5 Gujarati Balgeet Lyrics, ગુજરાતી બાળગીત-પ્રકૃતિ ગીત, ગુજરાતી બાળગીત Lyrics, નવા બાળગીત, બાળગીત લખેલા pdf, અભિનય ગીત ગુજરાતી, બાળગીત pdf, Gujarati Balgeet.
5 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પ્રકૃતિ ગીત) (1 To 8)
1. પંચરંગી પાંખ
પંચરંગી પાંખ મને આપને પતંગિયા
ફૂલડે ફૂલડે મારે ફરવું છે
મીઠો ગહેકાટ મને આપને પતંગિયા
સીમ ભરી મારે ગહેકવું છે
ટહુકો મધુર મને આપને કોયલબેન
કંઠનાં કામણ મારે કરવાં છે
ચમકતા ચાંદલિયા તેજ મને આપને
જગને શીતળતા આપવી છે
સૂરજદાદા મને શીખવો પ્રકાશતા
દુનિયાને અંધારેથી દોરવી છે
2. શાને આ રંગ જુદા જુદા
શાને આ રંગ જુદા જુદા (૨)
નિત-નિત ખીલતાં ફૂલડાં નવરંગી
ઓલી ધરતીના રંગ જુદા જુદા (૨)
શાને આ રંગ…
કોયલનો રંગ કાળો, કંઠ છે સોહામણો
ઓલા મોરલાના રંગ જુદા-જુદા
શાને આ રંગ…
ચાંદાનો રંગ જુદો, સૂરજનો રંગ જુદો
ઓલા આભલાના રંગ જુદા-જુદા
શાને આ રંગ…
દુનિયાને રંગનાર કેવો રંગીલો
જેણે ઢોળ્યા છે રંગ જુદા-જુદ
શાને આ રંગ…
3. ડુંગરાની પેલે પાર
મા મારે ડુંગરાની પેલે પાર જાવું છે
ખળખળતાં ઝરણાં ને કલવરતાં પંખીડાં
પેલા હંસલાનો ભાઇબંધ થાઉં.
મા મારે…
આસોપાલવને આંબાના ઝૂંડમાં
મારે કોયલના કંઠે ગીત ગાવું
મા મારે…
ચાંદા સૂરજને તારલા સંગાથે
મારે દુનિયાનો દીપક થાવું
મા મારે…
કાળી અંધારી મેઘલડી રાતે
મારે ઝળળહતો દીવડો થાવું
મા મારે…
4. એક તપસી
એક તપસીનો બોલ મને વ્હાલો જી રે,
રંગે ચાલો, સંગે ચાલો
હવે ગામડાંને મારગ હાલો જી રે
રંગે ચાલો…
ભરી ભરી ભોમકા આજ રૂડી મલકે, મેહુલિયે કીધી મેર,
સારીએ સીમ આજ સોનાથી છલકે, લોકો લીલા લહેર,
રંગે ચાલો…
મારગમાં ઝૂલે ઝાડોના ઝૂંડો, નિર્મળ નદીઓનાં નીર
હાલો નિહાળવા એવા રૂપાળા, લોકોનાં હૈયાના હાર
રંગે ચાલો…
બેસી રહેનારાનું રહે છે બેસી, સૂતાનું સર્વસ્વ જાય
હાલે તેનું ભાગ્ય હાલે સંગાથે, હાલોને ગામડે ભાઇ
રંગે ચાલો…
બેસી રહ્યું જોર કળિયુગનું જામે, આપ્યો છે સંત આદેશ
રંગે ચાલો…
ચાલી ચાલીને સતયુગ આણીએ, ચાલો જગાડી એ દેશ
રંગે ચાલો…
5. ગામડાનું ગીત
ગામડાનું ગીત આજ ગાવું હો ભાઇ મારે
ગામડાનું ગીત આજ ગાવું (૨)
વહેલી સવારમાં હળ જોડી
મારે નિતનિત ખેતરે જાઉં
છાશની દોણીને રોટલાનું બટકું
બપોરે છાંયડે ખાવું
ગામડાનું…
વરસ્યા છે મેહુલા ટહુકયા છે મોરલા
સોનલ વરણી થઇ સીમ
ગામડાનું…
જુવાર બાજરીનાં ડૂંડાં લચકે
પસીને રેબ જેબ તમે.
દૂધ દહીં માખણના ભંડારો ભરીઆ
વહેતી આનંદની રેલ
કૂવાને કાંઠડે કિચૂડ કિચૂડ કોસ સર્યા
શ્રમ કરી ખેડતું રહેવું
ગામડાનું……
6. મારવાડ જાજો
તમે એકવાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મોતીડાં લાવજો રે મારવાડા
તમે ઓલું લાવજો, પેલું લાવજો,
પાન સોપારી પાનનાં બીડાં
એલચી દડો, હોકે પેલું કચકડાની ડાબલી
લાવજો રે મારવાડા….
તમે એકવાર સોરઠ જાજો રે મારવાડા
તમે સોરઠથી સાવજ લાવજો રે મારવાડા
તમે એકવાર….
તમે એકવાર હાલાર જાજો રે મારવાડા
તમે હાલારથી હાથીડા લાવજો રે મારવાડા
તમે એકવાર….
તમે એકવાર ઘોઘા જાજો રે મારવાડા
તમે ઘોઘાથી ઘોડલા લાવજો રે મારવાડા
તમે એકવાર….
તમે એકવાર પાટણ જાજો રે મારવાડા
તમે પાટણથી પટોળાં લાવજો રે મારવાડા
તમે એકવાર….
7. પેલી વાદળી
પેલી વાદળી
ઘડીમાં થઇ જાય મોટો ઐરાવત હાથી
ઘડીમાં થઈ જાય નાની ડોલર કાઠી
પેલી વાદળી…
પૂનમ પ્રકાશને રુંધી એ રાખતી
ત્યારે તો થાય મને મને ટાળી
પેલી વાદળી…
કિન્તુ શ્રાવણમાં એ ઝરમર આવતી
ત્યારે મને લાગે મધમધતી ગળી
પેલી વાદળી…
રૂડી રૂપાળી જાણે રાજાની કુંવરી
મારી મોંઘેરી છે બહેનાં વળી
નૈ રે માનો એ મને જયારે નિશાળે જાઉં
ત્યારે અચૂક જતી પંથે મળી
પેલી વાદળી…
8. ચાંદલો ન્હાય
ચાંદલો જમુનાના જળમાં ન્હાય (૨)
વૃક્ષ ડાળે સંતાતી સમીર લ્હેરે મસ્તાની
નીરખીને દૂર નાસી જાય
ચાંદલો…
રમતિયાળ તારલાની સાથે પેલી જયોત્સ્ના
એવી રે એકઠી થાય
ચાંદલો…
શ્યામ થઈ કાલિન્દ્રી કાળી નાગ વિષ
શ્વેત સુધાકર સ્નાન કરે પૃથ્વી
આજ જમુનાજી ગોરાં ગોરાં થાય
ચાંદલો…
વચમાં છે વિષ સખી કાલિન્દ્રી કેરાં
ચાંદલે રહી ગયા ડાઘ એના ઘેરા
સુધાકર સુંદર કહેવાય
ચાંદલો…
5 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પ્રકૃતિ ગીત) (9 To 16)
9. વિકટ વનોમાં
વિકટ વનોમાં ને ખીણોમાં
ઝરતું તું ઝરણું
ઝટપટ ઝટપટ દોડી જાતું
જાણે કો હરણું
ઝાડોના ઝૂંડોને જોતું
જંગલની કુંજોને જોતું
ગુફા ઘોરને ખીણો જોતું
ગિરિ ગિરિ એ ગાતું ગાતું
આનંદે સરતું
ઘડીકમાં પંથ બદલતુ
ક્યાંક તું રખડતું
થાકી જઇને છેવટે શાને
સરિતાને મળતું?
10. આવજે પવન
આવજે પવન !
ધીમે, ધીમે, ધીમે ધીમે આવજે પવન
ચૂંદડી અમારી ઊડી ઊડી જાય-૧
કેસરિયા રંગની ચૂંદડી અમારી,
જાણે સંધ્યાની ઊઘડતી બારી,
મંદ મંદ, મધુર ગીતો ગાજે પવન…ચૂંદડી
ઝૂમે છે ફૂલડાં ને ઝૂમે છે ડાળીઓ,
ફરફરતાં પાંદડાંઓ, પાડે છે તાળીઓ,
મલકંતી માલતી રિઝાવજે પવન…ચૂંદડી
તારો મધુર સૂર, ડુંગરાની ધારે,
મસ્ત બની ઘૂમતો, નદીઓના આરે,
કોયલનો કંઠ તું સુણાવજે પવન…ચૂંદડી
રંગ નહીં, અંગ નહીં, તું તો દેખાય નહીં,
તારાં રે ગીતથી, હૈયું ધરાય નહીં,
ફૂલોની સુરભી ફેલાવજે પવન,
ચૂંદડી અમારી ઊડી ઊડી જાય.
11. વગડાની સહેલગાહે
વગડાની સહેલગાહે જાશું ભરુડાં મારા
વગડાની સહેલગાહે જાશું
ઊંચા ડુંગરિયાની ઊંચી કોર ધારે
ભેગા મળીને ગીત ગાશું
મેહુલિયાની કોઇ આવે જો વાદળી
હરખી હરખીને સૌ નાશું
ભેરુડા મારા…
ઊડતાં પતંગિયાની સાથે સૌ દોડશું
બહાદુર વીરો બની જાશું
આવે જો બથમાં કોઇ પતંગિયું તો,
પાંખો ખોલીને રંગ જોશું
ભેરુડા મારા…
વગડામાં ખીલતાં ફૂલડાં નવરંગી
ભમરા બનીને નાચ કરશું
રૂપાળાં ફૂલડાંની માળા બનાવી
મનડામાં ખૂબ મલકાશું
ભેડા મારા…
12. ગગનના તારા
ઝગમગતા ગગનના તારા,
ફેરકુદરડી ફરતા તારા.
સાતતાળીઓ રમતો ચાંદો,
આસપાસ વીંટળાતા તારા.
કાળી ભમ્મર રાતે આભે,
મલક મલક મલકાતા તારા
પૂનમની અજવાળી રાતે,
ચાંદાથી ઝંખવાતા તારા.
ઊઠી સવારે જોઉં આભે,
વાદળમાં સંતાતા તારા.
13. પેલા વાયરા આવે
પેલા વાયરા આવે ને સંદેશો લાવે
વાલો વસંતરાજ આવે છે (૨)
અધીરી થાતી ધરતી કાજે
હરિયાળી ઓઢણી લાવે છે (૨)
વનવનમાં કોકિલ ગૂંજે
રસ નિતરતાં ગીતો સૌનાં
ચિત્તમાં ચેતન જગાડે છે
વાલો વસંતરાજ આવે છે
પેલા વાયરા…
ચારે કોરે ફૂલ સુગંધી
પતંગિયાં ઊડતાં પચરંગી
દુનિયા દિશે રંગબેરંગી
રંગ રંગીલા લાવે છે
વાલો વસંતરાજ આવે છે
પેલા વાયરા…
અબીલ – ગુલાલ લઇ આવ્યો છે ફાગણિયો
રાધાની સંગે ખેલે શામળિયો
રંગભરી પિચકારી લઇને
હોળીના દિવસો આવે છે
વાલો વસંરાજ આવે છે.
પેલા વાયરા…
14. ઓગાયોના ગોવાળ
ઓ ગાયોના ગોવાળ તારી બંસરી બજાવ
બંસરી બજાવ મીઠો મોરલો નચાવ
ગાયોના…
ઘેરી ઘેરી વાદળીને ઘેરા ઘેરા સૂર
ઘેરા ઘેરા સૂરથી તું ગગન ગજાવ
ગાયોના….
ઘેરી ઘેરી કુંજમાં ઘેરા ઘેરા વૃંદ
ઘેરા ઘેરા વૃંદમાં તું ગોપીઓ નચાવ
ગાયોના….
ટહૂકે ઢેલડિયોને મેના કોયલિયાં
કોયલને કંઠડે તું સંગીત નચાવ
ગાયોના…
15. અજવાળી રાત
છોકરાં રે સાંભળજો વાત,
આવી છે અજવાળી રાત.
રાતે તારા ટમકે છે,
વચમાં ચાંદો ચમકે છે!
ચાંદો ઊગ્યો ચોકમાં,
રાણી બેઠી ગોખમાં.
ગોખે તો સોનાનાં બોર,
માથે બેઠા બોલે મોર !
મોર કરે છે લીલાલ્હેર,
ટહૂકા કરતો ચારે મેર.
મે’ર કરી ત્યાં મેવલે,
પાણી આવ્યાં નેવલે !
નેવે બેઠા બોલે કાગ,
કાકા લાવ્યાં મીઠો ભાગ.
કાજુ, બદામ ને રેવડી,
છોકરાંને બહુ મજા પડી.
16. શીતળ વાયરા
શીતળ શીતળ વાયરા વાયા.
બા તું શાલ ઓઢાડ (૨)
થર થર કંપે કાયા અમારી
ડગડગ થાતી દાઢ (૨)
કે આવી શિયાળાની ટાઢ (૨)
હિમાળો ઓગળ્યો ને
ગરમીને તાપ ગયાં (૨)
ગરમ ગરમ વસ્ત્રો પહેર્યાં
તાપે ધ્રુજતાં જ રહ્યાં
સ્વેટર, મફલર, મોજાં કાઢમાં
બા તું બંડી કાઢ (૨)
આવી શિયાળાની…
રાતલડી લાંબીને દિવસો ટુંકાયા જાય (૨)
સોડ સંતાવું ગમે બારે ના આવવું ગમે (૨)
બારીઓ તો બા બંધ કરી દે,
કરી દે બંધ કમાડ, આવી શિયાળાની…
શીતળ શીતળ વાયરા વાયા.
5 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પ્રકૃતિ ગીત) (17 To 24)
17. મહેંકે ચાંદો
ગગન ગોખમાં ઊગતો ચાંદો,
આભે સંતાકૂકડી રમતો ચાંદો.
પહાડની ટોચે ચમકે ચાંદો.
ઝાડની ડાળે ઝૂલતો ચાંદો,
શિવ-જટાએ શોભે ચાંદો,
પાણીમાં જઈ તરતો ચાંદો.
નવલખ તારાના લશ્કરનો,
નેતા થઇને રહેતો ચાંદો.
પક્ષે વધતો પક્ષે ઘટતો,
રાતરાણીથી મહેંકે ચાંદો.
ચાંદાને જોઇ દરિયો ઘૂઘવે,
રશીદ બનીને ફરકે ચાંદો.
18. ફોરાં વરસાદનાં
અમે ફોરાં વરસાદનાં ઝીલીએ રે..
અમે પડતા વરસાદમાં ન્હાઇએ રે…
અમે ન્હાઇએ ને પાણી ઉડાડીએ રે…
અમે કાગળની હોડીઓ બનાવીએ રે…
અમે હોડીઓ તરાવવા મૂકીએ રે…
અમે ફોરાં વરસાદનાં…..
અમે માટીના ડુંગરા બનાવીએ રે…
અમે ડુંગરા બનાવીને તોડીએ રે…
અમે ફોરાં વરસાદનાં…..
અમે માટીના લાડવા બનાવીએ રે…
અમે લાડવા બનાવીને તોડીએ રે…
અમે ફોરાં વરસાદનાં…..
અમે તાતા, થનક.. થૈ નાચીએ રે…
અમે હા…. હા ને હી… હી કરીએ રે.
અમે ફોરાં વરસાદનાં…..
19. થાળી જેવો થઈને
ઊંચે ઊંચે આભમાં,
તારાઓની સાથમાં.
ફેરફૂદરડી ફરતો’તો તો,
લઇ અંધારું બાથમાં.
કયારે નાનો, કયારે મોટો,
થાતો વાત – વાતમાં.
સંતાકૂકડી રમતા શેરી,
અજવાળી એ રાતમાં.
રાત અંધારી આવે ત્યારે,
કહેતો સૌને કાનમાં.
આવું છું અજવાળી રાતે,
મોટો થઇને સાનમાં.
થાળી જેવો થઇને ચાંદો,
રમતો તો ચોગાનમાં.
20. ચાંદલિયો આવ્યો
ચાંદલિયો આવ્યો
અજવાળાં લાવ્યો
ચાંદની રે તું અહીંયા આવ
ચાંદલિયો…..
મેઘરાજ આવ્યા
ગડગડાટ લાવ્યા
વીજળી રે તું અહીંયા આવ
ચાંદલિયો…..
સરિતા એ આવી
ખળખળાટ લાવી
નાવડી રે તું અહીંયા આવ
ચાંદલીયો…..
સંધ્યારાણી આવ્યાં
અંધકાર લાવ્યાં
ઉષારાણી રે તું અહીંયા આવ
ચાંદલીયો….
21. સૂરજદાદા
ઊંચે ઊંચે જોઉં જયાં,
ધીરે ધીરે આવે ત્યાં.
ભાળું નાની આંખમાં,
દાદા સૂરજ રોફમાં.
ધીમે ધીમે તપતા જાય,
કૂમળાં ફૂલ ખીલતાં જાય.
ઝાડ, પાનને છોડવા,
મંડયા તાપે ડોલવા.
વાગે છે ધડિયાળે બાર,
લાગે છે દાદાનો ભાર.
દાદા ગુસ્સે થાતા બહુ,
પરસેવેથી રડતા સહુ.
સાંજે રમતા શેરીમાં,
દાદા જાતા દેરીમાં.
ચાંદો-તારા આવે બહાર,
ચાંદો થાતો ઠંડોગાર.
22. સૂરજના છડીદાર
અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર
સૂરજ આવે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર
આગે ચાલું છડી પોકારું
પ્રકાશ-ગીત ગાનાર…અમે
નીંદરને પારણિયે ઝૂલે
ધરા પડી સૂનકાર
ઊંઘ ભરેલાં સર્વ પોપચે
જાગૃતિ રસ પાનાર…અમે
પ્રભાતના એ પ્રથમ પ્હોરમાં
ગાન અમે ગાનાર
ચાર દિશાનાં મન જગાવી
જગને જગાડનાર…અમે
23. સોનેરી તળાવ
કેવો દાદાની આંખોનો ભાવ છે !
મારા ગામનું સોનેરી તળાવ છે.
ભીનો લીલેરો ટેકરીનો ઢાળ છે,
મારા ગામનું સોનેરી તળાવ છે.
બેં બેં – મે મે નો કાંઠડે પડાવ છે,
બોરાં જાંબુ ખાવાનો મીઠો લ્હાવ છે,
મારા ગામનું સોનેરી તળાવ છે.
ન્હાતાં છોરાં કેરો પકડદાવ છે,
મારા ગામનું સોનેરી તળાવ છે.
હેતે છલકાતી બ્હેની જેવી વાવ છે
મારા ગામનું સોનેરી તળાવ છે.
આખું ગામ જાણે લાંગરેલી નાવ છે,
મારા ગામનું સોનેરી તળાવ છે.
24. ઝરણું
કલકલ કલકલ ગાતું ઝરણું
ખળભળ ખળભળ વહેતું ઝરણું
ડુંગરથી દડદડતું ઝરણું
વાકુંચૂકું થાતું ઝરણું
આગળ આગળ જાતું ઝરણું
ઊછળતું – પછડાતું ઝરણું
હરતું ફરતું તરતું ઝરણું
બાળક જેવું કૂદતું ઝરણું
નદી નાળાં જોઇ ઝરણું
સંતાકૂકડી રમતું ઝરણું
શ્વેત સુંવાળું કેવું ઝરણું
પરપોટાના જેવું ઝરણું
નદી સાથે ભળતું ઝરણું
મહાસાગરને મળતું ઝરણું!!
5 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પ્રકૃતિ ગીત) (25 To 33)
25. નદી
ડુંગરદાદાની દીકરી,
રૂમઝૂમ કરતી નીસરી.
વાંકી ચૂકી વહેતી જાય,
વાંક વળાંક લેતી જાય.
ઢાળ પ્રમાણે ઢળતી જાય,
આગળ આગળ ધપતી જાય.
એકબીજાને મળતી જાય,
વનવગડાને વીંધતી જાય.
ગામ ગામતરે ફરતી જાય,
ખેતર પાદર ગણતી જાય.
સીમ સીમાડા કરતી જાય,
ઉનાળે ઊણી થઇ જાય.
ચોમાસે છલકાતી જાય,
પહોળે પટ પાથરતી જાય.
તરસ્યાને પાણીડાં પાય,
નાવણ ધોવણ કરાવતી જાય.
રમણ રેતીમાં રમતી જાય,
ઝીણું ઝીણું ગાતી જાય.
એને કાંઠે ગામ છે,
નદી એનું નામ છે.
26. નદી – કિનારે
નદી-કિનારે મારું ગામડું
જાણે ગોકુળિયું ગામ રળિયામણું
નદી…
વહેલી સવારે ઘૂમે ઘમ્મર વલોણાં,
જાણે ઝાંઝરિયું ઝમકે રળિયામણું
નદી…
આ કોરે શંકર ને ઓલી કોરે રામજી,
વચ્ચે માડીનું મંદિર સોહામણું
નદી…
સાંજ પડે બાળકો રેતીમાં રમતાં,
જાણે બાલમંદિરિયું રળિયામણું
નદી…
27. મહાસાગર
ઊંડો ઊંડો ગજબ ઊંડો
માણસ ડૂબે, ઘોડા ડૂબે
ઊંચા ઊંચા ઊંટ ડૂબે
હાથી જેવા તૂત ડૂબે
કિલ્લાની કિનારી ડૂબે
મહેલના મિનાર ડૂબે
તાડ જેવા ઝાડ ડૂબે
મોટા મોટા પહાડ ડૂબે
ગાંડો થઇને રેલે તો તો
આખી દુનિયા
જળબંબોળ, જળબંબોળ
28. સાગર રાજા
હુંનદીઓનો રાજા,
મૂકું ના હું માઝા.
ઉછાળી હું મોજાં મોટાં,
વગડાવું છું વાજાં.
મગર-મચ્છ ને માછલી,
રાખું ઉરમાં ઝાઝાં
શંખ-છીપલાં, કોડી, કચરો,
કાંઠે લાવું ઝાઝાં.
હરવા – ફરવા આવે રોજ,
લોકો બનવા તાજાં.
નાની મોટી નદીઓ કહેછે,
મુજને સાગર રાજા.
29. દરિયો
દરિયાનાં મોજાઓ ઊછળ્યાં કરે,
મોજાંથી દરિયો ઊછળ્યાં કરે.
હૈયાનાં હેત અને હોંશથી છે,
દરિયા ને મોજાંની દોસ્તી છે.
દરિયો આકાશ પૂછયા કરે,
દરિયાની આંખ લૂછયા કરે.
આકાશની પાસે વાદળ – રૂમાલ,
દરિયા આકાશની કેવી કમાલ.
દરિયા પર નાવ એક તરતી રહે,
જળમાં એ જળ જેમ સરતી રહે.
દરિયાને સાગર ને સમંદર કહેવાય,
દરિયાના કાંઠાને બંદર કહેવાય.
30. સાગરને તીરે
સાગરને તીરે ખેલે નાનકડો વીર
ચણતો એ દેરીયું થઇને ગંભીર…સાગરને
વીરાની દેરીને પચાસ પગથિયાં,
વચમાં પૂર્યાં છે પંચરંગી સાથિયા,
ધોળી ધજા ફરકે દેવને મંદિર…સાગરને
રેતીમાં ચણતો મહેલ ને મિનારા,
ચળકંતી કાંગરીના શોભે કિનારા,
ઊછળતાં મોજાંનું સૂણતો સંગીત…સાગરને
આથમતી સંધ્યાના રંગોએ રાચતો,
ગોળ ગોળ ઘૂમી ઘૂમી આનંદે રાચતો,
નિત નવા ખેલ કરે સાગરને તીર…સાગરને
31. તારે મેહુલિયા
તારે મેહુલિયા કરવા તોફાન,
અમારા લોકોના જાય છે જાન !
મંડયો તે મંડયો, તું મુશળધાર,
કેવી રીતે મારે જાવું નિશાળ?
ચંપલ મારી છબ છબ થાય,
ધોયેલી લેંઘી મારી બગડી જાય.
અવળા ને સવળા વાયરા વાય,
ઓઢેલી છત્રીનો કાગડો થાય !
કેળાના છોતરે લપસી જવાય,
ત્યારે તો ભાઇ મને ! શું શું થાય !
હું યે મેહુલિયો, રમવાને જાઉં,
ભૂખ્યો થતો ને ઘેર આવી જાઉં,
ના જાઉં તો બા, બોલાવી જાય,
પકડાઉ ના તો, પૂછી જાય.
તારું મેહુલિયા કયું છે ગામ?
તારા બાપુજીનું શું છે નામ?
ઘણા દાહાડાથી આવ્યો છે અહીં,
કેમ તારી બા તને લઇ જાય નહિ?
32. રિમઝિમ
રિમઝિમ રિમઝિમ વરસી ફોરાં,
ધરતી પર તો આવ્યાં છે.
કોણે આ ફોરાંના પગમાં,
ઝાંઝરિયાં પહેરાવ્યાં છે !
થાય મને કે દોડી દોડી,
આંગણમાં જઇ આવું હું.
સાવ ટબૂકલાં એ ફોરાંને,
ખોબામાં લઇ આવું હું.
કોણ દેશથી આવે ફોરાં?
કોણ દેશ એ જાશે જી.
ઝળહળ ઝળહળ સૂરજ-તેજે,
મરક મરક મરકાશે જી.
કોણ તને મોકલતું ફોરાં?
કોણ તને બોલાવે છે?
અલક મલકથી આવી પાછું,
અલક મલક તું જાવે છે !
33. મેહુલો આવ
આવ રે, મેહુલા આવ,
મેહુલા અષાઢના રે,
ઘેરી ઘેરી વાદળી જળે ભરી રે,
વરસી ઝરમર જાય…મેહુલા.
ઝબકે ઝબઝબ વીજળી રે,
વાદળ ધમધમ થાય…મેહુલા
નદીએ પાણી રેલશે રે
ધરતી ડૂબ ડૂબ થાય…મેહુલા.
ખેતર ખેડૂત ખેડશે રે,
કપાસ ને કણ થાય…મેહુલા.
Also Read :
ગુજરાતી બાળગીત |
ગુજરાતી બાળવાર્તા |
બત્રીસ પૂતળીની વાર્તાઓ |