45 Gujarati Bal Varta । 45. નીલરંગી શિયાળ
45 Gujarati Bal Varta. 45 નીલરંગી શિયાળ વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.
એક હતું શિયાળ. ભારે લુચ્ચું, લબાડ અને શેખીખોર. કંઈ ન આવડે તો ય દેખાવ તો એવો કરે કે જાણે તેના જેટલું હોશિયાર કોઈ નથી. જંગલના અન્ય પ્રાણીઓ તો ઠીક પણ પોતા જાતભાઈ એવા બીજા શિયાળ સાથે પણ રોજ ઝગડે. પોતાનું મોટાપણું દેખાડવા ફાંફાં મારે પણ કોઈ તેને દાદ આપે નહિ. બધા શિયાળ તેને શેખીખોર કહી તેની ઠેકડી કરે.
આ શેખીખોર શિયાળ એક વખત ખોરાકની શોધમાં ફરતાં ફરતાં એક ગામમાં આવી ચડ્યું. અજાણ્યા પ્રાણીને જોઈ ગામના કૂતરાં તેની પાછળ પડી ગયા. જીવ બચાવવા તે આડું અવળું દોડવા લાગ્યું. કૂતરા તેની પાછળ અને શિયાળ આગળ દોડ્યું જાય. ત્યાં તેણે એક પીપ જોયું. આ પીપ એક રંગારાનું હતું. તેમાં તેણે કપડાં રંગવા માટેનો નીલો રંગ ભર્યો હતો.
શિયાળ તો કૂદીને પીપમાં લપાઈ ગયું. કૂતરાઓનું ટોળું થોડી વાર ભોં ભોં કરતું ભસીને ચાલ્યું ગયું. કૂતરાઓ ચાલ્યા ગયા પછી માંડ માંડ હિમ્મત ભેગી કરી શિયાળ બહાર નીકળ્યું. બહાર નીકળીને જુએ તો પીપમાં જે રંગ હતો તે પોતાના આખા શરીરે ચોંટી ગયો હતો. એ નીલ રંગ એને જરાય ન ગમ્યો.
રંગને કાઢવા માટે તે રંગારાના ફળિયામાં આળોટવા લાગ્યું. પણ રંગ દૂર થવાને બદલે રંગારાના ફળિયામાં ઢોળાયેલી ચમક એની ચામડીમાં ચોટી ગઈ અને તેનું શરીર ચમકવા લાગ્યું. એક તો વિચિત્ર રંગ અને પાછું ઉપરથી શરીર ચમકે એટલે એનો આખો દેખાવ જ ડરામણો થઈ ગયો.
જેમ તેમ કરી પોતાનું પેટ ભરી શિયાળ જંગલમાં પાછું ફર્યું. જંગલમાં જે કોઈ પ્રાણી શિયાળને જુએ તે તેને ઓળખી જ ન શકે. તેનો વિચિત્ર રંગ, શરીર ઉપરની ચમક અને બિહામણો દેખાવ જોઈ બધા પ્રાણીઓ તેનાથી દૂર ભાગવા લાગ્યા. આ જોઈ શિયાળને મજા પડી ગઈ. તેને થયું કે આ તકનો બરાબર લાભ લેવા જેવો છે. એણે ભાગતા પ્રાણીઓને અટકાવતાં કહ્યું : ‘અરે ભાઈઓ, ડરો નહિ. હું કહું છું તે બરાબર સાંભળો.’
શેખીખોર શિયાળની વાત સાંભળી અન્ય પાણીઓ ઊભા રહી ગયા એટલે શિયાળે પોતાની આપવડાઈ ચાલુ કરી. ‘જુઓ જુઓ મારો રંગ અને જુઓ મારા શરીર પરની ચમક! આવા રંગનું કોઈ પ્રાણી તમે કદી જોયું છે? ખુદ ભગવાને મને આ રંગથી રંગી તમારી પાસે મોકલ્યો છે.
તમે જંગલના બધા પ્રાણીઓને ભેગા કરી મારી પાસે લાવો તો ઈશ્વરનો ખાસ સંદેશ હું તમને સંભળાવું.’ બધા પ્રાણીઓ પર તેની વાતનો સારો પ્રભાવ પડ્યો અને તેઓ જઈને જંગલમાંથી અન્ય પ્રાણીઓને બોલાવી લાવ્યા.
બધા પ્રાણીઓ આવી ગયા પછી શિયાળે ઢોંગી સંન્યાસીની જેમ પોતાનું પ્રવચન ચાલુ કર્યું. ‘હે વન્ય પ્રાણીઓ, હું ઈશ્વરનો પ્રતિનિધિ છું. ખૂદ ઈશ્વરે મને આ દિવ્ય-અલૌકિક રંગથી જાતે રંગીને મોકલ્યો છે જેથી હું તમારા પર રાજ કરી તમારું કલ્યાણ કરી શકું. હવે તમે અનાથ નથી. તમે મારી આજ્ઞાનું પાલન કરો અને મારી છત્રછાયામાં નિર્ભય બનીને રહો.’
જંગલના બધા પ્રાણીઓ તો એટલા ડરી ગયેલા હતા કે તેમણે શેખીખોર શિયાળની બધી વાત સાચી માની લીધી. સિંહ, વાઘ, ચિત્તો, હાથી જેવા જોરુકા પ્રાણીની પણ હિમ્મત ન ચાલી કે તેઓ આ નવા રાજા સામે ચૂં કે ચાં કરી શકે. બધા પ્રાણીઓએ શિયાળના ચરણમાં વંદન કરી કહ્યું: ‘હે ઈશ્વરના દૂત, આજથી તમે અમારા સમ્રાટ છો. ઈશ્વરની ઈચ્છાનું પાલન કરવું અમારી પહેલી ફરજ છે.’
એક ઘરડા હાથીએ પૂછ્યું: ‘હે સમ્રાટ, હવે અમારે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપો.’ લુચ્ચું શિયાળ કહે – ‘તમારે તમારા સમ્રાટની ખૂબ સેવા કરવી જોઈએ, તેને માન-સન્માન આપવું જોઈએ અને તેના રહેવા, ખાવા, પીવાની શાહી સગવડ કરી આપવી જોઈએ અને તેને કોઈ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.’
સિંહ બાપડો માથુ ઝૂકાવીને કહે: ‘મહારાજ, જેવો તમારો હુકમ. તમારી સેવા કરીને અમારું તો જીવન ધન્ય બની જશે.’ બસ શેખીખોર શિયાળને તો મજા થઈ ગઈ. તે દિવસથી રાજાશાહી ઠાઠથી રહેવા અને બધા પ્રાણીઓ પર રોફથી હુકમ ચલાવવા લાગ્યું. બધા પ્રાણીઓ તેની સરભરા કરવા લાગ્યા. પણ તેને એમ થયું કે કદાચ મારા જાતભાઈઓ મને ઓળખી જશે તો મારું રાજ ખતમ થઈ જશે એટલે તેણે હુકમ કર્યો કે કોઈ શિયાળે મારા રાજદરબારમાં આવવું નહિ.
બધા શિયાળને આ વાત સાંભળી ખરાબ પણ લાગ્યું અને નવાઈ પણ લાગી કે નવો સમ્રાટ અમારી સાથે ભેદભાવ રાખે છે અને ફક્ત અમને જ રાજદરબારમાં આવવાની મનાઈ કરે છે. પણ થોડા વખતમાં એક વૃદ્ધ અને અનુભવી શિયાળને નવા સમ્રાટના રંગ-ઢંગ જોઈ ખ્યાલ આવી ગયો કે નીલરંગી પ્રાણી બીજું કોઈ નહિ પણ આપણો જ જાતભાઈ એવો શેખીખોર શિયાળ છે.
એણે બધા શિયાળોને ભેગા કરી આ વાત કરી અને કહ્યું કે આપણે બીજા પ્રાણીઓને આ વાત કરશું તો તેઓ આપણી વાત માનશે નહિ કેમકે તેઓ બધા બહુ ડરી ગયા છે. આપણે એવું કૈંક કરવું જોઈએ કે જેથી તેમનો ડર નીકળી જાય અને સાચી વાત સમજાય જાય. આ પછી તેઓએ શું કરવું તે નકી કરી લીધું.
થોડા દિવસ પછી શેખીખોર શિયાળ એક વખત દરબાર ભરીને બેઠું હતું અને જાત જાતની આપવડાઈની વાતો કરી રોફ જમાવતું હતું ત્યારે તેના જાતભાઈ બીજા શિયાળોએ રાજદરબારથી થોડે દૂર આવી લાળી કરવાનું શરૂ કર્યું.
જેમ કૂતરાઓને એક બીજાની સામે ભસવું ગમે તેમ શિયાળોને લાળી કરવાનું બહુ ગમે. એક કૂતરું ભસે એટલે બીજા કૂતરાએ ભસવું જ પડે તે રીતે એક શિયાળ લાળી કરે એટલે બીજા શિયાળે પણ પોતાની રીતે લાળી કરી તેનો પ્રતિસાદ આપવો પડે. બધા શિયાળ એક બીજાના અવાજ સાંભળી ખુશ થાય અને લાંબા સમય સુધી શિયાળની ટોળીનો આલાપ-વિલાપ ચાલતો રહે.
નીલરંગી શિયાળ તો લાળી સાંભળી ખુશ થઈ ગયું. પોતાની જાત પર કાબુ રાખવાની ખૂબ કોશિશ કરે પણ તેનાથી રહેવાય જ નહિ. અંતે તેના ગળામાંથી પણ લાળીનો સૂર વહેવા લાગ્યો. દરબારમાં બેઠેલા સિંહ, વાઘ, હાથી બધાં પ્રાણી નકલી સમ્રાટની લાળી સાંભળી ચમકી ગયા.
તેમને ખબર પડી ગઈ કે આ નીલરંગી પ્રાણી કોઈ ડરવા જેવું ભયાનક પ્રાણી નથી. એતો સામાન્ય શિયાળ છે. ફક્ત પોતાનો રંગ બદલીને આવ્યું છે.
પછી તો સિંહે ત્રાડ નાખી અને વાઘે ઘુરકિયું કર્યું ને તે જોઈને નકલી સમ્રાટના મોતિયા મરી ગયાં. એનો બધો વટ, રોફ-રૂવાબ બધું ઉતરી ગયું. એ તો જીવ લઈને જે ભાગ્યું છે… જે ભાગ્યું છે કે તેની વાત જ ન પૂછો. બસ તે દિવસથી એ શેખીખોર નીલરંગી શિયાળને ફરી પાછું કોઈએ જોયું નથી.
જુઠાણું ઝાઝું ન ટકે. જુઠો માણસ વહેલો કે મોડો પકડાઈ જ જાય.
આ વાર્તા પણ વાંચો :