેશ્ય બની ગયા ને સેવર માંધાતાના મહેલમાં ગયા. સેવર માંધાતા તો પથારીમાં ઊંઘતો હતો. રાજા મહેલના એક ખૂણે ઊભા રહ્યા. થોડી વાર થતાં સેવર માંધાતા પલંગમાંથી ઊઠ્યા. તેણે હાથમાં પુષ્પ, ચંદન, મેવા, ફળ ને કુમકુમ અક્ષતનો થાળ લીધો, ને ત્યાંથી ચાલવા માંડ્યો. વિક્રમ રાજા પણ તેની પાછળ પાછળ ચાલવા માંડ્યા.

સેવર માંધાતા નગર બહાર આવેલ નદીને કિનારે ઊભો રહ્યો. તેણે નદીમાં સ્નાન કર્યું. દીવો કર્યો, કપાળમાં સિંદૂરનું તિલક કર્યું, કંઠમાં કરેણની માળા નાખી ચંડિકાનું ધ્યાન ધરવા માંડ્યું.

થોડી વારમાં તો ખાઉં ખાઉં કરતી ચોસઠ જોગણીઓ ત્યાં આવી, અને રાજા સેવરને વળગી પડી. કોઈ હાથે, તો કોઈ પગે, તો કોઈ સાથળે, કોઈ ડોકે, નાકે, પીંડીએ લોહી ચૂસવા લાગી, ઘડી વારમાં તો રાજાનું બધું લોહી ચૂસાઈ ગયું અને તે કેવળ હાડકાનો માળો જેવો બની ગયો.

જોગણીઓ માંસ, લોહીથી તૃપ્ત થઈ ત્યારે તેમણે હાડકાના માળખાને લાલ ચૂંદડી ઢાંકી મંત્ર બોલીને પાણીની અંજલિ છાટી, ત્યાં તો સેવર માંધાતા જીવતો બેઠો થયો, ને બે હાથ જોડી જોગણીઓની સ્તુતિ કરવા લાગ્યો. એટલામાં ચારે બાજુ સોનામહોરોનો વરસાદ વરસ્યો અને જોગણીઓ અલોપ થઈ ગઈ.

રાજાએ બધી સોનામહોરો એકઠી કરી ગાંસડી બાંધીને પોતાને મહેલે આવ્યો. સવારે તે બધું ધન લોકોને વહેંચી દીધું. રાજા વિક્રમને થયું કે સેવર માંધાતાને ધનની ખાતર કેટલું દુઃખ સહન કરે છે. તેને આ માટે રોજ મરવું પડે છે. આ વિચારે તેમનું હ્રદય ઘૂજી ઊઠ્યું. તેમણે નિર્ણય કર્યો હું જો સેવર માંધાતાનું દુખ દૂર કરું તો જ ખરો પરદુખભંજન કહેવાઉં.”

આવો વિચાર કરી તેઓ બીજે દિવસે સેવર માંધાતાની પહેલાં નદીકાંઠે પહોંચી ગયા, અને સેવર માંધાતાની જેમ જ નદીમાં સ્નાન કરી, દીવો કરી કપાળમાં સિંદૂરનું તિલક અને કંઠમાં કરેણની માળા નાખી ચંડિકાનું ધ્યાન ધરવા માંડ્યું. થોડી વાર થતાં તો ચોસઠ જોગણીઓ ખાઉં ખાઉં કરતી આવી પહોંચી, એટલે રાજાએ પોતાનું શરીર સોંપી દીધું. થોડી વારમાં તો રાજા વિક્રમનું શરીર હાડકાંનો માળો બની ગયો, ત્યારે જોગણીઓએ કપડું ઢાંકી પાણીની અંજલિ છાંટી એટલે વિક્રમ રાજા જીવતા થયા. રાજાએ ઊઠી જોગણીઓની પ્રદક્ષિણા કરી. ખુશ થયેલી જોગણીઓએ પ્રસન્ન થઈ કહ્યું : “માંગ, માંગ, તું જે માગીશ તે અમે આપીશું.”

વિક્રમ રાજા બોલ્યા : “માતાજી! મારે બીજું કાંઈ જોઈતું નથી. ફક્ત રાજા સેવર માંધાતાને રોજ આટલું દુખ વેઠવું પડે છે ? તે ટાળો.”

જોગણીઓએ વિક્રમ રાજાને એક ચિંતામણિ આપતાં કહ્યું : “લે, આ મણિ, તું સેવર માંધાતાને આપજે. એને પૂજવાથી રોજ અઢળક ધન મળશે. અને તું આ કાનની ઝાલ લે. આ ઝલ પહેરનાર હંમેશા જુવાન રહેશે, એને કોઈ જાતનો રોગ નહિ થાય.”

વિક્રમ રાજા ઝાલ અને મણિ લઈ પાછા વળ્યા, ત્યાં રસ્તામાં તેને સેવર માંધાતા મળ્યો. વિક્રમ રાજાએ તેને અટકાવી કહ્યું: “હે રાજન! હવે તમારે જોગણીઓ પાસે જવાની જરૂર નથી, મેં તમારું દુખ કાયમને માટે ટાળ્યું છે.”

સેવર માંધાતા તો રાજા વિક્રમની વાત સાંભળી આશ્ચર્ય પામ્યા અને કહ્યું : “ભાઈ ! તમે કોણ છો ? અને તમને કેવી રીતે ખબર પડી કે હું જોગણીઓ પાસે જાઉં છું !”

વિક્રમ રાજાએ સેવર માંધાતાને પોતાની ઓળખાણ આપી અને બધી વિગતે વાત કરી. વિક્રમ રાજાનું નામ સાંભળતાં જ તે રાજાને નમી પડ્યો અને પ્રેમથી પોતાને ઘેર લઈ ગયો અને તેમનો ભારે આદર સત્કાર કર્યો. થોડા દિવસ ત્યાં મહેમાનગતિ માણીને રાજાએ વિદાય લીધી. ત્યાંથી વિક્રમ રાજા ચાલતા ચાલતા શીલવંતી નગરીમાં આવ્યા. આ નગરીમાં પેસતા જ એક કુંભારનું ઘર હતું. રાજાએ કુંભારને ઘેર મુકામ કર્યો. કુંભાર ને કુંભારણ વૃદ્ધ હતાં. તેમને એકનો એક પુત્ર હતો. રાત થતાં જ એકાએક કુંભારણ પોક મૂકી રડવા લાગી એટલે વિક્રમ રાજાએ પૂછ્યું : “બહેન ! આમ મોડી રાત્રે કેમ રડો છો ? એવું તો તમને શું દુખ પડ્યું?”

કુંભારણ બોલી : “ભાઈ ! આજ અમારો વંશ જવા બેઠો છે. અમારા ગામના રાજાની દીકરી રોજ જુવાન માણસ ખાવા માગે છે. એટલે ગામમાંથી વારાફરતી ઘર દીઠ એક એક માણસ મોકલવો પડે છે. આજ રાજાની કુંવરી પાસે જવાનો વારો મારા દીકરાનો છે. તેના ગયા પછી અમારું શું થશે?

 “શાંતિ રાખો, આમ તમે ગભરાવ નહિ” કુંભારની વાત સાંભળી વિક્રમ રાજા બોલ્યા : “હું તમારા દીકરા વતી રાજાની દીકરી પાસે જઈશ. તમે હવે રડવાનું બંધ કરો.”

થોડી વારમાં તો રાજાના સિપાઈઓ તેડવા આવ્યા. સિપાઈઓ સાથે કુંભારના છોકરાને બદલે વિક્રમ રાજા મહેલે ગયા. સિપાઈઓ વિક્રમ રાજાને કુંવરીના મહેલે મૂકી ગયા. રાજાએ જોયું તો તેર વરસની કુંવરી પલંગ પર સૂઈ રહી હતી. બાજુમાં કોઈ હતું નહિ. રાજાને કંઈક યુક્તિ સૂઝી. તેમને થયું કે જોઉં કુંવરી કેવી રીતે માણસ ખાય છે. તેમણે તરત જ કુંવરીની બાજુમાં કપડાંનો ઢગલો કરી માણસના જેવું બનાવ્યું. પછી તલવાર કાઢી એક બાજુ ઊભા રહ્યા.

થોડી વાર થતાં કુંવરીએ બગાસું ખાધું કે તરત જ તેના મોઢામાંથી એક લાલ નાગ ફૂલડા મારતો બહાર આવ્યો. વિક્રમ રાજાએ તરત જ તલવારથી નાગના બે કકડા કરી નાખ્યા. પછી તે કટકાની પોટલી બાંધી દીધી.

ઘડીમાં તો કુંવરી આળસ મરડી બેઠી થઈ. તે ઘણા વખતથી પેટના દર્દથી પીડાતી હતી, પણ આજે નાગ નીકળી જવાથી તેનું બધું દર્દ મટી ગયું તેનું શરીર હલકું ફૂલ જેવું થઈ ગયું. તેણે પોતાની સામે વિક્રમ રાજાને ઊભેલા જોઈ થોડી ગભરાઈ ગઈ. રાજાએ તેને પોતાની ઓળખાણ આપીને બનેલી બધી હકીકત કહી જણાવી. આ સાંભળી કુંવરી રાજી થઈ ગઈ.

સવાર પડતાં કુંવરી તેના પિતા પાસે ગઈ ને બધી વાત કરી. પોતાની દીકરીનું દર્દ મટી જતાં રાજા પણ ખુશ થઈ ગયો. તેણે વિક્રમ રાજાને કહ્યું: “હે રાજન! તમે મારી દીકરીનું દર્દ મટાડી દીધું છે, માટે તમે મારી દીકરીને વરો અને અડધા રાજના ઘણી થઈને રહો.”

રાજાએ કુંવરીના લગ્ન માટે ધામધૂમથી તૈયારીઓ કરવા માંડી. વિક્રમ રાજાએ જાન કુંભારને ઘેરથી કાઢવાનું નક્કી કર્યું. કુંભારના છોકરાએ આ જાણ્યું કે તે રિસાઈને રડવા બેઠો. વિક્રમ રાજાએ તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું: “જો મારા મા-બાપે આજે મને કુંવરી પાસે મોકલ્યો હોત તો હું નાગને મારી નાખીને કુંવરીને ન પરણતો?”

રાજાએ હસીને કહ્યું : “ભલે ભાઈ તું કુંવરીને વર ને અડધું રાજ ભોગવી સુખી થા” રાજાએ કુંભારના છોકરાને કુંવરી સાથે પરણાવ્યો અને અડધું રાજપાટ અપાવ્યું પછી બધાની વિદાય લઈ પોતાને કામે આગળ ચાલ્યા.

એક પછી એક ગામ વટાવતા રાજા વિક્રમ આગળ ચાલ્યા. રાત પડે ત્યાં વાસો રહે અને સવાર પડતાં પાછા આગળ ચાલે. આમ ને આમ રાજા એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. ત્યાં અંબાજી માતાનું મંદિર હતું. રાજાએ મંદિરમાં જઈ માતાજીની પૂજા કરી અને તેનો ઓટલો ચોખ્ખો કરી ત્યાં મુકામ કર્યો.

મધરાત થતાં એક કૌતુક થયું. આકાશમાંથી ઘરરર કરતું એક વિમાન નીચે ઊતરી આવ્યું અને મંદિર પાસેની એક ગુફામાં થઈને પાતાળમાં ઊતરવા માંડ્યું. રાજાએ તરત જ વીર વૈતાળનું સ્મરણ કરી વિમાન પાછળ ગુફામાં દખલ થઈ ગયા. એક પળમાં ગુફા બંધ થઈ ગઈ. વિમાન ગુફામાંથી સીધું પાતાળ સુધી પહોંચ્યું. વિક્રમ રાજા પણ વિમાનની પાછળ પાછળ પાતાળ સુધી પહોંચી ગયા.

વિમાન પાતાળમાં શેષનાગ પાસે ગયું. વિમાનમાંથી એક દેવ ઊતર્યો અને પાતાળમાં રહેલ શેષનાગને વંદન કરીને બોલ્યો : “ નાગરાજ ! સ્વર્ગમાં ઇન્દ્ર રાજા એક યજ્ઞ કરાવે છે. તેમાં ઇન્દ્ર તમને ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.”

શેષનાગ કરુણ સ્વરે બોલ્યો : “ભાઈ ! મને દેવોના દરબારમાં આવવાનું ઘણું મન થાય છે પણ મારો એકનો એક પુત્ર થોડ સમયથી ગુમ થયો છે. હું તેની શોધખોળમાં પડ્યો છું. તેના વગર મારો જીવ ગભરાય છે, તેથી હું સ્વર્ગલોકમાં હજરી આપી શકીશ નહિ.

વિક્રમ રાજાએ છૂપા રહીને આ વાત સાંભળી એટલે તેમને પેલા નાગનો પ્રસંગ યાદ આવ્યો. તેઓ નાગના કટકાની બાંધેલી પોટલી બહાર કાઢી અને નાગરાજ સામે આવ્યા અને કહ્યું : “મહારાજ! તમારો પુત્ર જો લાલ રંગનો હોય તો તેનું મૃત્યુ મારા હાથે થયું છે.” આમ કહી તેમણે પોટલી ખોલી નાગના કટકા બતાવ્યા. અને પોતે કરેલા ગુનાની માફી માગતાં પોતાની ઓળખાણ આપી, બધી વિગતે વાત કરી.

શેષનાગને પોતાના પુત્રના કટકા જોઈ પહેલાં તો ખૂબ જ દુખ થયું, પછી પોતાની પાસે રહેલું અમૃતજળ યાદ આવતાં તે રાજી થઈ ગયા અને તરત જ નાગના કટકા ઉપર અમૃતજળ છંટીને નાગકુમારને જીવતો કર્યો.

શેષનાગે નાગકુમારને જીવતો જોઈ વિક્રમ રાજા ઉપર ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે રાજાનો આભાર માન્યો અને પોતાની નાગકન્યાના લગ્ન વિક્રમ રાજા સાથે કરી દીધા. હવે શેષનાગ સ્વર્ગલોકમાં જવા તૈયાર થઈ ગયો. તેઓ પોતાની સાથે વિક્રમ રાજા અને પોતાના પુત્રને પણ લઈ ગયા. બધા દેવવિમાનમાં બેસી સ્વર્ગલોક પહોંચ્યા.

શેષનાગે વિક્રમ રાજાની ઓળખાણ ઇન્દ્ર રાજાને આપી અને કહ્યું: “ઇન્દ્ર દેવ! આ મૃત્યુલોના વિક્રમ રાજાએ ઘણાં પરોપકારી કાર્યો કરીને એક અપૂર્વ નામના મેળવી છે. તેને હું આપના દર્શને લાવ્યો છું.” વિક્રમ રાજાએ બે હાથ જોડી ઇન્દ્ર રાજાને પ્રણામ કર્યા. ઇન્દ્ર રાજાએ પહેલા પણ હંસ દ્વારા વિક્રમ રાજાના વખાણ સાંભળ્યા હતા. તેમને હંસની વાત સાચી લાગી. તેમણે વિક્રમના મહિમાનું પારખું કરવાનું વિચાર્યું. આ માટે તેમણે એક હાર આપ્યો અને કહ્યું : “રાજન ! આ હાર બધાને પહેરાવો.”

વિક્રમ રાજા ઇન્દ્રની ચાલાકી સમજી ગયા. તેમણે વૈતાળનું સ્મરણ કર્યું. વિક્રમ રાજા વારાફરતી દેવોને હાર પહેરાવતા ગયા અને વૈતાળ એક પછી એક હાર પહોંચાડતો ગયો. છેવટે એક હાર વધ્યો, તે વિક્રમ રાજાએ ઇન્દ્ર રાજાના પગ આગળ મૂક્યો. આ જોઈ ઇન્દ્ર ખુશ થઈ ગયા. તેમણે કહ્યું : “માંગ માંગ, જે માંગે તે આપું.”

વિક્રમ રાજાએ હાથ જોડી કહ્યું : “દેવરાજ ! તમારી દયાથી મારી પાસે બધું છે. મારી ઇચ્છા છે કે આપે માનસરોવરના જે હંસને પિંજરામાં પૂરેલ છે તેને મુક્ત કરી દો.”

ઇન્દ્ર રાજાએ તરત જ હંસનું પાંજરું મંગાવી હંસને મુક્ત કરાવ્યો. વધુમાં ઇન્દ્ર રાજાએ પોતાના કાનના કુંડળ વિક્રમ રાજાને અર્પણ કર્યા. ઈન્દ્રાણીએ પોતાના ગળામાંથી હાર આપ્યો.

વિક્રમ રાજા દેવવિમાનમાં બેસી હંસને લઈ માનસરોવર આવ્યા. હંસને જોતાં હંસલી રાજી રાજી થઈ ગઈ. પતિના વિયોગે તડપતી હંસલીને જાણે નવજીવન મળ્યું હતું. તેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. હંસલીએ વિક્રમ રાજાનો આભાર માન્યો. ત્યાંથી વિક્રમ રાજા કુંડળ, હાર, નાગરાજની પુત્રી અને અઢળક સંપત્તિ સાથે ઉજ્જયિની નગરીમાં આવી ગયા ને દેવવિમાન પાછું મોકલ્યું.

ઘણા દિવસે મહારાજને ઉજ્જયિનીમાં પાછા આવેલા જોઈ ત્યાંની પ્રજા ગાંડીઘેલી થઈ ગઈ. વિક્રમ રાજા પાસેના ચમત્કારિક હાર, કુંડળ, નાગકન્યા અને અઢળક સંપત્તિ જોવા લોકોના ટોળે ટોળાં વળ્યાં અને બધા વિક્રમ રાજાને આશીર્વાદ આપી વિખરાઈ ગયા.

થોડા દિવસ પછી વિક્રમ રાજા નગરચર્ચા જોવા નીકળ્યા. તેઓ ફરતાં ફરતાં એક ગુણકાના ઘર આગળથી નીકળ્યા. ત્યાં તેમણે ગુણકાને પોતાના પ્રેમી સાથે ઝઘડતી સાંભળી. પોતાના પ્રેમીને કહી રહી હતી કે “જો તમે મને ખરેખર પ્રેમ કરતા હોય તો વિક્રમ રાજા પાસેથી ઇન્દ્રાણીનો હાર લાવી આપો. જ્યારથી મેં એ હાર જોયો છે ત્યારથી મને ખાવાનું ભાવતું નથી.” પેલો બિચારો હાર ક્યાંથી લાવે? તેણે મરી જવાનો વિચાર કર્યો.

ત્યાંથી રાજા આગળ ચાલ્યા. રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું. વાણિયાના દીકરાના લગ્ન લીધા હતા, તે પોતાના પિતાને કહેતો હતો, “જો મને વિક્રમ રાજા પાસેનું ઇન્દ્રનું કુંડળ મળે તો જ પરણું !”

આગળ જતાં એક બ્રાહ્મણના ઘર આગળ આવ્યા. બ્રાહ્મણનો છોકરો એવી હઠ લઈને બેઠો હતો, કે “મને નાગકન્યા પરણાવો નહિ તો હું આપઘાત કરીશ.”

આ બધું જોઈ વિક્રમ પોતાને મહેલે આવ્યા. સવાર પડતાં રાજાએ બધાને રાજદરબારમાં બોલાવ્યા, ને દરેકને પોતાની મનગમતી વસ્તુઓ આપી સૌને રાજી કર્યા.

કામાક્ષી પૂતળીએ હંસની વાર્તા પૂરી કરતાં કહ્યું : “હે રાજા ભોજ! તમે સાંભળ્યું ને કે વિક્રમ રાજા પ્રાણીમાત્ર પર પણ દયા રાખતા હતા અને ઉપકારનાં કાર્ય કરતા હતાં, જે રાજા વિક્રમ રાજા જેવા હોય, તે જ આ સિંહાસન ઉપર બેસી શકશે” આટલું કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

Also Read :

10. વિધાતાની વાર્તા


Spread the love
error: Content is protected !!
Scroll to Top