43 Gujarati Bal Varta । 43. ઠાકોર અને રંગલો

Spread the love

43 Gujarati Bal Varta
43 Gujarati Bal Varta

43 Gujarati Bal Varta । 43. ઠાકોર અને રંગલો

43 Gujarati Bal Varta. 43 ઠાકોર અને રંગલો વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.

ઘણે દિવસે ઠાકોર પરદેશથી પાછા ફરે છે. રંગલો નોકર તેમની સામે જાય છે. બંને ભેગા થાય છે. તેથી ખુશ થઈ હળેમળે છે. પછી ઠાકોર રંગલાને ઘરબાર વગેરેના ખબરઅંતર પૂછે છે.

ઠાકોર : કેમ રંગલા! ઘરના શા ખબર છે?

રંગલો : બધા સારા ખબર છે, ઠાકોર!

ઠાકોર : છે તો સૌ હીમખીમ ને?

રંગલો : (જરા મોળું બોલે છે) હા…….

ઠાકોર : કેમ જરા મોળું ભણે છે? છે તો સૌ હીમખીમ ને?

રંગલો : (અચકાતો બોલે છે) હા; પ….ણ એક જરા…ક કહેવાનું છે.

ઠાકોર : તું તો બધાં હીમખીમ કહે છે, ને વળી કહેવાનું શું છે?

રંગલો : કાંઈ ખાસ નહિ… એ તો આપણો બાજિયો કૂતરો મરી ગયો.

ઠાકોર : અરરર! બાજિયો કૂતરો? મોટો સિંહ જેવો શૂરો! હરણી ઘોડી જેવો ઉતાવળો! હાથી જેવો મસ્ત! અરે—એ મરે જ શેણે?

રંગલો : હા, બાપુ! ઈ મરે એવો તો નો’તો, પણ આપણી હરણી ઘોડીનાં હાડકાં કરડીને મૂઓ?

ઠાકોર : (ચિડાઈને) અરે બેવકૂફ! શું બોલ્યો? આપણી ઘોડીને વળી શું થયું?

રંગલો : ઘોડી બિચારી મરી ગઈ…

ઠાકોર : અરે – તું તો જરાક કે’તો’તો, ને આ બધું ક્યાંથી નીકળ્યું? બોલ તો ખરો! ઈ પંચકલ્યાણી, રેવાળ ચાલની, ફૂંકે ગાઉ દોડનારી મારી વા’લી હરણી શાથી મૂઈ?

રંગલો : એમાં કાંઈ મનમાં ન લગાડવું, ઠાકોર! જેવી ઈશ્વરની મરજી! … આપણી ઘોડી તો ખડ ને ચંદી વિના મરી ગઈ, બાપુ!

ઠાકોર : અરે મૂર્ખા! ખડની ગંજીઓ અને ચંદીનાં કોઠારિયાં ભરી મૂક્યાં હતાં, તે ક્યાં ગયા?

રંગલો : એ બધાં તો આઈમાનાં કારજમાં વપરાઈ ગયાં….

ઠાકોર : અરરર! આ તે શો ગજબ! આઈમા મૂઆં? મારા ઘરનું નાક! સુખનું કારણ ને દુ:ખનો વિસામો! એને તે શું થયું?

રંગલો : આઈમા તો કુંવરને દુ:ખે મૂઆં.

ઠાકોર : એલા ગમાર! કુંવરનું એવડું તે કેવડું દુ:ખ કે સમૂળગાં આઈ મૂઆં?

રંગલો : કુંવરનું દુ:ખ કાંઈ ઓછું કહેવાય? ઠાકોર, આઈમા તો કુંવરની પાછળ ઝૂરી ઝૂરીને ગયાં….

ઠાકોર : હાય હાય! મારો કુળદીપક કુંવર ગયો? કહે તો ખરો – એ શી રીતે મૂઓ?

રંગલો : બાપુ! કુંવર તો ધાવણ વગર મૂઓ…

ઠાકોર : અરે મોકાણિયા! ભસ તો ખરો! શું ઠકરાણાંએ ધવરાવ્યો નહિ તેથી મૂઓ?

રંગલો : બાપુ! ઠકરાણાં હોય ત્યારે ને? એ તો સૌથી પહેલાં મૂઆં…

ઠાકોર : અરરર! ઠકરાણાં શાથી મૂઆં?

રંગલો : કોગળિયું થયું તે મરી ગયાં…

ઠાકોર : આ તો કોઈ ન રહ્યું! ત્યારે હવે ઘર કોણ સંભાળતું હશે?

રંગલો : બાપુ! ઘર સાચવવા જેવું નથી રહ્યું. એ તો એક દિવસ લાલબાઈએ સરખું કરી નાખ્યું છે…

ઠાકોર : અરે પ્રભુ! અરે રામ! ગજબ થયો! મારું તો બધું લૂંટાઈ ગયું. કાંઈ કરતાં કાંઈ ન રહ્યું!

ઠાકોર પોકેપોકે રડે છે. રંગલો તેને છાના રાખે છે.

આ વાર્તા પણ વાંચો :

44. બકરું કે કૂતરું?


Spread the love
error: Content is protected !!
Scroll to Top