4 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પશુ ગીત)

4 Gujarati Balgeet Lyrics
4 Gujarati Balgeet Lyrics

4 Gujarati Balgeet Lyrics, ગુજરાતી બાળગીત-પશુ ગીત, ગુજરાતી બાળગીત Lyrics, નવા બાળગીત, બાળગીત લખેલા pdf, અભિનય ગીત ગુજરાતી, બાળગીત pdf, Gujarati Balgeet.

4 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પશુ ગીત) (1 To 10)

(1) તને ચકલી બોલાવે તને પોપટ બોલાવે

તને ચકલી બોલાવે તને પોપટ બોલાવે

તને બોલાવે કૂતરું કાળું, એતો વાંકી પૂંછડી વાળું

નાનાં નાનાં ચાર ગલુડિયાં આવે છાનામાનાં

એક પગે કાળું ને બીજું રંગે ધોળું

ત્રીજું રંગે લાલ લાલને ચોથું ધાબાં વાળું

તને ચકલી…

ધડબડ ધડબડ દોડી આવે ભૂલકાંઓની ટોળી

એક કહે મારું એક કહે આ તારું

કોઇ રમાડે રૂપાળું ને સૌને હું પંપાળું

તને ચકલી…

(2) ચલ મેરા ઘોડા તબડક તબડક

ચલ મેરા ઘોડા તબડક તબડક

જંગલ આવે ઝાડી આવે

નદીઓ આવે નાળા આવે

તરસ લાગી છે પાણી પીવું છે

ના ના ના ના

ચલ…

વાંકા-ચૂંકા રસ્તા આવે

ઊંચા – નીચા પહાડ આવે

થાક લાગ્યો છે આરામ કરવો છે

ના ના ના ના

ચલ…

મામાનું ઘર દૂર – દૂર

ચલ મેરા ઘોડા તું ચતુર

ભૂખ લાગી છે ચણા ખાવા છે

હા હા હા હા હા

ચલ…

(3) ચૂં ચૂં કરતા દોડતા ઉંદરભાઈ રે ઉંદરભાઈ

ચૂં ચૂં કરતા દોડતા રે ઉંદરભાઇ રે ઉંદરભાઇ,

સંતાડેલું શોધી કાઢે

ખાતા છાનામાના રે

ઉંદરભાઇ…

અમે રાતના તો રાજા અમે એક નહીં પણ ઝાઝા

કંઇક ખખડતાં નાસી જાતા (૨)

એવા બહાદૂર શાણા રે

ઉંદરભાઇ…

અમે કરતા દોડાદોડી

અમે ખાતા ધીને પોળી

કંઇ ન મળે તો કપડાં શોધી

એમાં કરતા કાણાં રે

ઉંદરભાઈ…

(4) તળાવમાં માછલાં તરતાં હતાં

તળાવમાં માછલાં તરતાં હતાં

અમારામાં કોઇ ને કોઇ ડરતાં હતાં

તળાવમાં…

નાના-નાના માછલાં મોટા-મોટા માછલાં

સોનેરી માછલાં રૂપેરી માછલાં

વચમાં બે કાચબા તરતા હતા

તળાવમાં…

મેં નાખ્યાં દાળિયા તે ઉપર આવ્યાં

નાનું નાનું મોટું એ ખોલતા હતાં

સોનેરી રંગ લાવ્યો, રૂપેરી રંગ લાવ્યો

રંગબેરંગી માછલાં તરતાં હતાં

તળાવમાં…

4 Gujarati Balgeet Lyrics
4 Gujarati Balgeet Lyrics

(5) ગાવલડી

ગોરી રે ગાવલડી

તું છે મારી માવલડી

દૂધ આપ, દહીં બનાવું,

છાશ બનાવું, માખણ બનાવું

ઘી બનાવું, લાડુ બનાવું,

તને ખીલાઉં…

ગોરી રે ગાવલડી.

(6) હરણું

જંગલ ફરતું નાનું હરણું

પીવા પાણી શોધે ઝરણું

વાંકાં શિંગડાં પાતળા પગ

છલાંગ મારીને કૂદે ઢગ.

ધોળાં ટપકાં બદામી રંગ

તેથી શોભે સુંદર અંગ,

નાની પૂંછ ને નાના કાન

બચ્ચું દેખી આવે તાન.

લાગે ચંચળ પણ એ ભોળું

ભમે સંગ હરણાંનું ટોળું,

પાછળ પડે શિકારી કાળ

દોડે ભરીને મોટી ફાળ.

(7) હાથી

ધમ ધમ હાથી કરતો,

જંગલમાં એ ફરતો.

ઊંચો જબરો એવો,

જાણે પહાડ જેવો.

સૂંઢ એવી લાંબી,

ઊંચે ઝાડે આંબી.

પંખા જેવા મોટા કાન,

કાળો કાળો એનો વાન.

ટોળામાં એ વસતો,

શિકારી સામે એ ધસતો.

ઝૂલ, મકનિયા, ઝૂલ,

તારી સૂંઢમાં કમળફૂલ.

ધમ ધમ હાથી કરતો,

જંગલમાં એ ફરતો.

(8) મકોડા

મકોડાની હાર છે,

કીડીની વણઝાર છે.

ઘરની દીવાલ પર,

બન્નેની કિનારી છે.

ઘરમાં ઘૂમી તાનમાં

ગૂંજન કરતી કાનમાં

ઊડતી ઊડતી માખીરાણી

વાતો કરતી સાનમાં.

(9) ડીંગ… ડાંગ…

ડીંગ… ડીંગ… (૨)

ચાલે સસલાં (૨)

વ્હાલાં વ્હાલાં લાગે કેવાં

નાનાં સસલાં (૨)

કુણાં તરણાં ખાતાં

દોડી દોડી જાતાં

નાનાં સસલાં રે

રમત – ગમત કરતાં એ તો

નાનાં સસલાં (૨)

વ્હાલાં વ્હાલાં લાગે એ તો

(10) બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય

બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય

બસ રીક્ષામાં ચક્કર આવે,

ચાલતાં-ચાલતાં જાય

બિલાડી…

રસ્તાની એ ડાબે ચાલે, હળવે-હળવે જાય

ચહેરા પર એ હિંમત રાખે, પણ મનમાં ગભરાયા

બિલાડી…

કૂતરાભાઇ તો ટ્રાફીક પોલીસ, તરત સમજી જાય

સોટી મારે હાથ બતાવે, તરત થોભી જાય

બિલાડી…

મેળામાં તો સ્ટોલ ઘણાં છે, ખાવા મન લલચાય

પણ મમ્મીનું એ યાદ આવ્યું કે બહારનું ન ખવાય

બિલાડી…

4 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પશુ ગીત) (11 To 20)

(11) હું ઘોડા ગાડી વાળો

હું ઘોડા ગાડી વાળો

મારો ઘોડો ઘણો રૂપાળો

ઘોડો એના રંગ મહીં કઇ

કાળાં ચાઠાં વાળો

હું ઘોડા..…..

મારી ગાડીનાં બે પૈડાં

તેમાં બેસે બાળક નાનાં

ખણ-ખણ ઘૂઘરાવાળો મારો ઘોડો.…

ચલ ભાઇ, ચલ ભાઇ સ્ટેશન આયા

તુંને ન ખાયા, મૈને ન ખાયા

તુજે ઘાસ ખીલાઉં? તુજે પાની પીલાઉં?

તું બહુ નખરાળો

મારો ઘોડો……

(12) મેં એક બિલાડી પાળી છે

મેં એક બિલાડી પાળી છે.

તે રંગે બહુ રૂપાળી છે

દહીં ખાય દૂધ ખાય,

તે ઘી તો ચપચપ ચાટી જાય,

ને ઉંદરને ઝટપટ ઝાલે

પણ કૂતરાથી બીતી ચાલે,

તેના ડિલ પર ડાઘ છે

ને મારા ઘરનો વાઘ છે

(13) કેવું માનું દેખાય મારું ગલુડિયું

કેવું મજાનું દેખાય મારું ગલુડિયું

શેરીમાં દોડી-દોડી જાય મારું ગલુડિયું

મારું ગલુડિયુ નાચતું ને કૂદતું

સૌને હસાવતું મારું ગલુડિયું

મારું ગલુડિયું ખાતુંને પીતુ

પૂછડી પટાવતું મારું ગલુડિયું

મારું ગલુડિયું નામ છે મોતી

સાનમાં સમજી જાય

મારું ગલુડિયું…

(14) દરિયાના ઘરમાં રહેતી

દરિયાના ઘરમાં રહેતી,

પ્રભુનું નામ લેતી

હું દરિયાની માછલી

દરિયામાંથી ભલે મને કાઢી

મને ટોપલીમાં મૂકવી નો’તી

હું દરિયાની…

દરિયામાંથી ભલે મને કાઢી

મને બજારમાં વેચવી નો’તી

હું દરિયાની…

બજારમાં ભલે મને વેચી

મને છરીથી ચીરવી નો’તી

હું દરિયાની….

છરીથી ભલે મને ચીરી.

મને મોઢેથી ચાવવી નો’તી

હું દરિયાની…

(15) હો… વાંદરા હૂપ હૂપ કરતા આવ્યા

હો… વાંદરા હૂપ હૂપ કરતાં આવ્યાં

એ… નળિયાં નવાં નવાં ભાંગ્યાં

હો…વાંદરા…

મણી માસીનું માટલું ફોડયું,

કાશી કાકીનું પીંજરુ તોડયું,

એ…રોટલા લઇને ભાગ્યા

હો…વાંદરા…

વોય..વોય..કરતી બા તો ભાગી,

કિયા કિયા કરતી બબલી ભાગી,

એ…ઘૂઘરો લઇને ભાગ્યા

હો…વાંદરા…

છીંકણી સુંધતા ડોસીમા ઊઠયાં

દંડો લઈને ફૂદયાં એ.. દાંડિયો લઇને ભાગ્યા

હો…વાંદરા…

(16) નાનાં એવા કુરકુરિયા એ કીધું જબરું વેન

નાના એવા કુરકુરિયા એ કીધું જબરું વેન

મમ્મી – પપ્પા ચિંતામાં, ને મુંઝાયા સ્કૂલના બેન

નીચે બેસી ચીસો પાડે, ધૂળ મહીં પગ ઘસતું

બટકાં ભરતું પોતાને, આડું અવળું ખસતું

બરફ ખાધો, ગુલ્ફી ખાધી, શરબત સઘળું પીધું

ચોકલેટ ખાવા જીદ આદરી, કરે ન કોઇનું કીધું

સૌ સમજાવે ચોકલેટથી, તો દાંતમાં પડશે કાણાં

એ કરતાં ખાવા શિંગ-ચણાને, ખાઓ કડક વટાણા

નાના એવા…

(17) ઉંદરભાઈની જાન

ચાલી ઉંદરભાઇની જાન

સાથે સો સો રે મશાલ-ચાલી

જાડા, પાડા કાણાં-કૂબડા

જાનૈયા હજા૨

રખવાળાં છે કુત્તાભાઇનાં

વાનરજી સરદાર

ચાલી…

સસ્સાજી ગધ્ધાજી ઉપર

બજાવે ડંકા-નિશાન

બેન્ડબજાવે કૂકડાભાઇને

બકરી બેં બેં ગાય

ચાલી…

વરરાજાની ગાડી જુઓ

ચકલાં જોડયાં ચાર

ચમ્મર ઢોળે મચ્છર ભાઇને

પાન ધરે શિયાળ

ચાલી…

કોઠી ફોડે કાબરભાઇને

હાથી ફોડે હવાઇ

બગલો ફોડે બંદૂકડી ને

ઊંટ કરે ભવાઇ

ચાલી…

બિલ્લીબાઇ સામૈયું લાવ્યાં

વરરાજા ગભરાય

જાનૈયાંની જુઓ ફજેતી

દોટં દોટા થાય

ચાલી…

(18) સસલીબેને સેવ બનાવી સસલો જમવા બેઠો

સસલીબેને સેવ બનાવી સસલો જમવા બેઠો

જમતાં જમતાં યાદ આવ્યું કે સોમવાર છે

માખીબેને મધ પીરસ્યું ને મકોડાભાઇ જમતાં

જમતાં જમતાં મલકયા આજે મંગળવાર છે

બિલ્લો – બિલ્લી બાધ્યાં ત્યારે વાંદરો થ્યો તો કાજી

બટકે બટકે બધું જમી કહે બુધવાર છે

ગધાજીને ગેંડાજી બેય હું ખાઉં હું ખાઉં કરતા

ગાય આવી ત્યાં બોલી આજે ગુરુવાર છે

શિયાળભાઇ એ ખેતરમાં જઇશેરડી બહુ બહુ ખાધી

ખેડુ આવી ત્યાં બોલ્યો આજે શુક્રવાર છે

શાહમૃગજી શીમળા નીચે એક પગે થઇ ઊભા

બંદર પૂછે કેમ? તો કહે શનિવાર છે

રાધાબેન, રાજુભાઇને કહ્યું કે ચાલો ભણીએ

ભાઇ કહે બેન, આજે રવિવાર છે.

(19) મારે ઘરે ઉંદરડી આવે છે

મારે ઘરે ઉંદરડી આવે છે

એને કાચું કોરું ભાવે છે

પગ નાના, પંડે છોટી છે

પણ પૂંછડી લાંબી મોટી છે

બહાર જાય, ઘરમાં જાય

મીની દેખી, દરમાં જાય

એ કપડાંલતા કાપે છે

ને બાને બહુ સતાવે છે

પણ ચૂં ચૂં કરતી ભાગે ત્યારે

કેવી મજાની લાગે છે.

(20) તું અહીંયા રમવા આવ

તું અહીંયા રમવા આવ, મજાની ખિસકોલી,

તું દોડ, તને દઉં દાવ, મજાની ખિસકોલી,

તું કેવી હસે ને રમે, મજાની ખિસકોલી,

તારા કૂદકા બહુ ગમે, મજાની ખિસકોલી,

તું જયારે ખિલખિલ ગાય, મજાની ખિસકોલી,

તારી પૂંછડી ઉંચી થાય, મજાની ખિસકોલી,

તારે અંગે સુંદર પટા, મજાની ખિસકોલી,

તારી ખાવાની શી છટા, મજાની ખિસકોલી,

તું ઝાડે ઝાડે ચડે, મજાની ખિસકોલી,

કહે કેવી મજા ત્યાં પડે, મજાની ખિસકોલી,

બહુ ચંચળ તારી જાત, મજાની ખિસકોલી,

તું ઉંદરભાઇની નાત, મજાની ખિસકોલી,

4 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પશુ ગીત) (21 To 30)

(21) એક હતી બિલ્લી

એક હતી બિલ્લી

જાય શહેર દિલ્લી

દિલ્લીથી કાશી

જાય બિલ્લી માસી

કાશીથી સુરત

આવી પહોંચે તુરત

ત્યાંથી જાય ઘેર

ને કરે લીલા લ્હેર.

(22) નાનાં નાનાં હરણાં

કેવા નાનાં નાનાં હરણાં (૨)

હૂમક હૂમકતી ચાલ એની ખાતા કૂણાં તરણાં,

કેવાં નાનાં…

કુંજ કુંજની ગલી ગલીમાં એ તો ભોળાં ભમતાં,

કોઇ દી ડુંગર પછવાડે જઇ હળીમળીને રમતાં,

કોઇ પકડવા આવે ત્યારે (૨)

ઠેકી જાતાં ઝરણાં..કેવાં નાનાં..

રહેવું એને નિશદિન મોટાં પ્રાણીઓથી ડરી,

તોય સદાયે મસ્ત મગનમાં રહેતાં હિંમત ભરી,

રૂડાં રૂપાળાં હરણાં તો (૨)

જાયે રૂપ શાં વરણ્યાં

કેવા નાનાં…

(23) બિલ્લી વાઘ તણી માસી

બિલ્લી વાઘ તણી માસી

જોઇને ઊંદર જાય નાસી..

બિલ્લી….

ચામડી ઉપર ચટાપટાને

પૂંછડી પટપટ થાય,

ખૂણા વચાળે, ખોળીખોળીને

ઊંદરઝટપટખાય

બિલ્લી…

ભૂરેડોળે, ભલું ભાળતી,

જવ અંધારું ઘોર

એકજ ઘરમાં ગોઠે નહિં

એ આખા ગામનો ચોર

બિલ્લી…

પાણી પીતી જીભ વડે ને,

આંખો મીચી ખાય.

કૂતરું એનો કાળ જ એને

દેખી ભાગી જાય

બિલ્લી…

(24) ગલુડિયું

આમ તેમ ફરતું આવે ગલુડિયું

કાબર ચીતરું રંગે ગલુડિયું.

આંગણાંમાં ઓટલે સૂતું ગલુડિયું

કૂંડીમાંથી પાણી પીતું ગલુડિયું

ઊની ઊની રોટલી ખાતું ગલુડિયું.

વધેલી રોટલી દાટે ગલુડિયું

અજાણ્યાને દેખી ભસે ગલુડિયું.

પંપાળતા નહિ ખસે ગલુડિયું

આમ તેમ ફરતું આવે ગલુડિયું.

(25) લગરી બકરી

મારી નાની બકરી,

નામ પાડયું લગરી,

રોજ ચારો ચરતી,

ગલીએ ગલીએ ફરતી,

ઘર ઘર એતો ફરતી જાય,

છાલો છોતરાં ખાતી જાય,

કાળો ધોળો એનો રંગ,

નાના ભૂલકાઓનો સંગ,

સાંજે થાકી ઘેર જાય,

બચ્ચાં એના રાજી થાય,

બહેન બકરી દોતી જાય,

ભાઇલો દૂધ પીતો જાય.

(26) વાંદર ટોળી

વડલા ડાળે વાંદરટોળી કરતી હૂપાછૂપ

છાનોમાનો જોયા કરું થઇને ચૂપચૂપ.

એક મોટો બૂઢિયો વાનરનો સરદાર

એની પાછળ નાનામોટા વાંદરા છે દસબાર

છાપરાંકૂદે, કૂદે અગાસી એવાં એ બહાદૂર

છાનોમાનો…

લીમડાની એ ખાય લીંબોળી વડના ખાયે ટેટા

આંબે કેરી ખાઇ ખાઇને ગોટલાં નાખે હેઠાં

ઠેકડા મારે ખાય ગુલાંટો કરતાં ઝૂંટાઝૂંટ

છાનોમાનો…

એક વાંદરી જૂ વીણીને ઝટપટ મોંમા નાખે

મમ્મી પેઠે વહાલ કરી છાતીએ ચાંપી રાખે

માણસ જેવું રૂપ છે એનું કેવું આબેહૂબ

છાનોમાનો…

4 Gujarati Balgeet Lyrics
4 Gujarati Balgeet Lyrics

(27) એક હતી શકરી

એક હતી શકરી

પાળી એણે બકરી,

શકરી ગઇ ફરવા,

બકરી ગઇ ચરવા.

ફરીને આવી શકરી,

ભાળી નહિ બકરી.

રડવા લાગી શકરી એં એં,

આવી પહોંચી બકરી બેં બેં.

(28) વાનર કહે છે

વાનર કહે છે રીંછભાઇને

ચાલો મોટાભાઈ

સંગીતનો જલસો આદરીએ

કરીએ ખૂબ કમાઇ

વાનર…

તમે બજાવો મંજીરા ને

હુંય બજાવું થાળી

નાચી કૂદી ફરીશું બન્ને

રમશું લેતાં તાળી

વાનર…

બજી ડૂગડુગી લોક ભરાયા

જોઇ જોઇ હરખે મન

વાનર ઊભો થાળી પીટે

વાગે ઠનનન ઠન્ન

વાનર…

રીંછે એમાં સૂર પુરાવ્યો

ખૂબ કરી હા…આહ

પૈસાનો વરસાદ વરસીઓ

વાહ ગવૈયા વાહ

વાનર…

પાસે ઊભા લંબકરણજી

કર્યો તરત વિચાર

હું યે એમાં સૂર પૂરું તો

થઇ જાય બેડો પાર

વાનર…

ગધેડાજી ગાવા લાગ્યા

રસની છૂટી રેલ

ધોકા માથે પડવા લાગ્યા

પૂરો થયો ખેલ

વાનર…

(29) હું ગધ્ધો

હું ગધ્ધો હોંચી હોંચી.

મારો શેઠ કુંભાર ને ધોબીન

આખો દિવસ કામ કરીને,

કમાઇ આપું રોજી..

ગજા વિનાનું કામ કરું હું બોજ ઉપાડું ભારે,

દયા નહિ એના દિલમાં એ ડફણે ડફણે મારે,

કોઇ આપો રે દિલસોજી….હું….

સહુ પ્રાણીઓમાં ભોળું તેથી મૂરખ મુજને જાણે,

લાગ લઇને લાત લગાવું બેટો એ પણ જાણે,

મારે શોક નથી ધરવોજી…હું…

(30) મારી બકરી

મારી બકરી બોલે, બેં બેં બેં

એ તો સાંજે સવારે દૂધ જ દે

મારી બકરી બોલે, બેં બેં બેં

પેલો ઉંદર બોલે, ચૂં ચૂં ચૂં

કહે રાત તણો હું રાજા છું…

મારી…

પેલી બિલ્લી બોલે મ્યાઉં મ્યાઉં મ્યાઉં

કહે રાત તણી હું રાણી છું.

મારી…

પેલો વાંદરો બોલે, હૂપ હૂપ હૂપ

એને સીંગ-ચણા તો ભાવે ખૂબ.

મારી…

પેલો કૂતરો બોલે, હાઉ હાઉં હાઉં

રોટલો આપો તો ખાઉં ખાઉં ખાઉં

મારી બકરી બોલે, બેં બેં બેં

4 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પશુ ગીત) (31 To 37)

(31) ઘોડો

તબડક તબડક ધોડો દોડે

શરત લગાવી મોટર જોડે,

મોટર ગઇ દોડી આગળ

રહી ગયો ધોડો પાછળ.

કાળો ધોળો બદામી રંગ

શોભે સુંદર તેનું અંગ,

ટૂંકા કાન ને લાંબું પૂંછ

ગરદન પર કેશવાળી ગુચ્છ

પગ એના છે પથ્થર જેવા

કઠણ જમીન પર દોડે કેવા

ઝટ જવા બનો અસવાર

ચાબૂક લગાવો એક જ વાર.

વરઘોડામાં શોભે સુંદર

કરે ખેલસરકસ અંદર,

થાક લાગે જો કરતાં કામ

ઊભો ઊભો કરે આરામ.

(32) ઊંટ

વાંકું ચૂંકું ઊંચું ઊંટ

લાંબી ડોક ને પીઠે ખૂંધ,

ટૂંકી પૂંછ ને ટૂંકા કાના

વાવંટોળનું એને ભાન.

રંગે પીળું નહિ રૂપાળું,

આંકડા વિના ખાયે સધળું,

વાંકા ટેડા એના પગ,

છતાં કાપે રેતીના ઢગ,

હોઠ લાંબાને નાની આંખ.

રણમાં ઊડે વિના પાંખ,

રેતી રણમાં દૂર જનાર

ચાલી જાય લાંબી વણજાર.

(33) અમે માછલીઓ

અમે માછલીઓ ઊંડા જળની,

ઊંડાં પાણીમાં રહીએ,

હાજી રે અમે ઊંડા પાણીમાં રહીએ..

હાં હાં રે અમો સાગરનાં છોરું છઇએ

હાં હાં રે નાની નદીઓનાં બાલુડાં છીએ.

હો જીરે અમે…

રંગ રંગીલી જાત અમારી નિત નવા રંગ ધરીએ,

હો જી રે અમે નિત નવા રંગ ધરીએ

હાં હાં રે અમે હલ્લેસાં મારીને તરીએ.

હો જીરે અમે…

પાણી માંહે જીવન અમારું પાણી માંહે રહીએ,

હો જી રે અમે પાણી માંહે રહીએ.

હાં હાં રે બહાર કાઢો તો તરફડી મરીએ,

હો જીરે અમે…

(34) મચ્છર

ગણગણતા સૌ ગાય છે ,

પાણી પર પથરાય છે,

ગંદકીને બનાવી દર,

સૌના ઘરમાં જાય છે.

રાતે ભમ ભમ કરતાં સહું,

છોકરાને પજવાતા બહુ.

હાથે ઢીમણાં કરતા જાય,

મચ્છર કરડી ઊડી જાય.

(35) એક હતાં ડોશીમાં

એક હતાં ડોશીમા ને

એક હતો દેડકો.

તેડી તેડી ડોશીમાએ

કરી મૂકયો તેડકો.

આજે નહિ, કાલે નહિ,

કેમે કર્યા ચાલે નહિ.

દેડકાભાઇ તો ખોટ્ટા,

ચાલવાના ચોટ્ટા,

ડોશીમા તો થાકયાં,

તળાવમાં જઇ નાખ્યા,

ડ્રાઉ.. ડ્રાઉ.. ઉ… બોલે

ને પાણીને ઢંઢોળે.

દેડકાભાઇની વલે થઇ,

વલે થઇ ભાઇ, વલે થઇ,

ભલે થઇ, ભાઇ ભલે થઇ.

(36) બોલો બોલો હાથી દાદા

બોલો બોલો હાથી દાદા

બોલો બોલો રીંછ મામા

બોલો કેમ છો? હેમખેમ છો?

કયાંથી થયા તમે બાંડા

બોલો…

આવડી મોટી કાયા શું પડી ગ્યાતા માંદા?

ના રે ભાઇ ના એવું કાંઇ નથી.

આ તો દોડયા તા બેઉં પાડા

બોલો બોલો રીંછ મામા

શાને થયા તમે લૂલા

કોઇની સાથે બાજયા કે ખાવા ગ્યાતા મૂળા?

નારે ભાઇના એવું કાંઇ નથી

અંધારે આવ્યા તા ખાડા

બોલો…

તમે બાંડા ને અમે લૂલા

આ તે સારી જોડી

ચાલો સામે કાઠે આ વનને દઇએ છોડી

ના રે ભાઈ ના મારે ત્યાં નથી જાવું

તમે તો રીંછભાઇ ગાંડા

બોલો…

જોઇ છે આ સૂંઢ રહેશું વગડામાં

આવો રીંછભાઇ અહીંયા નાખો ધામા

નારેના ભાઇ મારે અહીંયા નથી રહેવું

તમે હાથી ભાઇ જાડા

બોલો…

ઓ રીંછભાઇ આ સામેથી શું આવે?

લાગે છે તો ગોળ મને બહુ ભાવે

નારે ભાઇ ના મારે ગોળ નથી ખાવો

તું ભરી લે ગોળનાં ગાડાં

બોલો…

(37) હૂપ રે હૂપ, હૂપ…હૂપ…હૂપ…

હૂપ રે હૂપ, હૂપ…હૂપ…હૂપ…

બોલે છે વાંદરો, બોલે છે વાંદરો

કિષ્ના બેનને છાપરે…રીના બેનને માળીએ

જો પેલો (૨) છાપરા કૂદે… હૂપ…રે હૂપ…

આંબાની ડાળીએ સરોવરની પાળીએ

જો પેલો (૨) ગોટલા ચૂસે… હૂપ…રે હૂપ…

એણે દાંતિયા કર્યા, મેં સામા કર્યા

લાકડી લીધી, છૂટી ફેંકી

ધોકો લીધો, છૂટો ફેંકયો

વાટકો લીધો, છૂટો ફેંકયો

એ ભાગી ગયો…હું હસી પડી.

Also Read :

ગુજરાતી બાળગીત-પ્રકૃતિ ગીત

ગુજરાતી બાળગીત-પક્ષી ગીત

ગુજરાતી બાળગીત-ઢીંગલી ગીત

ગુજરાતી બાળગીત
ગુજરાતી બાળવાર્તા
બત્રીસ પૂતળીની વાર્તાઓ
4 Gujarati Balgeet Lyrics

Leave a Reply