6 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-ઋતુ ગીત)

6 Gujarati Balgeet Lyrics
6 Gujarati Balgeet Lyrics

6 Gujarati Balgeet Lyrics, ગુજરાતી બાળગીત-ઋતુ ગીત, ગુજરાતી બાળગીત Lyrics, નવા બાળગીત, બાળગીત લખેલા pdf, અભિનય ગીત ગુજરાતી, બાળગીત pdf, Gujarati Balgeet.

6 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-ઋતુ ગીત) (1 To 10)

1. આવો મેઘરાજા વગડાવો વાજા

આવો મેઘરાજા વગડાવો વાજા

પી.. પી.. પી.. પી. પોમ પોમ (૨)

મુશળધાર મુશળધાર

વરસે છે પાણીની ધાર (૨)

સરરર… સરરર… સોમ… સોમ….(૨)

આવો મેઘરાજા વગડાવો વાજા(૨)

રેલમછેલ, રેલમછેલ

નદી, નાળાં, રેલમછેલ (૨)

છલબલ.. છલબલ.. છેમ છોમ

આવો મેઘરાજા વગડાવો વાજા(૨)

નાચે મોરને બાજે ઢોલ (૨)

આનંદમાં કરે કિલ્લોલ

હૂમક.. ઠૂમક.. હૂમ.. ઠૂમ…(૨)

આવો મેઘરાજા વગડાવો વાજા(૨).

2. સરર…. કરતી ઠંડી લાવ્યો

સરર…. કરતી ઠંડી લાવ્યો

આવ્યો શિયાળો, આવ્યો શિયાળો

ખૂબ મજાના દિવસો લાવ્યો

આવ્યો…

ચારે બાજુ ધુમ્મસ છાયે

આજુ બાજુ ના દેખાય

ખૂબ મજાના…..આવ્યો…

અડદિયાતો બહુ બહુ ભાવે

ખાવા – પીવાને ખેલ ખેલવા

ખૂબ મજાના…આવ્યો…

વનમાં બાવે ધૂણી ધખાવી

ઘરમાં સહુ સગડી સળગાવે

ખૂબ મજાના…આવ્યો…

3. આવ્યો શિયાળો ઠંડી લઈએ

આવ્યો શિયાળો ઠંડી લઇએ (૨)

ગોદડિયાળી બંડી લઈએ (૨)

આવ્યો ઉનાળો ગરમી લઇને (૨)

આઈસ્ક્રીમ કેન્ડી સરબત લઇને (૨)

આવ્યું ચોમાસુ વરસાદ લઇને (૨)

રેઇનકોટ ટોપી છત્રી લઇને (૨)

4. વસંત આવી વસંત આવી

વસંત આવી વસંત આવી,

નવજીવનનો રંગ લાવી,

આવી આવી વસંત આવી,

મનગમતી એ મસ્તી લાવી,

વૃક્ષો ફૂલ્યાં ફૂલો ખીલ્યાં,

હસતાં-હસતાં ઝરણાં ખીલ્યાં,

પર્વતો સઝયા ઉપવનો હસ્યાં,

ચો તરફ સહુ વનચરો નાચ્યાં,

સૌ પ્રફુલ્લ બને આજે વસંત ઉપવન કાજે

વસંત…

વસંત આવી વસંત આવી

દિલડે દિલડે ગુંજન લાવી

આવી આવી વસંત આવી

મનડે મનડે ડોલન લાવી

કોયલ ટહુકે મેના રણકી

વાયુ ઝબકે રાગીણી પ્રસરી

ઉષા બહેકી સંધ્યા વિલસી

સુપ્ત માનવ મેદની જાગી

કાન જાગે સૌ હૈયા આજે વસંત ઉપવન કાજે

વસંત…

વસંત આવી વસંત આવી

રોમે -રોમે પ્રાણ લાવી

જાગૃતિનો સંદેશ લાવી

વસંત..

5. પાણીની પોઠ ભરી આયો મેહુલિયો

પાણીની પોઠ ભરી આયો મેહુલિયો

પાણીની પોઠ ભરી આયો

સાગરના જાયાને વાયરે વીંઝાવ્યો

ઓલી ધરતીએ ગોદમાં છૂપાવ્યો..(૨)

આકાશી મેહુલાને મોરલે બોલાવ્યો

ઓલી ઢેલડીયે રંગરસ પાયો…(૨)

કાળા રંગ વાદળીના હૈયા મલકાવતો

એ તો જીવનનો રાસ રમી જાણ્યો…(૨)

6. ઝરમર ઝરમર મેહુલો આવ્યો

ઝરમર ઝરમર મેહુલો આવ્યો

હે જી આજ મેહુલો આવ્યો

ધરતીએ તપ કર્યાં તાં, જીવોએ જપ કર્યાં તા

મે આઉં મે આઉં (૨) મોરે બોલાવ્યો

નદીઓનાં નીર ખૂટયાં તાં, વનેવન સાવ સૂકયાં તાં

ડરાઉં.. ડરાઉં.. (૨) દેડકારાજે બોલાવ્યો

થયું બધે પાણી પાણી આનંદની આજ ઊજાણી

છમ લીલોછમ… (૨) મોલ ઉગાડયો…

7. આયો.. રંગ રસિયો ફાગણ

આયો… આયો…રે રંગ રસિયો ફાગણ આયો રે

ફાગણ આયો પ્રાણ ભરાયો,

થનગન – થનગન નાચ નચાવે રે,

હે… રંગભર ફૂલ લાયો રે,

રંગરસિયો ફાગણ આયો રે

અબીલ – ગુલાલ ગગનમાં છાયો,

વાલી વસંતને સાથે લાયો,

હે.. અંગે અંગે રંગ લાયો રે,

રંગરસિયો…

વનવગડાને નવીન ફરતો (૨)

ડાળે ડાળે ફૂલડાં ભરતો (૨)

હે.. ઋતુઓનો રાજવી આયો રે…

રંગરસિયો ફાગણ આયો રે…

6 Gujarati Balgeet Lyrics
6 Gujarati Balgeet Lyrics

8. ઓલા સાવનકેરા મેહુલિયા તારા ધીમે ધીમે ગીત આ

ઓલા સાવનકેરા મેહુલિયા તારા ધીમે ધીમે ગીત આ

નાવે મારા નાવલિયા (૨)

પેલી વાદળીઓના વીર, જો ને આભ સામે જોઇ

શાને આ વાયો ચમકારો,

નાવે મારા…

વાયુ વેગે વાતો આવે, મીઠી સૌરભ કયાંથી લાવે

મીઠી વાતો યાદ આવે,

નાવે મારા…

9. ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા !

ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા !

ઝંખે છે ભોમ પાણી પાણી

તું તે શું આગ એ અજાણી ..ઓ મેહુલા…

પેલાં આકાશ જાણે મૃત્યુની ખીણ પડી

સૂરજની ચેહ ત્યાં ચેતાણી..ઓ મેહુલા…

હજીયે ખડા ના ખેંચાણી ..ઓ મેહુલા…

રૂંધ્યા છે વાયરાને રુંઘી રતૂમણી

પેલી દિશાઉં ઘૂંઘવાણી ..ઓ મેહુલા…

તોયે ન પ્યાસ પરખાણી ..ઓ મેહુલા…

ઉજજડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી

સીમે આ શોક સોડ તાણી મેહુલા…

તોયે ન પ્યાસ પરખાણી ..ઓ મેહુલા…

ભાંભરતા ભેંશ ગાય પંખી ગૂપચૂપ જોય

ચાંચો ઉઘાડ… બીડાણી ..ઓ મેહુલા…

જાગી ન જિંદગી નવાણી ..ઓ મેહુલા…

મારી માનવની આંખ જોતી ક્ષિતિજે કરાળ

તારી ના એકરે એંધાણી

તારી કાં એકના એંધાણી ..ઓ મેહુલા…

ઋતુગીત

10. ધરતીનો સાદ સુણી ઓરે મેહુલિયા

ધરતીનો સાદ સુણી ઓરે મેહુલિયા

વેલો વેલો તું આવજે

ઊના ઊના વાયરા ચારે કોર વાતા

દુનિયાના લોકોથી ના એ સહેવાતા

મનગમતી વર્ષાને લાવજે

વેલો વેલો…

ઝંખે છે ભોમકાને જંગલને ઝાડવાં

સૂના છે તુજ વિના ધરતીને માંડવા

મોંઘેરા મેઘરાજ આવજો

વેલો વેલો…

આકાશે ઘનઘોર વાદળાં લાવજે

નેખરાળા વીજળીના ચમકારા લાવજે

ધરતીને હૈયે હસાવજે

વેલો વેલો…

ઝીણા ઝીણા તું તારલીયા લાવજે

આભેથી જળના ફૂવારા લાવજે

અવનીને આંગણે આવજે

વેલો વેલો …

6 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-ઋતુ ગીત) (11 To 20)

11. એક ઝરણું દોડ્યું જાતું તું

એક ઝરણું દોડયું જાતું તું

એ તો અધ્ધરથી પછડાતું તું

પછડાતું તું, અથડાતું તું

તોયે હસતું હસતું જાતું તું

એને કાંઠે પૂનમની રાત પડી

એને જોવાને ચાંદો આભે ચડે

એને જોઇને મોં મલકાતું તું

એક ઝરણું…

સીમ ગામને ખેતર પાદરમાં

હસતું – રમતું એ જાતું તું

રમતું – ભમતું ભમતું રમતું

એતો સાગરમાંયે સમાતું તું

એક ઝરણું…

એને કાંઠે પંખીડાં પાણી પીએ

એને તીરે નાનાં નાનાં બાળ રમે

નિત્ય આનંદે ઉભરાતું તું

એક ઝરણું…

12. છલબલિયા હો

છલબલિયા છલબલિયા છલબલિયા હો

આયો સાવન, આયો સાવન

ઘનઘોર ઘટા છાંયી, આયો સાવન

ગલગલિયાં ગલગલિયાં ગલગલિયાં હો કરે સાવન

ખીલી લીલી લીલી ધરતી પહેલી

જયાં જુઓ ત્યાં નાની નાની નદીઓ રેલી

સરવરિયા સરવરિયા સરવરિયા હો કરે સાવન

આયો સાવન…

છલબલિયા છલબલિયા છલબલિયા હો આયો સાવન

કરે મોર કલશોર, પહેલા ડુંગરાની કોર

રમે ફૂલડાની ફોર, આવે ઝરમરિયા હો

ઝરમરિયા ઝરમરિયા ઝરમરિયા હો

આયો સાવન…

છલબલિયા છલબલિયા છલબલિયા હો

આયો સાવન…

13. ઋતુઓ

શિયાળામાં ઠંડી પડતા, શરીર ધ્રુજી જાય

ઉનાળાનાં પડતા તાપે, પરસેવે નવાય

ચોમાસે વર્ષા વરસે ને ખેતર લીલાં થાય

ત્રણ ઋતુના મહિના ગણાતાં વરસ પૂરું થાય

શિયાળે ટાઢ, ગોદડાં કાઢ

ટાઢ, ટાઢ કરીએ નહિ,

ટાઢના માર્યા મરીએ નહિ,

ઉનાળે તાપ, પંખો આપ,

ઊની ઊની લૂ વાય,

બાબો નળની નીચે ન્હાય,

ચોમાસે પાણી, છત્રી આણી,

છત્રી છે રૂડી, કાગડો થઇને ઊડી.

14. આવ્યો શિયાળો… ઠંડી લઈને

આવ્યો શિયાળો… ઠંડી લઇને

ગોદડિયાળી.. બંડી લઇને

સુરેશભાઇએ પહેર્યું સ્વેટર,

મયુરભાઇએ બાંધ્યું મફલર,

શીલા આવી શાલ ઓઢીને

આવ્યો…

ઠંડો વાયુ વાયે સઘળે,

ડોશીમાની દાઢી ગગડે,

તાપે સહુ સગડી લઇ,

આવ્યો..

ખજૂર, ચીકી, બોર લાવ્યો,

પતંગ, માંજા, દોર લાવ્યો,

શેરડીની ગંડેરી લઇને,

આવ્યો..

15. ઋતુ ફળ

શિયાળામાં જામફળ ખાઉં

ઉનાળામાં તરબૂચ ખાઉં

ચોમાસે હું જાંબુ ખાઉં

સૌને આપી હરખાઇ જાઉં

16. શિયાળો

આવ્યો શિયાળો, આવી ઠંડી,

પહેરો સ્વેટર, મફલર બંડી.

ઊઠો વ્હેલા, દોડ લગાવો,

ઠંડી બહેનને દૂર ભગાવો.

જમરૂખ ખાઓ, બોરાં ખાઓ,

તાપણી કરતાં, બેસી જાઓ.

ચીકી ખાઓ, પતંગ ઊડાવો,

પાક્કી દોરી, પેચ લગાવો.

કરો યોગ ને કરજો આસન,

તબિયત તો થઇ જાય ટનાટન.

17. નાતાલનું ગીત

આવી નાતાલ રૂડી

આવી નાતાલ

બાળકોને ગમતી

આવી નાતાલ…..આવી…

આતો દિવાળી ખ્રિસ્તી લોકોની

ચાલો ઊજવીએ કરી મિજબાની. આવી…

સાન્તા કલૉઝ દાદા હરખાતા આવશે

બાલુડાંને માટે રમકડાં લાવશે.. આવી…

ઇશુ ભગવાનને વંદન કરીએ

પ્રેમદયાનો સંદેશ ઝીલીએ…આવી…

નવું વરસ મુબારક સહુને

મંગલ કામના એવી કરીએ….આવી…

18. બળતાં બપોરમાં

બળતા બપોરમાં,

વાતા વંટોમાં

રાયણની કોકડી ખઇ,

હાં રે અમે વનમાં ભટકતાં ભઈ !

બળતા બપોરમાં,

વાતા વંટોળમાં

કેરી કપુરિયા ખઇ,

હાં રે અમે વનમાં ભટકતાં ભઈ !

બળતા બપોરમાં,

વાતા વંટોળમાં,

ના ના ગોવાળિયા થઇ,

હાં રે અમે ગાયો ચરાવતાં ભઇ !

બળતા બપોરમાં,

વાતા વંટોળમાં

વડલાને છાંયડે જઈ!

હાં રે અમે પાવો વગાડતાં ભઇ !

19. મેહુલિયો વરસી જાય

પેલો મેહુલિયો વરસી જાય,

મારા આંગણિયે છબછબ થાય..પેલો

પિયુ પુકારે પેલું ચાતક તરસે,

જગને જિવાડવા મેહુલિયો વરસે,

વરસીને ભીંજાઇ જાય………..પેલો

ઘેરાતી વાદળીમાં વીજળી ઝબૂકે,

લીલુડી વાડીમાં મોરલા ટહૂકે,

હળ લઇ ખેડૂતો જાય…..પેલો

માળે માળે પંખી કિલ્લોલ કરતાં,

લાખ લાખ વર્ષાને આશિષ દેતાં,

થરથર હૂંફે લપાય…………..પેલો

નદી, સરોવર, તળાવ છલકે,

ગાયોના ગોવાળ આનંદે મલકે,

પાવો વગાડતા જાય…………પેલો

20. વાદળ વરસો

વાદળ વાદળ વરસો પાણી

મુજને મોજ પડે રમવાની

ઝૂમ ઝૂમ વરસો, ઝૂમ ઝૂમ વરસો

ઝીણું ઝીણું ઝરમર વરસો

મોજ પડે ફોરાં ઝીલવાની

વાદળ…

ઠંડક ઠંડક થાય મારે મન

ઠંડક ઠંડક છાપ મારે તન

જાય નાસી ગરમીની રાણી

વાદળ…

6 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-ઋતુ ગીત) (21 To 30)

21. નદી કિનારે

નદી કિનારે કરી ઉજાણી,(૨)

જલેબી પેંડા ખાધી ધાણી, (૨)

હાહા હાહા હા… હોહો હોહો હો….

નદી કિનારે કરી ઉજાણી………..

સંતાકૂકડી ખૂબ રમ્યા ભાઇ,

પકડદાવમાં લપસી પડયાં ભાઇ,

હાહા હાહાહા..હોહો હોહો હો…નદી કિનારે…

રમી રમીને થાકયાં ત્યારે,

ઝાડ નીચે અમે બેઠાં ત્યારે,

હાહા હાહાહા.. હોહો હોહો હો…નદી કિનારે…

ખાઇને અમે ફરવા ચાલ્યાં,

નાચી કૂદી દોડવા લાગ્યાં,

હાહા હાહાહા.. હોહો હોહો હો…નદી કિનારે…

22. મેહુલિયાનાં વધ્યાં તોફાન

હે… મેહુલિયાનાં વધ્યાં તોફાન

નીકળે છે હાય રે મારો તો જાન…મેહુલિયા.

ધોધમાર એ તો વરસ્યા કરે,

ગરજે વાદળ નિત ચમકયાં કરે…મેહુલિયા.

કીચડ થાય બહુ લપસી જવાય

મેલાં તે કપડે કેમ સ્કૂલે જવાય…મેહુલિયા.

રેઇનકોટ પહેરું તો ટોપી ઊડી જાય

પવનમાં છત્રીનો કાગડો થાય …મેહુલિયા.

વરસ્યો ધણું તું હવે ખમ્મા તો કર

જાને શોધી લે ભાઇ બીજું તો ઘર …મેહુલિયા.

23. વાદળી

વાદળી, વાદળી, વરસ વરસ,

લાગી છે બહુ તરસ તરસ.

ખારાં પાણી સાગરનાં,

મીઠાં પાણી ગાગરનાં.

કોરા પડજો ટપક, ટપક,

ઝાલી લઇએ લપક, લપક.

24. વાદળ ગરજે

વાદળ ગરજે, વીજળી ચમકે,

ધરતી ધ્રુજે, ધમ ધમ,

વાદળ ગરજે, વીજળી ચમકે,

વર્ષા વરસે,ઝમઝમ.

વાદળ ગરજે, વીજળી ચમકે,

ડુંગર ડોલે, ડમ ડમ

વાદળ ગરજે, વીજળી ચમકે,

ખેતર લીલાં, છમછમ.

વાદળ ગરજે, વીજળી ચમકે,

વાજાં વાગે, પમ પમ.

વાદળ ગરજે, વીજળી ચમકે,

ખાતાં છોરાં, મમ મમ.

25. વાદળી વર્ષાની

હાં રે અમે આભે,

હરખાતી ભાળી,

કે નાચતી કાળી,

હો વાદળી! વર્ષાની..

હાં રે એ તો ઊડે,

પવનને ઘોડે,

વીજલડી જોડે,

હોવાદળી! વર્ષાની..

હાં રે એ તો ગુંજે,

મધુર શા રાગે,

કે ઝરમર નાદે,

હો વાદળી! વર્ષાની…

હાં રે અમે જોતાં કે,

વરસી ઉમંગે,

કે સંઘ્યાને રંગે,

હોવાદળી! વર્ષાની..

26. રક્ષાબંધન

હરખાતી આજ હું તો જાગી,

ભાઇ, મલકાતી આજ હું જાગી..

આજ છે મારો રાખડીનો દિન,

મલક લઇશ હું માગી માગી..

હરખાતી આજ હું તો…

નાના-હાથે વીરાને બાંધું રાખી,

ભાઇલાને દુનિયા ચાહે આખી,

વચન લઇશ હું માગી માગી..

હરખાતી આજ હું તો…

નાનો અમથો નથી આ દોરો,

આતો છે સ્નેહનો તાર,

ભાઇ-બહેનના પ્રેમનો રાખડીમાં,

મલકે મલકનો સાર…

હરખ લઇશ હું તો માગી માગી…

હરખાતી આજ હું તો…

27. પશા પટેલના ખેતરમાં

પશા પટેલના ખેતરમાં તો, ખેતરમાં તો,

મજા મજા, ભાઇ, મજા મજા…પશા

છાણનું તો ખાતર નાખ્યું,

હળથી તો ખેતર ખેડયું,

સારા સારા દાણા વાવ્યા.

મજા મજા, ભાઇ, મજા મજા…પશા

ઝરમર ઝરમર, મેહુલો આવશે,

ખેતર આખું લીલુંછમ થાશે,

મોતી મૂઠ શાં ડૂંડાં ફાટશે.

મજા મજા,ભાઈ, મજા મજા… પશા

દાણા ખાવા પંખી આવશે,

ચકલી આવશે, ચીંચી કરશે,

કાગડો આવશે, કાકા કરશે,

ચાડિયો મોટા ડોળા બતાવશે,

મજા મજા, ભાઇ, મજામજા…પશા

28. ચાંદામામા મામા થઈને

ચાંદામામા મામા થઇને કેમ રહો છો દૂર,

આવો અમને ખવડાવો ને કોપરાં ખજૂર,

ચાંદામામા…

જયારે પૂનમ રાત આવે

ઝગમગતું અજવાળું લાવે,

રંગ રૂપેરી ચાંદનીમાં

સૌ કોઇને નવડાવે……..ચાંદામામા…

ઊંચે આભે ઘર તમારું,

કેમ કરી ત્યાં આવું હું,

મારી ઝૂંપડીએ આવો મામા

વારંવાર મનાવું હું………ચાંદામામા…

29. ચાંદલો ગમે

મને આભલે ચમકતો ચાંદલો ગમે,

એની આસપાસ નાના-મોટા તારા રમે…મને

મને શિયાળે સૂરજનો તડકો ગમે,

એની આસપાસ મારો પડછાયો રમે…મને

મને ઉનાળે સંધ્યાની સોબત ગમે,

એની આસપાસ લાલ પીળા રંગો રમે…મને

મને ચોમાસે વીજના ચમકારા ગમે,

એની આસપાસ ઘનઘોર વાદળ રમે….મને

મને ધરતીના ખોળે ઊગ્યા છોડવા ગમે,

એની આસપાસ પાંદડાં ને ફૂલો રમે….મને

મને માનવ-મહેરામણના મેળાગમે,

એની આસપાસ નાના-મોટા છોરાં રમે….મને

30. કેવી મઝાની દેખાય

કેવી મઝાની દેખાય,

પતંગ મારી કેવી મઝાની.

લાલ લાલ રંગ એનો,

પીળો છે પટ્ટો એનો.

પાંખો વિના એ ઊડી જાય,

પતંગ મારી કેવી – ૧

દોરી જોડે દોસ્તી એની,

દોરીથી પેચ કાપે.

કાટીયોની બૂમો સંભળાય,

પતંગ મારી કેવી – ૨

આમ તેમ ડોલતી ને

થનગન નાચતી.

આકાશે ઊંચે ઊડી જાય,

પતંગ મારી કેવી – ૧

6 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-ઋતુ ગીત) (31 To 41)

31. ખજૂર, ખારેક, શેરડી

ફાગણ મહિનો આયો,

હોળી-ધૂળેટી લાયો.

કેસૂડાનાં ફૂલડાં લાયો,

કેસરિયો મેં રંગ બનાયો.

પિચકારિમાં ભર્યો રંગ,

ઉડાડયો, ભાભીને અંગ.

ભાભીએ ત્યાં પકડી હાથ,

ભર્યો ગુલાલે ભીડી બાથ.

ખજૂર, ખારેક, શેરડી,

ધાણી, ચણા ને રેવડી.

32. ફાગણ આયો !

આયો આયો રે ! આયો આયો રે !

રંગરસિયો ફાગણ આયો રે !

આયો આયો રે !

ફાગણ આયો પ્રાણ ભરાયો,

થનગન થનગન નાચ નચાયો,

રંગભર ફૂલ આયો !

આયો આયો રે !

અબીલ-ગુલાલ ગગનમાં છાયો.

વહાલી વસંત સાથે લાયો,

અંગ અંગ રંગ છાયો !

આયો આયો રે !

વનવગડા ને નવીન કરતો,

ડાળે ડાળે ફૂલડાં ધરતો,

ઋતુ રાજવી આયો રે !

આયો આયો રે !

33. હોળી

આજે હોળી છે, ભઇ, હોળી

સૌને રંગ દો ઝબોળી

આવી ગેરૈયાની ટોળી

લાવી રંગ ભરીને ઝોળી…આજે

રમેશને રાતાથી રંગો, પરેશને પીળાથી

લલિતને લીલા રંગે ને કાંતિને કાળાથી

કરી મૂકોને દોડા દોડી…આજે

ભાભીને ભૂરા રંગે ને વીરાને વાદળીએ

રંગ મળે નહીં તો, તો પછી કંકુ કે કાજળિયે

આપણી ભાભી છે સાવ ભોળી…આજે

મામા મોઢું સંતાડે તો રંગો એના કેશ

મામીનું મોઢું પકડીને ચો….પડી દો મેશ

જો જો રમત ન થાય મોળી…આજે

કાકા પર કચરો ખડકીને છેક બનાવો બાવો

કાકીને બાવી બનાવી કાકા સામે લાવો

આખી બાલદી નાંખીને ઢોળી…આજે.

6 Gujarati Balgeet Lyrics
6 Gujarati Balgeet Lyrics

34. ઝંડો અમારો ત્રિરંગી

ફરફર, ફરફર ફરતો તો,

સૌને ઊડતો કહેતો તો.

નાનાં મોટાં જાગો સૌ,

કામ કરીને ખાઓ સૌ.

ભારતની હું શાન છું,

લોકો પર કુરબાન છું,

સાચવજો સૌ મારી શાન,

ભૂલશો ના ત્રિરંગી ગાન.

35. લાલ ને લીલી

લાલ ને લીલી, વાદળી પીળી,

કેસરી વળી, જામલી વળી,

રંગબેરંગી ઓઢણી લઉં,

બહેન મારીને ઓઢવા દઉં !

સોનીએ ઘડયાં રૂપલે મઢયાં,

નાના નાના ઘૂઘરા ઝીણાં.

એવી બે ઝાંઝરીઓ લઉં,

બહેન મારીને પહેરવા દઉં !

ચંપા બકુલ, બોરસલી ફૂલ,

માલતી ને મોગરાનાં ફૂલ.

બાગમાંથી હું લાવી દઉં,

બહેનને વેણી ગૂંથવા દઉં.

ઓઢણી તમે ઓઢજો બેની,

ઝાંઝર પગે પહેરજો બેની,

વેણી માથે ગૂંથજો રે…!

બાગમાં ઘૂમી હીંચકે હીંચી,

સાંજરે વહેલા આવજો રે,

ભાઇને સાથે લાવજો. રે… !

36. ગણપતિ બાપા

બાપા લાગે ભોળિયા,

ખાતા લાડુ ગોળિયા

હાથી સૂંઢે શોભતા,

ગાગર પેટે ડોલતા.

મહાદેવ મંદિર ગોખમાં,

બાપા બેસે રોફમાં.

સુઅવસરે ઠેર ઠેર,

ચિતર્યા ભીંત ઘેર ઘેર.

કરે સવારી ઉંદર પર,

બાપા લાગે ધૂરંધર.

ગણપતિ બાપા ગમતા બહુ,

વંદન કરતા એને સહુ.

37. જોવા જઈએ મેળો

ચાલો જોવા જઇએ મેળો, ચાલો જોવા જઇએ

મેળામાં મજા કરીશું, ચલો જોવા જઇએ….

મેળામાં જઇ શું શું કરશું?

ચકડોળે બેસીને ફરશું,

હાથી ઘોડે બેસી રમશું,

ચાલો જોવા જઇએ મેળો, ચાલો જોવા જઇએ

મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઇએ…

મેળામાં જઇ શું શું ખાઇશું?

તીખી તીખી ભેળ ખાઇશું,

ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ખાઇશું.

ચાલો જોવા જઇએ મેળો, ચાલો જોવા જઇએ

મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઇએ…

મેળામાં જઇ શું શું લઇશું?

બહેન માટે બંગડી લઇશું,

ભઇલા માટે ઘૂઘરો લઇશું.

ચાલો જોવા જઇએ મેળો, ચાલો જોવા જઇએ

મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઇએ…

મમ્મી માટે શું શું લઇશું?

મમ્મી માટે માળા લઇશું.

પપ્પા માટે શું શું લઇશું?

પપ્પા માટે પાકિટ લઇશું.

ચાલો જોવા જઇએ મેળો, ચાલો જોવા જઇએ

મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઇએ…

દાદા માટે શું શું લઇશું?

દાદા માટે લાકડી લઇશું.

દાદી માટે શું શું લઇશું?

દાદી માટે ચશ્મા લઇશું.

ચાલો જોવા જઇએ મેળો, ચાલો જોવા જઇએ

મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઇએ…

38. દિવાળીના દિવસો

દિવાળીના દિવસો આવ્યા,

નવા નવા ઉમંગો લાવ્યા.

રંગ-બેરંગી કપડાં પહેરી,

નાનાં-મોટાં મળવા આવ્યાં

જાતજાતના ભાતભાતના,

ફટાકડા ફોડવાને લાવ્યા.

લાલ, પીળા, ભૂરા કંઇ રંગો,

રંગોળી પૂરવાને લાવ્યા.

ખાવા માટે સૌની બાએ,

ઘૂઘરા, પૂરી, ખીર બનાવ્યાં.

સાંજ પડે ને સૌના ઘરમાં,

ઝગમગતા દીવા સળગાવ્યા.

39. દિવાળી

છોકરાં રે, હો રે!

દિવાળી આવી, કયાંથી આવી?

ઘરડી તોયે જુવાન જેવી,

ઝગમગતા તારલિયા જેવી,

ઊંડી ગુફામાં સંતાઇ,

વરસ એકને અંતે આવી.

છોકરાં રે હો રે!

દિવાળી આવી

કયાંથી આવી?

ફટાકડા ને ફૂલઝર સાથે

લવિંગિયાની લૂમો લાવી

રંગબેરંગી બહેરિયા ને

ઢગના ઢગ ચાંદલિયા લાવી !

છોકરાં રે હો રે!

દિવાળી આવી

કયાંથી આવી?

છોકરાં માટે સુંદર કપડાં

અને હર્ષની છોળો લાવી,

મોઢામાંથી પાણી છૂટે

એવી મીઠી મીઠાઇ લાવી.

40. ચાલો રે બેની મારી

ચાલો રે બેની મારી ગરબે રમીએ

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ…ચાલો રે…

આભલા જડેલ મારા ચણિયાની કોર,

ઓઢણીમાં ચિતર્યા છે ઢેલ અને મોર.

ઘમ્મર ઘમ ઘૂમતાં ગરબે રમીએ….

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ,

ઢોલક મંજીરાં ને બંસી વાગે,

ગરબો અમે ગાઇએ મીઠા રાગે.

વાંકા વળીને ગરબે રમીએ….

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ….

શરદ પૂનમની છે રઢિયાળી રાત,

ચાંદા સાથે કરતાં તારલિયા વાત.

મુખડું મલકાવતાં ગરબે રમીએ..

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ….

41. દિવાળીની છૂટ્ટી

દિવાળીની છૂટ્ટી, દિવાળીની છૂટ્ટી !

મળી આજ દિવાળીની છૂટ્ટી !

જઇએ ચાલોને ઘેર

થઇ ગઇ લીલા લ્હેર

મળી આજ દિવાળીની છૂટી છૂટ્ટી ! દિવાળીની

સૌ સૌને ઘેર જાવ

ધૂધરા પૂરી વહેંચી ખાવ

મળી આજ દિવાળીની છૂટ્ટી છૂટ્ટી ! દિવાળીની

નામ નહિ ભણવાનું

કામ બસ રમવાનું

આખો દિન છૂટ્ટમ છૂટ્ટી !

મઝા, મઝા, મઝા,

અમે કરશું મઝા મઝા !

આવી રજા, લાવી મજા, મોજ મઝા,

ખુશી ન આજે ચિંતા !……………દિવાળી

Also Read :

ગુજરાતી બાળગીત : રમત-ગમત ગીત

ગુજરાતી બાળગીત-પ્રકૃતિ ગીત

ગુજરાતી બાળગીત-પક્ષી ગીત

ગુજરાતી બાળગીત-ઢીંગલી ગીત

ગુજરાતી બાળગીત
ગુજરાતી બાળવાર્તા
બત્રીસ પૂતળીની વાર્તાઓ
6 Gujarati Balgeet Lyrics

Leave a Reply