3 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પક્ષી ગીત)

Spread the love

3 Gujarati Balgeet Lyrics
3 Gujarati Balgeet Lyrics

3 Gujarati Balgeet Lyrics, ગુજરાતી બાળગીત-પક્ષી ગીત, ગુજરાતી બાળગીત Lyrics, નવા બાળગીત, બાળગીત લખેલા pdf, અભિનય ગીત ગુજરાતી, બાળગીત pdf, Gujarati Balgeet.

3 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પક્ષી ગીત) (1 T0 10)

(1) પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે

પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે

એને સાંભળીને દિલ અમારું ડોલે

પોપટ…

લીલો લીલો રંગ એનો લીલો લીલો રંગ (૨)

રાતી – રાતી ચાંચ કાળો કાઠલાનો રંગ

પોપટ…

કેળાં ખાય, મરચાં ખાય, ગોરસ આંબલી ખાય

સીતારામ, સીતારામ બોલતો જાય

પોપટ…

શોભે એની પૂંછડીને શોભે એની પાંખો

પટ પટ થાય એની ગોળ ગોળ આંખો

પોપટ…

3 Gujarati Balgeet Lyrics
3 Gujarati Balgeet Lyrics

(2) પોપટ મારો ભાઈ છે

પોપટ મારો ભાઇ છે

લીલો પીળો લાગે છે

મારી વાડીમાં આવે છે

જાંબુ ખાય મરચાં ખાય છે

નાળિયેર પાણી પીવે છે

સીતા રામ બોલે છે.

(3) ઓ પોપટ ચકલા પારેવાં

ઓ પોપટ ચકલા પારેવાં (૨)

કેવા સુંદર વાહ રે વાહ

તમે ઊંચે આભમાં ઊડી શકો

તમે ખીણને ડુંગરા કૂદી શકો

તમે ઝાડે – ઝાડે ફૂલી શકો

ઓ પોપટ…

કમળ, કેસર કેસૂડા

કેવાં સુંદર વાહ રે વાહ

તમે જમ્યા ત્યારથી સુંવાળા

તમે અંગે – અંગે રૂપાળાં

ઓ છેલ છબીલા છોગાળા…

કેવાં સુંદર વાહ રે વાહ

તમે કલરવ કલરવ કંઇ કરતાં

તમે ચોમાસે નવાં રૂપ ધરતાં

ઓ માનવ કેરા મન હરતાં

કેવાં સુંદર વાહ રે વાહ

(4) ચાંચ છે રાતી, કાંઠલો કાળો

ચાંચ છે રાતી, કાંઠલો કાળો, પાંખ છે મારી લીલી,

લીમડા ડાળે માળો મારો (૨) ખાવાને લીંબોળી

મારું નામ છે પોપટભાઇ…

કદીક બોરને કદીક જાંબુ કદીક દાડમ કળી

કદીક કાચી -પાકી કેરી (૨) ખાવાને મને મળે

મારું નામ છે પોપટભાઇ…

સીતા-રામનું નામ તો મારે લેવું સાંજ સવાર

પૂરશો ના મને પાંજરે બાપુ (૨) પગે લાગી કહું

મારું નામ છે પોપટભાઇ…

(5) લીમડાની ડાળીએ લીલા પોપટ

લીમડાની ડાળીએ લીલા પોપટ

લીંબોળી ખાય છે કટ કટ કટ

લીમડાની…(૨)

ડાળીએ બેસતાં ડાળીએ ઝૂલતાં(૨)

ઊંચે ઊંચે દોડતા ઝટ ઝટ ઝટ

લીમડાની…(૨)

વાંકી લાલ ચાંચ છે કેવી મજાની (૨)

મધુરું એ બોલતા મીઠી વાણી (૨)

આંખોને કરતા પટ પટ પટ

લીમડાની…(૨)

વન વન ભમતા ફળ ફૂલ ખાતા (૨)

ટોળામાં બેસીને મધૂર એ ગાતા (૨)

પાંખોએ કરતાં ફટ ફટ ફટ

લીમડાની…(૨)

(6) ફુલણજી કાગડો

એક હતો કાગ, તેણે જોઇ લાગ

પૂરી લીધી તાણી, ડોશી પીતી પાણી

ઊડી બેઠો ઝાડે, ચારે ગામ ભાળે

ડાળ પર હીંચે, શિયાળ આવે નીચે

કાગ મુખ મીઠી, પૂરી એણે દીઠી

બોલે : કાગ રાણા, તમે ખૂબ શાણા

ગાઓ એક ગાણું, કંઠ મીઠો જાણું

કાગ ગયો ફુલાઇ, પૂરી ગઇ ભૂલાઇ

ગીત ગાવા મીઠું, મુખ પહોળું કીધું

પૂરી ગઇ પડી, શિયાળ ગયું ગળી.

(7) મારા આંગણામાં પોપટ

મારા આંગણામાં પોપટ મીઠું બોલે

સીતારામ સીતારામ ધીમું બોલે.

ગળે કાળો છે કાંઠલો ને લીલો છે રંગ,

એની વાંકી ચાંચલડીનો લાલ લાલ રંગ.

એતો હીંચકે બેસીને ઝૂલા ઝૂલે,

સીતારામ સીતારામ ધીમું બોલે.

એને પેરું ભાવે ને લીલા મરચાં એ ખાય,

એને ખાતાં જોઇને મારું મનડું હરખાય.

એતો મસ્તીમાં આવીને થૈ થૈ ડોલે,

સીતારામ સીતારામ ધીમું બોલે.

(8) કલબલિયા છે કલબલિયા

કલબલિયા છે કલબલિયા

કાબરબેન કલબલિયા

ઝાડે ઝાડે ઊડતાં ફરતાં

કાબરબેન કલબલિયા

કલબલિયા…

આંખે પીળી કોર છે,

પગ એના પીળા છે,

પીળા રંગની ચાંચ છે,

ખૂબ છે મોજીલાં,

જાત જાતના અવાજ કરતાં,

કાબરબેન કલબલિયા

કલબલિયા…

માળો બાંધે ભીંતમાં,

છાપરાની નીચે,

માથાને ડોલાવતાં,

આંખો કેવી મીંચે

વહેલા જાગે કલબલ કરતાં

કાબરબેન કલબલિયા

કલબલિયા…

જમે ત્યારે જોડે બેસી કટ કટ એવું બોલે

વડલાના ટેટાઓ ખાતાં ડાળે બેસી ડોલે

ઊડે ત્યારે અવાજ કરતાં

કાબરબેન કલબલિયા…

(9) આવે દોડી દોડી બે કબૂતરોની જોડી

આવે દોડી દોડી બે કબૂતરોની જોડી

કબૂતરો આકાશમાં ઊડે છે સાથમાં

ઊડીને આવે મારે આંગણિયે (૨)

કોઇ રે’તું કૂવામાં, કોઇ રે’તું ખોરડે

કોઇ મંદિરના ઘુમ્મટમાં, કોઇ મારે ઓરડે

કોઇ કાળાં મેશ જેવાં, કોઇ તો સફેદ

ઊડીને….

ગળાને કુલાવી એ તો ઘૂ..ઘૂ… એવું બોલે છે

સાથે નાનાં બચ્ચાં ચીં ચીં બોલે છે

સાથે આવે ચણવા, સાથે ઊડી જાય

ઊડીને…

કોઇની આંખ લાલ છે કોઇની આંખ કાળી છે

કબૂતરોની ભોળી જાત બહુ રે સુંવાળી છે

એ બધું ધાન ખાય, કદી રેતી ખાય

ઊડીને…

(10) એક કબૂતર નાનું

એક કબૂતર નાનું એને બહુ ગમે ઊડવાનું

એ ઊડયું છાનું માનું (૨)

તો કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ ..

એક કબૂતર…

કહે કબૂતર ગાઉ આભે ઊડવા જાઉં

તળાવમાં જઇને ન્હાય

તો કબૂતરના કાકા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ ..

એક કબૂતર…

કબૂતર રોતું રોતું,

મમ્મી સામે જોતું

તો કબૂતરનાં મમ્મી બોલ્યાં

એક કબૂતર…

3 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પક્ષી ગીત) (11 T0 20)

(11) આવ કબૂતર ઘૂ ઘૂ ઘૂ કર

આવ કબૂતર ઘૂ ઘૂ ઘૂ કર

ચણ નાખું ચારો તું ચર

ચકીબેનને લાવજે, મોરને બોલાવજે,

જો ના આવે કાગડો, કાઢે મોટો રાગડો

ભમરો કરશે ગુન ગુન ગુન,

મોર નાચે થન થન થન,

આવશે પોપટ – મેના,

ગીત ગાશે અલબેલાં,

કોયલ આવે પડે મા,

આજે અમારે છે રજા

જલસો મોટો જામશે,

બાપુજી તો ગામ છે

ના કોઇનાં બંધન છે

ચોખા-ચોખા ચંદન છે

ખાવા સૌને ખાવા દઇશ.

પીવા પાણી તાજા દઇશ.

ના કોઇને લેવાની રજા

ખાઇ પીને કરીશું મજા…

(12) ધોળાં ધોળાં બગલા

ધોળાં ધોળાં બગલાં તમે કયાં ચાલ્યાં?

અમે બાગ-બગીચે જઇએ (૨)

ફૂલને પાંદડાં ચૂંટી લઇએ (૨)

એવા ધોળાં ધોળાં અમે બગલાં છીએ

ધોળાં ધોળાં બગલાં તમે ક્યાં ચાલ્યાં?

અમે નદી તળાવે જઇએ (૨)

ઝટ – પટ માછલાં વીણી લઇએ

એવા ધોળાં ધોળાં અમે બગલાં છીએ

(13) કોઈ બોલશો નહીં, કોઈ ચાલશો નહીં

કોઇ બોલશો નહીં, કોઇ ચાલશો નહીં

નહિતર પતંગિયું ઊડી જશે (૨)

આમ કેમરે કોઇ પરોશી આંખો વાળા?

હજારો આંખોવાળું ફૂલોની

ડાળી પર ઝંપીને બેસનારું

એવું પતંગિયું ઊડી જશે.. કોઇ બોલશો.…

ફૂલે ઝૂલે રમતું ને આનંદે ભમતું,

આનંદે ભમતું ને બધાને ગમતું

એવું પતંગિયું ઊડી જશે.. કોઇ બોલશો…

(14) હું તો નાનું પતંગિયું થાઉં

હું તો નાનું પતંગિયું થાઉં,

સૌની આંખોમાં વસી જાઉં

હું તો નાનું…

પાંખોમાં રંગ ભરી

હૈયે ઉમંગ ભરી

ગીત ખુશીના રોજ હું ગાઉં

હું તો નાનું…

સપનાઓ સાથે લઈ

મનગમતી વાત લઈ

સૌનાં હૈયાં સુધી હું તો જાઉં

હું તો નાનું…

મોરલાની સંગ ઊડું

લઇને આકાશે ઊડું

પછી ચાંદાની ચાંદનીમાં ન્હાઉ

હું તો નાનું…

(15) ફૂલડે ફૂલડે ફરતું હું તો

ફૂલડે ફૂલડે ફરતું હું

પતંગિયું રૂપાળું હું તો

રંગભરી છે, પાંખો મારી

ફૂલડે…

જાદુભરી છે, આંખો મારી

નાનો બાબો, નાની બેબી

મને પકડવા આવે દોડી

ફૂલડે…

રંગ સુગંધે નાચું કૂદ

રંગને કાજે માથું મૂકું

ફૂલડે…

(16) અમે નાનાં નાજુક રૂપાળાં

અમે નાનાં નાજુક રૂપાળાં

રંગીન પાંખો વાળાં

પતંગિયાં રંગ રંગી

અમે રહેતાં વગડાની રૂડી ફૂંજે

જયાં પંખી ગીત ગુંજે

પતંગિયાં રંગ રંગી

અમે ઊડતાં સુગંધી ફૂલ ફૂલે

ગુલાબને ફૂલે

પતંગિયાં રંગ રંગી

કદી વાયુની લહેરીઓની સંગે

સૌ નાચતાં ઊમંગે

પતંગિયાં રંગ રંગી

અમે ફૂલોના રસ પિનારા

સૌ બાળકોનાં પ્યારાં

પતંગિયાં રંગ રંગી

(17) રંગીલાં રંગીલા રંગીલાં પતંગિયાં

રંગીલા રંગીલા રંગીલાં પતંગિયાં

આહાહા આહાહા આ હા હા પતંગિયાં

આકાશે ઊડતાંને હાથમાં ન આવતાં

મન મારું મોહી લેતાં રે પતંગિયાં

રંગીલા…

બાળકો બાગમાં રમવાને આવતાં

દોડાવી દોડાવી થકવી. તે નાખતાં

રંગીલાં…

(18) પેલાં પતંગિયાંની

પેલાં પતંગિયાંની પાંખો એની નાની નાની આંખો,

એતો ફર ફર ઊડી જાય , મીઠા રસ પીતું જાય (૨)

એ બાગ બગીચે ફરતું, કૂલોને જોઇ મલકતું

પવનના સુસવાટા સાથે, એ હવામાં તરતું

ફૂલે ફૂલે રમતું જાય, મીઠા રસ પીતું જાયા

પેલાં પતંગિયાંની…

છે કોઇનાં રંગ કાળાં, ને કોઇના રંગ પીળા

રંગબેરંગી પાંખો વાળાં, ફૂલો જેવા સુંવાળાં

એ તો ફોરમ લેતું જાય, મીઠા રસ પીતું જાય

પેલાં પતંગિયાંની…

વસંત ઋતુ આવી, મનગમતાં ફૂલો લાવી,

ફૂલડે – ફૂલડે ભાત – ભાતનાં, રંગોને ચમકાવી

એ નર્તન કરતું જાય, મીઠાં રસ પીતું જાય

પેલાં પતંગિયાંની…

સૂરજનાં કિરણો ફૂટે, તારલિયા રસને લૂટે

નાની નાની કળીઓ જાણે, ફૂલડાંઓને ચૂંટે

ફૂલે બેસી હીંચકા ખાય, મીઠા રસ પીતું જાય

પેલાં પતંગિયાંની…

(19) પતંગિયાં રૂપાળાં

અમે પતંગિયાં રૂપાળાં,

પચરંગી પાંખો વાળાં

અમે…

અમે કૂલ ફૂલ પર મોહ્યાં,

એણે અમી અંતરો ખોલ્યાં,

એમાં ભાન અમારાં ખોયાં

અમે …

પેલી કરેણ ચંપો બોલાવે,

એના દિલના દ્વાર ખોલાવે,

એના હૈયે અમને ઝૂલાવે

અમે …

પેલો પવન નાચતો આવે,

એ તો બંસી કેવી બજાવે,

કૂલ સંગે અમને ઝૂલાવે

અમે…

અમે ફૂલડાંનાં ગીત ગાયાં,

એણે કેવાં અમીરસ પાયા,

એની કેમ ભૂલાશે માયા?

અમે..

(20) પતંગિયું

પતંગિયું એક નાનું

એને બહુ ગમે ઊડવાનું

ઊડતું ઊડતું પિંકીબહેનના ફરાક પર એ બેઠું,

પિંકી બોલી : પતંગિયાભૈ, ઊતર ને ઝટ હેઠું.

પતંગિયું એક…

ઊડતું ઊડતું પિન્ટુભૈની જરસી પર બેઠું,

પિન્ટુ બોલ્યો : પતંગિયાભૈ, ઊતર ને ઝટ હેઠું.

પતંગિયું એક…

ઊડતું ઊડતું ટીવી પરના પડદે જઇને બેઠું,

ટીવીમાંથી બિલ્લી બોલી : ઊતરને ભૈ હેઠું.

પતંગિયું એક…

ઊડતું ઊડતું આવી મારા માથા પર એ બેઠું,

આ બંદા તો એમ જ બોલ્યા : હવે ન ઊતરીશ હેઠું.

પતંગિયું એક…

3 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પક્ષી ગીત) (21 T0 30)

(21) એક જ ડાળનાં પંખી

એક જ ડાળના પંખી અમે સૌ

એક જ ડાળનાં પંખી (૨)

વિહરીયે કદી આભમાં ઊંચે

ઊડી ઊડી કદી આવીએ નીચે

કિલ્લોલ કરતાં રહેતાં ઊમંગી

એક જ ડાળનાં…

સુખને દુઃખમાં સાથે જ રહીએ

લડતાં લડતાં કદી જુદા જ ન થઇએ

તોયે નિરંતર રહેતાં સંપી

એક જ ડાળનાં…

ધરતીને ખોળે બાળ અમે સૌ

કરીએ કુદરત ગાન અમે સૌ

જીવન કેરા પ્રવાસના પંથી

એક જ ડાળનાં…

(22) કહે રે બેના

કહે રે બેન કહે રે બેન (૨) તને શું થવાનું ગમે?

તને મોર થવાનું ગમે? ના રે ના (૨)

મોર કળા કરી નાચે છે

તેથી મોર થવાનું નહિ ગમે, નહિ ગમે

તને કોયલ થવાનું ગમે? ના રે ના (૨)

કોયલનો કંઠ મીઠો છે પણ અંગે કાળી કાળી છે

તેથી કોયલ થાવાનું નહિ ગમે

તને પવન થવાનું ગમે? ના રે ના (૨)

એ મીઠી સુગંધ લાવે છે

પણ છાની વાતો સંભળાવે છે

તેથી પવન થવાનું નહિ ગમે, નહિ ગમે

તને સૈનિક થવાનું ગમે? હા રે હા (૨)

એતો સૈનિક થવાથી માતૃભૂમિની રક્ષા કરાય

તેથી સૈનિક થવાનું બહુ ગમે, બહુ ગમે…

(23) પંખીની વણઝાર

પંખીની વણઝાર અમારી પંખીની વણઝાર

વિધ વિધ રંગી વિધ વિધ બોલી

માળામાં રહેનાર અમારી પંખીની વણઝાર

મોર પોપટને નાની ચકલી

કાગ કબૂતર હંસલા હંસલી

તેતર સમળી કોયલ બુલબુલા

હોલા હોલી બગલા બગલી

પાણીમાં તરનાર…

અમારી…

નિશદિન ઊડતી રમતી ફરતી

જાતી દરિયા પાર (૨)

ઘડીક અહીં ને ઘડીક તહીં તે

ઊડતી ઊડતી વારંવાર..

અમારી….

(24) આવો પારેવાં આવો ને ચકલાં

આવો પારેવા, આવો ને ચકલાં

ચોકમાં દાણા નાખ્યા છે

આવો પોપટજી, મેનાને લાવજો

ચોકમાં દાણા નાખ્યા છે

આવો કાબરબાઇ, કલબલ ના કરશો

ચોકમાં દાણા નાખ્યા છે

બંટીને બાજરો, ચોખાને બાવટો

ચોકમાં દાણા નાખ્યા છે

ધોળી છે જાર ને , ઘઉં એ રાતડાં

ચોકમાં દાણા નાખ્યા છે

નિરાંતે ખાજો , નિરાંતે ખૂંદજો

ચોકમાં દાણા નાખ્યા છે

બિલ્લી નહિં આવે, કૂતરો નહિં આવે

ચોકમાં દાણા નાખ્યા છે

ચક ચક કરજો ને કટ કટ કરજો

ચોકમાં દાણા નાખ્યા છે

(25) દેને તું પાંખ મને તારી

દેને તું પાંખ મને તારી (૨)

ઊંચે ઊંચે આભલામાં ચાંદાના તેજમાં

ઓલ્યા તારલાની સાથે મારે રમવું

દેને તું….

વગડાની વાટમાં ને ડુંગરાની ધારમાં

પેલાં ફૂલડાંની સાથે મારે હસવું

દેને તું….

નદીઓનાં નીર જોયાં સાગરનાં પૂર જોવાં

ઓલી વાદળીની સાથે મારે ફરવું

દેને તું.…

જોવાં છે કોતરો જોવાં છે ખેતરો

પેલા વાયરાની સાથે મારે ઊડવું

દેને તું..…

(26) છનનન છૂમ ધૂમ

છનનન છૂમ છૂમ છનનન…છૂમ છૂમ

રૂમઝૂમ આવો, નૃત્ય કરીએ હળીમળી

આંગણિયામાં કોણ કોણ નાચે?

ચકલી નાચે, પોપટ નાચે

કળા કરી મોરલિયો નાચે

સાથે મયુરી લળી લળી

છ ન ન ન…

આંગણિયામાં કોણ કોણ નાચે?

રાધા નાચે, નટવર નાચે

ગોપ અને ગોપીઓ નાચે

અંગ મરોડે લળી લળી

છ ન ન ન…

(27) ચાલો જોવા

ચાલો જોવા (૨) નવી જાતનું સરઘસ જાય

ભાતભાતના સૂરતાલમાં જાત જાતનાં ગીતો ગાય

સૌથી આગળ ચકલી ચાલે.. ગાતી ચીં ચીં ચીં

કલબલ કરતાં કાબરબેન,

પાછળ બતકબાઇ કરતા કીં કીં કીં

મે આવ મે આવ કરતો મોર બોલતો

કા કા કરતા કાગડાભાઇ

મ્યાઉં મ્યાઉં બિલાડી ગાતી

કૂકડે કૂક કૂકડાભાઇ કરતા

હીં હીં કરતો ઘોડો ગાતો

હૂપ હૂપ કરતા વાંદરાભાઇ

ચૂં ચૂં કરતો ઉંદર ગાતો

બેં બેં કરતી બકરી ગાતી

કૂઉં કૂઉં કરતી કોયલ ગાતી

હાઉં હાઉં કરતા કૂતરાભાઇ

ચાલો…

(28) પંખી નાનું થાવું ગમે

પંખી નાનું થાવું ગમે

ઊંચે – ઊંચે ઊડવું ગમે

ઘરમાં ના પૂરાવું ગમે

પંખી…

ઝરમર મેહુલો થાવું ગમે,

ઊભા ઊભા નાહવું ગમે,

છત્રી લઇને ફરવું ગમે,

ઉંદર બિલ્લી રમવું ગમે,

ચૂં-ચું મ્યાંઉ-મ્યાંઉ કરવું ગમે,

બિલ્લી ભાળી ભાગવું ગમે,

ઘરમાં ના પૂરાવું ગમે

પંખી…

સાત તાળી રમવું ગમે,

કયાં છો અહીં છો ગોતવું ગમે,

સંતાઇ જવાની મજા પડે

ઘરમાં ના પૂરાવું ગમે

પંખી…

(29) મારા ઘરને આંગણ ગોખલો

મારા ઘરને આંગણ ગોખલો

એ ગોખલામાં બેસી ચકલી ચીં ચીં કરતી

મારા ઘરને પછવાડે વાડો

એમાં ભર્યો મેં ઘાસનો ભારો (૨)

દૂર દૂર દૂર દૂર ઊડતાં ઊડતાં

સળી સળી લઇ ભેગી કરતા

એનો બાંધ્યો મેં માળો

ઇંડાં મૂકયાં નાનાં – નાનાં

ચકલી સેવે છાનામાનાં

ઇંડાં ફોડી બચ્ચાં ચાર

ચકચક કરતાં નીકળ્યાં બાર (૨)

ચકલી ચણ ચણ ચણવાને જાય

બચ્ચાં ચાંચમાં લઇને ખાય

આવે પાંખને ઊડી જાય

મારા ઘરને આંગણ ગોખલો…

(30) મોટી પાંખો વાળા રે

મોટી પાંખો વાળા રે (૨) હંસલા કયાં ચાલ્યા

સરોવરિયાની પાળે રે અમે મોતી ચણવા ચાલ્યા

લાંબી ડોક વાળા રે (૨) બગલા કયાં ચાલ્યા

રૂમઝૂમ નદીઓ નાચે રે અમે નદીએ નાહવા ચાલ્યા

મોટી આંખો વાળા રે હરણાં કયાં ચાલ્યા

વનવગડાની વાટે રે અમે ચારો ચરવાં ચાલ્યા

મોટી સૂંઢવાળા રે હાથીઓ કયાં ચાલ્યા

રણ શરણાઇઓ વાગે રે અમે લડાઇ કરવા ચાલ્યા

મોટી માળાવાળારે જોગીડા કયાં ચાલ્યા

ભેખડોની ધારે રે અમે રામ ભજવા ચાલ્યા

3 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પક્ષી ગીત) (31 T0 40)

(31) ભીમજીભાઈના નાના ખેતરમાં

ભીમજીભાઇના નાના ખેતરમાં

પંખી પારેવડાં ઉતર્યા જીરે (૨)

પીછે રળિયામણા રંગીલા મોરભાઇ

કૂદાકૂદ કરતા આવ્યા જીરે

પંખી…

પીયુ પોપટભાઇ ઘૂ.. ઘૂ.. કબૂતર

મેના પોપટ સંગ આવ્યાં રે

પંખી…

બાજરી જુવારનાં ડુંડાં દેખીને

હોંશે હોંશે હરખાયા જીરે

પંખી…

કોયલને કાબર કાળુડા કાગડાભાઇ

બાજરીનાં ડુંડાં મેના પોપટ ખાતા જીરે

પંખી…

જુવારનાં ડુંડાં રંગીલા મોરભાઇ ખાતા જીરે

ભીમજીભાઇ તો આવ્યા ખેતરમાં

પટ -પટ પંખીડાં ઊડયાં જીરે

પંખી…

(32) બાગમાં બાંધી નિશાળ

બા, મેં તો બાગમાં બાંધી નિશાળ

ભણવાને આવે છે, પંખીનાં બાળ

બા, મેં તો…

કા-કા કરતો કાગડો રે આવે,

વાળી ઝૂડીને આસન જમાવે,

પાટી ને પેન લઇ, બેઠો તૈયાર

બા, મેં તો…

કલબલ, કલબલ, કાબર આવે,

મોગરી લઇને ઘંટ બજાવે,

ચાલો રે દોસ્તો, વાગ્યા અગિયાર

બા, મેં તો…

પોપટ આવે ને આવે રે મેના,

પૂંઠે રે આવે કોયલ બેના,

આવે રે મોર-ઢેલ, થનગનતી ચાલ

બા, મેં તો…

ચીં ચીં કરતી આવી રે ચકલી,

તેતર આવ્યું, લઇને તકતી,

કૂકડો રે આવે ગાતો ગાન

બા, મેં તો…

(33) આવી બતક ને આવ્યાં રે બગલાં

સસલાં આવ્યાં, પહેરી ડગલા,

સારસ આવ્યાં, જુઓ શરમાળ

બા, મેં તો…

વાગે મૃદંગ ને વાગે છે ખંજરી,

પોપટ વગાડે, મીઠી રે બંસરી,

નાચે કોયલડી, ઠમકતી ચાલ

બા, મેં તો…

ભેળાં મળીને સૌ કરે ઉજાણી,

હરખાયે ઝાડ-પાન, ઝરણાં પાણી,

દેતાં આશિષ, થાઓ સૌનું કલ્યાણ

બા, મેં તો…

(34) તળાવની પાળે

તળાવની પાળે, લીંબડાની ડાળે,

બેઠાં ચકો-ચકી,વાતો કરતાં માળે.

તળાવની પાળે, આંબાની ડાળે,

ગાતી કોયલડી, રાગે રૂપાળી.

તળાવની પાળે, વડલાની ડાળે.

બેસી કાબરબેન , સહુને નિહાળે.

તળાવની પાળે, જાંબુડાની ડાળે,

ખાઇ વાંદરાભાઇ, ઠળિયા ઉછાળે.

તળાવની પાળે, પીપળની ડાળે,

પોપટ, મેનાને , હીંચતી નિહાળે.

(35) નિશાળ

બા મેં તો બાગમાં બાંધી નિશાળ

ભણવાને આવે છે, ચકલીઓ ચાર

બા મેં તો…

નાની ખિસકોલી, ભણવામાં પહેલી,

આવે છે છબીલી, સૌથી એ વહેલી,

જરા ના બોલે, એ સૌથી શરમાળ

બા મેં તો…

વચમાં ને વચમાં હું પોપટ બેસાડું

વટમાં ને વટમાં હું સીટી વગાડું,

સીટી વગાડું ને લાગે ના વાર

બા મેં તો…

કલબલિયણ કાબર ને છેલ્લી હું કાઠું,

કચ કચ કરે તો એને આંખો દેખાડું,

ખોટું હું એને મારું ના માર

બા મેં તો…

(36) ચકલી, મેના, પોપટ, મોર

રોજ સવારે વહેલો ઊઠી

સાવરણાથી વાળું છું,

બા પાસેથી દાણા લઇને

ચોખ્ખા ચોકે નાખું છું

ઊડતાં ઊડતાં આવે રોજ

ચકલી,મેના,પોપટ,મોર

ચણ-ચણ દાણા ચણતાં જાય,

સંપીને સૌ ખાતાં જાય..

બોલે બોલી સૌ કોઇ સાથ,

સમજી એકબીજાની વાત.

આખો દિવસ ઊડતાં સૌ,

રાતે માળે મળતાં સૌ

સુખ દુઃખની એ કરતાં વાત,

છે પંખીની ભોળી જાત.

(37) દાદાની વાડી

દાદાની વાડીમાં આવીને મોરલો

થનગન થનગન નાચ્યા કરે

હું રે જોતો ને મારી બેની જોતીતી

કેવી મજા ત્યાં આવ્યા કરે

દાદાની…

દાદાની વાડીમાં આવ્યા પતંગિયાં

રંગની છોળો ઊડયા કરે

હું રે જોતો ને મારી બેની જોતીતી

કેવી મજા ત્યાં આવ્યા કરે

દાદાની…

દાદાની વાડીએ વડલાની ડાળે

હિંચકો એક મેં બાંધ્યો જી રે

હું એ હીંચું મારી બેની હિંચોળે

કેવી મજા ત્યાં આવ્યા કરે

દાદાની…

(38) મોરલા રે આવી જાજે હો

મોરલા રે આવી જાજે હો,

આંગણ અમારા ગજાવી જાજે હો

મોરલા રે…

વાળી ચોળીને રૂડો ચોક મેં સમાર્યો,

પગલાં તે સુંદર પાડી જાજે હો

મોરલા રે…

લીલી પેલી ચંપાની કુંજમાં,

રંગીલું નૃત્ય શીખવી જાજે હો

મોરલા રે…

ગાજે મેહુલિયોને ચમકે વીજલડી,

મીઠો તે ટહુકો સુણાવી જાજે હો

મોરલા રે…

કાળી કાળી વાદળીમાં ટપ ટપ ટપકે,

હૈયાં અમારા ભીંજવી જાજે હો

મોરલા રે…

(39) કેવો રૂપાળો દેખાય, મોરલો કેવો રૂપાળો

કેવો રૂપાળો દેખાય, મોરલો કેવો રૂપાળો

પાંખ વતી ઊડતોને આભમાંથી આવતો

ઝટ ઝટ ચણવા જાય

મોરલો…

ભૂરી ભૂરી ડોકને પચરંગી પીંછડાં

માથાની કલગી સોહાય

મોરલો…

થનગન નાચતોને મોર કળા પૂરતો

ઝાલું પણ તે ન જવાય

મોરલો…

(40) નાચો મારા મોરલા

નાચો મારા મોરલા (૨) છમ છમા છમ છમ (૨)

સોનેરી કલગી (૨) મીઠું મીઠું મલકી (૨)

રંગબેરંગી પીંછાં મારા ભૂરા ભૂરા અંગ છે

આભે ચડયાં વાદળાં, મોરે કીધી કળા

ટહૂક…..ટે…. હૂક….ટે… હૂક

નાચો..

3 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પક્ષી ગીત) (41 T0 50)

(41) ઓલ્યા નાચંતા મોરલાને કહી દો

ઓલ્યા નાચંતા મોરલાને કહી દો (૨)

અમે નાચવાને તારી સંગે આવશું

હો..અમે નાચવાને તારી સંગે આવશું

હો.. અમે નાચવાને તારી સંગે આવશું ઓલ્યા…..

દે જે અમ કંઠે ટહુકાર જરા તારો

જીવન શણગારવાને દેજે સંગ તારો

ઓલ્યા થનગનતા (૨) મોરલાને કહી દો

ઓલ્યા બાગ તણાં ફૂલડાને કહી દો (૨)

અમે હસવાને તારી સંગે આવશું

હો..અમે હસવાને તારી સંગે આવશું. ઓલ્યા…

સૌને સત્કારવાનો દેજે સ્વભાવ તું

જીવન મહેકાવવાને દેજે સુંવાસ તું

ઓલ્યા ઝૂલતાં ફૂલડાંને કહી દો (૨)

અમે ઝૂલવા તારી સંગે આવશું

ઓલ્યા આભલાનાં ચાંદલિયાને કહી દો

અમે ગગને વિહરવાને આવશું

હો..અમે ગગને વિહરવાને આવશું. ઓલ્યા…

શીતળતા ભરજે તું જીવન અમારે

સુખ દુઃખમાં રહેવાનું શીખવું અમારે

ઓલ્યા ચમકંતા ચાંદલાને કહી દો

અમે ચાંદનીને ચૂમવા આવશું

હો..અમે ચાંદનીને ચૂમવા આવશું. ઓલ્યા…

(42) નિત્ય નિત્ય મોરલો આવે સવારમાં

નિત્ય નિત્ય મોરલો આવે સવારમાં

મારો ગંગારામ આવે સવારમાં (૨)

ધીમેથી આવતો ને પીંછા હલાવતો (૨)

મે આવ બોલતો ને આનંદે ડોલતો

નિત્ય….

ચણતોને ચાલતો, પગલીઓ પાડતો (૨)

આવે મલકતો ને તાતા થૈ નાચતો

નિત્ય….

આવજે ઓ મોરલા ઢેલડને લાવજે

બાળકો રિઝાવજેને સંગીત સંભળાવજે

નિત્ય….

(43) મારા તે આંગણામાં મોરલિયો આવ્યો

મારા તે આંગણામાં મોરલિયો આવ્યો

આંગણું સોહામણું કીધું જીરે (૨)

ચકલી – પોપટ ને મેના પણ આવી.

કાગડા કબૂતર આવ્યાં જીરે

મારા તે…

ધાન મૂઠી નાખુંને ભેગાં સૌ થાય

મેળો પંખીડાંનો જામે જીરે

કાગડાનું કા-કા ને ચકલીનું ચીં-ચીં

મોરલાનો ટહુકાર થાતો જીરે

મારા તે…

નાનકડી બેનડી ઊઠી પરોઢમાં

પંખીનાં ગાન-પાન સાંભળે જીરે

મારા તે…

મૂઠી ભરીને ચણ ભઇલો તે લાવે

ચણવાને દોડી-દોડી આવે જીરે

મારા તે…

(44) મારો છે મોર

મારો છે મોર, મારો છે મોર,

મોતી ચરંતો મારો છે મોર,

મારી છે ઢેલ, મારી છે ઢેલ.

મોતી ચરંતી, મારી છે ઢેલ,

મારે છે મોર, મારો છે મોર,

માળામાં બેસનાર, મારો છે મોર,

મારી છે ઢેલ, મારી છે ઢેલ.

ડાળી પર બેસનારી મારી છે ઢેલ,

મારો છે મોર, મારો છે મોર,

રાજાનો માનીતો મારો છે મોર,

મારી છે ઢેલ, મારી છે ઢેલ,

રાણીની માનીતી મારી છે ઢેલ,

બોલે છે મોર, બોલે છે મોર,

સોનાને ટોડલે, બોલે છે મોર,

બોલે છે ઢેલ, બોલે છે ઢેલ,

રૂપાને બારણે, બોલે છે ઢેલ.

(45) મોરલો

મારી વાડીમાં રમવા આવ, મોરલા મજા પડે !

સાથે બાળ બચ્ચાંને તું લાવ, મોરલા મજા પડે!

મીઠાં મીઠાં ફળ બહુ થાય, મોરલા મજા પડે !

તારાં બચ્ચાં ફળ બહુ ખાચ, મોરલા મજા પડે !

ઊંચા ઊંચા ઝાડ છે, મોરલા મજા પડે !

એની આજુ બાજુ પહાડ છે, મોરલા મજા પડે !

થનક થનક નાચ તું, મોરલા મજા પડે !

મન તારી સંગે નાચતું, મોરલા મજા પડે !

તારો ટહૂકો સંભળાવ બધે, મોરલા મજા પડે !

મારી વાડીનાં ભાગ્ય વધે, મોરલા મજા પડે !

તારી પીંછી પ્રભુને ગમે, મોરલા મજા પડે !

મારી વાડીમાં તું બહુ રમે, મોરલા મજા પડે !

(46) માખણ ચોર

હો મારા આંગણામાં,

નાચે મોર,

મોરને પૂછે ઢેલ,

ઢેલને પૂછે મોર,

કોણ આવ્યો તો ચોર?

નામ શું એનું? કામ શું એનું?

કયાંનો એ રહેવાસી?

છેલ છોગાળી, પાઘડી પહેરી,

હાથમાં એના મોરલી શોભે.

એ તો આવ્યો તો નંદનો કિશોર, માખણચોર !

કોણ આવ્યો તો ચોર?

હે…એની કાયા છે પાતળી,

પ્હેરી પીળી પીતાંબરી,

પગમાં છે ઝાંઝરી

હોઠ ઉપર વાંસળી,

એને કહેતા સૌ નટખટ નઠોર, માખણચોર.

કોણ આવ્યો તો ચોર?

(47) ભમરો

ગુન ગુન ભમરો બોલે રે

ફૂલે બેસી ડોલે રે,

વાયુ કેરા વીંઝણામાં, નાની પાંખો ખોલે રે.…

કાળો તારો રંગ તો પણ, ફૂલડાંઓને વ્હાલો

ઊડી આવે ગૂંજન કરતો, ઝૂમી ઊઠે ડાળો,

ફૂલોના તું રસ પીતો, છાની વાત ખોલે રે…

ગુન ગુન કરતો બાગ બગીચે, આવ્યો વનવન ઘૂમી

ભાત ભાતનાં રંગબેરંગી, ફૂલડાં લેતો ચૂમી,

રાત પડે ત્યાં બેસી જાતો, નીલ કમળના ખોળે રે…

વસંત આવે મંજરીઓની, મ્હેક તને બોલાવે,

ફૂલ રસ પીતાં સુરભિ તારું, હૈયું કેવું ડોલાવે,

ફૂલ ખીલેલાં રંગ ભરેલાં, જોતાં ભમરો ડોલે રે…

(48) એક મજાનો માળો

એક મજાનો માળો,

એમાં દશચકલીઓ રહેતી તી..હો.. હો…

ચકલી ચીં.ચી..ચીં…

પેલી ચકી ચોખા ખાંડે, બીજી મગડા ભરડે (૨)

ત્રીજી બેઠી કરે તડાકા (૨) ચોથી ચોખા ચાળે (૨)

પાંચમી ઓરે ખીચડીને, છઠ્ઠી છમ છમ નાચે (૨)

સાતમી શાક સુધારે (૨) આઠમી હજુયે ઊંધે (૨)

નવમી નીર ભરી લાવેને, દશમી દમ ભીડાવે (૨)

કહો ખીચડી થઇ ગઇ છે? (૨) કોણ રમે કોણ જમે?

કામ કરે એ જમે બાકી બધી રમે..(૨)

હો.. હો.. હો..ચકલી ચીં..ચી..ચીં…

(49) ચકીબેન ચકીબેન મારી સાથે રમવા

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા

આવશો કે નહીં આવશો કે નહી?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો (૨)

પીંછાની ઓઢણી આપીશ તને (૨)

પહેરવાને સાડી મોરપીંછ વાળી (૨)

ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને (૨)

ચક ચક કરજો ચીં ચીં કરજો (૨)

ચણવાને દાણા આપીશ તને (૨)

બા નહિં બોલે, બાપુ નહિં બોલે

નાનો બાબો તો ઊંધી ગયો (૨)

ચકીબેન…

(50) એક હતો ચકોને એક હતી ચકી

એક હતો ચકોને એક હતી ચકી

બન્ને જણે ફરવાનું કરી લીધું નકકી

લીધી એક સાયકલને કરી ડબલ સવારી

આગળ બેઠો નરને પાછળ બેઠી નારી

ચકાએ પહેર્યું સુટને ચકીએ પહેરી સાડી

દૂર દૂર ફરતાં ફરતાં આવી એક વાડી

પીળા પીળાં પોપૈયા લાલ લાલ ચેરી

ખાધી ખૂબ ખૂબ હવા મીઠી તાજી તાજી

ચાલ ચકા મોડું થયું, ખીચડી કયારે કરશું?

કચારની કહેતી નથી, પાણી કયારે ભરશું કેમ

(51) એક ચકલો ને ચકલી આવે

એક ચકલો ને ચકલી આવે

કરવા ઘરમાં માળો

ચક ચક કરતાં ફરર કરતાં

પજવે આખો દહાડો

ઘાસ તણખલાં લાવે કયાં કયાંથી

વાળી વાળી હું તો થાકી, કહો પછી શું કરશું?

મમ્મી કહે એને મારો, પપ્પા કહે એને ભગાડો

ચરકી ચરકી કરતાં, ઘર આખામાં ઘણો બગાડો

કાઢી મૂકો ચકલાને તો ચકી ઝૂરી મરશે

પાંખ વિનાનાં બચ્ચાં નાનાં કહો પછી શું કરશે?

3 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-પક્ષી ગીત) (51 T0 55)

(52) એક હતી ચકી ને એક ચકારાણા

એક હતી ચકી ને એક ચકારાણા

દિવસ ગુજારે થઇને ખૂબ શાણાં

એક દિવસની વાત છે ભાઇ

ચકીબેન રીસાણાભાઇ

ચકી કહે ચકાને તું જા જા જા..

ખાઉં નહિં પીઉ નહિ

તારી સાથે બોલું નહિ

તારી સાથે કિટા

ઊંચે ઊંચે આભલામાં ઊડી ઊડી જાઉં

એક…..

ચકીબેન રીસાણાં, મનાવે ચકારાણા

ફળ લાવે, ફૂલ લાવે, લાવે મોતી દાણા

ચકાનું મન જાણી, મલકે ચકી રાણી

જીવન માંહી એમ એને ગાય મીઠાં ગાણાં

એક…..

(53) મારી વાડીમાં કોયલડી

મારી વાડીમાં કોયલડી બોલે છે

મારા ભૈયાને હેતે હિંચોળે છે

મારી…

ટહૂક.. ટહૂક.. ટહૂકે.. બોલે છે

એના ટહૂકારે દિલડું ડોલે છે

મારી…

રંગે કાળીને છે કામણગારી

ચિત્ત ચોરીને ગીતડાં ગાનારી

મારી…

ઘેરી – ઘેરી ઘટામાં ઘૂમે છે

મીઠી-મીઠી મંજરીઓ ચૂમે છે

મારી…

મોર મેના પોપટ પંખીડાં

રોજ રમવાને કોયલ આવે છે

મારી…

એ તો વસંતની વાલી બેની

ગાતી ઓવારણાં લેતી

મારી…

(54) કોયલ કૂ કૂ ગાય

કોયલ કૂ કૂ ગાય

મને ગાવાનું મન થાય.

ગાવાનું હું શરૂ કરું ત્યાં પપ્પા મારા ખિજાયા

ઊડતું પતંગિયું જોઇ, મને ઊડવાનું મન થાય

ઊંચા હાથ કરી ઊંડુ ત્યાં નીચે પડી જવાય

ચકલી ચણ ચણ ખાયા

મને ખાવાનું મન થાય

ખાવાનું હું શરૂ કરું ત્યાં મમ્મી મારા ખિજાય.

3 Gujarati Balgeet Lyrics
3 Gujarati Balgeet Lyrics

(55) આંબલી ડાળે

કોયલ ટહૂકે સંધ્યા કાળે,

બેસી આંબલીઆની ડાળે.

સુંદર સરોવરીઆની પાળે,

ગાતી ગીતો આંબા ડાળે.

તું તો ટહૂકે તાલે તાલે,

બેસી આંબલીઆની ડાળે.

મીઠી સરગમ તું સુણાવે,

દિલમાં થનગન નાચ નચાવે

પંખી વનનાં તું જગાવે,

બેસી આંબલીઆની ડાળે.

કોયલ કાળી તું કહેવાય,

પણ તું જરી ના ખિજવાય.

ગાયે ગીત મધુરાં શાને,

બેસી આંબલીઆની ડાળી.

Also Read :

ગુજરાતી બાળગીત-પશુ ગીત

ગુજરાતી બાળગીત-ઢીંગલી ગીત

ગુજરાતી બાળગીત-દેશભકિત ગીત, વાજિંત્ર ગીત, આરોગ્ય ગીત

ગુજરાતી બાળગીત
ગુજરાતી બાળવાર્તા
બત્રીસ પૂતળીની વાર્તાઓ
3 Gujarati Balgeet Lyrics

Spread the love
error: Content is protected !!
Scroll to Top