32 Gujarati Bal Varta । 32. અગ્રે અગ્રે વિપ્રઃ

Spread the love

Gujarati Bal Varta Thirty Two
32 Gujarati Bal Varta

32 Gujarati Bal Varta । 32. અગ્રે અગ્રે વિપ્ર:

32 Gujarati Bal Varta. 32 અગ્રે અગ્રે વિપ્રઃ વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.

એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો. બન્ને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા. ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો પણ પીવા માટે પાણી ક્યાંય ન મળે, ભૂખ પણ લાગેલી.

બેઉ ભૂખ્યા-તરસ્યા આગળ ચાલ્યા. રસ્તે એક વાણિયો મળ્યો. વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખ્યો-તરસ્યો હતો.

ત્રણે જણાએ નક્કી કર્યું કે આપણી પાસે પૈસા તો નથી અને ભૂખ્યા રહેવાતું નથી તો ચાલો સાથે મળીને ગમે તે તરકટ કરીએ ને કંઈક ખાવા-પીવાનું શોધીએ. જે જડે તે સૌનું સરખા ભાગે. ચાલતા ચાલતા શેરડીનું ખેતર આવ્યું.

બ્રાહ્મણ કહે : ‘ઊભા રહો. હું ખેડૂતને અષ્ટમપષ્ટમ ભણાવી શેરડી લઈ આવું છું.’

બ્રાહ્મણ તો અંદર ગયો. ‘નારાયણ પ્રસન્ન’ કહી ખેડૂતને આશીર્વાદ આપ્યા અને શેરડીનું દાન કેટલું પુણ્ય કમાવી આપે છે અને પરભવમાં કેટલો ફાયદો થશે તેની વાતો સમજાવવા મહેનત કરી.

પટેલ કહે : ‘મહારાજ, મારે પરભવનું કોઈ પુણ્ય નથી જોઈતું. મારે થોડાં ભંડાર ભર્યા છે કે હું બીજાને દાન આપ્યાં જ કરું.’ બ્રાહ્મણ તો વીલા મોંએ પાછો આવ્યો.

બાવો કહે : ’વાંધો નહિ. એને આ ભવમાં જ ફાયદો થાય તેવી ચમત્કારી ભસ્મની લાલચ આપી શેરડી લઈ આવું છું.’

બાવો તો ખેતરમાં જઈ ‘અહાલેક’ કરીને ઊભો રહ્યો અને હવામાં હાથ ફેરવી ચમત્કાર કરીને ભસ્મ કાઢી બતાવી ખેડૂતને આપી.

ખેડૂત કહે : ‘બાપજી મહારાજ, તમારી ચપટી ભસ્મને હું શું કરું? મારા ચુલામાં રોજ રાખના મોટા ઢગલા નીકળે છે. એના કરતાં એમ કરો, તમે ચમત્કાર કરી હવામાંથી શેરડી જાતે જ કાઢીને લઈ લો ને.

બાવાજી પણ વીલા મોંએ પાછા આવ્યા.

હવે વાણિયાનો વારો આવ્યો. વાણિયાને ખ્યાલ આવી ગયો કે અહીંયા એમ કંઈ સહેલાઈથી શેરડી મળે તેમ નથી. ખેડૂતને બરાબર ગળે ઉતરે તેવું કોઈ ગતકડું કરવું પડશે.

વાણિયાએ રોફભેર ખેતરમાં જઈ ખેડૂતને કહ્યું : ‘કાં પટેલ, આ શેરડી એમને એમ રાખવી છે કે ગોળ બનાવી વેંચવો છે?’

પટેલ કહે : ‘આવો આવો શેઠ, શેરડી એમને એમ થોડી રાખવાની હોય. ગોળ લેવો હોય તો બોલો કેટલા ગોળનો ખપ છે?’

વાણિયો કહે : ‘આમ તો સો મણ જોઈએ છે પણ ભાવ પોષાય એવો હોય તો બીજા પચાસ મણ પણ લઉં ખરો.’

પટેલ કહે : ’એમ બોલોને. ચાલો કરીએ ભાવતાલ નક્કી.’

પટેલ અને શેઠે તો વાતચીત કરી ભાવતાલ ઠેરવ્યા અને ગોળ તોળવાનો દિવસ પણ નક્કી કર્યો. બધું કર્યા પછી વાણિયે રજા લીધી પણ થોડુંક ચાલીને પાછો ફર્યો અને કહે : ‘અરે પટેલ, આ તમારી શેરડીના રૂપ-રંગ જોઈ મેં સોદો તો નક્કી કરી નાખ્યો પણ શેરડીનો સ્વાદ કે મીઠાશ તો જોયાં જ નથી. શેરડી બરાબર મીઠી નહિ હોય તો ગોળમાં સ્વાદ ક્યાંથી આવશે?’

પટેલ કહે : ’એવું તે કંઈ હોય. મારી શેરડી તો આખા પંથકમાં વખણાય છે. આ થોડાંક સાંઠા લઈ જાવ અને ખાજો એટલે તમને ખાતરી થઈ જશે.’ પટેલે તો ખેતરમાં જઈને સારા મજાના વીશ સાંઠા પસંદ કરી, વાઢીને વાણિયાને આપ્યા. વાણિયો મનમાં મલકાતો સાંઠા લઈને બહાર આવ્યો.

પછી તો ભાગ પાડવાનું આવ્યું. શરત પ્રમાણે સૌના સરખેસરખા ભાગ પાડવાના હતા. પણ વાણિયો બરાબર પાકો હતો. મનમાં કહે: ’આ શેરડી મારી ચાલાકી ને હોંશિયારીથી મળી છે્. તમે લોકોએ તો કંઈ કર્યું નથી તો ખરો ફાયદો તો મને જ થવો જોઈએ. હું થોડો મૂરખ છું કે હું માથાફોડ કરું ને ભાગીદારોને મફતમાં તાગડધીન્ના કરવા દઉં.’

વિચાર કરવાનો ડોળ કરી વાણિયો કહે :

‘જૂઓ ભાઈ ! શાસ્ત્રમાં કહ્યું છે કે અગ્રે અગ્રે વિપ્રઃ માટે આપણે બ્રાહ્મણને આગળનો ભાગ આપવો જોઈએ.’

એમ કહી વીશે સાંઠાના ઉપલા ભાગ કાપી કાપીને બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણે તો રાજી થઈને પોતાનો ભાગ લઈ લીધો. પછી કહે : ‘નંદ સો કંદ. નંદ એટલે વાણિયાને તો વચલો ભાગ આપવાનું શાસ્ત્રમાં કહ્યું છે.’ એમ કહી બધી શેરડીના વચલા કટકા પોતે લઈ લીધા.

પછી બાકી તો થડિયાના ભાગ રહ્યા એટલે કહે : ‘દાઢી સો ભોથાં. શાસ્ત્રના વચન છે કે દાઢી એટલે બાવાજીને ભોથાં એટલે કે થડિયા દેવાં જોઈએ.’ બાવાજીએ પણ રાજીના રેડ થઈ પોતાનો ભાગ લઈ લીધો.

આવી રીતે વાણિયાએ આમ તો સરખા ભાગ કરી પોતે બરાબર વહેંચણી કરી છે એવો દેખાવ કર્યો અને બ્રાહ્મણ તથા બાવાજીને રાજી પણ રાખ્યા પણ શેરડીનો સૌથી સારો અને વધુ રસવાળો ભાગ પોતે ગુપચાવી લીધો. પછી ત્રણે ભાગીદારો રાજીખુશીથી છૂટા પડી સૌ સૌના રસ્તે ગયા.

આ વાર્તા પણ વાંચો :

33. કેડ, કંદોરો ને કાછડી


Spread the love
error: Content is protected !!
Scroll to Top