22 Gujarati Bal Varta । 22. શું ચડે? ભણતર કે સામાન્ય સમજ?
22 Gujarati Bal Varta. 22 શું ચડે? ભણતર કે સામાન્ય સમજ? વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.
એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેમાંના ત્રણ ખૂબ ભણીને વિદ્વાન થયા હતા. આમ તો તેઓ જ્ઞાનનો ભંડાર હતા પણ તેમનામાં સામાન્ય સમજદારીનો તદ્દન અભાવ હતો. ચોથો મિત્ર કંઈ ખાસ ભણ્યો ન હતો પણ તેનામાં સામાન્ય સમજ ઘણી સારી હતી.
એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી-મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમની નજર એક ઝાડ નીચે પડેલાં હાડકાંના ઢગલા પર પડી. ચારેય મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાંના ઢગલા પાસે પહોંચ્યા.
તેઓને થોડો ડર પણ લાગ્યો. પેલા વિદ્વાન મિત્રોમાંના એકે તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું પછી બોલ્યો: ‘આ કોઈ વાઘનાં હાડકાં લાગે છે. હું મારી વિદ્યાના બળે આ હાડકાને એકબીજાં સાથે ગોઠવી મરેલા વાઘનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું.’ એમ કહી તેણે વાઘનું હાડપિંજર તૈયાર કર્યું.
હાડપિંજર જોઈને બીજા વિદ્વાન મિત્રે કહ્યું: ‘મારી વિદ્યાથી હું આમાં લોહી, માંસ-મજ્જા ભરી દઉં અને તેની પર ચામડી મઢી દઉં!’ એમ કહી તેણે હાડપિંજરને લોહી, માંસ-મજ્જા, ચામડીથી તૈયાર કરી દીધું.
આ જોઈ ત્રીજો વિદ્વાન મિત્ર બોલ્યો, ‘મારી વિદ્યાથી આ વાઘને હું જીવતો કરી શકું.’ પેલા ઓછું ભણેલા ચોથા મિત્રે વિચાર્યું કે જો આ વાઘ જીવતો થશે તો કોઈને છોડશે નહિ. તેણે સૌને ચેતવ્યા કે આ વાઘને જીવતો કરીને આપણે આપણા માટે કોઈ ખતરો ઊભો કરવો નથી.
એક વિદ્વાન મિત્ર બોલ્યો, ‘આ મૂર્ખ આપણી વિદ્યાની અદેખાઈ કરે છે. આપણે એનું કાંઈ સાંભળવું નથી.’
બીજા બે વિદ્વાન મિત્રો પણ તેની વાત સાથે સંમત થયા. પેલો ચોથો શાણો મિત્ર દોડીને દૂર ઝાડ પર ચઢી ગયો. પેલા ત્રણ વિદ્વાન મિત્રો તેના તરફ હસ્યા. તેની મજાક ઉડાવી.
એક જણ બોલ્યો, ‘સાવ ડરપોક છે!’ બીજો કહે, ‘અદેખો છે અદેખો!’
પછી પેલા ત્રીજા વિદ્વાન મિત્રે વાઘમાં પ્રાણ પૂર્યો કે તરત વાઘ આળસ મરડીને ઊભો થયો અને ત્રાડ પાડી પાસે જ ઊભેલા પેલા ત્રણ વિદ્વાન મિત્રો પર તૂટી પડ્યો અને તેમને ફાડી ખાધા. ઝાડ પર ચડી ગયેલા પેલા ચોથા મિત્રને તેની સામાન્ય બુદ્ધિ અને ડહાપણે બચાવી લીધો.
આપણી પાસે જે કોઈ જાણકારી કે જ્ઞાન હોય તેનો વગર વિચાર્યે અને અયોગ્ય જગ્યાએ ઉપયોગ ન કરવો જોઈએ.
આ વાર્તા પણ વાંચો :
23. નકલ કામ બગાડે, અક્કલ કામ સુધારે