Batris Putli Ni Varta Gujarati Two | 2. ગર્દભસેનની વાર્તા
બીજા દિવસે રાજા ભોજ નાહિ-ધોઈ પૂજા – પાઠ કરી પવિત્ર થઈને સિંહાસન ઉપર બેસવા જાય છે. ત્યારે વનિતા નામની બીજી પૂતળી બોલી ઊઠી : “હે રાજન! આ સિંહાસન ઉપર બેસતા નહિ તે રાજા વિક્રમનું છે. તેમના જેવાં પરાક્રમો અને પરોપકારનાં કર્યો કર્યા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકે છે.”
રાજા ભોજે કહ્યું : “હે અપ્સરા! મને રાજા વિક્રમનાં પરાક્રમ અને પરોપકારની વાત જણાવો.”
આથી પૂતળી વનિતા વિક્રમ રાજાની વાત કહેવા લાગી :
એક વખત ઇન્દ્ર રાજાના દરબારમાં એક અપ્સરા નૃત્ય કરી હતી. તેણે એવું સુંદર ભાવવાહી નૃત્ય કર્યું કે આખો દરબાર મુગ્ધ બની ગયો. ઇન્દ્ર રાજાએ આ નિષ્ણાત અપ્સરાને શિવજીને પ્રસન્ન કરવા મોકલી.
અપ્સરા શિવજીને પ્રસન્ન કરવા કૈલાસ જવા નીકળી. રસ્તામાં તેને ઇન્દ્રનો પુત્ર જયંત મળ્યો. તેણે અપ્સરાને કહ્યું: “હે અપ્સરા!તું ક્યાં જાય છે?”
અપ્સરાએ કહ્યું: “તમારા પિતાજીના હુકમથી હું કૈલાસ પર શિવજીને પ્રસન્ન કરવા જાઉં છું.”
ઇન્દ્રના પુત્રે બળજબરીથી તેનો હાથ પકડીને કહ્યું : “એ મસાણે ફરનાર તારી શી કદર કરશે? તે નાચગાનમાં શું સમજે? ચાલ તું મારી સાથે” આમ કહી એ પોતાને આવાસે ખેંચી ગયો.
થોડા દિવસ પછી ઇન્દ્ર રાજા મહાદેવજીનાં દર્શને કૈલાસમાં ગયા ને મહાદેવજીને ક્ષેમકુશળના સમાચાર પૂછી પેલી અપ્સરાના નૃત્ય વિશે પૂછ્યું.
મહાદેવજી બોલ્યા: “અહીં કોઈ અપ્સરા આવી જ નથી”
મહાદેવજીની વાતથી ઇન્દ્ર રાજા ભોંઠા પડી ગયા. તેમને મનમાં અપ્સરા ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. તેઓ તરત જ પાછા ઇન્દ્રપુરી આવી ગયા અને અનુચરોને મોકલી અપ્સરાની ભાળ કઢાવી, તો તે ઇન્દ્ર રાજાના પુત્રના આવાસમાંથી મળી.
અપ્સરાએ ઇન્દ્ર રાજા પાસે આવી બધી હકીક્ત જણાવી. અપ્સરાની વાત સાંભળી ઇન્દ્ર રાજાએ પોતાના પુત્રને બોલાવી ગુસ્સામાં આવી શાપ આપ્યો : “તું પૃથ્વી પર ગધેડો થઈને પડ.”
આ સાંભળી ઈન્દ્રનો પુત્ર ગભરાઈ ગયો. તે ભયથી ધ્રૂજવા લાગ્યો. તે શાપના નિવારણ માટે કૈલાસમાં મહાદેવજી પાસે ગયો અને પોતાના ભૂલની ક્ષમા માગવા લાગ્યો.
મહાદેવજીએ તેની ઉપર દયા આવતાં બોલ્યા : “તું શાપને કારણે ગધેડો તો થઈશ ખરો, પણ રોજ રાત પડતાં તું તારા અસલી દેવાંશી સ્વરૂપમાં આવી શકીશ. પૃથ્વી ઉપર તું ત્રણ સ્ત્રીઓને પરણીશ. તેનાથી તેને ત્રણ પુત્રો પ્રાપ્ત થશે. થોડા સમય બાદ તારા ગધેડાના ખોળિયાને કોઈ બાળી મૂકશે, ત્યારે તારા શાપનું નિવારણ થશે અને તું પાછો સ્વર્ગમાં આવીશ.”
ત્યાર બાદ ઇન્દ્રપુત્ર સ્તંભતીર્થ નગરમાં કુંભારને ત્યાં ગધેડો થઈને અવતર્યો. એક રાતે ગધેડો માણસની જેમ બોલવા લાગ્યો : “હે કુંભાર ! તું રાજાની પાસે જા અને કહે કે, તમારી રાજકુંવરી મારા ગધેડાને પરણાવો. જો આમ નહિ કરો તો તેનું આખું નગર બાળી નાખીશ.”
કુંભાર તો ગધેડાને માણસની જેમ બોલતો જોઈને ચમકી ગયો. તે સવાર થતાં રાજમહેલે ગયો અને રાજા પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો : “હે અન્નદાતા ! મારા બોલવા ઉપર ક્ષમા કરજો. મારે ત્યાં એક બોલતો ગધેડો છે, અને તે આપની રાજકુંવરીને પરણવા માગે છે. જો તમે એમ નહિ કરો તો તમારું આખું નગર બાળી નાખશે એવી ધમકી પણ આપી છે.”
રાજાને કુંભારની વાત માન્યામાં આવી નહિ તેણે આ બાબતે તપાસ કરવા પ્રધાનને કુંભાર સાથે મોકલ્યો. મધરાત થતાં ફરી પાછો ગધેડો આગલી રાતની જેમ બોલવા લાગ્યો. પ્રધાન પણ મનુષ્યની વાણીમાં ગધેડાને બોલતો જોઈ અચરજ પામ્યો. તેણે રાજા પાસે આવી બધી હકીકત કહી જણાવી. હવે આ બાબતે તપાસ કરવાનું રાજાએ પોતે વિચાર્યું.
બીજા દિવસે રાત્રે પ્રધાન રાજાને લઈને કુંભારને ત્યાં આવ્યો. મધરાત થતાં ગધેડો બોલ્યો : “હે રાજા! તારી કુંવરી મને પરણાવ, નહિ તો તારું આખું નગર બાળી નાખીશ”
રાજા પણ ગધેડાની વાણી સાંભળી વિચારમાં પડી ગયો. તેને મનમાં થયું કે કુંવરીને કાંઈ ગધેડ સાથે પરણાવાય? તેણે પ્રધાન સાથે થોડી વાટાઘાટો કરી પૂછ્યું: “કંઈક એવો ઉપાય બતાવો કે, સાપ મરે ને લાકડી ભાંગે નહિ” પ્રધાને રાજાને કંઈક ઉપાય બતાવ્યો. રાજાએ ગધેડાની પરીક્ષા લેવાના હેતુથી કહ્યું : “જો તું નગરની ચારે તરફ ફરતે તાંબાનો કોટ અને ચાંદીના દરવાજા બનાવી દે તો. તને મારી કુંવરી પરણાવું”
ગધેડાના સ્વરૂપમાં ઇન્દ્રપુત્ર બોલ્યો : “મને તમારી શરત મંજૂર છે. તમારે જે જગ્યાએ કોટ કરવાનો હોય ત્યાં દોરી બાંધો અને દરવાજા કરવા હોય ત્યાં ખાલી જગ્યા રાખો.
રાજાએ તેના કહેવા પ્રમાણે કર્યું. ગધેડાના સ્વરૂપે રહેલા ઇન્દ્રપુત્રે સ્તુતિ કરીને ભગવાન વિશ્વકર્માને બોલાવ્યા અને – રાજાના કહ્યા પ્રમાણે કરવા કહ્યું. વિશ્વકર્માએ તરત સંલ્પ કર્યો કે, નગરની ફરતે તાંબાનો કોટ અને ચાંદીના દરવાજા બની ગયા.
રાજા અને પ્રજા આ જોઈ અચરજ પામી ગઈ. રાજાને થયું કે, નક્કી આ કોઈ ગધેડાના સ્વરૂપમાં દેવ છે. હવે વચન મુજબ કુંવરીને પરણાવ્યા વિના નહિ ચાલે. તે પોતાનું વચન પાળવા તૈયાર થઈ ગયો. તેણે સ્તંભતીર્થનું નામ ત્રંબાવટી પાડ્યું.
આ રાજકુંવરીને બીજી બે સહેલીઓ હતી. એક પ્રધાનની પુત્રી અને બીજી ભાટની પુત્રી. આ ત્રણે સહેલીઓનો એક જીવ હતો. તે ત્રણે એકને જ પરણવા માગતી હતી. રાજકુંવરીની સાથે સાથે બીજી બે સહેલીઓ પણ ગધેડા સાથે પરણી.
રાજાએ ગર્દભસેનને રહેવા માટે મહેલ આપ્યો. તેમાં ગર્દભસેન પોતાની ત્રણે રાણીઓ સાથે આનંદથી રહેવા લાગ્યો. ઇન્દ્રપુત્ર દિવસ દરમિયાન ગધેડા સ્વરૂપે રહેતો અને રાત્રે ગધેડનું ખોળિયું ઉતારી દેવાંશી સ્વરૂપમાં આવી જતો. ત્રણે સહેલીઓ રાજકુંવરને જોઈ રાજી રાજી થઈ ગઈ. રાજકુંવર ત્રણેય પત્નીઓ સાથે આનંદ-વિનોદ કરી રાત પસાર કરતો હતો. તેણે પોતાની પત્નીઓને કહ્યું: “આ વાત કોઈને કરશો નહિ, અને પોતાનું ખોળિયું કોઈ બાળે નહિ તે માટે ચેતતા રહેવા કહ્યું. જો આમ થશે તો મારા દેહમાં પ્રાણ રહેશે નહિ અને આખું નગર બળીને ભસ્મ થઈ જશે.”
ત્રણે પત્નીઓ પોતાના દિવસો આનંદમાં વિતાવવા લાગી. સમય જતાં ત્રણે સગર્ભા બની. એક દિવસ રાજકુંવરીની માતા દિકરીના મહેલે એક રાતે આવી. તેણે પોતાની કુંવરીને સગર્ભા જાણીને તેનો તિરસ્કાર કર્યો. આથી રાજકુંવરીએ પોતાની માતાને બધી હકીક્ત જણાવી દીધી.
રાજકુંવરીની માતાને મનમાં થયું કે “જો આ ગધેડનું ખોળિયું બાળી મૂકું તો જમાઈ ફરી ગધેડો બનશે નહિ, કાયમને માટે રાજકુંવર જ રહેશે. મારી દીકરી સુખી થશે આ વિચારે તેણે ગધેડાનું ખોળિયું બાળી નાખ્યું. ખોળિયું બળતાંની સાથે ઇન્દ્રપુત્રના શરીરની ચામડી ચળવળવા લાગી. તેના આખા શરીરે બળતરા ઊપડી.
તેણે ત્રણે રાણીઓને રાતમાં તરત જ નગર છોડી દૂર ચાલ્યા જવા કહ્યું. પછી ત્યાં એક વિમાન આવ્યું અને તે ઇન્દ્રપુત્રને લઈને ચાલ્યું ગયું. ત્રણે રાણીઓ ત્યાંથી શ્વાસભેર ભાગી.
સવાર થતાં જ ત્રંબાવટી નગરી બળીને ખાખ થઈ ગઈ અને આખું નગર ખંડેર બની ગયું. આગળ જતાં તે જગ્યાએ ખંભાત નગર વસ્યું.
નાસી છૂટેલ ત્રણે રાણીઓ એક ઋષિના આશ્રમમાં આવી ચઢી. ઋષિ ઘણા દયાળુ હતા. તેમણે ત્રણે રાણીઓની વાત સાંભળી, તેમની ઉપર દયા લાવી, તેમને પોતાની દીકરીઓ જેવી ગણી આશ્રમમાં આશરો આપ્યો.
સમય જતાં ત્રણેએ એક-એક પુત્રને જન્મ આપ્યો. શ્રષિએ એક પુત્રનું નામ ભરથરી, બીજાનું નામ વીકો અને ત્રીજાનું નામ પ્રભવ રાખ્યું. ત્રણે પુત્રો આશ્રમમાં મોટા થવા લાગ્યા. ઋષિએ આ ત્રણેને વિદ્યાદાન આપ્યું. તેઓ બધી વિદ્યાઓમાં પાવરધા થયા.
એક દિવસ પ્રભવ જંગલમાં એકલો શિકાર કરવા ગયો અને ત્યાંથી તે ભૂલો પડ્યો. રસ્તામાં તેને એક વણઝારાએ પોતાની પોઠમાં આશ્રય આપ્યો. તે પશુ-પંખીની ભાષા જાણતો હતો. તેનું નામ શણવી રાખવામાં આવ્યું .
આ બાજુ ભરથરી અને વીકો ઋષિના આશ્રમમાં મોટા થવા લાગ્યા. આ બંને જણા પણ અસ્ત્ર-શસ્ત્ર વિદ્યામાં ખૂબ પ્રવીણ હતા. તેઓ એક દિવસ શિકારે ગયા અને મૃગને મારી આશ્રમમાં લાવ્યા. તે જ દિવસે ઋષિએ પોતાના આશ્રમમાં બ્રાહ્મણોને જમવા, બોલાવ્યા હતા. તેમણે આ બંને બાળકોની જોડે મરેલા મૃગને જોયો. આ જોઈ બ્રાહ્મણો નારાજ થયા અને ત્યાંથી ભોજન કર્યા વગર પાછા જવા તૈયાર થયા. શ્રષિએ તેમને ઘણા સમજાવ્યા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું : “તમે આ છોકરાઓને કાઢી મૂકો તો જ અમે જમીએ.”
ભરથરી અને વીકાએ આ સાંભળ્યું એટલે તેમણે કહ્યું : “અમારા શિકારથી તમે નારાજ થયા છો. અહીંથી અમે ચાલ્યા જઈએ તો જ તમે જમશો તેવી તમારી ઈચ્છા હોવાથી અમે બે ભાઈઓ અહીંથી ચાલ્યા જઈએ છીએ” આમ કહી બંને ભાઈઓ ઋષિ અને માતાઓની રજા લઈ આશ્રમ છોડી ચાલ્યા ગયા.
ભરથરી અને વીકો ફરતા ફરતા ક્ષિપ્રા નદીને કાંઠે ઉજ્જયિની નગરીમાં આવી પહોંચ્યા. આ દિવસે આ નગરીમાં સ્વયંવર હતો. આ સ્વયંવર રાજગાદી માટેની પસંદગીનો હતો. કારણ અહીંના રાજાને કોઈ સંતાન ન હતું. તે મૃત્યુ પામ્યો હતો. હવે રાજપાટ કોને આપવું તેની વિમાસણમાં પ્રજા પડી હતી. આથી રાજગાદી માટે સ્વયંવર રચ્યો હતો. એમાં હાથણી જેને માથે કળશ ઢોળે તેને રાજપાટ આપવું તેમ નક્કી થયું.
ભરથરી અને વીકો જ્યાં સ્વયંવરનો મંડપ બંધાયો હતો, ત્યાં એક ખૂણે આવીને ઊભા રહ્યા. મંડપમાં આસનો ઉપર રાજાઓ અને રાજકુંવરો દમામથી બેઠા હતા. થોડી વારમાં હાથણી કળશ લઈને આખા મંડપમાં ફરી, અને પછી એક ખૂણે ઊભા રહેલા ભરથરી ઉપર તેણે કળશ ઢોળ્યો.
આથી મંડપમાં હાહાકાર થઈ ગયો. બધા રાજાઓ, રાજકુંવરો અને પ્રજા બુમરાણ કરવા લાગી કે હાથણી ભૂલી છે. પછી ભરથરી અને વિકાને મંડપની બહાર કાઢી મૂકવામાં આવ્યા. ફરી પાછી હાથણીને ફેરવવામાં આવી. તે ફરતી ફરતી પાછી મંડપની બહાર આવીને ભરથરી ઉપરજ કળશ ઢોળ્યો.
હવે રાજ્યની પ્રણાલિકા પ્રમાણે ભરથરીને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યો. તે ઉજ્જયિની નગરીનો રાજા થયો. ભરથરીએ તેના નાનાભાઈ વીકાને પ્રધાન બનાવ્યો. તે ભરથરી સાથે મહેલમાં રહેવા લાગ્યો. કેટલાક સમય બાદ ભરથરી રૂપરૂપના અંબારસમી અનેક રાજકુંવરીઓને પરણ્યો. વીકો હંમેશા ભરથરી સાથે રહેતો હોવાથી રાણીઓને આ ગમ્યું નહિ અને તેમણે વીકા ઉપર ખોટું આળ ચડાવી વીકાને દેશવટો અપાવ્યો.
આથી વીકો કાશી પ્રયાગ જઈ પછી રાજેશ્વર જવા નીકળ્યો. રસ્તામાં તેને વણઝારાની પોઠનો સંગાથ થયો. તેમાં તેણે પોતાના ભાઈ પ્રભવ જેવા જવાનને જોયો. તેણે આ જવાન પ્રભવ છે કે નહિ તેની ખાતરી કરવાનું વિચાર્યું. તેને થયું કે, પ્રભવ પશુ-પંખીની ભાષા જાણે છે. જો આ જવાન તે જ હશે તો તરત ખબર પડી જશે. રાત પડતાં વીકો વણઝારાની પોઠ સાથે સૂઈ ગયો.
રાતનો બીજો પહોર થયો કે વનમાં જાનવરો બોલવા લાગ્યાં. વણઝારાની પોઠના સરદારે શણવી એટલે કે પ્રભવને જગાડીને પૂછ્યું: “શણવી, આ જાનવરો શું કહી રહ્યાં છે?”
શણવી પશુ-પંખીની ભાષા જાણતો હતો. તે બોલ્યો: “નદીના પૂરમાં એક સ્ત્રીનું શબ જેણે પુષ્કળ ઘરેણાં પહેરેલાં છે, તે તણાતું તણાતું આવે છે. જે સાહસ કરીને તેને કાંઠે લાવશે, તેનો બેડો પાર થઈ જશે.”
વીકો સૂતા-સૂતા શણવી અને સરદારની વાતો સાંભળતો હતો. તે સમજી ગયો કે, ચોક્કસ શણવી જ મારો ભાઈ પ્રભવ છે.
શણવીએ સરદારને જાનવરોના અવાજનો ભાવાર્થ સમજાવ્યો, પણ સરદારે તે અંગે કાંઈ ગણકાર્યું નહિ. પરંતુ જાગતો વિકો લાગ જોઈ પોઠમાંથી છટકી ગયો અને નદીના પૂરમાં ઝંપલાવ્યું. તેણે શબને તરત બહાર કાઢી તેના શરીર ઉપરથી તમામ દાગીના ઉતારી લીધા, અને શબને કાંઠે રહેવા દઈ પાછો પોઠના પડાવે આવી ગયો.
રાતનો ત્રીજો પહોર થતાં ફરીથી જાનવરો બોલવાં લાગ્યાં. સરદારના પૂછવાથી શણવીએ કહ્યું: “સ્ત્રીનું શબ કોઈ નસીબના બળિયાએ બહાર કાઢીને તેનાં ઘરેણાં લઈ લીધાં છે. એ શબનો આહાર કરીને ઘણાં પશુ-પંખીઓની ક્ષુધા તૃપ્ત થઈ છે. એ બધાં શબ મૂકી જનાર બળિયાને આશિષ આપે છે કે તારાં બધાં સંકટો દૂર થજો અને રિદ્ધિ-સિદ્ધિનો સ્વામી થજો.”
જાગતાં પડેલા વીકાએ આ સાંભળ્યું. તે ખૂબ રાજી થઈ ગયો.
રાતનો ચોથો પહોર થતાં ફરી જાનવરો બોલ્યાં : “સરદારે પૂછ્યું ત્યારે જવાબમાં શણવીએ કહ્યું : “વણઝારાની પોઠ થોડા સમયમાં આફતમાં મુકાઈ જશે. તેનો સરદાર પણ મુશ્કેલીમાં મુકાઈ જશે.”
આ સાંભળી સરદારે તરત પોઠો હાંક્વાનું કહ્યું. એ જ વખતે વીકાએ કંઈક વિચારીને કોઈ ન જાણે તેમ સોનાનાં ઘરેણાં પોતાની પાસે રાખ્યા અને હીરા-મોતીના હારના ટુકડા કરી એક એક ટુકડો પોઠમાં પડેલ કોથળાઓમાં નાખ્યો.
સવાર થતાં વણઝારાની પોઠ એક ગામમાં આવી. ગામમાં પેસતાં જ વીકો દોડતો દોડતો રાજા પાસે ગયો અને વણઝારાના સરદારે તેને લુટી લીધો, તેવું કહેવા લાગ્યો. રાજા તરત વણઝારાની પોઠો આગળ આવ્યા અને સરદારને કહ્યું : “તમે આના દાગીના લૂંટીને ક્યાં જાવ છો?”
સરદાર તો રાજાની વાત સાંભળી સડક થઈ ગયો. તે બોલ્યો : “મેં તો આના દાગીના જોયા પણ નથી”
રાજાએ વીકાને પૂછ્યું: “તારા હીરા-મોતીના દાગીના આની પાસે જ છે એનો પુરાવો શો છે?”
વીકાએ કહ્યું: “તેણે આ બધું પોઠોમાં સંતાડી દીધું છે ?
રાજાએ તરત પોઠો ખોલાવી. તેમાંથી હીરા-મોતીના દાગીના નીકળી આવ્યા. આ જોઈ સરદાર સ્તબ્ધ થઈ ગયો.
રાજાએ દાગીના જોઈને વીકાને પૂછ્યું: “હે વીકા! આ દાગીના તારા જ છે તેની શી ખાતરી ?”
“મહારાજ, જુઓ આ બધાની જોડ” આમ કહી વીકાએ પોતાની પાસે રાખેલા હીરા-મોતીના અડધા હારના ટુકડા બતાવ્યા. વણઝારો તો આ જોઈ આભો બની ગયો.
રાજાએ વણઝારાને અપરાધી ઠરાવ્યો. રાજાએ વીકાને પૂછ્યું: “હે વીકા! આ વણઝારાને તેના અપરાધ બદલ શી સજા કરું?”
ચતુર વીકાએ વણઝારાના સકંજામાંથી પોતાના ભાઈ પ્રભવને છોડાવવા માટે આ બધો ખેલ કર્યો હતો. રાજાના કહેવાથી તે બોલ્યો : “રાજન ! આ વણઝારાની પોઠમાં રહેલો શણવી મને આપી દો. હું તેને આ બધુય ઝવેરાત બક્ષિસ તરીકે આપી દઈશ.”
સરદારે વીકાને શણવી સુપરત કર્યો. વીકાએ ખુશ થઈ બધું ઝવેરાત સરદારને આપી દીધું. વણઝરો રાજી થતો થતો ત્યાંથી ચાલ્યો ગયો.
વિકો અને પ્રભવ પણ રાજાને પ્રણામ કરી પોતાને રસ્તે પડ્યા. રસ્તામાં વીકાએ પ્રભવને પોતાની ઓળખાણ આપી અને બધી હકીક્ત કહી જણાવી. પ્રભવને ઘણાં વર્ષો પછી પોતાનો ભાઈ વીકો મળવાથી તે ખૂબ રાજી રાજી થઈ ગયો. બંને ભાઈઓ હર્ષ પામી એકબીજાને ભેટી પડ્યા અને સુખદુખની ઘણી વાતો કરતા આગળ વધ્યા.
બંને ભાઈઓ ચાલતાં ચાલતાં ઉજ્જયિની નગરી તરફ જવા નીકળ્યા. બંનેએ ક્ષિપ્રા નદીને તીરે ગાંધર્વ મસાણ અને હરસિદ્ધ માતાના સ્થાનકે મુકામ કર્યો. પછી પ્રભવ સીધુ-સામાન લેવા ગામમાં ગયો અને વીકો ત્યાં બેસી આરામ કરવા લાગ્યો.
થોડી વારમાં હરસિદ્ધ માતા સોળ શણગાર સજેલી સ્વરૂપવાન સુંદરીનું રૂપ ધારણ કરીને વીકાની પરીક્ષા લેવાના હેતુથી આવ્યાં અને વીકાને કહ્યું : “હે જુવાન ! તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે ? તું આવ્યો તો ભલે આવ્યો, પણ તારે મારું દાણ આપવું પડશે.”
વીકો માતાજીના પગમાં પડી બોલ્યો : “મા! માગો તે આપું.
માતાજી બોલ્યાં : “હે જુવાન, મને ઘણા દિવસથી મનુષ્યનું લોહી પીવા મળ્યું નથી. શું તું મને તારું લોહી પીવા દઈશ ?”
“બસ આટલું જ ને ?” હસીને વીકો બોલ્યો: “તમતમારે મારા શરીરમાંથી જેટલું લોહી પીવું હોય તેટલું ખુશીથી પીઓ” આમ કહી વિકો પોતાની તલવાર માતાજી સમક્ષ ધરી. આથી હરસિદ્ધ માતા વીકા ઉપર પ્રસન્ન થયાં. તેઓ પોતાના દેવી સ્વરૂપે પ્રક્ટ થઈને કહ્યું : “તું મારી પરીક્ષામાંથી પાર ઊતર્યો છે. હું તને વચન આપું છું કે, જ્યારે પણ સંકટ પડે કે કોઈ કાર્યમાં તારે મૂંઝાવું પડે ત્યારે તું મને યાદ કરજે. હું તરત અદેશ્ય સ્વરૂપે તારી સમક્ષ હાજર થઈશ અને તારું કાર્ય પાર પાડીશ” આટલું કહી હરસિદ્ધ માતા અંતર્ધ્યાન થયાં.
પ્રભવ સીધુ-સામાન લેવા ગયો હતો, તે લઈને પાછો આવ્યો. બંને ભાઈઓ રસોઈ બનાવી જમ્યા ને પછી નગરમાં જવા નીકળ્યા. નગરમાં જઈને જુએ તો બધું જ સૂનકાર લાગતું હતું પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, અમારા નગરનો ભર્તુહરિ રાજા જતાં કાળો કેર થઈ ગયો છે. આ રાજાએ પોતાની રાણીઓની ચડવણીથી પોતાના નાના ભાઈને દેશવટો આપ્યો અને એ પણ રાજ છોડી ચાલ્યા ગયા છે.
તેમના ગયા પછી આ નગરનો કોઈ રાજા નથી નગરનો બધો કારોબાર પ્રધાન ચલાવતો હતો. કોઈ રાજા થવાની ઇચ્છા કરે કે પ્રયત્ન કરે તો નજીકમાં રહેતો વૈતાળ નામનો યક્ષ આવીને તેનું ભક્ષણ કરી જતો. કેટલાય રાજાઓને વૈતાળે મારી નાખેલા; અને ત્યારપછી વૈતાળની બીકથી આ નગરનો કોઈ રાજા થતો ન હતો. વીકાને આ વાતથી ખૂબ આશ્ચર્ય થયું. તેને થયું કે ક્ષત્રિયને વળી ડર કેવો?
વીકો પ્રભવને લઈ નગરના પ્રધાન પાસે ગયો, અને પોતે આ નગરનો રાજા થવા ઇચ્છે તે જણાવ્યું. પ્રધાને બધી હકીક્ત વિગતથી જણાવી, છતાં વીકાએ રાજા થવાની ઇચ્છા બતાવી. તેમણે નગરમાં ઠંડી પિટાવી કે આ ગામની રાજગાદી ઉપર હું બેસીશ આ વાત વાયુવેગે આખા નગરમાં પ્રસરી ગઈ. નગર વાસીઓ આ સાંભળી ખૂબ રાજી થઈ ગયા. વીકાએ પોતાનું નામ વિક્રમ રાખ્યું.
બીજે દિવસે રાજદરબારમાં વિક્રમને રાજા બનાવવાની વિધિ ધામધૂમથી થઈ. આમ વીકો રાજા બન્યો અને મહેલમાં રહ્યો. હવે બુદ્ધિશાળી વિક્રમે વૈતાળની બધી વાત જાણી લીધી. તેનો સ્વભાવ પણ જાણી લીધો. તેણે સમયસૂચકતા વાપરી તેને પ્રસન્ન કરવા માટે તેના આવવાના માર્ગમાં મધ અને મદિરાનાં માટલાં ભરાવ્યાં.
આખા નગરને શણગારાવ્યું. દરવાજે દીપમાળાઓ મુકાવી. પોળે પોળે ચંદરવા બંધાવ્યા. કસ્તુરી અને ફૂલો વેરાવ્યાં. રસ્તા ઉપર મીઠાઈઓ મુકાવી. જ્યાં ત્યાં મુખવાસ મુકાવ્યા. વાજિંત્રોની ગોઠવણ કરી. પછી વિક્રમ પોતાના મહેલમાં સજજ થઈને બેઠો.
જ્યારે વૈતાળને ખબર પડી કે નગરમાં કોઈ નવો રાજા થયો છે, એટલે તે તરત ખાઉં ખાઉં કરતો નગર તરફ આવ્યો. પણ રસ્તામાં તેને ખાવા-પીવાની મજા પડી ગઈ. તે ખાવાનું ખાતો ખાતો, કસ્તુરી અને ફૂલોની સુગંધીથી ખુશ થતો, મદિરા અને મધ ગટગટાવતો મહેલ તરફ પગલાં ભરવા લાગ્યો. તે માર્ગમાં ઠેર ઠેર ગોઠવેલ વ્યવસ્થાથી ખૂબ પ્રસન્ન થયો. છેવટે તે મુખવાસ ખાતો ખાતો રાજમહેલમાં પ્રવેશ્યો, ત્યારે તેના મુખ ઉપર ક્રોધને બદલે ઉલ્લાસ છવાયેલો હતો.
વિક્રમ રાજાએ તેને આવકારી તેનો ભક્ષ બનવા તૈયારી બતાવી. વૈતાળે કહ્યું: “હે રાજા! તારી બુદ્ધિચતુરાઈ પર હું ખુશ છું, જેથી તને જીવનદાન આપું છું. હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું, માટે તારી ઇચ્છા હોય તે માગી લે.”
વિક્રમ બોલ્યા: “તમે કોણ છો? તમારી શક્તિ વિશે જણાવો, જેથી હું વર માંગી શકુ.”
વૈતાળે કહ્યું : “હે રાજન! હું વીર વૈતાળ છું. હું બાવન વીરોનો અગ્રેસર છું. હું ધારું તે કરી શકું છું. હું ધારું તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળલોકમાં જઈ શકું છું. હું અદેશ્ય સ્વરૂપે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુમાં પ્રવેશી શકું છું. હું ભૂત, ભવિષ્ય અને વર્તમાન આમ ત્રણેય કાળની પરિસ્થિતિ જાણી શકું છું. હું જેના પર પ્રસન્ન થાઉં છું. તેને સંકટ સમયે મદદ કરું છું. આમ, મારી શક્તિની કોઈ મર્યાદા નથી.”
વિક્રમ રાજાએ કહ્યું: “હે વીર વૈતાળ! પ્રથમ તો મારું આયુષ્ય કેટલું છે તે જાણી લાવો.”
થોડી વારમાં વેતાળ અદેશ્ય બની બ્રહ્માજી પાસે ગયો અને પછી વિક્રમ રાજા પાસે આવીને બોલ્યો: “હે રાજન! તારું આયુષ્ય એકસો પાંત્રીસ વરસ, સાત મહિના, દશ દિવસને પંદર ઘડી છે.”
ઠીક છે ! વિક્રમ રાજાએ કહ્યું: હવે તમે મારા આયુષ્યમાંથી એક દિવસનો વધારો કે એક દિવસનો ઘટાડો કરીને આવો.
વૈતાળ બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજીને આ પ્રમાણે કરવા માટે અરજ કરી. આ સાંભળી તેઓ હસીને બોલ્યા: “કોઈપણ મનુષ્યના આયુષ્યમાં વધઘટ થઈ શકતી નથી, આ કાર્ય શક્ય નથી.”
વૈતાળ વિક્રમ રાજા પાસે આવ્યો અને બોલ્યો : “હે રાજન! તારા આયુષ્યમાંથી એક પળ પણ ઓછી કે વધી શકે તેમ નથી.”
આથી વિક્રમ રાજા તેના પર ગુસ્સે થઈને તેની ચોટલી પકડી તેને કાપવા માટે મ્યાનમાંથી તલવાર કાઢીને બોલ્યા : “મારુ આયુષ્ય તારાથી કે કોઈનાથી ઘટી શકે તેમ નથી, તો પછી મને તારી શી બીક ! તું મારો વાંકો વાળ પણ કરી શકે તેમ નથી. તું મારી પ્રજાને ફાવે તેમ કનડી રહ્યો છે. ગમે તેને મારી નાખે છે. માટે તારા જેવા પાપીના પ્રાણ નહિ લઉ તો તું જગતમાં બહુ ઉત્પાત મચાવીશ, માટે હું તારા પ્રાણ લઈશ”
આ સાંભળી વૈતાળ બે હાથ જોડી બોલ્યો : “હે રાજન ! તમે મારી ચોટલી પકડી છે, આથી હું તમારે શરણે થાઉં છું. હું હંમેશ અદશ્ય સ્વરૂપે તમારી આસપાસ રહી રક્ષણ કરીશ અને ગમે તેવા સંકટ સમયે હું તમારી સમક્ષ હાજર થઈશ”
વિક્રમ રાજાએ વૈતાળની ચોટલી છોડી દીધી. પછી વૈતાળ અદૃશ્ય થઈ ગયો. વિક્રમ રાજાએ પોતાની બુદ્ધિ ચતુરાઈથી મહાયક્ષ વીર વૈતાળને વશ કર્યો.
બીજા દિવસે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે વિક્રમ રાજાએ વીર વૈતાળને જીત્યો છે. તેનાથી પ્રજામાં આનંદ વ્યાપી ગયો. વિક્રમ રાજાએ પોતાના ભાઈ પ્રભવને પ્રધાન બનાવ્યો. બંને ભાઈઓ મહેલમાં સાથે રહેવા લાગ્યા.
થોડા દિવસો બાદ બંને ભાઈઓ ઋષિના આશ્રમે ગયા અને બધી હકીક્ત જણાવી. ઋષિના આશીર્વાદ લઈ, તેમની માતાઓને લઈને પોતાના રાજ્યમાં તેઓ પાછા ફર્યા. હવે બધા સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા.
વનિતા નામની પૂતળીએ પોતાની વાર્તા પૂરી કરતાં રાજા ભોજને જણાવ્યું : “હે રાજન ! વિક્રમ રાજા આવા વીર અને બુદ્ધિશાળી હતા. આ સિંહાસન તેમનું છે. તેમના જેવા ગુણવાળો રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે.”
આમ કહી પૂતળી સડસડાટ કરતી ઊડીને આકાશમાર્ગે જતી રહી.
Also Read :